Mahatma Gandhi ji

Classics

2  

Mahatma Gandhi ji

Classics

ગાંધીજીનો અક્ષરદેહ - ૪

ગાંધીજીનો અક્ષરદેહ - ૪

13 mins
7.2K


[પોતાના સગા અને સહકાર્યકર શ્રી છગનલાલ ગાંધી ૧૯૦૯ની સાલમાં લંડન જવાને નીકળ્યા ત્યારે તેમને રસ પડશે અને વહેવારુ ઉપયોગની નીવડશે એવું વિચારી ગાંધીજીએ પોતાની લંડનની ડાયરી તેમને આપી હતી.

એ રોજનીશીનાં આશરે ૧૨૦ પાનાં હતાં. શ્રી છગનલાલ ગાંધીએ તે ૧૯૨૦ની સાલમાં મહાદેવ દેસાઈને આપેલી. પણ તેમ કરતા પહેલાં તેમણે મૂળમાંનું આશરે ૨૦ પાનાંનું લખાણ એક નોટબુકમાં કાળજીથી બરાબર ઉતારી લીધેલું. બાકીનાં ૧૦૦ પાનાંનું લખાણ એકધારું ચાલુ લખાણ ન હોઈ ૧૮૮૮ની સાલથી ૧૮૯૧ની સાલ સુધીના ગાંધીજીના લંડનના વસવાટ દરમિયાનના બનાવોની માત્ર તવારીખી નેાંધ જેવું હતું.

મૂળ લખાણની ચોપડી આજે કયાં છે તે જડતું નથી. શ્રી છગનલાલની ઉતારી લીધેલી નકલ અહીં આપતી વખતે સંપાદકોએ દેખીતી જોડણીની ભૂલો સુધારી છે, વિરામચિહ્‍નો ઉમેર્યા છે, કયાંક કયાંક કોઈક ખૂટતો શબ્દ મૂક્યો છે અને વાંચવામાં સરળતા રહે તેટલા ખાતર ચાલુ લખાણમાં ફકરાઓ પાડયા છે.

ગાંધીજી ઓગણીસ વરસના હતા ત્યારે આ ડાયરી તેમણે અંગ્રેજીમાં લખેલી અને તેથી તેમનું અંગ્રેજી હજી કેળવાતું જાય છે.]

લંડન,

નવેમ્બર ૧૨, ૧૮૮૮

લંડન જવાની વાત શામાંથી નીકળી? વાતની શરૂઆત એપ્રિલની આખરના અરસામાં થઈ. અભ્યાસ કરવાને માટે લંડન આવવાનો ઇરાદો પાકો થયો તે પહેલાં મારા મનમાં લંડન શું છે ને કેવું છે તે જાણવાને પેદા થયેલું કુતૂહલ સંતોષવાને અહીં આવવાનો છૂપો વિચાર હતો. ભાવનગરમાં હું કૉલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારે જયશંકર બૂચ સાથે વાત થયેલી. તેમાં તેણે મને સલાહ આપેલી કે તું મૂળ સોરઠનો વતની છે એટલે લંડન જવાને સારુ જૂનાગઢ રાજ પાસેથી સ્કૉલરશિપ મેળવવાને અરજી કર. તે દિવસે તેને મેં શો જવાબ આપેલો તે મને પૂરું યાદ નથી. હું માનું છું કે એવી શિષ્યવૃત્તિ મળવાની મને અશક્યતા લાગેલી. તે [વખત]થી મારા મનમાં આ મુલકમાં આવવાનો ઈરાદો પેદા થયેલો.

૧૮૮૮ની સાલના એપ્રિલ માસની ૧૩મી તારીખે રજા ગાળવાને હું ભાવનગરથી રાજકોટ આવ્યો. રજાના પંદર દિવસ પૂરા થયા પછી મારા મોટા ભાઈ અને હું પટવારીને મળવા ગયા. ત્યાંથી પાછા ફરતાં મારા ભાઈએ કહ્યું, "ચાલ, આપણે માવજી જોશીને મળી આવીએ." એટલે અમે તેમને ત્યાં ગયા. માવજી જોશીએ પહેલાં હમેંશની જેમ મારી તબિયતનું પૂછયું. પછી ભાવનગરમાં ચાલતા, મારા અભ્યાસ બાબતમાં થોડા સવાલ કર્યા. મેં તેમને ચોખ્ખું જણાવ્યું, પહેલે વર્ષે પરીક્ષામાં પાસ થવાશે એવું લાગતું નથી. વધારામાં મેં કહ્યું કે અભ્યાસક્રમ મને બહુ અઘરો લાગે છે. આ સાંભળી તેમણે મારા ભાઈને સલાહ આપી કે બૅરિસ્ટર થવાને માટે બને તેટલું જલદી આને લંડન મોકલી આપો. તેમના કહેવા પ્રમાણે ખર્ચ માત્ર ૫,૦૦૦ રૂપિયા થાય. "એને થોડી અડદની દાળ અને એવું બીજું લઈ જવા દેજો. ત્યાં જાતે રાંધીને

ખાશે એટલે ધર્મની બાબતમાં મુશ્કેલી નહીં આવે. આ વાત કોઈને કરશો નહીં. કોઈક સ્કૉલરશિપ મેળવવાની તજવીજ કરો. જૂનાગઢ ને પોરબંદર રાજને અરજી કરો. મારા દીકરા કેવળરામને[૧] મળો. તે છતાં પૈસાની મદદ ન મળે અને તમારી પાસે પૈસા ન હોય તો તમારું રાચરચીલું વેચી કાઢો. પણ મોહનદાસને તો કોઈ પણ હિસાબે લંડન મોકલો જ મોકલો. તમારા મરહૂમ પિતાની આબરૂ ચાલુ રાખવાનો એટલો જ રસ્તો છે." અમારા કુટુંબનાં બધાં માણસોને માવજી જોશી કહે તે વાત પર ભરોસો ઘણો. અને મારા ભાઈ સ્વભાવે સાંભળેલું ઝટ માનીને ચાલવાવાળા હોવાથી તેમણે માવજી જોશીને વચન આપ્યું કે હું મોહનદાસને લંડન મોકલીશ. હવે મારે મહેનત કરવાનો વખત આવ્યો.

આ વાત છાની રાખવાનું વચન આપેલું હોવા છતાં તે જ દિવસે મારા ભાઈએ તે ખુશાલભાઈને કરી. તેમણે અલબત્ત, હું મારો ધર્મ સાચવી શકું તો વાંધો નહીં કહી એ વાતને મંજૂરી આપી. તે જ દિવસે વળી એ વાત મેઘજીભાઈને કાને નાખવામાં આવી. તેમણે એ દરખાસ્તને પૂરી સંમતિ આપી અને મને રૂ. ૫,૦૦૦ આપવાનું કહ્યું. તેમાં મને થોડો ભરોસો હતો ખરો. અને મેં મારી વહાલી માને વાત કરી ત્યારે તેણે મને એ બધું માની લેવા જેટલું ભોળપણ બતાવવાને સારુ ઠપકો આપ્યો ને વધારામાં કહ્યું કે વખત આવશે ત્યારે એની પાસેથી તને પૈસો પણ મળવાનો નથી અને તે વખત આવવાનો પણ નથી.

તે દિવસે મારે કેવળરામની પાસે [જવાનું] હતું. તે મુજબ હું તેમને મળ્યો. ત્યાં કંઈ સંતોષકારક વાત ન થઈ. તેમણે કહ્યું કે તારો આશય સારો છે પણ "ત્યાં તને ઓછામાં ઓછા ૧૦,૦૦૦ રૂપિયા ખરચ થશે." આ મને ભારે ફટકો પડયો. વળી તેમણે કહ્યું, "તારે કોઈ ધાર્મિક આગ્રહ હશે તે બધા તારે છોડી દેવા પડશે. તારે માંસ ખાવું પડશે, દારૂ પીવો પડશે. તેના વગર તારાથી ત્યાં રહેવાશે નહીં. જેટલા વધારે પૈસા ખરચશે તેટલો તું વધારે હોશિયાર થવાનો. આ બહુ મહત્ત્વની વાત છે. હું તો ભાઈ તને ચોખ્ખી વાત કરું છું. માઠું ન લગાડીશ, પણ જો, તું હજી તદ્દન જુવાન છે, લંડનમાં પ્રલોભનોનો પાર નથી. તું તેમાં ફસાયા વગર રહે નહીં." આ વાતથી હું થોડો નિરાશ થયો. પણ એક વાર એક વાત મન પર લીધા પછી ઝટ છોડી દઉં એવો માણસ હું નથી. તેમણે મને મિ. ગુલામ મહમદ મુનશીનો દાખલો આપ્યો. મેં તેમને પૂછયું કે સ્કૉલરશિપ મેળવી આપવામાં તમે કોઈ રીતે મને મદદ કરી શકો ખરા કે નહીં? તેમણે ના પાડી. તેમણે કહ્યું કે એ વગર બીજું કંઈ હશે તો હું ખુશીથી કરીશ. મેં બધી વાત મારા ભાઈને જણાવી.

પછી મને મારી વહાલી માની સંમતિ મેળવવાનું કામ સોંપાયું. મને એ કામ બહુ અધરું લાગતું નહોતું. બેએક દિવસ પછી મારા ભાઈ ને હું કેવળરામને મળવા ગયા; તે વખતે તેઓ બહુ કામમાં હતા છતાં અમને મળ્યા. બેએક દહાડા પહેલાં મારે તેમની સાથે વાત થયેલી તેવી જ વાત ફરી તેમણે અમને બંનેને કરી. મારા ભાઈને તેમણે મને પોરબંદર મોકલવાની સલાહ આપી. એ સલાહ અમે સ્વીકારી. પછી અમે ઘેર આવ્યા. મેં મજાકમાં મારી વાત મારી મા આગળ મૂકવા માંડી. બહુ થોડી વારમાં વાત મજાકમાંથી સાચી બની ગઈ. એટલે મારે પોરબંદર જવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો.

બેત્રણ વાર હું જવા તૈયાર થયો પણ કંઈ ને કંઈ વિઘ્ન આવ્યું. મારે ઝવેરચંદ સાથે જવાનું એક વખત નક્કી થયું ત્યારે મારે નીકળવાના એક કલાક આગળ એક ગંભીર અકસ્માત થયો. મારા મિત્ર શેખ મહેતાબ સાથે મારે હમેંશ તકરાર થયા કરતી. નીકળવાને દિવસે એ તકરારોના વિચારોમાં હું ડૂબી ગયો હતો. રાતે સંગીતનો જલસો હતો. મને તેમાં બહુ મજા ન આવી. સાડા દસને સુમારે જલસો પૂરો થયો ને અમે બધા મેઘજીભાઈ અને રામીને મળવા ગયા. આખે રસ્તે એક બાજુથી હું લંડનના ગાંડાઘેલા વિચારોમાં અને બીજી બાજુથી શેખ મહેતાબના વિચારોમાં ડૂબેલો રહ્યો. વિચારમાં ને વિચારમાં અજાણતામાં હું એક ગાડીની સાથે અથડાયો. મને થોડું વાગ્યું. છતાં ચાલવામાં મેં કોઈની મદદ લીધી નહીં. મને લાગે છે મને ખૂબ તમ્મર આવતાં હતાં. પછી અમે મેધજીભાઈના ઘરમાં ગયા. ત્યાં વળી અજાણતામાં હું એક પથ્થર સાથે અફળાયો ને મને વાગ્યું. હું છેક બેભાન થઈ ગયો. તે [વખત]થી શું થયું તેની મને ખબર ન પડી અને મને પાછળથી કહેવામાં આવેલું કે પછી હું થોડાં ડગલાં ચાલીને ભેાંય પર ચત્તોપાટ ગબડી પડયો હતો. પાંચ મિનિટ સુધી મારું ભાન જતું રહ્યું હતું. મારી સાથેવાળા બધાએ માની લીધેલું કે હું મરી ગયો છું. પણ મારે સારે નસીબે જે ભોંય પર હું પડી ગયેલો તે તદ્દન સુંવાળી હતી. આખરે હું ભાનમાં આવ્યો એટલે બધા રાજી રાજી થઈ ગયેલા. મારી માને બોલાવવામાં આવી. મારી વાત જાણીને તે બહુ ગમગીન થઈ ગઈ. એથી મારું જવાનું ઢીલમાં પડયું, જોકે હું સૌને કહેતો રહ્યો કે હું તદ્દન સાજો છું ને મને હવે કંઈ નથી. પણ કોઈ મને જવા દેવા તૈયાર નહોતું. પાછળથી જોકે મને માલૂમ પડયું કે મારી હિંમતવાળી ને વહાલી મા મને જવા દેવાને તૈયાર હતી. પણ તેને બીજા લોકો વાતો કરે તેનો ડર હતો. આખરે ઘણી મુશ્કેલીએ થોડા દિવસ બાદ મને રાજકોટથી પોરબંદર જવાની પરવાનગી મળી. રસ્તે પણ મને થોડાં વિઘ્ન નડયાં.

છેવટે હું પોરબંદર પહોંચ્યો ને સૌ રાજી થયાં. લાલભાઈ અને કરસનદાસ મને ઘેર લઈ જવાને ખાડી પુલ સુધી લેવા આવ્યા હતા. હવે પોરબંદરમાં મારે જે કરવાનું [હતું તે] એ કે મારા કાકાની સંમતિ મેળવવાની હતી, બીજું, મને નાણાંની મદદ કરવાને મિ. લેલીને.અરજી કરવાની હતી, અને છેલ્લું, રાજ તરફથી સ્કૉલરશિપ ન મળે તો પરમાનંદભાઈને મને થોડાં નાણાં આપવાને કહેવાનું હતું. પહેલું કામ મેં એ કર્યું કે હું કાકાને મળ્યો અને મેં તેમને પૂછયું કે હું લંડન જાઉં તે તમને ગમે કે નહીં? પછી કુદરતી રીતે જ મેં ધાર્યું હતું તેમ લંડન જવાના ફાયદા ગણાવવાને તેમણે મને જણાવ્યું. તે મેં મને આવડયું તેવા ગણાવ્યા. એટલે તેમણે કહ્યું, "અલબત્ત, આ પેઢીના લોકોને એ ઘણું ગમે પણ મને પોતાને એ ગમતું નથી. છતાં આપણે આગળ ઉપર વિચાર કરીશું." મને આવા જવાબથી નિરાશા ન થઈ. કંઈ નહીં તો એટલું જાણવાનું મને સમાધાન મળ્યું કે ગમે તેમ પણ તેમને અંદરખાને એ વાત પસંદ હતી અને પાછળથી તેમણે જે કરી બતાવ્યું તે પરથી મેં જે ધાર્યું હતું તે ખોટું નહોતું એમ સાબિત થયું.

મારે કમનસીબે મિ. લેલી પોરબંદરમાં નહોતા. વિઘ્નો એકલાં નથી આવતાં, સામટાં આવે છે એ તદ્દન સાચું છે. પોતે સવારીએ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા બાદ તે તરત રજા પર જવાના હતા. મારા કાકાએ મને રવિવાર સુધી રાહ જોવાની સલાહ આપી. અને તેમણે મને કહ્યું કે ત્યાં સુધીમાં પાછા નહીં આવે તો તે જયાં હશે ત્યાં હું તને મોકલી આપીશ. પણ અહીં લખતાં મને ઘણી ખુશી થાય છે કે રવિવારે તે સવારીએથી પાછા ફર્યા. એટલે મારે તેમને સોમવારે મળવું એવું નક્કી થયું. તેમ હું તેમને મળવા ગયો. અંગ્રેજ સદ્દગૃહસ્થ સાથે મારે જિદગીમાં પહેલી વાર મુલાકાત લેવાનો પ્રસંગ હતો. પહેલાં તેમની સામે ઊભા રહેવાની મારામાં હિંમત નહોતી. પણ લંડનના વિચારથી હું હિંમતવાળો બન્યો. મારે તેમની સાથે ગુજરાતીમાં થોડી વાત થઈ. તેમને ઘણી ઉતાવળ હતી. પોતાના બંગલાના ઉપલા માળ પર જવાને દાદરે ચડતાં ચડતાં તે મને મળ્યા. તેમણે કહ્યું કે પોરબંદર રાજ ઘણું ગરીબ છે અને નાણાંની મદદ મને કરી શકે એમ નથી. છતાં, તેમણે કહ્યું, પહેલાં તમે હિંદુસ્તાનમાં ગ્રેજયુએટ થાઓ અને પછી મારાથી તમને કંઈ મદદ થઈ શકે એવી છે કે નહીં તે હું જોઈશ. બેશક, તેમના આવા જવાબથી મને નિરાશા થઈ, તેમની પાસેથી આવો જવાબ મળશે એવું મેં નહોતું ધાર્યું.

હવે મારે પરમાનંદભાઈને ૫,૦૦૦ રૂપિયા આપવાને કહેવાનું રહ્યું. તેમની પાસે માગતાં તેમણે મને જવાબ આપ્યો કે તારા કાકા તારી લંડન જવાની વાતને મંજૂર રાખે તો એટલાં નાણાં હું તને ખુશીથી આપીશ. એ કામ મને જરા કઠણ લાગ્યું. પણ કાકા પાસેથી મંજૂરી લાવવાનો મેં નિશ્ચય કર્યો. તેઓ કંઈક કામમાં હતા ત્યારે હું તેમને જઈને મળ્યો ને મેં તેમને આ પ્રમાણે કહ્યું : "કાકા, મારા લંડન જવાને વિષે તમે શું ધારો છો તે હવે મને કહો. અહીં આવવાનો મારો મુખ્ય હેતુ તમારી પાસેથી એ વાતની મંજૂરી લેવાનો છે." એટલે તેમણે જવાબ આપ્યો : "હું એ વાતને મંજૂરી આપી શકું તેમ નથી. હું જાત્રાએ જવાનો છું તે તું જાણે છે ખરો કે નહીં? અને તેથી લોકો લંડન જાય તે મને ગમે છે એવું કહું તો મારી નામોશી થાય કે નહીં? છતાં, તારી મા ને તારા ભાઈને એ વાત પસંદ હોય તો મને તેમાં જરાયે વાંધો નથી." એટલે મેં કહ્યું, "તો પછી તમે જાણતા લાગતા નથી કે મને લંડન જવાની પરવાનગી આપવાનો ઇન્કાર કરી તમે પરમાનંદભાઈને મને નાણાંની મદદ કરતા રોકો છો." આટલું કહેતાંની સાથે તેમણે રોષભર્યા અવાજમાં કહ્યું : "વાત એમ છે? ભલા માણસ, તે એમ શું કામ કહે છે તે તું જાણતો નથી. તે જાણે છે કે તારા જવાની વાતને હું કદી સંમતિ આપવાનો નથી. અને તેથી તે એ બહાનું આગળ ધરે છે. પણ સાચી વાત એવી છે કે તે તને એવી જાતની કોઈ મદદ કરવાનો નથી. હું કંઈ તેને મદદ કરતો રોકતો નથી." આમ અમારી વાત પૂરી થઈ. પછી હું રંગમાં આવી ગયો ને દોડતો પરમાનંદભાઈ પાસે પહોંચી ગયો. ત્યાં જઈ મારે ને કાકાને વાત થયેલી તે શબ્દશબ્દ મેં તેમને કહી સંભળાવી. એ સાંભળીને તે પણ બરાબર ગુસ્સે થઈ ગયા અને તરત જ તેમણે મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું વચન આપ્યું. તેમણે આપેલા વચનથી હું રાજી રાજી થઈ ગયો અને વધારે ખુશીનું કારણ તો એ હતું કે તેમણે તેમના દીકરાના સોગન ખાધા. ત્યારથી મેં માની લીધું કે હવે હું જરૂર લંડન જવાનો. પછી હું થોડા દિવસ પોરબંદર રોકાયો અને જેમ વ

ધારે રોકાયો તેમ મને આપવામાં આવેલા વચનની મને વધારે ખાતરી આપવામાં આવતી ગઈ.

હવે હું નહોતો તે દરમિયાન રાજકોટમાં બન્યું તે જોઈએ. મારે કહેવું જોઈએ કે મારો મિત્ર શેખ મહેતાબ ઘણો અડપલાંખોર છે. તેણે મેઘજીભાઈને તેમનું વચન યાદ દેવડાવ્યું અને એક કાગળ લખી તેના પર મારી ખોટી સહી કરી તેમાં જણાવ્યું કે મારે ૫,૦૦૦ રૂપિયાની જરૂર છે વગેરે. તે કાગળ તેમને બતાવવામાં આવ્યો અને તે ખરેખર મારા કાગળ તરીકે ચાલી ગયો. એથી પછી એ તદ્દન ફુલાઈ ગયા અને મને રૂપિયા ૫,૦૦૦ આપવાનું તેમણે ગંભીર વચન આપ્યું. હું રાજકોટ પહોંચ્યો ત્યાં સુધી મને આ વાતની ખબર આપવામાં આવી નહોતી.

હવે પોરબંદર પાછા ફરીએ. છેવટે મારે નીકળવાનો દિવસ ઠરાવવામાં આવ્યો. મેં મારા કુટુંબીઓની વિદાય લીધી અને હું મારા ભાઈ કરસનદાસ તેમ જ મેઘજીના ખરેખર કંજૂસાઈના અવતાર જેવા પિતા સાથે રાજકોટ જવા ઊપડયો. રાજકોટ જતા પહેલાં મારું રાચરચીલું વેચી કાઢવાને અને ઘરનું ભાડું ચડતું રોકવાને હું ભાવનગર જઈ આવ્યો. આ કામ મેં એક જ દિવસમાં પતાવ્યું અને આડોશપાડોશના મિત્રોથી અને મારાં માયાળુ ઘરમાલિક બહેનથી હું છૂટો પડયો. એ લોકોને મને વિદાય આપતાં અાંખમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમનું તેમ જ અનુપરામનું અને બીજા લોકોનું માયાળુપણું હું કદી નહીં વીસરું. આમાંથી પરવારીને હું રાજકોટ પહોંચ્યો.

પણ ત્રણ વરસ સુધી રાજકોટથી બહાર જતા પહેલાં મારે કર્નલ વૉટસનને મળવાનું હતું. ૧૮૮૮ની સાલના જૂન માસની ૧૯મી તારીખે તેમનું રાજકોટ આવવાનું થવાનું હતું. આ સાચે જ મારે માટે બહુ લાંબો ગાળો હતો કેમ કે હું રાજકોટ મેની શરૂઆતમાં પહોંચી ગયેલો. પણ એમાં મારું કંઈ ચાલે એવું નહોતું. મારા ભાઈ કર્નલ વૉટસન પાસે મોટી આશા રાખતા હતા. એ દિવસો કાઢવા ખરેખર કપરા હતા. રાતે મને બરાબર ઊંઘ આવતી નહીં અને સ્વપ્નાનો હુમલો હમેશ થતો. કેટલાક લોકો મને લંડન ન જવાને સમજાવતા તો બીજા વળી જવાની સલાહ આપતા. કોઈ કોઈ વાર મારી મા પણ મને ન જવાનું કહેતી અને સૌથી વધારે નવાઈની વાત તો એ કે મારા ભાઈ પણ વારંવાર પોતાનો વિચાર ફેરવતા. આમ મારું મન દ્વિધામાં રહેતું. પણ બધાં જાણતાં હતાં કે એક વાર એક વાત શરૂ કર્યા પછી હું તેને છોડું એવો નહોતો એટલે ચૂપ રહેતાં. એ દરમ્યાન મેઘજીભાઈના વચનને વિષે તેમને પૂછી જોવાનું મારા ભાઈએ મને કહ્યું. અલબત્ત, જવાબ તદ્દન નિરાશાજનક મળ્યો અને ત્યારથી તેણે હમેંશ દુશ્મનનો ભાગ ભજવવા માંડયો. જેની ને તેની આગળ તેણે મારું ભૂંડું બોલવા માંડયું. પણ તેનાં મહેણાંટોણાંની હું પૂરી અવગણના કરી શકયો. મારી વહાલી મા આથી તેના પર ખૂબ ગુસ્સે થઈ અને તે કેટલીક વાર બેચેન પણ થતી. પણ હું તેને સહેલાઈથી સાંત્વન આપી રાજી કરી શકતો અને મારી વહાલી મા મારે ખાતર દુ:ખી થઈ આંસુ સારતી હોય ત્યારે તેને સમજાવી રાજી કરી ખડખડાટ હસાવવામાં હું ઘણી વાર સફળ થયો છું તે વાતથી મને ઘણું સમાધાન છે. આખરે કર્નલ વૉટસન આવ્યા. હું તેમને મળ્યો. તેમણે કહ્યું: "હું એનો વિચાર કરીશ," પણ મને તેમની પાસેથી કદી કોઈ જાતની મદદ મળી નહીં. મને કહેતાં દિલગીરી થાય છે કે ઘણી મહેનતે તેમની પાસેથી પરિચયની નજીવી ચિઠ્ઠી હું મેળવી શકયો. અને તે આપતી વખતે તેમણે દમામથી કહેલું કે એ ચિઠ્ઠીની કિંમત એક લાખ રૂપિયા છે. એ વાત યાદ આવે છે ત્યારે આજે મને હસવું આવે છે!

હવે મારો નીકળવાનો દિવસ મુકરર કરવામાં આવ્યો. પહેલાં તે ઑગસ્ટની ચોથી હતી. પણ વાત હવે છેવટની હદે પહોંચી. હું ઇંગ્લંડ જવાનો છું એ વાત છાપાંઓમાં જાહેર થઈ. મારા ભાઈને કોઈ ને કોઈ મારા જવાની વાત પૂછતું જ હોય. આ ઘડીએ તેમણે મને જવાનું માંડી વાળવાને કહ્યું. પણ મેં તેવું કર્યું નહીં. એ પછી તે રાજકોટના હિઝ હાઈનેસ ઠાકોરસાહેબને મળ્યા અને તેમને મને નાણાંની મદદ કરવાની વિનંતી કરી. પણ ત્યાંથી કશી મદદ મળી નહીં. પછી હું છેવટનો એક વાર ઠાકોરસાહેબને અને કર્નલ વૉટસનને મળ્યો. કર્નલે મને પરિચયનો કાગળ આપ્યો ને ઠાકોરસાહેબે પોતાની છબી આપી. અહીં મારે નોંધવું જોઈએ કે આ ગાળા દરમિયાન ત્રાસી જવાય એવી જે ખુશામત મારે કરવી પડી તેથી મને બહુ ગુસ્સો આવતો. ગમે તે વાત માની લેનારા મારા ભોળા વહાલા ભાઈનો વિચાર મારે કરવાનો ન હોત તો હું આવી હડહડતી ખુશામતમાં પડયો ન હોત. આખરે ઑગસ્ટની દસમી તારીખ આવી અને મારા ભાઈ, શેખ મહેતાબ, શ્રી નાથુભાઈ, ખુશાલભાઈ અને હું રાજકોટ છોડીને નીકળ્યા.

રાજકોટથી મારે મુંબઈ જવાનું હતું. તે શુક્રવારની રાત હતી. નિશાળમાં મારી સાથે ભણનારા વિઘાર્થીઓએ મને માનપત્ર આપ્યું. માનપત્રનો જવાબ આપવાને હું ઊભો થયો ત્યારે મને બહુ ગભરાટ થયો. મારે જે કહેવાનું હતું તે કહેતાં હું અડધે આવ્યો ત્યારે ધ્રૂજવા માંડયો. હિંદ પાછો ફર્યા બાદ હું ફરી એવું નહીં કરું એવી મને આશા છે પણ આગળની વાતની ચર્ચા છોડી મારે જે નોંધવાનું છે તે જ લખવું સારું. તે રાતે મને વિદાય આપવાને ઘણા લોકો આવ્યા હતા. તેમાં ભાઈઓ કેવળરામ, છગનલાલ (પટવારી), વ્રજલાલ, હરિશંકર, અમૂલખ, માણેકચંદ, લતીબ, પોપટ, ભાણજી, ખીમજી, રામજી, દામોદર, મેઘજી, રામજી કાળીદાસ, નારણજી, રણછોડદાસ, મણિલાલ હતા. જટાશંકર વિશ્વનાથ અને બીજા પણ હતા. પહેલું સ્ટેશન ગોંડળ આવ્યું. ત્યાં ડૉ. ભાઉને મળ્યા ને ત્યાંથી કપૂરભાઈને સાથે લીધા. નાથુભાઈ જેતપુર સુધી સાથે રહ્યા. ધોળા સ્ટેશને ઉસ્માનભાઈ અમને આવી મળ્યા અને વઢવાણ સુધી સાથે આવ્યા. ધોળા સ્ટેશને ભાઈઓ નારણદાસ, પ્રાણશંકર, નરભેરામ, આણંદરાય અને વ્રજલાલ વિદાય આપવાને આવ્યા હતા.

એકવીસમી તારીખને દિવસે મારે મુંબઈથી નીકળવાનું હતું. પણ મુંબઈમાં મને જે વિઘ્ન નડયાં તેનું વર્ણન કર્યું જાય એમ નથી. મારા ન્યાતીલાઓએ મને આગળ જતો રોકવાને થાય તે બધું કર્યું. તેમાંના લગભગ બધા જ સામે હતા. અને આખરે મારા ભાઈ ખુશાલભાઈ અને ખુદ પટવારીએ સુધ્ધાં મને ન જવાની સલાહ આપી. પણ મેં તેમની સલાહ કાને ન ધરી. પછી દરિયાના તોફાનની વાતને બહાને મારું નીકળવાનું લંબાયું. એ પછી મારા ભાઈ અને બીજા બધા પાછા ગયા. પણ ૧૮૮૮ની સાલના સપ્ટેમ્બર માસની ૪થી તારીખે મેં એકાએક મુંબઈ છોડયું. એ વખતે ભાઈઓ જગમોહનદાસ, દામોદરદાસ અને બેચરદાસનો મારા પર બહુ ઉપકાર થયો. શામળજીનો તો હું પાર વગરનો ઋણી છું અને રણછોડલાલે મારે સારુ જે કરેલું તે તો હું જાણતો પણ નથી. તે ઉપકાર કરતાં પણ કંઈક વિશેષ હતું. ભાઈઓ જગમોહનદાસ, માનશંકર, બેચરદાસ, નારાયણદાસ પટવારી, દ્વારકાદાસ, પોપટલાલ, કાશીદાસ, રણછોડલાલ, મોદી, ઠાકોર, રવિશંકર, ફિરોજશાહ, રતનશાહ, શામળજી અને બીજા થોડા સ્ટીમર क्लाईड પર મને વળાવવાને આવ્યા. એમાંથી પટવારીએ મને પાંચ રૂપિયા આપ્યા, શામળજીએ પણ એટલા જ આપ્યા, મોદીએ બે આપ્યા, કાશીદાસે એક આપ્યો, નારણદાસે બે આપ્યા, અને બીજા થોડા લોકોએ.


Rate this content
Log in

Similar gujarati story from Classics