પહેલા પિરિયડ્સની મૂંઝવણ
પહેલા પિરિયડ્સની મૂંઝવણ
રોજ માવડી હારે હુવાની આદત પરંતુ આજ હુ થયું માવડી એ કહ્યું, "આઘી બેહ અન રેશમી ગોદડી મો હૂઈ જા જઈન." સંધ્યા સમયે બાથરૂમમાંથી રેશ્મા એ હાકલ કરી. ''માવડી માવડી આ હું થયું જો..." માવડી દોડતી આવી જોઈને કહે, "આઘી રહે, આઘી રહે... ચોય અડવાનું નઈ તૈણ દિ... તારા બાપુ આવન તો હંતઈ જજે, કોય કોમ બતાવ એ પહેલા.. ખાવું હોય તો કેજે, પોણી પીવું હોય તોય કેજે.. ભૂલથી ય ચોય અડતી નઈ... આ તારી થારી ન આ તારી વાટકી પાલુ લઈન આઘી જતી રે'જે... હરખુ હંકોરીન બેહ..." આજે જાણે રેશમાને છોકરી થઈ જનમવા પર લ્યાનત મહેસુસ થઈ ઊઠી... બાપુને કાયમ આદત ઘરમાં પગ મૂકતાં જ "રેશ્મું ચો જઈ... પોણી લાવજે." પણ આજે તો બાપુ આયા તે માવડી કહે એનો હાથ ચોખ્ખો નથ... મારા હાથ ન શું થયું વળી.. રેશમા હમજી જ નહીં, બાપુ કહે, "છોડી મોટી થઈ ગઈ.." હું બાપુનાં ખોરામાં રમનારી અવ એકદમથી મોટી થઈ.