આરતી સોની

Others

2  

આરતી સોની

Others

સંબંધનો અજવાસ મફતનો રોટલો

સંબંધનો અજવાસ મફતનો રોટલો

3 mins
7.3K


નેહા સાંજે ઘરનું જમી કામકાજ પરવારી પતિ સંજય સાથે ગપાટા મારવા બેસી ગઈ. દીકરાને વેકેશન શરૂ થવાથી થોડું હળવાશ મહેસૂસ કરતી હતી. એટલામાં દીકરાએ ફરમાઈશ કરી મોમ બરફ ગોળો ખાવા જઈએ. એતો રેડી જ હતી. સંજયને પૂછતા એણે 'હા' પાડી અને એ પાકિટ લેવા રૂમમાં ગઈ.

પાકિટ ન મળતા ખૂબ ચિંતામાં આવી ગઈ. એને યાદ આવ્યું કે બે દિવસ પહેલા શાક લેવા નીકળી હતી ત્યારે પાકિટ ચોક્કસ શાકની લારી પર ભૂલી ગઈ લાગે છે.

સંજયે સમજાવતા કહ્યું, ‘‘પાકિટ આડા હાથે મૂકાઈ ગયું હશે તું નાહક ચિંતા ન કર મળી જશે. તારા ચહેરા પર ચિંતાની લકીરો જરા પણ સુટ નથી થતી. પાકિટ નહિં મળે તો શું થયું મારા માટે અગત્યની તું છે. નેહા મેડમ ચાલો જલ્દી આપણે બરફ ગોળો ખાવા જઈએ પાકિટ નવું આવશે..”

‘‘અરે સંજય પાકિટ તો નવું આવશે પણ અંદર રૂપિયા હતા.”

સંજયે વાત કાપતા કહ્યું, ‘‘અરે રૂપિયા થોડા વધારે કમાઈ લઈશું તું નાહક ચિંતા ન કર.” નેહા તો પોતાની ભૂલ બદલ પસ્તાઈ રહી રહી હતી પરંતું સાથે પતિ સંજયનો પ્રેમ જોઈ ગદગદ થઈ ગઈ.

આજે કોણ જાણે તે છતાં નેહાને સવારથી જ થોડી બેચેની જેવું લાગતું હતું. કામમાં ચિત્ત ચોટતું નહોતું. થોડું ઘણું પરાણે કામ પત્યા ન પત્યા કરી નિપટાવી સોફામાં પડી. છાપું લઈ વાંચવાની કોશિષ કરી પરંતું મન વ્યાકુળ હતું. ઉંઘવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો, થોડી વાર મોબાઈલમાં વોટ્સએપમાં ગપાટા મારતી પડી રહી.

સાંજ પડ્યા પહેલાં જ નેહા ઊભી થઈ તૈયાર થઈ. એક્ટિવાની ચાવી લઈ મારતે ઘોડે પહોંચી શાકની લારીએ. જ્યાંથી રોજ એ શાક લેતી હતી. સાંજે એ દરરોજ એ જ જગ્યા એ આવી ઊભો રહેતો હતો. એના મનમાં કંઈ કેટલાયે સવાલો ઊભા થયા શાક વાળાને ત્યાં પાકિટ રહી ગયું હોય તો પાછું તો ન જ આપે. થોડીવારમાં નેહા ત્યાં પહોંચી જાય છે પરંતુ શાક વાળો હજુ આવ્યો નહોતો.

નેહાએ બીજો કોઈ શાકવાળો ઊભો હતો તેને પૂછ્યું, ‘‘અહિં રોજ ઊભો રહે છે એ શાકવાળો નથી આવ્યો.”

‘‘ના, મેડમ એ બે દિવસથી આવ્યો જ નથી.” નેહા તો સાંભળીને પાછી ચિંતા થતાં મનમાં વિચારવા લાગી. ક્યાંથી આવે હવે આટલો મોટો દલ્લો હાથ લાગ્યો છે. એમ વિચારતા એણે એક્ટિવા ચાલું કર્યું. નીકળતી જ હતી અને ઓલા બીજા શાકવાળાએ કહ્યું.

‘‘લો ઊભા રહો મેડમ આ પરશો આવી ગયો.” નેહા એ જોયું પરશો લારી લઈ દોડતો આવતો હતો.

આવતાંવેંત એણે એના ગલ્લામાંથી પાકિટ કાઢી આપતા કહ્યું. ‘‘મેડમ લો આ તમારું પાકિટ બે દિવસ પહેલાં તમે આ લારી પર જ ભૂલી ગયાં હતાં. આ શાક ભરવાની ગડમથલમાં. મેં મારા ગલ્લામાં સાચવીને મૂકી દીધું હતું. એ દિવસે બહુ મોડા સુધી તમારી વાટ જોઈ પણ તમે આવ્યાં જ નહીં. ઘરે ગયો ને મારો છોકરો બહુ બીમાર પડી ગયો હતો. એની બે દિવસ તબિયત ખરાબ રહી. આજે થોડું સારું થયું એટલે તમારા પાકિટ વારું હું ભાગતો આવ્યો.” એકી શ્વાસે પરશાએ બધું બોલી નાખ્યું. નેહા પાકિટ ખોલી જોવા લાગી પણ બધું એમજ હતું. કંઈજ આઘુંપાછું કર્યું હોય અવું ન લાગતા બોલી.

‘‘પરશા, તને જરાપણ લાલચ ન થઈ પૈસા લેવાની.”

‘‘ના મેડમ મારા બાપુએ શીખવ્યું છે મફતનો રોટલો પચે નહિં કદિ.”

‘‘તને ખબર છે આમાં કેટલા રૂપિયા છે?”

‘‘ના મેડમ મેં તમારું પાકિટ ખોલી જોયું જ નથી જોવું તો લાલચ થાય ને?”

‘‘આમાં પૂરા બાર હજાર છે જે હું કરિયાણાનું બીલ ચૂક્તે કરવા લઈ નીકળી હતી. પરંતુ કરિયાણાની દુકાન બંધ હોવાથી સીધી શાક લેવા આવી ગઈ હતી.”

આજે નેહા પ્રભુનો પાડ માનવા લાગી કે ખરેખર આ દુનિયામાં માનવતા હજી મરી નથી પરવારી. સાથે સાથે એના પતિ સંજય પ્રત્યે પણ માન ઊભરી આવ્યું કે પત્નીની બેદરકારી હતી છતાં પ્રેમથી વાત સંભાળી લીધી.


Rate this content
Log in