ગૃહિણીનું અસ્તિત્વ
ગૃહિણીનું અસ્તિત્વ
"યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ"
સ્ત્રી એટલે કે ગૃહિણી એ શક્તિ સ્વરૂપ તથા શક્તિનો ભંડાર છે. કોઈપણ કાર્ય કરવા માટે શક્તિની જરૂર પડે છે, અને ગૃહિણીઓમાં શક્તિનો અખૂટ સ્ત્રોત રહેલો છે. એમાં પણ જો શિક્ષણનું માધ્યમ ભળે તો દૂધમાં સાકર ભળી ગઈ હોય એવું લાગે. એરિસ્ટોટલના મુજબ ગૃહિણીઓની ઉન્નતી કે અધોગતિ પર જ રાષ્ટ્રની ઉન્નતિ કે અધોગતિ નિર્ધારિત છે.
"ગૃહિણી ગૃહમ ઉચ્ચતે". અર્થાત ગૃહિણીથી જ ઘર બને છે. વિશ્વના કોઈપણ સ્થળે પોતાનું આધિપત્ય જમાવેલું હોય, તોપણ પોતાના ઘર અને પરિવાર પ્રત્યે ગૃહિણી હંમેશા સભાન જ હોય છે. ગૃહિણીએ મહાશક્તિ છે એને ખીલવીએ તો કલ્યાણ ના પંથે જવાય.
દુનિયાની સૌથી આશ્ચર્યજનક રચના એટલે સ્ત્રી. સ્વયં ઈશ્વરને પણ પોતાની બનાવેલી આ રચના સમજવામાં ભૂલ થઈ જાય છે. સ્ત્રીની રચના કરવામાં ભગવાનને પણ ઘણો સમય લાગ્યો હતો. ભગવાને સ્ત્રીને ગમે તે પરિસ્થિતિમાં અડગ રહી શકે એવી મજબૂત બનાવી છે. સ્ત્રી ગમે તે પરિસ્થિતિમાં પોતાના પરિવાર અને બાળકો ને એકસરખો જ પ્રેમ આપી શકે છે. આદર્શ ગૃહિણી પોતે બીમાર હોવા છતાં પણ કલાકો સુધી કામ કરતી હોય છે.
એક વખત દેવદૂતોએ ભગવાનને પ્રશ્ન કર્યો કે, "ગૃહિણીને આટલી બધી જવાબદારી સોંપી છે તો શું આ બધું તે પોતે પોતાના બંને હાથો વડે કરી શકશે ?" ત્યારે ભગવાને જવાબ આપ્યો કે, "ગૃહિણી બહારથી એકદમ નાજુક અને અંદરથી ખૂબ જ મજબૂત છે. તે કોમળ જરૂર છે કમજોર નથી. તે માત્ર વિચાર જ નહીં પરંતુ દરેક સમસ્યાઓનો સામનો કરવાની હિંમત ધરાવે છે. જ્યારે તે કમજોર થવા લાગશે ત્યારે તેના બધા જ દુઃખોને આંસુથી વહાવી દેશે અને પોતાને મજબૂત બનાવશે. પોતાના દુઃખને ભૂલવાનો આ સૌથી સારો ઉપાય એક ગૃહિણી ધરાવે છે. પોતાના પરિવારની સેવા કરતાં-કરતાં તે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય છે."
ગૃહિણી વિનાનું ઘર કે ગૃહિણી વિનાના સમાજની કલ્પના કરી શકાતી નથી. પરિવાર સમાજ કે દેશની ઉન્નતિ કે પ્રગતિના પાયામાં સ્ત્રી જ છે. ભારતીય સંસ્કૃતિના પાયામાં સ્ત્રી અને પુરુષની કલ્પના એક રથના બે પૈડા તરીકે કરવામાં આવી છે. સ્ત્રી મહાન છે કારણ કે એ સર્જક છે. સ્ત્રી સિવાય દુનિયામાં સર્જન શક્ય નથી અને એટલે જ આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે કે જ્યાં મહિલાઓ પૂજાય છે ત્યાં જ દેવોનો વાસ રહેલો છે. અજ્ઞાત કવિ એ લખેલ પંક્તિ મુજબ,
"સ્ત્રી એટલે દિમાગથી વિચારો તો સમજ બહારનું વ્યક્તિત્વ, દિલથી વિચારો તો, સાવ સરળ અસ્તિત્વ".
સ્ત્રી હંમેશા પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી જ આવી છે. ક્યારેક પોતાનું સ્વમાન ક્યારેક ઘરમાં વિશિષ્ટ સ્થાન, ક્યારેક નોકરીયાત હોય તો પોતાની મર્યાદા માટે સંઘર્ષ કરતી હોય છે. સ્ત્રી મહાશક્તિ છે જો એને ખીલવીએ તો કલ્યાણના પંથે જરૂર જવાય.
" જે કર ઝૂલાવે પારણું તે જગ પર શાસન કરે"
આપણો ભારત દેશ ધર્મપ્રધાન છે, સંસ્કૃતિ પ્રધાન દેશ છે. ધર્મ અને સંસ્કૃતિની આડમાં રહીને પોતાનો વિકાસ કરવો શક્ય નથી એવા વિચારો દૂર કરી ગૃહિણીઓને આગળ વધવા માટે સ્વતંત્રતા આપવી જોઈએ.
