ગંગાબાઈ જમનાબાઈ-૨
ગંગાબાઈ જમનાબાઈ-૨
કોઈ કહે કે "ફલાણાનું મોહો મોટું છે" તેનો ભાવાર્થ એ છે કે તે મોટી રકમો લે છે. તેમાં તાત્પર્યાર્થ એ છે કે તે બહુ લોભી છે. એ રીતે ધ્વનિ ઘણી ખરી કહેવતોમાં પણ બહુ છે. વાતચીતમાં પણ આવે છે. અને સંપલક્ષ્મીસંવાદ, રાજવિદ્યાભ્યાસ, હુનરખાનની ચઢાઈ વગેરેમાંથી ધ્વનિના દાખલા ઘણા મળી આવશે. રસધ્વનિ, ભાવધ્વનિ વગેરે તેના અનેક ભેદ છે. તે ધ્વનિ કવિતાનો જીવ છે. પણ તે ગ્રંથોમાં કહ્યું છે કે, જીવવાળી સ્ત્રીના પંડમાં પતનો રોગ હોય, તો તે કંટાળો ઉપજાવે છે. અને નજીવી કાચની પુતળી આનંદ ઉપજાવે છે. વળી વસ્ત્રાલંકાર વિનાની એટલે શબ્દાલંકાર. અર્થાલંકાર વિના નગ્ન કવિતા હોય તેના સામી દૃષ્ટિ માંડીને સમજુ માણસ જુવે નહિ.
સંસ્કૃત વ્યાકરણ વિષે જેવા મોટા મોટા ગ્રંથો છે, તેવા જ મોટા મોટા ગ્રંથો કવિતાની રીત શિખવાના છે, તે સંસ્કૃતમાં, તથા વ્રજભાષામાં છે. આનરએબલ એ.કે. ફારબસસાહેબનો વિચાર હતો, કે એવા ગ્રંથો ગુજરાતી સારી કવિતામાં કરાવવા પણ તે સાહેબનો વિચાર પાર પડ્યો નહિ.
હાથી - તાળ અને અનુપ્રાસ વેદની કવિતામાં ક્યાં છે ? કવિતામાં તો ઉંડો વિચાર જોઈએ.
કવિ - ઉંડો વિચાર શેને કહેતા હશે ?
હાથી - આ જોયો કે નહીં તારી કવિતામાં કાંઈ ઉંડો વિચાર નથી. અને આ પ્રૌઢ કવિની કવિતામાં કેવો ઉંડો વિચાર છે ?
કવિ - હવે મેહેરબાની કરીને આપ સાહેબ મને અહિંથી જવા દો.
હાથી - અરે જઈશ ક્યાં, હવે અમે તને છોડનાર નથી. ચારવાર માફ માગે તો જવા દઈએ.
કવિ - સાહેબ આપના મુખના ટુંકારા સાંભળીને ચારવાર તો શું પણ હજારવાર માફ માગું છું એમ કહીને એક કવિત બોલે છે.
મેહેરબાન, આપસાહેબ સાથે હું ઝાઝી વાત કરીશ તો, હું જાણું છું કે આપના મુખારવિંદથી ઝાઝા ટુંકારા મારે સાંભળવા પડશે. એમ કહીને તે કવિ ત્યાંથી જવા સારુ ઉભો થયો. એવામાં નરોત્તમદાસ, ગંગાબાઈ, જમનાબાઈ વગેરે કેટલાંએકનું ટોળું આવ્યું.
નરોત્તમ - કેમ કવિરાજ ઉભા થયા ?
કવિ - મેં જાણ્યું કે અહીં વિદ્યા વિલાસનનું સ્થળ હશે, પણ આ તો વાદ-વિલાસનનું સ્થળ જણાય છે. આવું જાણ્યું હોત તો હું આવત જ નહિ.
નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?
કવિ -
ઇંદ્રવિજય છંદ.
ભાળિયે ભૂતનેં ભાંગ વિભૂતિજ, આસન તે વૃષભાસનનું છે;
જ્યાં પરપત્નિ વિહાર વિવેચન, ગાયન તે ગરૂડાસનનું છે;
મુંમતિ ઉંજણિ દેખિને મંદિર જાણવું જે જિનશાસનનું છે;
જ્યાં પક્ષપાત પુરો દલપત, વડુંસ્થળ વાદ વિલાસનનું છે. ૧૮.
ભાઈ, વૈદકનો ભેદ જાણ્યા વિના વૈદું કરવા ચહાય, કે તુટેલી હોડીથી તરવા ચહાય તે કદી બને નહિ.
નરોત્તમ - કેમ જાણ્યું કે આ વાદ વિલાસનનું સ્થળ છે ?
નરોત્તમ - કોને કોને વાદ થયો, અને કોણ હાર્યું, જીત્યું ?
કવિ -
દોહરો
ચકલે લડે ચુનારિયો, જુઓ તમાસો તે જ;
લાજે નિર્લજ બોલતાં, અવશ્ય હારે એ જ.
અપશબ્દો કહિ અન્યને, હું જાણે હુશિયાર;
પણ એ વિષે પ્રવીણ તો, ભૂપર ભાંડ અપાર. ૨
દુર્ભાષણ નેં દુષ્ટતા, શિક્ષક વિના શિખાય;
સદ્ભાષણ નેં સભ્યતા, પૂરણ શ્રમે પમાય. ૩
પત્ની જે નિજ પતિ થકી, બળવિ ક્ષમા ધરનાર.
હઈએ પામે હારે "તે, હાર નહીં" શણગાર. ૪
નરોત્તમ - તમારો અને તેઓનો કાંઈ ખાનગી વિચાર મળતો આવ્યો નહિ હોય, તેથી તેઓએ એમ કર્યું હશે.
કવિ - મારા ઉપર દ્વેષ રાખે, કે ધમકી બતાવે, તેથી હું મળતો આવું કે ? અને જો હું તેઓના મતને મળીશ, તો તેઓનાથી ઉલટા હશે તેઓ મારા ઉપર દ્વેષ રાખશે. એ તો એનું એ, નેં તેનુ તે.
હાથી - નરોત્તમને એકાંતે લઈ જઈને કહે છે કે એ કવિ બહુ અભિમાન રાખે છે. માટે એનું ખૂબ અપમાન કરવું, અને જ્યાં આપણા આરતીઆ હોય, ત્યાં પત્રો મોકલવા કે એ કવિની કવિતા સરસ નથી. અને હરેક ઠેકાણે આપણા કવિની તારીફ કરવી.
નરોત્તમ - પણ સરસ કવિતાનાં પુસ્તકો છાનાં રહેવાનાં નથી.તે વાંચીને જેઓ કવિતામાં સમજતા હશે, તેઓ આપણા વિષે એવો વિચાર લાવશે કે તેઓને કવિતાનું જ્ઞાન નહિ હોય. અથવા અસત્યવાદી હશે. અને તેઓ સારી કે નરસી, લોકોના અંતઃકરણ કહી આપશે. આપણા કહેવાથી સારી કે નરસી ઠરવાની નથી.
આર્યા.
કવિતા તથા કુમારી, કહે પિયર જન નથી ખોડ ખામી;
તેથી ન સમજો સારી, પરઘર જો માન નવ પામી. ૨
અટન ન કર્યું યુરોપે, મન તેને મુંબઈ સઉથી મોટું;
પણ પારિસપુર પેખે, ખચિત પછી માનશે ખોટું. ૩.
માટે એમાંથી તો ઉલટી આપણી હલકાઈ જણાઈ આવે. અને તેની કવિતા સાંભળવાનો રસ આપણને મળે નહિ.
એમ કહીને પાછા આવીને નરોત્તમદાસે કવિને કહ્યું કે અહીં બીરાજો.
કવિ - જેવા જુસાથી હું અહીં આવ્યો હતો, તે મારો જુસો ભાંગી ગયો. તાતકાળિક. અને નવી નવી ચમત્કારી કવિતા રચીને આ સભાને મારે ખૂબ રંજન કરવી હતી. પણ મને ખાતરી થઈ કે, હવે હું ગમે તેવી સરસ કવિતા સંભળાવીશ, તો પણ આ સભા મારે વિષે ઉલટો જ વિચાર લેનારી છે. અને જેમે જેમ વધારે સારી કવિતા સંભળાવીશ, તેમ તેમના દીલમાં અસહનતાથી વધારે અદેખાઈ અને ઝેર ઉપજશે. એમ કહીને ભીંતે નટના ખેલનું ચિત્ર હતું તેમાં એકજણ વાંસ ઉપર ચઢેલો હતો, અને બીજો નીચે ઉભો ઉભો ન-બદું ન-બદું કહેતો હતો. અને ઢોલ વગાડતો હતો તેના સામું જોઈને કહે છે.
દુમિલા.
શુણરે નટ શુદ્ધ શિખામણ સારિ, કૃપાથિ તને સમજાવું કથી;
શિર સાત ઘડા ધરિ બાલક બે લઈ, દોર ચઢી ઉતર્યો દુઃખથી;
કરિ કોટિ કળા દલપત કહે, ખુબ ખેલ કરીશ મરીશ મથી;
નબદું કથવા નિરધાર કર્યો, નર તે તુજ બદનાર નથી. ૨૦
પછી હાથીભાઈએ નમ્રતાથી કહ્યું કે અમે તો સેહેજ રમુજ કરતા હતા. તમારે ઘુસો કરવો નહિ. તમે અમારા મિત્ર છો.
પીઢ - (હાથીભાઈના કનામાં કહે છે) હવે તમે એને માન આપશો, તો મારૂં માન ભંગ થશે કે નહિ ? અને તે દહાડે ઉજાણીમાં છેલો નવાલો લેતાં કહ્યું હતું કે, આપણે એક બીજાનું ભલું ઈછવું. તે તમે મારૂં શું ભલું ઈછ્યા ?
હાથી - નહિ નહિ. અમે હરેક ઠેકાણે જઈશું. ત્યાં તમારી કવિતાની તારીફ કરશું; પણ આ કવિ કોઈસમે આપણા ઉપયોગનો છે, માટે તેનું મન રાખવું જોઈએ.
પ્રોઢ - મારી કવિતા વિષે એક ભાટીઓ કહેતો હતો કે કવિતા ધારા પ્રમાણે તે કવિતા નથી, માટે એમાં કાંઈ માલ નથી.
હાથી - એ ભાટીઆને હું ઓળખું છું, માટે હું તેને કહીશ, કે આજ પછી તમારે એમ કહેવું નહિ. પણ એટલું તો ખરૂં કે તમે આ કવિના શિષ્ય થાઓ તો એક વરસની અંદર તમને કવિતા રચતાં શિખવે, અને તમારી મેળેતો, તમે દશ વર્ષે કદાપિ કવિતાને રસ્તે ચઢી શકશો.
પ્રોઢ - પ્રથમ મારો એ વિચાર હતો કે તેની પાસે છ મહિના અભ્યાસ કરવો પણ હવે એમ કરૂં તો મારી આબરૂ ઘટે.
પછી પેલા કવિને શાંત કરીને ત્યાં બેસાર્યો.
નરોત્તમ - કવિરાજ, હવે જો આપની મરજી હોય તો આપને એક સમશા પુછીએ.
કવિ - સુખેથી પુછો. મારી બુદ્ધિ પ્રમાણે હું પૂરી કરીશ.
નરોત્તમ - (ગૌરીબાઈને કહે છે) તમે કાંઈ પુછો.
ગૌરીબાઈ - (કવિને કહે છે) આ પાટિયા ઉપર અમારી મરજીમાં આવે તેવા સાત આઠ અક્ષરો લખી, તે એવી જ રીતે કવિતામાં આવે, એવું કવિત રચી આપશો ?
કવિ - આપની મરજીમાં આવે તેવા અક્ષરો લખો, તેમાં ફેરફાર કર્યા વિના તે અક્ષરો કવિતમાં ગોઠવી આપીશ.
ગંગાબાઈ - લાવો હું અક્ષરો લખું. એમ કહીને ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષ એ રીતે એક લીટી લખી.
ગૌરીબાઈ - અરે ક્ષ ઉપર તો ઘણા શબ્દો છે, એ સમશા તો લાવોને હું પૂરી કરી આપું. એમા શું છે ?
તમે તે દહાડે નિશાળમાં પણ મને સેહેલી સમશા પુછી હતી. એમ કેમ વારૂ ?
ગંગાબાઈ - એ તો આગલી રાતે અમે હજામ લોકોને નાટક કરતાં જોયા હતા તેમાં એક હજામ રામનો વેષ લાવ્યો હતો. ત્યારે મારા મનમાં એટલું ચરણ ઉત્પન્ન થયું હતું કે "રઘુપતિરામ નથી જો એ તો હજામ છે" પછી તે કવિત મારાથી પૂરૂં થઈ શક્યું નહોતું માટે મેં તમને પૂછ્યું હતું.
વારૂ, પણ હું પુછું છું તે સમશા પૂરી કરવા દો.
કવિ - સમશા પૂરી કરે છે.
ચોપાઈ.
દશ મુખને નિજ દૂત કહે છે.
લલ્લલ્લલક્ષ્મણ આવે છે,
રાવણ - છે લક્ષ્મણ શી જાત ગણત્રી ?
દૂત - ક્ષક્ષક્ષક્ષક્ષક્ષક્ષત્રી. ૧.
નરોત્તમ - એ ચોપાઈમાં ભાવાર્થ શો છે ? અને તાત્પર્યાર્થ શો છે ?
કવિ - એમાં કવિના મનનો ભાવ કહેવાનો એવો જણાય છે કે લંકા ઉપર રામની ફોજ આવી ત્યારે ત્યાંના લોકો હબક ખાઈ ગયા હતા માટે બોલતાં હાકાવાકા થઈ જતું હતું.
તાત્પર્યાર્થ કે રાવણના કરતાં રામનું જોર વધારે છે એવી ત્યાંના લોકોને ખાતરી હતી.
નરોત્તમ - કેમ ગૌરીબાઈ, તમારાથી આ સમશા આવી રીતે પૂરી શકાત કે ?
ગૌરીબાઈ - આ સમશા કઠણ હતી. માટે સઉ સમજી શકે એવી, આવી સફઈદાર મારાથી બનત નહીં. પણ શીખાઉ કવિની પઠે અધડુક શબ્દો તાણી મેળીને જોડી આપત. અથવા જેમ મનુષ્યને બદલે મનુ, શરદને બદલે શરૂદ એ રીતે આજ સુધીમાં કોઈ કવિએ લખેલા ન હોય, એવા શબ્દો બગાડીને કે ક્લિષ્ટાર્થ એટલે અર્થ સમજી શકાય નહીં, એવી ધુળધાણી જેવી કવિતા હું કરી શકત.
ગંગાબાઈ - હવે તમારાથી બની શકે નહિ, એવી કઠણ સમશા તમે પૂછો.
ગૌરીબાઈ - (પેલા અક્ષરો ભૂંશી નાખીને લખ્યું કે) ણણણણણણણ. લો આ સમશા પૂરી કરી આપો.
કવિ - વિચાર કરીને તે ઉપર કવિત રચી આપે છે.
મનહર છંદ ભ્રાંતિઅલંકાર.
ભૂપના ભવનમાં સુતો ગમાર ગામડીઓ,
ઘડી આળ-ઘોષ શુણી ભડકીને ભાગે છે;
બૂમ શુણી, બહુ લોકે કારણ પુછ્યું તો કહે,
છે તો ઘર ઠીક, પણ બીક બહુ લાગે છે;
નકી ભૂત થાય, મરી જાય જે નવા ઘરમાં,
આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે;
રાત અરધીક જ્યારે જાય દલપતરામ,
ઘણણણ, ણણ, ણણ ઘંટડિયો વાગે છે. ૨૨
નરોત્તમ - આ કવિતાનો ભાવાર્થ, અથા તાત્પર્યાર્થ શો છે ?
કવિ - ભાવાર્થ એ છે કે, ગામડીઆ જેવા ભોળા લોકો તપાસ કર્યા વિના આવા કારણને ભૂત ઠરાવે છે, અને બીએ છે. અને તાત્પર્યાર્થ એ છે કે ભૂતની વાતો ચાલે છે તે તમામ વેહેમની છે અને જુઠી છે.
નરોત્તમ - એમાં નવ રસમાંનો કિયો રસ છે ?
કવિ - ભયાનક રસ છે.
નરોત્તમ - ભયનક રસ કેટલા પ્રકારના હોય છે ?
કવિ - કર્ત્રિમ, વૈત્રાસિક, અને સહેતુક એવા ત્રણ મુખ્ય ભેદ છે. અને તેમાં અવાંતર બીજા ઘણા ભેદ છે. પણ તે નવે રસના તમામ ભેદ બીજે પ્રસંગે કહીશ. હાલ ફુરસદ નથી.
એવામાં નરોત્તમનો નહાનો ભાઈ દેવચંદ ત્યાં બેઠો હતો, તેની ઉમર ગરીબાઈ કરતાં બે ત્રણ વર્ષની વધારે હતી. ગૌરીબાઈએ તેને વચન આપેલું હતું કે હું તમારી સાથે લગ્ન કરીશ. પણ આ સમે ગૌરીનું ઘણું ડહામણ જોઈને દેવચંદે જાણ્યું કે આવી ડહામણવાળી છે તે, મને પરણશે કે નહિ, એવો સંશય આવ્યો.
એવામાં નરોત્તમે કહ્યું કે હવે દેવચંદની અને ગૌરીબાઈની પરીક્ષા લઈએ.
પછી દેવચંદને કહ્યું કે એક દોહરો કે સોરઠો તું રચી આપ જોઈએ. તને કેવી કવિતા આવડે છે ?
દેવચંદ - શા વિષે રચું ? કસુંબાના રંગ વિષે રચું ?
નરોત્તમ - હા ઠીક છે.
દેવચંદ -
સોરઠો રચ્યો.
પ્રથમ સરસ પંકાય, જલે કસુંબાની જુઓ;
જલદી ઊડી જાય, કહો રંગ શા કામનો. ૧.
નરોત્તમ - ગૌરીબાઈ, તમે કસુંબાના રંગ વિષે કાંઈ કવિતા રચી આપો જોઈએ.
ગૌરીબાઈએ જાણ્યું કે, એ સોરઠો મારા ઉપર કહ્યો, અને મારા બોલ કોલનો તેને ભરૂંસો નથી એવું જણાય છે.
પછી તેણે આ નીચે લખ્યા પ્રમાણે કવિતા રચી.
અનુઢા વક્રવિદગ્ધા નાયકા ભેદ
એ કવિતાથી જણાવ્યું કે આપણા દેશી લોકો બોલીને ફરી જાય છે, તેવી હું નથી. હું તો વિલાયતી લોકોના જેવી એકવચની છું, અને તમારી પ્રીતિનો રંગ કાચો હશે પણ મારા મનની પ્રીતિનો રંગ કાચો નથી.
વળી એક દુમેલાછંદ રચ્યો.
રંગતણી ચટકી ચઢિ જે દિન, જ્યાં અટકાવ કરી અટકી;
પાણિ ઉકાળિ પખાળિ જુઓ, વળિ પથ્થર સાથ જુઓ પટકી;
તોડિ વછોડિ મરોડિ જુઓ, કદિ કાતરે કાપિ કરો કટકી;
કોટિ ઉપાય કિધે દલપત, નટાળિ ટળે ચઢિ તે ચટકી. ૨૪
નરોત્તમ - કવિરાજ, તમે આ સમાની કંપનીઓ અને શેરો વિષે હવે એકાદ કવિત સંભળાવો એટલે બસ.
કવિ -
એ કવિતાની ચરચા સાંભળીને નરોત્તમદાસ વગેરે બધી સભા બહુ રંજન થઈ. પછી તે શેઠે કવિને મોટો શિરપાવ આપ્યો. અને ગૌરીબાઈને પણ તેના યોગ્ય આપ્યું. અને સભા બરખાશ થઈ. નરોત્તમદાસે, તથા બીજા ગૃહસ્થોએ, તે કવિને મોટી મોટી બખશીશ આપી, ત્યારે પ્રૌઢની આંખમાં અદેખાઈ આવી. વળી રાજાએ રૂ. ૫૦૦)નું અને બીજું રૂ. ૧૦૦૦નું ઈનામ આપવાનું કહીને તે કવિ પાસે બે પુસ્તકો કરાવ્યાં, ત્યારે તો પ્રૌઢના મનમાં ઘણું ઝેર ઉપઝ્યું. તેથી તેણે બુમો પાડી કે, એ કવિ કવિતામાં કાંઈ નથી સમજતો, અને તેના કરતાં હું કવિતાના કામમાં, બહુ સમજું છું. માટે એને ઈનામ આપવાં નહીં. મને ઈનામ આપો, અને હું તે પુસ્તકો રચીશ. પણ તે બુમો પાડવાથી તેનું કાંઈ વળ્યું નહીં.
પછી ગંગાબાઈને આણું પહોંચ્યું તેથી પિયરનું તેડું આવ્યું, એટલે તે પીયર ગયાં. તે પછી જમનાબાઈને વેહેમી સ્ત્રિયોની ઘણી સોબત થવાથી, તથા મંદવાડ આવ્યાથી તે દોરા ચીઠી વગેરેની ભ્રમણામાં પડી. તે પછી ગંગાબાઈ પાછાં આવ્યાં ત્યારે તેણે ભ્રમણા મટાડી.
ગંગાબાઈ જ્યારે પીયર ગયાં હતાં ત્યારે ત્યાં પોતાની માનો ઉપકાર કેવી રીતે માન્યો ? તથા નહાનપણમાં મોજશોખ પડ્યો મુકીને કેવી મેહેનતથી તેણે વિદ્યાભ્યાસ કર્યો હતો ? અને તેથી અંતે કેવું સુખ પામી. તે બધાનું વરણન એક ગરબા છંદમાં લખું છું. આગળ ઉપર એક ભણેલી બાઈએ પણ એ જ રીતે પોતાની સ્તુતિ કરી હતી.
