પત્ર
પત્ર
મુજને પ્રિય હું.
સદાય સુખી એવી હું આજે પણ કુશળ હોઈશ. હોઉં જ ને, કેમકે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જાતને નજર અંદાજ કરી હંમેશા અન્યને અનુકૂળ થવું એ જ સ્વભાવ છે, છતાં આજ પત્ર દ્વારા મારાથી મુજને થયેલાં અપરાધોની ક્ષમા માગી રહી છું.
હજુ ગઈકાલે જ બાવન વર્ષ પૂર્ણ કરી ત્રેપનમાં વર્ષમાં પ્રવેશતાં જ થોડીવાર અરીસા સામે ઊભા રહી મુજને નિહાળતાં બાવન વર્ષ સુધી મુજને કરેલાં અપરાધની કેટલીયે તસવીરો નજર સામે આવતાં આંખમાં ઝળઝળિયા આવી ગયાં. બાળપણમાં ઉરમાં સજાવેલા કેટલાંય સપના નજર સામે, મારે જ કારણે તૂટતાં જોયાં છે. વર્ષો સુધી મેં જ મુજને કરેલાં અપરાધની ક્ષમા મળશે ખરી ? ક્ષમા આપવી અને ક્ષમા માગવી ખુબ જ ખુબ જ અઘરી છે. કેટલીયે વખત ચાલશે, ફાવશે, ભાવશે કહી મન મનાવી દિલને દુભાવ્યું છે. શું હું મુજને ક્ષમા આપી શકીશ ખરી ?
અંતઃકરણપૂર્વક ક્ષમા ચાહતી એવી હું વિતેલા વર્ષોમાં કરેલાં અપરાધની ક્ષમા સાથે આજે પ્રતિજ્ઞા કરું છું કે હવેથી હું મારા માટે પણ જીવતાં શીખીશ. શરૂઆત છે, તેથી થોડું અજુગતું લાગશે પણ, મેં કરેલા અપરાધની એજ સાચી ક્ષમા છે.
આજથી મુજને ખૂબ જ વહાલ કરતી એવી હું..
લિ.
હું અને હું જ.
