Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

આરતી સોની

Tragedy Inspirational


3  

આરતી સોની

Tragedy Inspirational


ગુંગળામણ

ગુંગળામણ

4 mins 485 4 mins 485

આજે જસીબેન સવારથી જ કંઈક દુઃખી હતા. માંડ માંડ સેવા પૂજા પતાવી બહાર ખુલ્લામાં હિંચકે આવી બેઠા. સાડા દસ થવા આવ્યા હતાં એટલે બહાર પણ થોડી ગરમી વધવા લાગી હતી. એટલે એમને બહાર ગરમી લાગતાં ધીમેધીમે ચાલતાં પાછા અંદર આવી બેઠાં.


આજે જસીબેન બહુ ગુંગળામણ અનુભવતા હતા અને મનુભાઈ વિના એકલું પણ લાગતું હતું.. આજે દિવસ કાઢવો કઠિન લાગ્યો. આમતો એમને કંઈક હૈયા વરાળ ઠાલવવી હોય તો એ એમની આગળ સઘળું બોલી કાઢતાં. પણ આજે એમને ખરેખર મનુભાઈની ખોટ સાલી રહી હતી. એમણે મોબાઇલમાંથી નંબર કાઢી મનુભાઈને ફોન લગાવ્યો પણ નો રિપ્લાય આવતાં આંખો ભીની થઈ ગઈ. આજે ખરેખર એમને ખરી કિંમત સમજાઈ ગઈ હતી. આખો દિવસ કચકચ કરતાં રહેતાં જસીબેન મૂંગા થઈ ગયા હતા. એમને એમ થયું લાવ એક માળા કરી લઉં મન હળવું થશે. પણ માળા કરવામાં પણ ચિત્ત ના ચોંટ્યું. 


ત્યાં જ એમને એમની સખી વંદનાની યાદ આવતાં મોબાઇલમાંથી વંદનાને રિંગ મારી. વંદના તો જાણે રાહ જોઈને જ બેઠી હોય એમ તરત જ ફોન ઉપાડી બોલી, 

“હા બોલ જસી હું તને જ યાદ કરતી હતી મજામાં છેને?”

જસીબેને કમને હા તો પાડી દીધી. પણ મનમાં મુંજારો બહું હતો. એમણે વંદનાને કહ્યું, 

“કેમ મને યાદ કરતી હતી? નવરી હોય તો આવને ઘરે બેસીશું સાથે. અને વાતો કરશું.”

“આજે તો નહીં આવી શકાય, કેમકે મારી મોટી બહેન મીના જામનગરથી આવી છે. તું તો મળેલી જ છે ને એને? એ તારા ખબર અંતર પૂછતી હતી. જસીને કેમ છે ઢીંચણનો દુઃખાવો?”  

“ઢીંચણે એવું જ છે, કોઈ ફેર જ નથી પડતો જો. વૈદ્યની દવા ચાલું કરી તોયે એવું ને એવું છે. એક તો જાત જાતના ઉકાળા પીવાના. તોય ફેર પડતો નથી. ને ઓસિયાળા કેટલા. બળ્યો ઢીંચણ કામ ન કરે, ત્યાં કોઈ બનાવી આપે ત્યારે પીવાય..” એટલું બોલતાં તો જસીબેનની આંખોમાં જળજળીયા ભરાઈ ગયાં. બીજું કંઈ ફોનમાં બોલી ન શક્યા. 


“જો જસી વૈદ્યની દવા ધીરેધીરે જ અસર કરવાની. તારે એમાં ચરી પાડવા સાથે ધીરજ પણ એટલી જ રાખવી પડશે. એના કરતાં તું એક કામ કર. વસ્ત્રાપુર પાસે હૉસ્પિટલ છે, ડૉ. તુષાર ચૌધરીની. એમને બતાવ ઘણાં બધાંને મોંઢે એમનું નામ સાંભળ્યું છે. બહું હોશિયાર ડૉ. છે અને જલ્દી ફેર પણ પડશે ઢીંચણમાં.”


“આ તારા ભાઈ હરદ્વાર ન ગયાં હોત તો, કાલે જ બતાવી આવત. મને કોણ લઈ જાય છેક ત્યાં સુધી. ખાલી મારો એક ઉકાળો બનાવતાં તકલીફ પડી જાય છે મારી અમી વહુને.. ત્યાં ડોક્ટર બદલવાની વાત સાંભળીને મોંઢું મચકોડશે.” છેવટે જસીબેને હૈયાવરાળનો એક ઉભરો ઠાલવી જ દીધો.

“હા શું કરીએ આજકાલની વહુઓને કામવાળા રાખીનેય ઘરના કામ કરીને થાકી જાય છે. ચલ હું મૂકું ફોન. મીના પાછી કંટાળશે એકલી એકલી.. તારી સાથે વાતોના વડા કરવામાં.”


ફોન મૂકતાં જ જસીબેન પાછાં એજ વિચારોમાં ખોવાઈ ગયા. જમવાનું પણ મન નહોતું આજે. જ્યાં ત્યાં સાંજ થવા આવી એટલે સોસાયટીના ગેટ પાસે આવેલા મંદિરના પરિસરના બાંકડે આવી બેઠાં. મનમાં એકજ વાત ગુંગળાયા કરતી હતી. 

‘ક્યારેય મેં અમીને ખસ પણ કહ્યું નથી. અને એણે મને આજે આવા શબ્દો સંભળાવી દીધાં. મારે બહાર જવું છે. જાતે બનાવી લો તમારા ઉકાળા. આ કંઈ રીત હતી વાત કરવાની.? એજ સમજાતું નથી. ઢીંચણમાં પહેલાં સારું હતું, ત્યારે હું જ એમને પીક્ચરની ટીકીટો મંગાવી દેતી હતી અને છોકરાઓને પણ રાખતી. એકવાર તો એમને બે દિવસ આબુ અંબાજી ફરવા જવું હતું. મેં સામેથી મોકલ્યા હતા કે તમતમારે ફરવા જાઓ શાંતિથી.. હું બેઉં છોકરાઓને રાખીશ. પણ હવે અત્યારે મારાથી કામ ન થાય તો એમણે સંભાળી લેવાની જવાબદારી છે.! બે ડગલાં માંડ ભરાય છે. કોઈ જગ્યાએ ટકીને ઊભી રહી નથી શકતી.’


એવું વિચારતા વિચારતાં મોટું ડુસકું ભરાઈ ગયું. અને જસીબેન રડી પડ્યાં. આજુબાજુ જોઈ લીધું. ‘કોઈ જોતું નથી ને..? નાહક કોઈ જોઈ જાય ઘરની વાતો સોસાયટીમાં થવા લાગે.’

એ બીકે એમણે મોંઢા આગળ રૂમાલથી હાથ મુકી જોવા લાગ્યા. ત્યાંજ અમીએ એમનો હાથ પકડી લીધો. 

“કેમ મમ્મી તમે એકલા એકલા આમ અહીં બાંકડે આવી બેઠાં છો.?” 

“કંઈ નહીં બસ એમજ.! જરા ઘરમાં મન ગુંગળામણ અનુભવતું હતું. એટલે વિચાર્યુ બહાર જરા લટાર મારી આવું.” એટલું બોલતાં બોલતાં મોટું ડુસકું ભરાઈ ગયું. પણ સમજીને ગળેથી ઉતારી લીધું.

અમી સમજી ગઈ મમ્મી સવારની મારી વાતથી દુઃખી છે. એ ખોંખારો ખાઈ બોલી. 


“મને ઘણીવાર ખબર નથી શું થઈ જાય છે. બોલવાનું ભાન જ નથી રહેતું. સારું મમ્મી મને માફ કરી દો. ફરીથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. તમે મને કેટલું સાચવો છો તોયે હું ભૂલ કરી બેસું છું.” 

“સારું સારું હવે ફરીથી પાછી રડાવવી છે, કહે તો મને.. ‘સુબહ કા ભૂલા સામકો વાપસ આયે ઉસે ભૂલા નહી કહેતે…’ ભૂખ લાગી છે ચલ ઘરે.”

“મમ્મી હાથ આપો તમારા. જુઓ તો હું શું લાવી છું તમારાં માટે..” 

અને જસીબેન અવઢવમાં પડી બોલ્યા. “કહે શું લાવી છે તું?”

“બસ હવે આંખો પણ બંધ કરો..”

અને અમીએ પર્સમાંથી લાવેલી હીરાના કંગન મમ્મીના હાથમાં પહેરાવી દીધા અને ભેટી પડતાં બોલી. “હેપી ફ્રેન્ડશીપ ડે મમ્મી..”

અને જસીબેન કંગન જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં. આખા દિવસના પડું પડું થતાં દુઃખના આંસુ અત્યારે ખુશીના માર્યા ચોધારે વહી પડ્યાં.

“આ ફ્રેન્ડ શીપ ડેની મને સમજ ન પડે. પણ જો આજથી મારી સાચી સખી તું જ છે. હું તો તને હાથમાં પહેરાવા રેશમી ધાગોયે નથી લાવી.. આપણે બે મા દીકરી તો હતાં જ પણ આજથી સખીઓ પણ છીએ..”


અને જસીબેન હરખ ઘેલા થઈ જઈ હાથ ઊંચા કરી બંગડી નિહાળતાં ગીત ગાવા લાગ્યાં. 

“ખનકી જો ચૂડિયાં હાથોમાં..

આઈ પિયા મિલનકી યાદ..”   


“મમ્મી ચાલો ઘરે બીજી પણ એક સરપ્રાઇઝ આપવાની છે.” 

"એ શું?" આંસુ લુછતાં લુછતાં ખુશ થતાં જસીબેન બોલ્યાં.

“પપ્પા અત્યારની સાત વાગ્યાની ટ્રેનમાં જાત્રા પતાવી હરદ્વારથી પાછાં આવે છે. એમને લેવા ગયા છે વિવેક.. એ લોકો આવતાં જ હશે..” 

"હા ચાલો ચાલો ઘરે જઈએ આ હીરાના કંગનની સરપ્રાઈઝ એમને પણ આપીએ.. ખુશ ખુશ થઈ જશે તારા સસરા.."


અને બન્ને ખુશીથી ભેટી પડ્યાં.


Rate this content
Log in

More gujarati story from આરતી સોની

Similar gujarati story from Tragedy