Varsha Thakkar

Others

3  

Varsha Thakkar

Others

ગિજુભાઈ બધેકા

ગિજુભાઈ બધેકા

3 mins
154


ગિજુભાઈ બધેકા શિક્ષણવિદ્ હતા. જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો. તેઓ "મૂછાળી મા" ના હુલામણા નામથી જાણીતા હતા. તેઓ શિક્ષણવિદ બન્યાં પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતાં. ૧૯૨૩માં તેમના પુત્રનાં જન્મ પછી તેમણે બાળ ઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. 1920ના દાયકામાં તેમણે બાલમંદિરની સ્થાપના કરી હતી. તેમણે શિક્ષણના ક્ષેત્રે અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાય છે.

ગિજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર ઈ.સ.1885 માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનાં ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા હતું. તેમની માતાનું નામ કાશીબા અને પિતાનું નામ ભગવાનજી બધેકા હતું. તેમનું બાળપણ દાદાના મુળગામ વલભીપુર વિત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની શાળામાં લીધું હતું. માત્ર 17 વર્ષની ઉંમરે ઈ.સ.1902માં તેમનાં લગ્ન હીરાબેન સાથે થયાં હતાં. પરંતુ નાની ઉંમરે હીરાબેનનું અવસાન થતાં ઈ.સ.1906માં જરીબેન સાથે બીજા લગ્ન કર્યા, જેમના થકી ઈ.સ.1913માં તેમને ત્યાં એક પુત્ર નરેન્દ્રનો જન્મ થયો હતો.

ઈસવીસન 1905માં તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ ધંધાર્થે પૂર્વ આફ્રિકા ગયા. પરંતુ ત્યાંથી અઢળક કમાણી કરવાને બદલે તેઓ એસ.પી.સ્ટીવન્સને મળ્યાં. એક વકીલ કે જેમણે ગિજુભાઈ બધેકાને આત્મનિર્ભરતાની જરૂરિયાત પર પ્રભાવિત કર્યા. તમારા સિવાય કોઈના પર નિર્ભર રહેવાનો સંપૂર્ણ ઇન્કાર- અને સ્ટીવન્સે તેમના જીવનમાં દૈનિક ધોરણે આનો અમલ કર્યો. ગિજુભાઈ માટે આશ્ચર્ય એ વાતનું હતું કેસ્ટીવન્સે કઈ રીતે કોઈના પર આધાર રાખ્યા વિના પોતાનું જીવન બનાવ્યું ! અને તે શક્ય હતું. હકીકતમા આનંદદાયક વસ્તુઓની આકૃતિ કરવી અને એકલા હાથે કામ કરવું. તેઓ આફ્રિકાથી ઈ.સ.1909માં ભારત પરત ફર્યા.

 ઈસવીસન 1910માં તેઓ મુંબઈ વકીલાતનું ભણવા ગયા અને ઈ.સ.1913થી 1916સુધી તેમણે વઢવાણ જિલ્લા હાઇકોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરી અને તેમાં સફળતા મેળવી. 27 ફેબ્રુઆરી 1913ના રોજ પુત્ર નરેન્દ્રનાં જન્મ સમયનું ધૂળિયું શિક્ષણ જોયું. તેઓ પોતાના પુત્રને ચીલાચાલુ નિશાળોની બદીઓથી મુક્ત રાખવા માગતા હતાં તેથી 1916માં ભાવનગરનાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ ખૂબ જ સારા કેળવણીકાર તેમજ બાળકેળવણીના પ્રણેતા હતાં.

 ઈ.સ 1918માં તેઓ વિનય મંદિરના આચાર્ય તરીકે નિયુક્ત થયાં. તેમણે બાળકો માટે બાળકોના રસને પોષે, એમનાં કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એના વ્યક્તિત્વ ઘડતર નો અંશ બને એવું માહિતીસભર છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા, વાર્તા, નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલ પણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસનાં જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસરી સિદ્ધાંત પદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યના લખાણોમાં પ્રેરક રહી છે.

તેમની મુખ્ય રચનાઓમાં મહાત્માઓના ચરિત્રો(1923), વાર્તાનું શાસ્ત્ર,(1925), મા બાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાળ શિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ,(1927) અક્ષરજ્ઞાન યોજના, બાલ ક્રીડાંગણો (1934), શિક્ષક હો તો (1935), ઘરમાં બાળક કે શું કરવું વગેરે શિક્ષણ ક્ષેત્રે ઉપયોગી પુસ્તકો છે.

આ ઉપરાંત તેમણે રચેલ બાળ સાહિત્યમાં ઇસપનાં પાત્રો, કિશોર સાહિત્ય (ભાગ 1 થી 6) બાલસાહિત્ય માળા(25 ગુચ્છો), બાલસાહિત્ય વાટિકા (28 પુસ્તકો), જંગલ સમ્રાટ ટારઝનની અદભૂત કથાઓ(ભાગ 1 થી 10) તેમજ બાલસાહિત્યનાં 80 પુસ્તકો મુખ્ય છે.

ઈસવીસન 1929માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવેલા.

'પ્રાસંગિક મનન' (1932) અને 'શાંત પળોમાં' (1934) ના પ્રકાશિત થયેલા ચિંતન સાહિત્ય છે. 'દિવાસ્વપ્ન' ખૂબ જ પ્રસિદ્ધિ પામેલ છે.

 ઈ.સ. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિ ભવનમાંથી નિવૃત્ત થયા બાદ પક્ષઘાતનો હુમલો થતાં મુંબઈની હરકીશનદાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 23 જૂન 1939ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થતાં જ બાળ સાહિત્ય સાથે લગભગ 200 પુસ્તકોની ભેટ આપનાર "મૂછાળી મા", "બાળકોના બેલી" તેમજ "વિનોદી" તરીકે જાણીતા એવા ગિજુભાઈ બધેકા આપણી વચ્ચેથી દૂર થયા પરંતુ પુસ્તક રૂપે આજે પણ તેઓ જીવંત ધબકે છે.


Rate this content
Log in

More gujarati story from Varsha Thakkar