Varsha Thakkar

Others

3  

Varsha Thakkar

Others

મારા સર્જક

મારા સર્જક

2 mins
152


મારા સર્જક, માર્ગદર્શક, મારા જીવનનાં પ્રથમ પુરુષ, મારા સૌથી સારા મિત્ર, મારો ધર્મ બધું જ મારા પિતા છે. મારાં ઉમદા ઘડતર પાછળનું કારણ મારાં પિતાનો અતિશય પ્રેમ અને વિશ્વાસ છે. નાનપણમાં ભૂલો વખતે ઠપકો આપ્યો. સાચી ટેવો પાડીને મારું ઘડતર કર્યું. તેમણે જીવન તો આપ્યું સાથે જીવન જીવતાં પણ શીખવ્યું.

 નાનપણથી જ તેઓ મારા આધાર હતા. પપ્પા પાસેથી શીખવાનું આજદિન સુધી ચાલુ જ છે. જીવનની દરેક ક્ષણ હું એમની પાસેથી કંઈક નવું શીખી રહી છું દુનિયામાં મારા માટે સૌથી સુરક્ષિત સ્થાન તે મારા પપ્પા છે. પપ્પા પાસેથી વ્યવહારિક સૂઝબૂઝની શીખ મળી છે. અંગત જીવનમાં પપ્પાએ કપરાં સમયને સ્મિત સાથે સ્વીકારીને મનને શાંત રાખતાં શીખવ્યું છે. જ્યારે એ સાથે હોય ત્યારે અલક-મલકની વાતો કરે તેમાંથી જિંદગીની કેટલી બધી શીખ મળે ? 

પિતા તરીકે સૌથી મોટો ગુણ હતો કે મારાં મનની વાત વગર કહે જ સમજી જાય. એ મારો દુઃખી ચહેરો જોઈ જ ન શકે! મારાથી પણ એમના દુઃખ કે તકલીફ સહન ન થાય! અમારી બંને વચ્ચે ઢગલાબંધ યાદગાર સંસ્મરણો છે.

એક વખત મેં તેમને મારી એક ફ્રેન્ડની વાત કરી તેનાં ઘરમાં ચાર બહેનો હતી. સૌથી મોટીબેન સીવણક્લાસ કરે અને બધાનાં કપડાં સીવે. બીજા નંબરની બેન હોમ સાયન્સમાં અભ્યાસ કરે. તે રોજ નવું નવું જમવાનું બનાવે. ત્રીજા નંબરની બ્યુટિશિયન હતી. તે પ્રસંગ અનુસાર દરેકને તૈયાર કરવાનું કામ કરે અને ચોથા નંબરની બેન શિક્ષક બની. તે દરેકને ભણાવે! કેવું સારું કહેવાય ચારેય બહેનો મળીને બધું જ સંભાળી લે !

 મારી વાત સાંભળી મારા પપ્પા તરત જ બોલ્યા, "બેટા ચાર દીકરી હોય અને ચારેય કળામાં નિપુણ બને એ સારી વાત છે, પરંતુ એક દીકરી ચારેય કળામાં પારંગત ન થઈ શકે ?"

એમની વાતનો મર્મ સમજી ગઈ અને ખરેખર એટલે જ મેં બ્યુટીપાર્લર તેમજ સીવણ ક્લાસ ચાલું કર્યા. સીવણની પ્રથમ અને તૃતિય વર્ષની પરીક્ષા એક સાથે પાસ કરી, બીજા વર્ષે પીટીસીમાં એડમિશન લઈ શિક્ષક બની. સાથે સાથે ઉત્તમ પ્રકારની રસોઈ કળા પણ હસ્તગત કરી છે જેનું સંપૂર્ણ શ્રેય મારા પપ્પાને આભારી છે.

અત્યારે મારા પિતા હયાત નથી પરંતુ મારા હૃદયમાં સતત ધબકે છે. ક્યારેક વિચાર આવે છે કે જો હું પિતા હોઉં તો.. મારા બાળકને પણ દરેક કળામાં નિપુણ બનવા માટે મારાથી બનતાં તમામ પ્રયત્ન કરું તોય મારાં પિતાની તોલે તો ન જ આવું.


Rate this content
Log in

More gujarati story from Varsha Thakkar