Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

હાથનું આભૂષણ દાન

હાથનું આભૂષણ દાન

4 mins
7.1K


"અરે, આ સુંદર મોંઘીદાટ હીરાની બંગડી અને ત્રણ આંગળીઓમાં હીરાની વીંટી તારા હાથ કેટલા સુંદર લાગે હે!"

આ વાક્ય સાંભળીને મારી નજર એ બહેન તરફ ગઈ. જેની વાત કરી રહ્યા હતાં. એ બહેનના મુખ પર આછો મલકાટ જણાયો. ખરેખર તે બંગડી અને વીટી ખૂબ સુંદર હતાં. મારી નજર ત્યાંથી ખસવાનું નામ લેતી ન હતી. બીજી ક્ષણે મારી નજર મારા હાથ પર ગઈ. ગયા અઠવાડિયે ભૂલેશ્વરથી લીધેલી કાચની બંગડીઓનો મધુર રણકાર મને સંભળાયો. તેનો અવાજ હવામાં સ્ફૂર્તિ રેલાવી રહ્યો હોય એમ લાગ્યું.

લગ્ન મંડપમાં બેઠી હતી. મારી બાળપણની સખીની એકની એક દીકરીના લગ્નની વિધિ ચાલતી હતી. જીવનનો રાહ ફંટાઈ ગયો હતો. છતાં પ્રસંગોપાત લગ્ન કે પછી સામાજીક પ્રસંગોએ હાજરી આપવી અનિવાર્ય હોય છે. મોટે ભાગે હું નિરીક્ષણ કરતી હોઉં છું. જીવનમાં એવા તબક્કે આવીને ઉભી હતી જ્યાં લેવા કરતાં આપવામાં હૈયું આનંદ માણતું. નાનપણથી એક આદત હતી, જરૂરતમંદોને આપીને રાજી થવું. કદી અભાવ સાંપડ્યો ન હતો. જ્યારે ગામ જવાનો મોકો મળતો ત્યારે જમવા બેસીએ ને કોઈનો અવાજ કર્ણપટે અથડાય,"બહેન બે દિવસથી ખાધું નથી." ભાણેથી ઊઠી પિરસેલી થાળી તેને આપી દેતી. ખેર, એ તો બચપનની યાદો છે. ઈતિહાસ બની પાન પર અંકિત થઈ ગયો.

જિંદગીમાં ઈશ્વર કૃપાથી પાત્રતા કરતાં ઘણું મેળવ્યું. હવે, બાકી રહેલી જિંદગી આપીને ખુશ થવાનો નિર્ધાર કર્યો છે. મારું સહુથી પ્રિય પાત્ર, ‘કુંતી પુત્ર કર્ણ’ છે. જેણે પળના વિલંબ વિના ‘કવચ અને કુંડળ’ આપી પોતાનો ધર્મ નિભાવ્યો હતો. દાનેશ્વરી કર્ણ કહી તેને નવાજ્યો છે. ભલે તે કૌરવોને પક્ષે હતો, કિંતુ પોતાનો સ્વભાવ અને ધર્મ ચૂક્યો ન હતો.

આજે ૨૧મી સદીમાં ઐશ્વર્ય અને ભોગના સાધનોનો રાફડો ફાટ્યો છે ત્યાં ‘આપવું’ એ શબ્દ વિલિન થતો જણાય છે. ‘દાન’ શબ્દ તો જાણે કયા ઉપગ્રહનો હોય તેવું લાગે. જો કે સાવ એવું પણ ન કહેવાય. વિશ્વના અમીર ‘બીલ અને મિલિન્ડા ગેટ્સ’ જેવા દાન આપીને આશિર્વાદ પામે છે. ‘ઑપરા વિન્ફ્રી’ છે. દાન આપવામાં પહેલો નંબર પ્રાપ્ત કરી ચૂકી છે. ખૂબ દરિદ્રતાના તળવમાં ખિલેલું એ કમળ આજે સારા વિશ્વમાં સુંદરતા અને સુગંધ પ્રસરાવી રહ્યું છે.મિલિયન્સ ઓફ ડૉલરમાં જે આજે આળોટી રહી છે. તે જ્યારે આફ્રિકન દેશોમાં જઈ ‘ચેરિટેબલ’ કાર્ય કરે છે ત્યારે તેનું મુખ કેવું દમકે છે. એ રૂપ તેના શૉમાં અદૃશ્ય રહે છે. આ હાથ જ્યારે સત્કર્મ કરવા લંબાયો હોય ,ત્યારે એ સતકર્મ આભૂષણ રૂપે તેનું રૂપ નિખારે છે.

સહુ વિદિત છે. આપણા શાસ્ત્રો વારંવાર જેનો ઉલ્લેખ કરે છે, "જમણા હાથે આપો તે ડાબા હાથને ખબર ન પડવી જોઈએ." મતલબ સાફ છે. કોઈને પણ મદદ કરો, સહાય આપો તેના બણગાં ન ફુંકો. એના કરતાં તો ન આપવું સારું. આપણે જ્યાર કોઈને યથા શક્તિ કાંઇ પણ આપીએ તેમાં આપનાર ક્રરતાં લેનારનું ગૌરવ વધે છે. યથા શક્તિ આપી પુણ્ય કમાવવાનો હેતુ હોય તો તે વ્યાજબી નથી. ઈશ્વરે આપ્યું તેનો સદઉપયોગ થયો. “તેરા તુજકો અર્પણ”

"બે હાથ અને તેમાં કલામય દસ આંગળીઓ." આપીને સર્જનહાારે આપણને ધન્ય બનાવ્યા છે. દાનનો મહિમા આપણને ભગવદ ગીતામાં ખૂબ સુંદર રીતે કૃષ્ણ ભગવાને દર્શાવ્યો છે. ‘સાત્વિક દાન’ કોઈ પણ જાતની અપેક્ષા વગર. જેવું કે ‘વિદ્યા દાન’ જે બાળકોને પોતાનું ભવિષ્ય બનાવવા કાજે ઉપયોગી થાય. પૈસાના અભાવને કારણે વિદ્યા લેવાનું જેને સહજ ન બને. અણીના સમયે તે પ્રાપ્ત થવાથી વિદ્યા મેળવી પ્રગતિ સાધી શકે ! યોગ્ય વ્યક્તિને યથા સમયે આવી મળે.

બીજું. દાન છે યશ અને કીર્તિને માટે. એ દાન પણ અગત્યનું છે.જે સમાજના ઉત્થાનમાં અગત્યનો ફાળો આપે છે. જેવું કે હૉસ્પિટલ બંધાવવી. શાળા, કૉલેજ કે લાઈબ્રેરીમાં યોગદાન કરવું. જેમાં પૈસાનો ખરેખર સદ ઉપયોગ થાય છે. જે ચીર સ્મરણિય બની રહે છે. એ રાજસી દાન છે અને આવકાર્ય છે. મોટી મોટી હૉસ્પિટલો આધુનિક સગવડથી ઉભરાતી હોવાને કારણે અનેક વ્યક્તિઓ જીવનદાન પામી પાછાં પોતાના હર્યાભર્યા કુટુંબ ભેળાં થાય છે. પુસ્તકાલયોમાં વિદ્યાર્થિ તેમજ જ્ઞાનના પિપાસુઓ પોતાની ભૂખ સંતોષે છે.

જ્યારે દાન કુપાત્રને થાય ત્યારે ખરેખર અફસોસ થાય. પૂરતી જાંચ વગર દાન થાય અને તેનો ગેરમાર્ગે ઉપયોગ થાત તે તામસી દાન. કુટુંબમાં કોઈને સહાય કરીએ અને તે દારૂ કે જુગારમાં વેડફે તેવા દાનનું શું કહેવું ? તેથી તો કહેવાય છે, 'સુપાત્રે દાન' !

દાનના અનેક પ્રકાર છે. જેવું કે પાણીની પરબ બાંધાવવી. જ્યાં વીજળીની સગવડ ન હોય ત્યાં લાઈટની વ્યવસ્થા કરાવવી. આજના યુગમાં બાળકો માટે પુસ્તકાલયમાં ‘કમપ્યુટર’ની સગવડતા આપવી. જન સમુદાય હિતાય કોઈ પણ નાનું મોટું કાર્ય ‘દાન’ ગણાય. ‘શક્તિ તેવી ભક્તિ’ એ ઉક્તિ અનુસાર આપણા હાથેથી જે પણ કત્ય થઈ શકે તે મહામૂલું ગણાય.

અનાથ આશ્રમમાં બાલકોને સુવિધા મળે તેવી વ્યવસ્થા કરવી. તેમને પૌષ્ટિક ખોરાક મળે તેનું ધ્યાન રાખવું. જરૂરતમંદોને દવા મળે તેવી સગવડ વધારવી. મફતમાં થતાં આંખના ઓપરેશન. નાના નાના ગામોમાં ફરતાં ચિકિત્સાલયો. જો આપણી પાસે જરૂરત કરતાં વધુ લક્ષમી હોય તો ‘દાન’ જેવું કોઈ ઉત્તમ કાર્ય નથી. હા, પરિવાર જનોની સુખ સગવડ એ આપણો પહેલો ધર્મ અને ફરજ બને છે.

આપણે સમાજના પણ ઋણી છીએ. સમાજ પાસેથી આપણે અગણિત પ્રાપ્ત કર્યું છે. દાન ધર્મ કરીને બને તેટલું ઋણ અદાકરવું ઈશ્વર અર્પિત આ સુંદર બે હાથનો ધર્મ છે, “આપવું” !

આ હાથ જ્યારે આપવા માટે લંબાય છે ત્યારે તે સોહી ઉઠે છે. અરે પડતાંને હાથ આપી ઊભો કરી જો જો. દિલમાં એવી લાગણીના સ્પંદનો ઉઠશે જે શબ્દમાં ઉતારવા કઠીન છે. એ હાથની શોભા સોનાના કે હીરાના કોઈ પણ આભૂષણ વગર વધુ સુંદર તમને જણાશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational