ગુસ્સો..
ગુસ્સો..
મારા અને વિપુલ વચ્ચે સરકતા પ્રેમધારાના ઝરણાંનો પ્રવાહ એક ધારો હતો. કોઈને પણ અમારું પ્રેમાળ જીવન જોઈ સહજ ઈર્ષા આવી જાય. અમારો પ્રેમ સદાબહાર ! પ્રેમના ઝરણા હંમેશ નવા નવા ફૂંટતા રહે ! પચીસ વર્ષની અમારી મેરેજ-લાઈફ સીધી-સરળ અને પ્રેમાળ.જ્યારે જ્યારે કોઈ પણ વિઘ્ન આવ્યા છે ત્યારે ત્યારે સાથ મળી, હાથમાં હાથ મિલાવી હસતા મો એ દૂર કર્યા છે. અમો બન્ને કંમ્પુટર સોફટવેર ઈન્જિનયર અને ઉપરવાળાની મહેબાનીથી તન, મન અને ધનથી ઘણાં સુખી.
પાંચ પાંચ બેડરૂમનું હાઉસ લેઈક પર છે, સાંજે સમય મળે બોટીંગ કરીએ અને ડીનર પણ બૉટમાં સાથે લઈએ. સંતાન નથી પણ અમો બન્ને એ માઈન્ડ સાથે કોમ્પ્રોમાઈઝ કરી લીધું છે. આપણે જિંદગીના અંત લગી સાથે રહી મળેલ માનવ-દેહની મજા માણીશું. વીલમાં પણ લખી દીધેલ છે કે અમારા ગયા પછી અમારી સંપૂર્ણ મિલકત અને પૈસા માનવતાના કલ્યાણ અર્થે આપી દેવાના. અમેરિકામાં એવું કોઈ શહેર કે જોવાલાયક સ્થળ નહી હોય કે અમો એ ત્યાં વેકેશનમાં ફરવા ગયાં ના હોય !
“જિંદગી બહુંજ રુપાળી છે એની હરપળ માણીલો, એ પળ ફરી મળશે કે નહી એની કોઈ ખાત્રી નથી.
“જિંદગીની હરપળ માણીલે,
સ્વર્ગ છે અહીજ સખી માણીલે,
હર ઘડી છે રળિયામણી,
પ્રેમની હર અદા તું માણીલે.”
વિપુલ ઘણીવાર મુડમાં આવી જાય ત્યારે જિંદગીની ફિલોસોફી અને શાયરીઓ સંભળાવે. વિપુલ ઘણોજ લાગણીશીલ વ્યક્તિ છે. કવિ હ્ર્દય ધરાવતા દરેક વ્યક્તિ લાગણી પ્રધાન હોય એવું મારૂ માનવું છે !
વિપુલ ઘણીવાર પ્રેમના આવેશમાં આવી દરિયાના મોજાની જેમ ઉછળી મને ભીંજી નાંખે.
આટલો પ્રેમાળ, શાંત, અને લાગણીશીલ સમજું વિપુલના ગર્ભમાં ઉંડે ઉંડે સંતાયેલો ગુસ્સો કોઈવાર બહાર આવી જાય ત્યારે મારે બહુંજ સંભાળવું પડે અને એ સમયે હું એકદમ શાંત થઈ જાવ.એક શબ્દ ના ઉચ્ચારુ એટલે ધીરે ધીરે અગ્નિ એકદમ શાંત થઈ જાય !
તે દિવસે હું થોડી સાવચેત ના રહી અને મારી બેદરકારીમાં મારાથી બોલાય ગયું. ”વિપુલ તું ગુસ્સે થાય છે ત્યારે તું શું બોલે છે ? શું કરી નાંખે છે તેનું તને ભાન છે ? ગુસ્સો કંન્ટ્રોલ કરતાં શીખ.'
‘તે મને ભાન વગરનો કિંધો ? વિપુલ આગળ કશું ના બોલ્યો સિધ્ધો બેડરૂમમાં. બારણું જોરથી બંધ કરી અંદરથી લોક કરી દીધું. મેં ઘણી આજીજી કરી. મારું કશું સાંભળ્યુંજ નહી. મેં માની લીધું કે થોડો શાંત થશે અને ગુસ્સો ઓછો થશે એટલે બહાર આવશે.
હું લીવીંગ રૂમમાં બેઠી બેઠી “ડિવિઆર” પર ટેઈપ કરેલ “રાવણ” જોઈ રહી હતી ત્યાંજ બેડરૂમમાંથી ‘ધડ... ધડ...” ગન(બંધુક)માંથી અવાજ આવ્યો. હું એક્દમ ગભરાઈને દોડી…બેડરૂમ તરફ..જોશથી મેં બુમ પાડી “વિપુલ...” બેડરૂમ લૉક હતો મે સ્ક્રુ-ડ્ર્રાવરથી અન-લૉક કર્યો. મારી આંખોએ ભયાનક દ્રશ્ય જોયું, ધ્રાસ્કામાં મારું હ્ર્દય ધડકતું બંધ પડી ગયું હોય એમ લાગ્યું. ખાલી મારું શરીર દોડ્યું. વિપુલની નિશ્ક્રિય પહોળી થઈ ગયેલી આંખમાં ભીંનાશ હતી, શુષ્ક થઈ ગયેલો ગુસ્સો હવામાં બહાર નિકળી બહુંજ દૂર દૂર નિકળી ગયો હતો.
