હે શબ્દ માતા
હે શબ્દ માતા
સારથી –સ્વાર્થી,
બધા જ અક્ષર અકબંધ છે. માત્ર જગ્યાની ફેરબદલી થઈ ગઈ છે ! છે ને કમાલ. આ જીવન પણ એવું જ છે. માત્ર હેરાફેરી અક્ષરની. જુઓને આજકાલની વહુ,
“મારા દીકરાને તમે સંભાળો, સાસુમા” ,
“તમારા દીકરાને હું સંભાળીશ “.
શબ્દો એના એ જ છે. અર્થ કેટલો બધો ગહન !
દિમાગ કામ ન કરે! શબ્દોમાં કેટલી તાકાત છે ?
દીકરીને ભલે કાંઇ ન આવડે , ભણાવીને ?
‘વહુ, તને તારી મા એ શું શિખવ્યું . વકિલ થઈ તો શું ધાડ મારી ‘?
આ લેખ દ્વારા સૂતેલાને જગાડવાનો ઈરાદો છે. જાગેલાંને જો જગાડી શકાય તો તમારી ગુલામી કરવા તૈયાર છું.
હમણા –મહેણાં, છે ને આસમાન અને ધરા જેટલો ફરક!
કમાલ — કલમ , જોઈ આ કલમની કમાલ. ભલે કમપ્યુટર પર લખ્યું જેને કારણે તામારા સુધી જલ્દી પહોંચ્યું !
૨૧મી સદીમાં ‘મા શારદા’ની ઉપાસના જેવા શબ્દો હાસ્યસ્પદ લાગે છે. એના શબ્દો, અક્ષરો બધાની સાથે આ અવળચંડી માનવજાત ચેડાં કરી રહી છે. આજના સાક્ષર ગણાતા ગુજરાતીના પંડિતોએ “હ્રસ્વ ઇનો છેદ ઉડાડી દીધો ?” ગુજરાતી ભાષા લખવાની બધે “દીર્ઘ ઈનો વપરાશ કરવાનો” !
પાછાં ઉપરથી સુફિયાણી વાતો કરશે, ‘જમાનો બદલાયો છે’ ! આ વાક્ય મને કાંટાની જેમ ચૂભે છે. વિચારો, જમાનો બદલાયો છે કે ,’હે માનવ તારી વિચાર શૈલી બદલાઈ છે’ ?
સદીઓ પહેલાં સૂરજ પૂર્વમાંથી ઉગતો હતો, આજે ક્યાંથી ઉગે છે ?
નદી પર્વતમાંથી નિકળતી , સમુદ્રને મળતી, આજે શું ઉલ્ટી ગંગા વહે છે ?
કોઈ પણ મા, બાળક દીકરો હોય કે દીકરી પોતાના ગર્ભમાં નવ મહિના પોષે છે, શું આજે નવ દિવસ કે બે મહિનામાં જન્મ આપે છે ?
જમીનમાં રોપેલું કોઈ પણ બી અંકુર ફૂટે ત્યરે ભોંય ફાડીને ઉપરની દિશામાં જ આવે છે’ !
હવે જમાનો ક્યાં બદલાયો ? માણસની વિચાર કરવાની રીત બદલાઈ, જીવનમાં કોને પ્રાધાન્ય આપવું તે નિયત બદલાઈ, ભૌતિકતામાં આળટતા માનવનું આચરણ બદલાયું. શાને જમાનાને દોષ આપવો ? પોતાની નબળાઈ છતી કરી હજુ સુધરવાનો માર્ગ મોકળો છે !
જુઓને શબ્દની જોડણીમાં પણ તેણે ટાંગ અડાવી ! અરે ખોટું આવડે તો ખોટું લખો પણ આમ બેહુદું વર્તન શામાટે ? તેમને પૂછીએ ‘માતા કોને કહેવાય ? પિતાની પત્નીને. તો પછી માતાને પિતાની પત્ની યા બાપની બૈરી તરિકે બોલાવો ! શો ફરક પડે છે. અર્થ તો એક જ છે. જ્યાં સુધી મારું દિલ અને દિમાગ કબૂલ નહી કરે ત્યાં સુધી ‘ખોટું એ ખોટું ‘ રહેવાનું ‘. એ વિદ્વાનોની ગણતરીમાં કે હરોળમાં બેસવાનો મારો કોઈ ઈરાદો નથી. મને મારી હેસિયત ખબર છે. એક સામાન્ય વ્યક્તિ જે જીવન ‘બસ જીવી’ રહી છે. વ્યર્થ નથી જવા દેવું માટે હમેશા ઉદ્યમશીલ છે.
“ખોટું સહેવાતું નથી, સાચું કહ્યા વગર રહેવાતું નથી !”
કોની રજાથી ? કોના કહેવાથી ? એ લોકોને ભાષા સાથે આવી રમત રમવાનો ઈજારો કોણે આપ્યો ? હા, મારી ભાષા લખવામાં અગણિત ભૂલો થાય છે. માટે શબ્દકોષ વસાવ્યો છે. ખૂબ સાવચેતીથી લખું છું. પણ ભાષા સાથે આવી વાહિયાત રમત !
વાણિયાની દીકરી, સંજોગોને કારણે ‘મા શારદાને શરણે શાંતિ પામી’ ! ‘માએ ચરણમાં વસવાની રજા આપી. ‘ બસ, હે શારદે મા તારો ઉપકાર મરણ પર્યંત માનીશ.
શબ્દ દ્વારા મનની તેમજ દિલની અભિવ્યક્તિ એ એક પ્રકારની પૂજા છે. જે ગુજરાતી ભાષાના શબ્દે શબ્દમાંથી નિતરે છે.
‘મીઠું’ ખારું છે. પણ ઉચ્ચાર કરો તેની મધુરતા જણાશે. તેના વગરનું અન્ન સ્વાદ વગરનું લાગશે.
‘ગોળ’ ગળ્યો છે. ગોળ નથી’ !
મા’ એક જ અક્ષરનો શબ્દ છે. ‘મ’, જેણે કાનાની સહાયતા લીધી છે. ‘કાનો’ જેને સહાય કરે તેની મધુરતા અવર્ણનિય બની જાય ! આ છે ગુજરાતી ભાષાની કમાલ !
આપણી માતૃભાષાને ઊની આંચ પણ નહી આવે. હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે.
માતૃભૂમિ, માતૃભાષા અને માતાના આપણે જન્મો જન્મના ઋણી છીએ.
