STORYMIRROR

Vijay Shah

Inspirational Tragedy

3  

Vijay Shah

Inspirational Tragedy

હૂંડી આશિષોની

હૂંડી આશિષોની

13 mins
28.4K


આશા અને છાયા બે બહેનો.

એક ત્યક્તા અને બીજી વિધવા.

આશાના પતિનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેને એક દીકરો હતો.

નામ તેનું અમિત.

બંને મા અને દીકરો મુંબઈનાં મરીન ડ્રાઇવને છોડી સાનફ્રાન્સિસ્કોનાં મરીન ડ્રાઇવ એરિયામાં નાનું મકાન રાખીને સ્થિર થયા. આશાએ નર્સની નોકરી કરી અને અમિતને સરસ રીતે ઉછેર્યો.

અમિત આમ હતો તો લાગણીશીલ અને પ્રેમાળ..પણ યુવાવયે સહજ જ અમેરિકન યુવતી જીના તરફ આકર્ષાયો… પ્રેમમાં પડ્યો…. અને પરણીને જુદો રહેવા ગયો…

એકલી પડેલી આશા…

દીકરાને ખુબ જ પ્રેમ કરતી આશા..

એમ સમજી બેઠી કે દીકરાએ જીનાને લીધે મને ત્યજી..

આ વિચારધારાએ તેને ખુબ જ વ્યથિત કરી. અને નકારાત્મક વિચારોનું એવું છેને કે શરુ થાય એટલે અટકે જ નહીં. દીકરા માટે ના વિચારાય તેવું પણ વિચારીને રડતી.

મુંબઈમાં નાની બેન છાયાનું પ્રેમલગ્ન તેવા સમયે જ ખરાબે ચઢેલું. તેને તેના પતિ શ્યામ ઈસરાની એ છેહ દીધેલો.. એક છોકરા સાથે તે પાછી ફરેલી. તેને અને તેના દીકરા સ્મિતને અમેરિકા બોલાવી લીધી.

આશા અને છાયા બે બહેનો..

બંને સમદુઃખી.

બંનેને એક બીજાનાં સાથ સહકાર અને હૂંફની જરૂર.

બંને એકલા..ભેગા થયા જેમ શુન્ય અને એક અને દસત્વ મહોંરી ઉઠ્યુ.

છાયા અને સ્મિતે ભણવાનું શરું કર્યુ.

સ્મિતે કોલેજ શરુ કરી ત્યારે છાયા જર્નાલીઝમમાં ડોક્ટરેટ કરી ગૂગલના ન્યુઝ સેક્શનમાં રીપોર્ટ રાઇટર તરીકે સક્રિય થઈ.

****

આશા અને છાયા ..

બે બહેનો..

આશાએ ખુબ આશાઓથી પુત્રને ભણાવેલો..

પુત્ર ઘડપણની ટેકણ લાકડી બનશે તેવી દ્રઢ શ્રધ્ધા પણ ખરી.

પણ એની એ શ્રધ્ધાને કુઠરાઘાત લાગ્યો..

એના મનમાં એ સ્પષ્ટ માનતી કે દીકરાએ જીનાને લીધે મને ત્યજી..

એ કારણે એનું વ્યક્તિત્વ વિચ્છિન્ન બની ગયેલું.

નાની બહેન છાયાને પોતાના જીવનાનુભવનો નિચોડ સમો શિખામણોનો વરસાદ વરસાવતી રહેતી.

સતત શિખામણો છાયાને ગમતી નહીં પણ આશા મોટીબેન એટલે મૌન રહીને સાંભળી લેતી. ખાસ તો જ્યારે છાયા તેના દીકરા સ્મિત માટે ખર્ચો કરતી ત્યારે નકારાત્મક સલાહ હોય.. હોય.. ને હોય જ. તે કાયમ કહેતી કે પૈસા બચાવ.. તે જ સાથે રહેશે. એમ કહીને સ્મિત ઉપરના છાયાના અતિશય પ્રેમને ટપારતી..ટકોરતી..

બીજી બાજુ,

છાયા અને સ્મિત.. એક બીજા ઉપર હેતથી ઓળઘોળ..

એમનું અસ્તિત્વ એક બીજામય.

છાયાને માટે “સ્મિત મારું જીવન.”

અને સ્મિતને માટે “મૉમ મારી બેસ્ટ ફ્રેંડ.”

એટલેજ જ્યારે સોળ વર્ષના સ્મિતે કોલેજમાં પહેલો પગ મુક્યો ત્યારે છાયાએ તેના હાથમાં બી એમ ડબલ્યુની કારની ચાવી મૂકી…

હા, ચાવી એના હાથમાં આપતા એણે દીકરાને એટલું જરૂર કહ્યું “દીકરા આ તારા ભણતરની સગવડ ખાતર આપું છું અને આપતાં આપતાં ડરું પણ છું કે આ સવલત તારે માટે અહીંની વિલાસભરી જિંદગીમાં સરી જવા માટેની લપસણીનું પહેલું પગથિયું ના બની જાય!”

છાયા સ્મિતને ખૂબ જ પ્રેમ કરતી.

એની મોટી બહેન આશા જે રીતે પુત્ર અમિતથી છેતરાયેલી હતી..એટલે નાની બહેન છાયાને ટોકતી અને કહેતી “અલી, આટલો લગાવ સારો નહીં.. કાલે ઉઠીને તેની ઘરવાળી આવશે અને તું તેની જિંદગીમાં બહારવાળી થઈ જઈશ. ત્યારે આ હેતનાં ઉભરા આંસુના ઉભરા બની જશે અને તે તારાથી નહીં વેઠાય.

ત્યારે છાયા એટલું જ કહેતી “મોટી બહેન તારું દુઃખ અને લાગણી હું સમજુ છું.. પણ અત્યારે તો મારા દીકરાને મારે મન ભરીને પ્રેમ જ કરવો છે. આવતી કાલે ઘટનારી ઘટનાઓ વિશે વિચારીને મારી સુંદર “આજને” હું આજે શું કામ બગાડું?”

સ્મિત..

મા અને માસીની સાથે રહીને મોટો થયેલો સ્મિત…

એણે માસીની પીડા જોયેલી..છેક સમજ આવી ત્યારથી એણે નક્કી પણ કરેલું કે માસીને પડેલી પીડા જેવી પીડા હું મારી મૉમને કદી પડવા નહીં દઉં.

એની તો મા અને બાપ બંને છાયા જ હતા.

એને જલ્દી જલ્દી મોટા થવું હતું…ખુબ જ ભણવું હતું.. અને ભણીને એવી કમાણી કરવી હતી કે જેનાથી મોમ અને માસી માટે દુનિયાના સઘળા સુખો ખરીદી શકે..તે માનતો કે મારું ભાગ્ય હું જ ઘડી શકીશ તેથી તેના નિર્ણયો તે માસીને કે મોમને કરવા દેતો નહીં.

જ્યારે છાયાએ સ્મિતના હાથમાં બી એમ ડબ્લ્યુની ચાવી આપી ત્યારે સ્મિતનાતો આજ શબ્દો હતા…”મૉમ, મને તો કારની જરૂર જ નથી. મને તો સીધી યુનિવર્સિટિની બસ મળે છે. ચાર વર્ષ તો આમ નીકળી જશે. મોમ, મારે તો ખુબ ભણીને ટેકનોલોજી કંપનીમાં ૬ આંકડાઓનો પગાર મેળવવો છે.. અને મારી મોમ અને માસીને પૈસા ખરીદી શકે તેવા બધાં જ સુખ આપવા છે.”

છાયા સ્મિતની વાતથી ખુશ થતી.

પણ આશા…

એને સ્મિતની વાતો અમિતની વાતોની જેમ જ છેતરામણી લાગતી.

એ તો સ્મિત સાંભળે તેવી રીતે છાયા પાસે બબડતી “ આ સોળ વરસનાં લબ્બર મુછીયાને બી એમ ડબ્લ્યુ કાર આપી દીધી એટલે ભણવાને બદલે ચરી ખાવાનો પરવાનો જ આપી દીધો.. છાયા તેં તો…”

માસીની વાત સાંભળીને માસીને જવાબ આપવાને બદલે સ્મિતે છાયાને કહ્યું “મૉમ, હું તારું સંતાન છું તને નિરાશ નહીં થવા દઉં !”

સ્મિતને ખૂબ જ પ્રેમ કરતી છાયાને સ્મિતના બોલ ઉપર વિશ્વાસ તો હતો જ. પણ ભય લાગતો હતો કે કપરા જીવનાનુભવો પરથી જન્મેલી મોટી બેન આશાની વાતો પણ ચિંતિંત કરે તેવી તો હતી જ. ફફડતા હૈયે તે બોલી “બેટા મને ખબર છે કે તું તો બધું જ કરીશ પણ કોલેજનું વાતાવરણ અને સાથી સંગીનો રંગ ક્યાંક ખોટી રીતે ગ્રહણ થઈ જાય તેની ચિંતા છે.”

સ્મિતે ખુબ જ વિશ્વાસ અને પ્રેમથી કહ્યું ”ના મોમ, મારા માથે તારો હાથ છે.. તારા સંસ્કારો છે તે મને કોઈ પણ પ્રકારનાં કુસંગે રંગાવા નહીં દે.”

પાછળ ટીવી ચાલતું હતું જેમાં ચલચિત્ર “મુઝે જીને દો”નું ગીત ચાલતું હતું, મા દીકરાને મોટો થવાની દુઆ દેતી હતી પણ એને જમાનાના ભયો સતાવતા હતા.

तेरे बचपनको जवानी की दुआ देती हुं

और दुआ देके परेशान भी हो जाती हुं

બીજી બાજુ આશામાસીનો અવાજ પણ સતત વાતાવરણમાં ભણકારાતો હતો. “જોઈ લે આખરી વાર આ તારા કુંવરને..એક વખત કોલેજની હવા લાગશે અને કોઈ હની કે સ્વીટ હાર્ટ મળી જશે.. એટલે આ બધો પ્રેમ વરાળ બનીને ઉડી જશે…છાયા આ બધા ડરામણા અવાજને જાણે મન ઉપરથી ખંખેરતી હોય તેમ બોલી ઉઠી “મોટી, જે થશે અને જ્યારે થશે ત્યારે દેખા જાયેગા. મારે જેનો સમય હજી આવ્યો નથી તેની કલ્પના કરી ભયભીત નથી થવું. કે નથી ડરવું.”

“ડરવાની વાત નથી.. સમજવાની વાત છે..પૈસા સાચવ ..સાજે માંદે કામ લાગશે આ છોકરાઓને તો બસમાં ધક્કા જ ખવડાવાય.. કંઈ તેમને બી એમ ડબ્લ્યુ ના આપાવાય..”

“મોટી! એક વાત સમજ! દરેકની કહાણી એક સરખી ના હોય…તેઓ તેમનું જેવું તકદીર લાવ્યા હશે તેવું થશે…તેં તારી ફરજ સમજીને જે કહ્યું તે મેં સાંભળ્યું પણ તારો ભૂતકાળ મારો ભવિષ્ય કાળ બનશે એવું થોડું છે?”

મોટીબેન આશા આ સાંભળીને ગુસ્સે થઈને બોલી “ભલે ત્યારે પડો ખાડામાં.. આતો તું નાની અને અમેરિકન સંસ્કૃતિથી ઓછી પરિચિત એટલે મેં મારી ફરજ સમજીને તને સમયસર ચેતવવા પ્રયત્ન કર્યો. અહીંની છોકરીઓ ભારતીય છોકરાને એટલા માટે પસંદ કરે છે કારણ કે તે વફાદાર અને કહ્યાગરા હોય છે. તેઓ બહુ નિષ્ઠાથી જિંદગી જીવે છે. અને એમાંય જો કોમ્પ્યુટર નિષ્ણાત હોય તો પછી પૈસાની ય ઝાકમઝોળ હોય.

છાયા આ બધું સાંભળતી હતી.

મોટીબેનની વાતોમાં અનુભવનો રણકાર હતો. પણ છાયાનું મન પોતાના પુત્ર સ્મિત માટે આ વાતો માનવા સહેજેય તૈયાર નહોંતું. સ્મિત ગયો પછી છાયાની આંખોનું સરોવર છલકવા માંડ્યું.

આ છલકતાં આંસુ આશાને વધુ ઉત્તેજીત કરતા હતા તે આગળ બબડી “જો હવે આગળ શું થશે એ પણ તું સાંભળી લે. ચારેક મહીને તે કહેશે ફ્રીમોંટનું ઘર દૂર પડે છે માટે એપાર્ટમેંટ રાખીને કોલેજ નજીક રહીશ. અને અઠવાડીયે આવીશ. એની પાસે પૈસા તો છે જ તેથી અનુમતિ માંગવા નહીં.. જણાવવા આવશે… રોજ રોજ આવવાનું બંધ થશે. અઠવાડીયે એક વખત આવશે.”

છાયાને આ બધું સાંભળવું નહોતું. કોઈ તેના કાનમાં ધગ્ધગતું શીશુ રેડતું હોય તેમ લાગતું હતું.

આશા અટકવાનું નામ લેતી નહોંતી “અઠવાડીયે આવીને સારું ખાવાનું તૈયાર કરાવીને સાથે લઈ જશે અને મા મન દઈને દીકરા માટે નાસ્તા કરશે અને સારું સારું ખવડાવશે…બીજા વર્ષે એની સાથે કોઈ લ્યુસી કે જેના આવશે. તેઓ સારા મિત્રો છે..કહીને પગે લાગશે અને ચાંપલી ચાંપલી વાતો કરશે..” છાયાને આશાએ બેસાડીને કહ્યું.

“આ રેડ ફ્લેગ છે જો તું સમજે તો ઠીક! અને નહીં સમજે તો ચોથા વર્ષે લગ્નમાં આવવા આમંત્રણ મળશે..ત્યાર બાદ તારા સ્મિતની કમાણી તેની, અને મારી જેમ જ ચાર દિવસ વર્ષે દેખાશે સ્મિત બરાબર અમિતની જેમ જ..અને મારી જેમ જ તું મોં વકાસીને જોયા કરીશ”…આશાની વાતોમાં ત્યારે ભારોભાર કડવાટ ભર્યો હતો.

છાયા વિનયપૂર્વક વિરોધ કરતા બોલી “મોટીબેન તને થયું છે શું? તું કેમ આવું તારા દીકરા માટે બોલે છે?"

“મારો દીકરો તો ભોળો હતો પણ પેલી જીના તેને ભોળવી ગઈ..” આશા ખુબ જ નફરત સાથે બોલી.

“ના, એવું નથી..તારો દીકરો તારા સેવેલા સ્વપ્નો પ્રમાણે ના ચાલ્યો એનો આ તારો અફસોસ છે.” છાયાએ કહ્યું

“હા. તે તો ખરું જ..છોકરા પાછળ ઘડપણની ટેકણ લાકડી થશે તેવી આશા કઇ માને ના હોય?” આશા બોલી.

“મોટી તું સ્વાર્થી છે. તને દીકરો જીના સાથે સુખી છે તેટલી વાતનો આનંદ નથી પણ તેણે તેના અને જીનાના સ્વપ્નો પ્રમાણે તેની જિંદગી જીવવાનું નક્કી કર્યું એ વાતની ઇર્ષ્યા છે અને તેમાંથી જન્મ્યો છે આ કડવાટ ભર્યો આક્રોશ!.”

“હા તે તો છે જ. છોકરાને મોટા કર્યા, ભણાવી ગણાવીને લાયક કર્યા અને પારકી છોકરી આવીને તેને લઈ જાય તે કેમ ચાલે?”

“મોટીબેન! તું તો જાણે ભારતીય સાસુ હોય એમ સાસુપણાના હક્ક ખોયાનો અફસોસ કરે છે. એ બરોબર નથી. તું એ વાત બરોબર સમજ કે તારો દિકરો એ તારો જ છે. તારે ખરેખર સુખી થવું હોય તો આ અપેક્ષાઓનાં ભારણને ઘટાડ. અને તો જ તું અને અમિત બંને સુખી થશો.” બહુ ઠાવકાઇથી અને પ્રેમથી છાયાએ આશાને સમજાવી

પણ આશા જેનું નામ…                                                                        

એના મનમાંનું અપેક્ષાનું જંગલ ઘટતું જ નહોતુ. એણે કહ્યું તું અમિતનાં સુખની વાત કરેછે? અમિત તો સુખી જ છે ને? એને તો એનો પ્રેમ જીનામાં શોધી લીધો છે. આ તો હું તેના માટે મરી ગઈ અને એટલેજ મને લાગે છે મારો મા તરીકેનો હક્ક ડુબી ગયો છે.”

આશાનાં આક્રોશનો ચરુ ઉકળતો હતો ત્યાં છાયાનું મીઠી છાયા જેવું કોઈ વેણ એના તપ્ત મનને ક્યાંથી શાતા આપી શકે?

આશાનું ઝંઝાવાતી મન અત્યારે એકજ દિશામાં હરિકેનની જેમ દોડતું હતું. એને પોતે જે દુઃખોમાંથી પસાર થઈ એ દિશામાં નાની બેનનું જીવનનાવ જતું ના રહે એની જ એને ચિંતા હતી. એ ચિંતામાં આશા વિસરી ગઈ હતી કે દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ હોય છે. દરેક વ્યક્તિનાં જન્મ સંસ્કાર અલગ હોય છે. વિચારવાની ઢબ અલગ હોય છે. તેથી એક સરખી પરિસ્થિતિમાં પણ એ એક સરખી રીતે વર્તે એવું કંઈ જરુરી નથી.

“મોટી, અમેરિકામાં તને ૪૦ વરસ થયા પણ મુંબઈનું “મરીન ડ્રાઇવ” તારામાંથી હજી ગયું નથી.”

આશા હવે ગુસ્સે થતી હતી અને છાંછીયુ કરતાં બોલી “૪૦ વરસ થયા એટલે કંઈ માથે શીંગડા ઉગ્યા..? અને આ બધી વાતો હું તો તને તારા ભલા માટે કહું છું ત્યારે તું તો મને જ પાછું કહી સંભળાવે છે…”

“મોટી, કદાચ મારી અને તારી સમજમાં બહુ મોટો ફેર છે અને તેથી સુખ અને દુઃખની વ્યાખ્યામાં પણ ફેર છે. તેં કહેલું બધું જ મારી સાથે થવાનું છે અને મને તે કબુલ મંજુર છે તેથી તું કહે છે તે બધી ઘટનામાં તું જેટલી વ્યથિત થઈ તેટલી વ્યથિત હું નહીં થઉં.” તેના રુમમાં જતાં જતાં છાયા બોલી.

આશા હજી ગુસ્સામાં હતી તેથી બોલી ”હજી મારી વાત પૂરી નથી થઈ મને સમજાવ કે મારામાં કઈ વાતો ખોટી છે મારા દુઃખનું કારણ હું કેવી રીતે છું?”

“મોટી, આ વાત હું ફક્ત મારા દ્રષ્ટિબિંદુથી તને સમજાવવા માંગુ છું અને હું ખોટી નહીં પડું કે દુઃખી નહી થઉં તે વાત સમજાવું છું.”

આશાએ નજર તાકીને છાયા તરફ જોયું.

ત્યારે છાયાએ વાત શરુ કરી “જો મોટી, તારી અને મારી પરિસ્થિતિમાં સમય સિવાય કોઈ જ ફેર નથી. તું જે ઘટનાઓમાંથી પસાર થઈ તે બધી ઘટનાઓ મારે માટે આવશે તે જે તું વિચારે છે ત્યાં પાયાનો ફેર છે, અમિતને તું તારી મિલકત ગણે છે.. પણ એક વાત સમજ. આપણે આપણાં સંતાનોને આપણાં જીવનમાં આપણી મરજીથી લાવ્યા છીએ અને જવાબદારી સમજીને ઉછેર્યા છે. તેને રોકાણ સમજીને તું હવે પાછુ વાળવાના તબક્કે તે વાળતો નથી કે જીના વાળવા દેતી નથી વાળી વાતો વિચારી વિચારીને નકારાત્મક ઉર્જા પેદા કરે છે. તે વિચારી વિચારીને દુઃખી થાય છે. આ બધાની અમિત પર અસર પડે છે કે નહીં તેની ખબર નથી પણ અહીંના વાતાવરણે ઉછરેલો અમિત તો એમ જ વિચારે છે કે તેનો પોતાનો પણ સંસાર છે અને તેની તેના પ્રત્યે પણ ફરજ છે.”

“તો કેમ તેની મારા તરફ પણ ફરજ છે કે નહીં?”

“હા. તેની તેને ક્યાં ના છે ? તેથી તો ચાર દિવસ આવે છે અને યોગ્ય ભેટ આપીને તે બજાવે છે ને?”

“યોગ્ય ભેટ? એની સાસુને શું આપે છે ને મને શું આપે છે?”

‘મોટી, આ બીજું દુઃખ. સરખામણીનું અને અપેક્ષાનું દુઃખ. કદી જઈને જોયું છે તેની સાસુને તે શું આપે છે? અને તેની સાસુ તેની દીકરીને શું આપે છે?”

“જુએ છે મારી બલારાત..પણ તું કહે તું કેવી રીતે મારા કરતાં વધુ સુખી હોઈશ…”

“તમને તો ખબર છે ને કે શ્યામ સાથે મારા ભાગીને લગ્ન એ આપણા કુટુંબ માટે કેટલું ત્રાસદાયક પગલું હતું..બધાંને એ વાસ્તવિકતા દેખાતી હતી કે આ લગ્નજીવન ભાગ્યે જ નભે કેમ કે મારા કરતાં ખૂબ જ રૂપાળો અને દેખાવડો શ્યામ સીંધી રાજકુમાર હતો અને હું બધી જ રીતે તેના કરતા ઉતરતી. હું તો માનતી હતી કે હું તો ફાવી ગઈ.. મને સુંદર રાજકુમાર મળી ગયો પણ તેને જોઈતી રાજકુમારી ના મળ્યાનો અફસોસ ધીમે ધીમે તેના મનમાં બળવત્તર થતો ગયો. સ્મિતના જન્મ પછી હું તો સ્મિતમાં ખોવાઈ ગઈ પણ શ્યામને ખોતી ગઈ…ફિલ્મી દુનિયા એટલે બેવડી જીવન ધારા..ઉગતી ફીલ્મ એક્ટ્રેસ નાઝનીન તેને ખેંચી ગઈ..મારો સ્મિત અને તેનું હાસ્ય તેને ન રોકી શક્યા.

એક કાગળ ઉપર સહી અને છાયા ઈસરાની પાછી છાયા પંડિત બનીને ઘરે આવી. બા પણ હતાશામાં ઉતરી ગઈ.. પણ હું મારા સ્મિતમાં શ્યામને જોવાને બદલે મારા ભાવિની જવાબદારી સમજતી થઈ તેથી ત્યકતાપણું ત્રાસ ન બનતાં જીવન જીવવાનું બહાનું બન્યું..

“મોટી, શ્યામ ઈસરાની મારી જિંદગીમાં જેટલો સમય રહ્યો તેટલા સમયમાં મને એક વાત સરસ રીતે સમજાવીને ગયો છે અને તે છે દરેક ઘટનાનાં બે પાસા હોય છે હકારાત્મક અને નકારાત્મક. દરેક ઘટનામાંથી સુખ શોધવાના રસ્તા એટલે હકારાત્મક અભિગમ અને દુઃખ શોધવાના રસ્તા એટલે નકારાત્મક અભિગમ. જે ઘટનામાં તમને દુઃખ લાગે છે તે સર્વ ઘટનામાંથી સુખ હું શોધી લઉં છું. સ્મિત મને કેટલું સુખ આપશે તેની કલ્પનાને બદલે સ્મિતને હું કેટલું સુખ આપી શકું? એ જ વિચારું છું."

એ મારું સંતાન છે અને તેને માટે પૈસા ખર્ચતાં મારો જીવ ખચકાતો નથી. અને આ મારું રોકાણ નથી મારી ખુશી છે.. તેની સફળતા માટે હું ખરા દિલથી પ્રભુને પ્રાર્થના કરું છું કે પ્રભુ, તે તકલીફમાં હોયતો તેને સાચો માર્ગ સુઝાડજે. મારા હકારાત્મક અભિગમે તેને હંમેશા મારા માટે માન અને વહાલની લાગણીઓ જ જન્માવી છે. તેને માટે જ્યારે પણ હું વિચારું છું ત્યારે “કલ્યાણ થાવ”ના જ ભાવ આવે છે આને હું સંસ્કારની તાકાતમાં માનું છું. આખરે હું મા છું અને હું તેનું કશું જ બુરું ન વિચારતી હોઉં તો તેનામાં મારા વિશે નકારાત્મક પ્રતિભાવ આવે જ ક્યાંથી?"

આશાને આ બધી વસ્તુઓ સમજાતી નહીં તેથી “તમે બહું ભણેલાઓ વાતો કરી જાણો પણ અમે તો ભોગવેલી હકીકતો કહીએ છે માનવું હોય તો માનો નહીંતર જ્યારે વાગતું વાગતું આવે ત્યારે ભોગવજો” કહીને વાત પડતી મૂકી.

પછીના કોલેજના ચાર વર્ષમાં બધું જ એવું થયું જે આશાએ કહેલું પણ એક જગ્યાએ બદલાવ હતો અને તે સ્મિત સાથે સ્મિતા હતી… સમજુ, કેળવાયેલી અને સંસ્કારી….

છેલ્લા વર્ષે સ્મિત લગ્નની સંમતિ લેવા આવ્યો ત્યારે બહુ જ આદર અને માનથી છાયાએ સ્મિતાને સ્વીકારી ત્યારે કોઈ જ વિવાદ નહોતો.. તેમનો એપાર્ટમેંટ જુદો લઈ આપી અને વસાવી આપવાની વાત કરી ત્યારે સ્મિત સ્મિતાની સામે જોઈને ફરી બોલ્યો “માય મોમ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ.”

સ્મિતા થોડુંક સુધારીને બોલી “અવર મોમ ઇઝ અવર બેસ્ટ ફ્રેન્ડ.”

સ્મિતાના હાથમાં કેમેરો હતો. જ્યારે સ્મિત એની મોમને પગે લાગતો હતો અને બંનેના હાસ્ય સોળે કલાએ ખીલ્યા હતા. સ્મિતાએ તે ક્ષણને કચકડે મઢી લીધી.

આશા અમિતને યાદ કરીને આંસુ વહાવતી હતી ત્યારે સ્મિતા બોલી “માસી અને મોમ હવે ફ્રીમોંટ્ના ઘરને બાય બાય કરી અમારા પાલો આલ્ટોના મેન્શનમાં બંનેએ આવવાનું છે અને હવે તમારી સુખ સુવિધાનો ખ્યાલ રાખવાની જવાબદારી અમારી છે."

“મેન્શન?”

“હા આ મેન્શન અમારા બંનેનું સ્વપ્ન હતું અને તે સ્વપ્ન અમારી નાનકડી કંપની ‘સોયુઝ ઇન્ક’ને ગુગલ જેવી કંપનીએ ખરીદીને સમૃદ્ધિની અદભુત તક આપી છે. સાથે માનભર્યુ સ્થાન અને માતબર બોનસ.” સ્મિત સાથે માથુ હલાવતાં ભાવભરી રીતે સ્મિતા બોલી “મૉમ, આ તમારી આશિષોની અસર છે. હવે તમે કહો તમે કેવી રીતે અહીં રહી શકો?”

આશા વિચારતી હતી છાયા કેટલી સાચી હતી? મા અને ધરતી તો સદા આપ્યા કરવા જ સર્જાયેલા છે. તે ક્યારે અધિકાર કરતા થયા છે? માને અપ્રતિમ તાકાત આપી છે પ્રભુએ.. માના ઠરેલા આત્મામાંથી એક હાશકારો નીકળે અને છોકરાનો દિ’ ફરી જાય.. સ્મિત અમર્યાદ સંપતિ પામે છે કારણ કે તેની મા તો શ્વાસે શ્વાસે દીકરાને આશિષો વરસાવે છે. અને મેં મુરખીએ જોવા જેવી વાતને ના જોઈ અને નાખી દેવાવાળી વાતોને પ્રાધાન્ય આપ્યું.

પસ્તાવાનો પવન ફુંકાવા માંડ્યો અને આશિર્વાદનું ઝરણ અમિત માટે ફુટવા માંડ્યુ…

*****

મેન્શનમાં મુવ થયેલી આશાબાને મળવા મધર્સડેના દિવસે જ્યારે અમિત અને જીના આવ્યા ત્યારે બહુ જ વહાલથી અમિત અને જીનાને ભેટીને આશા બોલી “મને માફ કર બેટા..હું ખોટા માર્ગે ચઢી ગઈ હતી.”

અમિત કહે “બા, તમે ભારતના “મરીન ડ્રાઇવ”માં રહેતા હતા તેટલી જ ભુલ થઈ છે.” જીના ગુજરાતી સમજતી નહોતી પણ ચહેરામાં આવેલા પરિવર્તનો સમજી શકતી હતી..સદા રુઆબમાં રહેતો ચહેરો આજે માતૃત્વના વહાલથી ભર્યો ભર્યો હતો.

અમિત સાથે તે મધર્સ ડેના દિવસે પગે લાગતી અને વિનમ્રતાથી હેપી મધર્સ ડે કહેતી. આજે એક વધુ વાક્ય ઉમેરાયું..”બ્લેસ મી મોમ..આઇ એમ ઓલ્સો બીકમીંગ મોમ ધીસ ઈયર.”

આશા તો ઉછળી પડી…”ઓહ માય ગોડ!..બ્લેસ્સ માય ચીલ્ડ્રન વીથ ઓલ ધેર ડ્રીમ કમ ટ્રુ!”

અમિત અને આશા આવા શુભ પ્રસંગે આંસુ કેમ સારતાં હતાં તે સ્મિતાને ના સમજાયું અને તેણે છાયાને પુછ્યું “ખુશીના સમયે આંસુ કેમ?”

“તે તો ખુશીના આંસુ છે .. તું પણ સમજશે જ્યારે તું મા થઈશ.”

જીના આશાબાને શાંત થતા જોઈને બોલી..”વી ગોટ મેરીડ અર્લીઅર બટ ડીસાઇડેડ ટુ સ્ટાર્ટ ફેમીલી વ્હેન વી આર આઉટ ઓફ હાઉસ લોન..વી પેડ લાસ્ટ ઇન્સ્ટોલ્મેંટ. નાવ વી આર પ્લાનીંગ ટુ હેવ બેબી.”

અમિત કહે “ બા..તું ચાલ હવે અમારી સાથે રહેવા..તારા માર્ગદર્શન હેઠળ અમારા બેબીનો જન્મ થાય અને ઉછરે તેવી મારી અને જીનાની ઇચ્છા છે.”

આ સાંભળીને આશાબા તો ડુસકે ચઢ્યાં. છાયાની સામે જોઇને કહે- બેના! તું કેટલી સાચી છે! મનમાં પણ કદી સંતાનો પાસેથી પામવાની તેં ઇચ્છા ન કરી તો સ્મિત આખો ધન કુબેર તને ન્યોછાવર કરી રહ્યોછે.. અને હું? કાયમ મને પાછું વાળ. મારો સમય છે કહેતી રહી તો ૧૮ વર્ષ આ પ્રેમ અને વહાલથી દૂર રહી. હવે સમજાય છે કે પ્રેમ પામતાં પહેલાં પ્રેમ આપવો પડે..લાવ લાવની અપેક્ષા કરતા લે લે અને લેની વાતો મા દીકરાના સંબંધોમાં ચક્રવૃધ્ધિ વ્યાજના દરે હોવી જોઈએ.

જીનાને આ બધું વિચિત્ર લાગતું હતું તેને સમજાતું નહોંતું કે બા શું કામ રડે છે? તેથી તેણે અમિતને પુછ્યું? “વૉટ્સ ગોઇંન્ગ ઓન.. વ્હાય શી ઇઝ ક્રાયીંગ?” છાયા ત્યારે બોલી “જીના શી ઇઝ ટેકીંગ હર ટાઈમ ટુ બીકમીંગ ગ્રાંડ મા.. શી વીલ બી વીથ યુ ગાય્ઝ વ્હેન એવેર યુ નીડ હર.” અમિત કહે “બા આજે જ ચાલ અને જોતો ખરી તારા અમિતની મઢુલી.”

આશાબા કહે “મઢૂલી હોય તો પણ તે મારે માટે મેન્શન છે. મારા દીકરાની નક્કર કમાણીનું અને વહુના સ્વપ્નનું ઘર છે. હું આવીશ અને જરૂરથી આવીશ. આતો અમારી આશિષોની હૂંડીનો પ્રભુએ કરેલો સ્વીકાર છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational