બહેનનો પ્રેમ
બહેનનો પ્રેમ
પોતાની એકની એક વહાલસોયી દીકરીનાં લગ્ન હતાં. છોકરો પરદેશથી આવ્યો હતો અને એકબીજાને પસંદ પડતાં ઘડિયા લગ્ન લેવાયાં હતાં.
ઘરમાં મંગળ ગીતો ગવાતાં હતાં. સૌના ચહેરા પર ખુશી દેખાતી હતી, પરંતુ આશાનું દિલ ખૂબ જ ઉદાસ જણાતું હતું. અત્યાર સુધી કેટલીય વખત ઝરૂખામાંથી દૂર દૂર સુધી નજર દોડાવી પોતાનાં ભાઈનાં આગમનની રાહ જોઈ રહી હતી. ઊંડે ઊંડે અંતર ઝરૂખેથી અવાજ આવી રહ્યો હતો કે આવશે જ ! પોતાની એકની એક ભાણેજને માયરામાં પધરાવવા જરૂર આવશે જ !
એ જ તો સૌથી વધારે ખુશ થઈ ખૂબ નાચ્યો હતો જ્યારે ઘરમાં તેની પ્યારી ભાણેજનો જન્મ થયો હતો..
આખા ફળિયાનાં છોકરાઓને ભેગાં કરી કહેતો કે હું તો મામા બન્યો !
પછી કેટલાં બધાં કૂદકા માર્યા હતા એ વિચારે જ આશા વીસ વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડી !
કેટલો પ્રેમ હતો ભાઈ બહેન વચ્ચે ! મમ્મી-પપ્પાના મૃત્યુ પછી પપ્પાની વસિયતમાં બહેનનું નામ વાંચી તેણે આમ અચાનક જ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું. અરે, એક વખત મારી સામે બેસીને વાત તો કરવી હતી ! મારે ક્યાં રૂપિયામાં કે મિલકતમાં ભાગ જોઈતો હતો ? બસ, મારે તો ભાઈનો એ બાળપણનો પ્રેમ મળે એટલે બસ !
મોટોભાઈ તો બાપની જગ્યાએ ગણાય ! મારે તો ભાઈનાં રૂપમાં બાપનાં પ્રેમની જ ભૂખ હતી ! અને એટલે જ એને કહેવડાવ્યું હતું કે મારા ભાગમાં આવેલી તમામ મિલકત તને પરત આપું છું. એનો ચેક પણ અપાઇ ગયો છે. એટલે હવે એનાં ના આવવાનું કોઈ કારણ જ ન હોય ?
આમ વિચારોમાં ખોવાયેલી આશાને ઢંઢોળતા વિરાજે કહ્યું ચાલ, હવે ક્યાં સુધી આમ રાહ જોયા કરીશ ? વિધિનો સમય થઈ ગયો છે અને મહેમાનો પણ આવી ગયાં છે.
જતાં જતાં છેલ્લી વખત ઝરૂખામાંથી બહાર ડોકિયું કરતાં જ પોતાના ભાઈ ભાભીને દરવાજે આવતાં જોયાં અને આશાના અંતર ઝરૂખે હાશ થઈ ગઈ. બમણી ગતિએ તેનાં પગ જાણે કે દોડવા લાગ્યાં દરવાજા તરફ ભાઈને મળવા.
