STORYMIRROR

Mahatma Gandhi ji

Classics

2  

Mahatma Gandhi ji

Classics

ગાંધીજીનો અક્ષર દેહ - ૫

ગાંધીજીનો અક્ષર દેહ - ૫

29 mins
14.9K


ભાઈ માનશંકરે મને ચાંદીનો છેડો આપ્યો અને તે સૌ મને ત્રણ વરસને માટે વિદાય આપીને પાછા ફર્યા. આ પૂરું કરતા પહેલાં મારે નોંધવું જોઈએ કે હું જે સ્થિતિમાં હતો તેમાં કોઈ બીજો હોત તો મને ખાતરી છે કે તે વિલાયતનું બારું જોવા પામ્યો ન હોત. મારે જે મુશ્કેલીઓ પાર કરવી પડી તેમને લીધે એમ ને એમ બનત તેના કરતાં ઇંગ્લંડ મને વધારે પ્યારું બન્યું.

४थी सप्टे., १८८८. દરિયાની સફર. આગબોટે લંગર ઉપાડયું ત્યારે સાંજના પાંચ વાગ્યાનો સુમાર હતો. સફરમાં મને શું થશે. ફાવશે કે નહીં તેની મને ઘણી ફિકર રહેતી હતી. પણ સારે નસીબે મને દરિયાની સફર ફાવી ગઈ. આખીયે સફરમાં મને દરિયાઈ માંદગી ન નડી અને ઊલટીઓ પણ ન થઈ. મારી જિદગીમાં આગબોટની આ મારી પહેલવહેલી મુસાફરી હતી. સફરમાં મને બહુ મજા આવી. આશરે છ વાગ્યાને સુમારે ભોજનનો ઘંટ વાગ્યો. આગબોટ પર ખાણીપીણી વગેરેની વ્યવસ્થા સંભાળનારા સ્ટુઅર્ડે મને જમવાના ટેબલ પર જવાને કહ્યું. પણ ત્યાં જઈને જમવાને બદલે મેં હું મારી સાથે જે લઈ આવ્યો હતો તે ખાધું. મિ. મજમુદાર પહેલી જ રાતે મારી સાથે જે છૂટથી વર્ત્યા તેથી મને ઘણી નવાઈ થઈ. અમે જાણે બહુ જૂની ઓળખાણવાળા હોઈએ તેવી રીતે તેમણે મારી સાથે વાતો કરી. તેમની પાસે કાળો કોટ નહોતો. તેથી ભોજનમાં જવાને માટે મેં મારો તેમને આપ્યો. તે પહેરીને તે ટેબલ પર ગયા. તે રાતથી તે મને બહુ ગમી ગયા. તેમણે પોતાની ચાવીઓ મને સેાપી દીધી અને તે જ રાતથી હું તેમને મારા મોટા ભાઈ ગણીને ચાલવા લાગ્યો. એડન સુધી અમારી સાથે એક મરાઠા દાક્તર હતા. એકંદરે તે સારા માણસ લાગતા હતા. આમ બે દિવસ સુધી બોટ પર હું જે મીઠાઈ ને ફળફળાદિ લઈ ગયો હતો તેના પર મેં ચલાવ્યું. તે પછી બોટ પરના થોડા નોકરો સાથે મિ. મજમુદારે અમારે માટે રસોઈની ગોઠવણ કરી. મારાથી તો આવી કોઈ સમજૂતી થઈ જ ન શકત. અમારી સાથે એક અબદુલ મજીદ કરીને ભાઈ હતા તે પહેલા વર્ગના મુસાફર હતા. જયારે અમે સલૂનના હતા. પેલા નોકરે કરેલી રસોઈનું ભોજન અમને ફાવી ગયું.

હવે થોડી આગબોટ વિષે વાત. આગબોટ પરની વ્યવસ્થા મને ઘણી ગમી. આપણે કૅબિનોમાં અગર સલૂનમાં બેસીએ છીએ ત્યારે કૅબિનો કે સલૂન સ્ટીમરના ભાગ છે એવો ખ્યાલ આપણને રહેતો નથી. કેટલીક વાર તો આગબોટની ગતિ પણ આપણને જરાયે વરતાતી નથી. કામદારો અને ખારવાઓની ચપળતા વખાણવા લાયક હતી. આગબોટ પર સંગીતનાં વાદ્યો હતાં. હું વારંવાર પિયાનો વગાડતો. બોટ પર પત્તાં, શેતરંજ અને ડ્રાફટ્સની રમતોની વ્યવસ્થા હતી. યુરોપિયન મુસાફરો રાતે કેટલીક રમતો રમતા. તૂતકોથી મુસાફરોને ઘણી રાહત રહે છે. સામાન્યપણે કૅબિનોમાં બેસી રહેવાનો આપણને કંટાળો આવે તૂતકો પર આપણને તાજી હવા મળે. તમારામાં હિંમત હોય ને આગળ પડવાનો ગુણ હોય તો તમારી સાથેવાળા બીજા મુસાફરોમાં તમે ભળી શકો ને તેમની સાથે વાતોમાં ઊતરી શકો. આકાશ ચોખ્ખું હોય ત્યારે દરિયાનો દેખાવ મજાનો હોય છે. એક અજવાળી રાતે હું દરિયો નીરખતો હતો. પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ મને દેખાતું હતું. મોજાંઓ હાલતાં તેથી જાણે ચંદ્ર આમથી તેમ ઝોલાં ખાતો હોય એવું લાગતું હતું. એક અંધારી રાતે આકાશ નિર્મળ હતું ત્યારે તારાઓનાં પ્રતિબિંબ પાણીમાં પડતાં હતાં. તે વખતે અમારી આજુબાજુનું દૃશ્ય ઘણું મનોહર હતું. પહેલાં તો એ શું છે તેની મને કલ્પના ન આવી. તે પ્રતિબિંબો જાણે બધા હીરા વેરાયેલા પડયા હોય એવાં લાગતાં હતાં. પણ હીરો પાણીમાં તરે નહીં એ હું જાણતો હતો. પછી મને લાગ્યું કે માત્ર રાત્રે દેખી શકાય એવાં આગિયા જેવાં એ જંતુઓ હશે. આવા વિચારોમાં આકાશ તરફ નજર જતાં હું તરત સમજયો કે એ બધું બીજું કંઈ નથી પણ પાણીમાં પડેલાં તારાઓનાં પ્રતિબિંબ છે. મને મારી મૂર્ખાઈ પર હસવું આવ્યું. તારાઓના આ પડછાયા આપણને આતશબાજીનો ખ્યાલ આપે છે. કેમ જાણે આપણે બંગલાના માળ પર ઊભા ઊભા આપણી સામે આતશબાજી ઊડતી ન જોતા હોઈએ ! હું ઘણી વાર એ દૃશ્યની મજા ભોગવતો.

કેટલાક દિવસ સુધી મારી સાથેવાળા કોઈ મુસાફર સાથે મારે કશી વાત થઈ નહોતી. રોજ સવારે હું આઠ વાગ્યે ઊઠતો, દાંત સાફ કરી જાજરૂ જતો અને પછી નાહી લેતો. અંગ્રેજી જાજરૂઓમાંની વ્યવસ્થાથી દેશી મુસાફરોને અચરજ થતું. તેમાં આપણને પાણી આપવામાં આવતું નથી ને કાગળના કકડા વાપરવા પડે છે.

પાંચેક દિવસની દરિયાની સફર ભોગવી અમે એડન પહોંચ્યા. એ દિવસોમાં જરા સરખી જમીન કે કોઈ ડુંગર અમારા જોવામાં ન આવ્યાં. મુસાફરીમાં કાયમ એકધારું પાણી જોઈ જોઈને અમે કંટાળી ગયા હતા અને તેથી જમીનનું દર્શન કરવાને ઝંખતા હતા. આખરે છઠ્ઠા દિવસની સવારે અમને જમીન જોવાની મળી. બધા આનંદમાં ને ઉત્સાહમાં આવી ગયા. સવારના અગિયાર વાગ્યાને સુમારે અમે એડનના બારામાં લંગર નાખ્યું. ત્યાં થોડા છોકરા નાની નાની હોડીમાં આવ્યા. એ બધા પાવરધા તરવૈયા હતા. કેટલાક યુરોપિયનોએ પાણીમાં થોડા સિક્કા નાખ્યા. છોકરાઓ પાણીમાં ઊંડે સુધી જઈ તે શોધી લાવતા. મને થયું હું પણ આવું કરી શકું તો કેવું ! એ દેખાવ મજાનો હતો. અર્ધોએક કલાક અા દેખાવની મોજ કરી લઈ અમે એડન જોવા ગયા. અહીં મારે જણાવી દેવું જોઈએ કે અમે માત્ર છોકરાઓને પાણીમાંથી સિક્કા શોધી લાવતા જોયા હતા; અમારામાંથી કોઈએ એક પણ પાઈ પાણીમાં નાખી નહોતી. આ દિવસથી વિલાયતમાં ખરચ કેવો થશે તેનો અમને અનુભવ થવા લાગ્યો. અમે ત્રણ જણ હતા ને અમારે હોડીના ભાડાના બે રૂપિયા આપવા પડયા. બોટથી કિનારો ભાગ્યે જ એક માઈલ અાઘો હશે ! કાંઠે અમે પંદર મિનિટમાં પહોંચી ગયા. પછી અમે ગાડી ભાડે કરી. પાણીની ટાંકી અને તેની વ્યવસ્થા જોવા જવા અમે માગતા હતા કારણ કે એડનમાં જોવા જેવી જગ્યા એટલી જ હતી. પણ દુર્ભાગ્યે વખત પૂરો થઈ જવાથી અમારાથી ત્યાં ન જવાયું. અમે એડનની લશ્કરી છાવણી જોઈ આવ્યા. લત્તો સારો હતો; મકાનો સારાં હતાં. એ ઘણીખરી દુકાનો હતી. મકાનોની રચના ઘણીખરી રાજકોટમાં આવેલા બંગલાઓના જેવી અને ખાસ કરીને પોલિટિકલ એજન્ટના નવા બંધાયેલા બંગલા જેવી હતી. ત્યાં કોઈ કૂવો કે મીઠા પાણીનું સ્થળ અમને જોવાનું ન મળ્યું. મને ડર છે કે કદાચ તળાવોમાં જ મીઠું પાણી હશે. સૂરજનો તાપ અતિશય પડતો હતો. હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો. રાતા સમુદ્રથી અમે બહુ દૂર નહોતા તે આનું કારણ હતું. વધારે અચંબો તો એ થયો કે એકે ઝાડ અગર લીલો છોડ મને જોવાનો ન મળ્યો. માણસો ગધેડા પર કે ખચ્ચર પર સવારી કરી ફરતા. અમને પણ બેસવાને જોઈએ તો ખચ્ચર ભાડે મળે એમ હતું. છાવણી એક ટેકરી પર આવેલી છે. પાછા ફરતી વખતે હોડીવાળાએ અમને માહિતી આપી કે ઉપર મેં જે છોકરાઓની વાત લખી છે તેમને કેટલીક વાર ઈજા થાય છે. દરિયાનાં જાનવરો કોઈકના પગ તો કોઈકના હાથ કરડી ખાય છે. અને છતાં એ છોકરાઓમાંનો એકેએક આપણી તો બેસવાની હિંમત પણ ન ચાલે તેવી પોતાની નાનકડી હોડીમાં બેઠો હતો કેમ કે તે બધા બહુ ગરીબ હતા. ગાડીના ભાડાનો અમારે દરેકે એક એક રૂપિયો આપવો પડયો. બપોરે બાર વાગ્યે લંગર ઊપડયું અને અમે એડન છોડયું. 'પણ એ દિવસ પછી જમીન અમારી નજર બહાર ગઈ નહીં.

સાંજે અમે રાતા સમુદ્રમાં પ્રવેશ કર્યો. અમને ગરમી લાગવા માંડી. પણ કેટલાક લોકો મુંબઈમાં કહેતા હતા તેવી એ દઝાડે એવી નહોતી એમ મને લાગે છે. અલબત્ત, કેબિનોમાં તો સહન થાય એવી નહોતી. વળી, માથે સીધો તડકો તમારાથી લેવાય નહીં, તમારી કૅબિનમાં તો તમને પાંચ મિનિટ પણ રહેવાનું ગમે નહીં. પણ તૂતક પર હો તો તાજી હવાવાળો મજાનો પવન તમને મળે. કંઈ નહીં તો હું તો એ મજા લેતો. લગભગ બધા મુસાફરો તૂતક પર સૂતા અને હું પણ તેમ જ કરતો. સવારના તરતના ઊગેલા સૂરજનો તડકો પણ ખમાય નહીં એવો હોય. પણ તૂતક પર હો ત્યાં તમે હંમેશ સલામત. આવી આકરી ગરમી આપણને ત્રણ દહાડા લાગે. પછી ચોથી રાતે અમે સુએઝની નહેરમાં પેઠા. દૂરથી સુએઝના દીવા અમે જોઈ શકતા. રાતો સમુદ્ર કયાંક પહોળો તો કયાંક છેક સાંકડો હતો. કયાંક કયાંક તો એટલો બધો કે બંને બાજુની જમીન દેખાય. સુએઝની નહેરમાં દાખલ થતાં પહેલાં અમે હેલ્સ ગેટ[નરકના દરવાજા]માંથી પસાર થયા. હેલ્સ ગેટ પાણીની ઘણી સાંકડી નાળ છે ને તેની બંને બાજુ ટેકરીઓ આવેલી છે. એમાંથી પસાર થતાં ઘણાં વહાણ અથડાઈને ભાંગી જાય છે તેથી એનું એવું નામ પડેલું છે. અમે રાતા સમુદ્રમાં એવું ભાંગેલું વહાણ જોયું. સુએઝમાં અમે અર્ધાએક કલાક રોકાયા. હવે કહેવામાં આવ્યું કે તમને ટાઢ વાવા માંડશે. કોઈ વળી કહેતા કે એડન છોડયા પછી તમારે દારૂની જરૂર પડશે. પણ એ વાત ખોટી હતી. હવે મેં મારી જોડેવાળા મુસાફરો સાથે થોડી થોડી વાત કરવા માંડી હતી. તેમણે કહ્યું કે એડન છોડયા પછી તમારે માંસના ખોરાકની જરૂર પડવાની; પણ તેવું નહોતું. જિંદગીમાં પહેલી વાર અમારી બોટને માથે મેં વીજળીની બત્તી જોઈ તે ચાંદરણા જેવી લાગતી હતી. વહાણનો આગલો ભાગ ઘણો મજાનો દેખાતો હતો. જેમ બીજો માણસ આપણા કરતાં આપણા શરીરની સુંદરતા વધારે સારી રીતે જોઈ શકે તેમ મને લાગે છે કે બહાર બીજી જગ્યા પર ઊભેલા માણસને તે વધારે સુંદર લાગતો હોવો જોઈએ. સુએઝ નહેરની રચના હું સમજી શકતો નથી. તે અદ્દભુત છે એમાં શંકા નથી. જેણે તેની શોધ કરી હશે તેની પ્રતિભા કેવી જબરી હશે તેની હું કલ્પના કરી શકતો નથી. તેણે એ બધી રચના કેવી રીતે કરી હશે તેની મને ખબર પડતી નથી. તેણે કુદરત સાથે હરીફાઈ કરી છે એટલી વાત સાચી. બે સમુદ્રને જોડી આપવાની વાત કંઈ જેવીતેવી નથી. નહેરમાંથી એકી વખતે એક જ વહાણ પસાર થઈ શકે છે. તેને માટે વહાણ ચલાવવાની ભારે આવડત જોઈએ. નહેરમાં આગબોટ બહુ ધીમી ચાલે છે. આપણને તે ચાલે છે એવું વરતાતું નથી. નહેરનું પાણી તદ્દન મેલું છે. મને તેની ઊંડાઈનું માપ યાદ રહ્યું નથી. રામનાથ આગળ આજીની. છે તેટલી જ તેની પહોળાઈ છે. બંને બાજુ પર ફરતા માણસો જોઈ શકાય છેઃ નહેરની પાસેનો પ્રદેશ વેરાન છે. નહેરની માલકી ફ્રેંચ લોકોની છે. વહાણને દોરવાને સારુ ઇસ્માઇલિયાથી બીજો સુકાની આવે છે. નહેરમાંથી પસાર થતા દરેક વહાણ માટે ફ્રેંચ લોકો અમુક રકમ વસૂલ કરે છે. એ આમદની ઘણી મોટી થતી હોવી જોઈએ. વહાણ પરની વીજળીની બત્તી ઉપરાંત બંને બાજુ પર આશરે વીસ ફૂટ દૂર બીજા દીવાઓ દેખાય છે એ દીવાઓ જુદા જુદા રંગના હોય છે, વહાણને દીવાની આ બંને હાર વચ્ચેથી જવાનું હોય છે. વહાણને નહેરમાંથી પસાર થતાં આશરે ચોવીસ કલાક લાગે છે. ત્યાંના દૃશ્યનું વર્ણન કરવાનું મારા ગજા બહારનું છે. તમે જાઓ નહીં ત્યાં સુધી તમને તે જોવાથી આવતી મજાનો ખ્યાલ નહીં આવે. પોર્ટ સૈયદ નહેરનું બીજું નાકું છે. પોર્ટ સૈયદ સુએઝ નહેરને લીધે હસ્તીમાં આવ્યું છે. અમે સાંજે પોર્ટ સૈયદમાં લંગર નાખ્યું. વહાણ ત્યાં એક કલાક રોકાવાનું હતું, પણ પોર્ટ સૈયદ જોવાને એક કલાક પૂરતો હતો. હવે અંગ્રેજી ચલણ શરૂ થયું હિંદુસ્તાનનું નાણું અહીં બિલકુલ કામ આવતું નથી. દરેક હોડીનું ભાડું છ પેન્સ છે. એક પેનીની કિંમત એક આનો થાય. પોર્ટ સૈયદમાં મકાનોની રચના ફ્રેન્ચ ઢબની છે. અહીં આપણને ફ્રેન્ચ રહેણીકરણીનો ખ્યાલ મળે છે. અહીં અમે કેટલાંક કૉફી રેસ્ટોરાં જોયાં. પહેલાં મને લાગ્યું કે એ નાટકનાં થિયેટર છે. પણ એ તો કૉફીની હોટલ હતી. ત્યાં બેસીને તમે એક બાજુથી કૉફી કે સોડા કે ચા કે બીજું કોઈ પીણું પીઓ અને બીજી બાજુથી સંગીત સાંભળો. કેટલીક સ્ત્રીઓ ફિડલ બૅન્ડ બજાવે છે. આ જગ્યાઓ જે કાફે નામથી ઓળખાય છે તેમાં મુંબઈમાં લેમનેડની એક બાટલી આપણને એક પેનીથીયે ઓછામાં મળે છે તેની બાર પેન્સ કિંમત આપવી પડે છે. ઘરાકોને સંગીત મફત સાંભળવાનું મળે છે એમ કહેવાય છે. પણ ખરેખર એવું નથી. સંગીત પૂરું થાય એટલે રૂમાલથી ઢાંકેલી એક થાળી હાથમાં લઈ એક સ્ત્રી ફરીને દરેક ઘરાકની આગળ ધરે છે. એનો અર્થ એ કે તમારે તેને કંઈક આપવું જોઈએ અને આપણને આપવાની ફરજ પડે. અમે કાફેમાં ગયા ત્યાં અમે તેવી સ્ત્રીને છ પેન્સ આપ્યા. પોર્ટ સૈયદ કેવળ મોજમજા ઉડાવવાનું સ્થળ છે. ત્યાંનાં પુરુષો ને સ્ત્રીઓ બડાં ચાલાક હોય છે. તમને જુદી જુદી જગ્યાઓ બતાવવાને દુભાષિયો તમારી પાછળ પાછળ ફરે છે. પણ તમારે હિંમતથી તેને કહેવું કે તારી જરૂર નથી. પોર્ટ સૈયદ રાજકોટના પરાથી મોટું નથી. સાંજે સાત વાગ્યે અમે પોર્ટ સૈયદ છોડયું.

અમારી સાથેના સફરીઓમાંના એક મિ. જેફ્રિસ મારી સાથે બહુ માયાળુપણે વર્ત્યા. તે હંમેશ મને કહેતા કે ટેબલ પર જા ને તે પરથી કંઈક ખા. પણ હું ન જતો. તેણે મને વળી કહ્યું કે બ્રિન્ડિસી છોડ્યા પછી તને ટાઢ લાગશે. પણ તેવું નહોતું. ત્રણ દિવસ બાદ રાત્રે અમે બ્રિન્ડિસી પહોંચ્યા. બ્રિન્ડિસીનું બારું રળિયામણું છે. આગબોટ છેક કિનારાને અડીને ઊભી રહે છે અને ત્યાં રાખવામાં આવેલી એક નિસરણીથી તમે કાંઠે ઊતરી પડો છો. [અંધારું] હોવાથી બ્રિન્ડિસી હું ઝાઝું જોવા ન પામ્યો. ત્યાં બધા ઈટાલિયન બોલે છે. બ્રિન્ડિસીના રસ્તા પર પથ્થર જડેલા છે. તેના મહોલ્લા ઢાળવાળા છે. તે પર પણ પથ્થર જડેલા છે. દીવાબત્તીને માટે ગેસ વપરાય છે. અમે બ્રિન્ડિસીનું રેલવે સ્ટેશન જોયું. બી. બી. એન્ડ સી. આઈ. રેલવેનાં સ્ટેશનો જેટલું તે સુંદર નહોતું. પણ રેલવે ગાડીના ડબ્બા આપણા ડબ્બાઓ કરતાં ઘણા મોટા છે. વાહનવહેવાર અને અવરજવર સારાં હતાં. તમે બ્રિન્ડિસી ઊતરો અને કાળા માણસ હો તો કોઈ માણસ તમને આવીને કહેશે : "સાહેબ, ત્યાં ચૌદ વરસની સુંદર છોકરી છે. મારી પાછળ આવો એટલે હું તમને ત્યાં લઈ જઈશ; દામ કંઈ વધારે નથી, સાહેબ!" આથી તમે એકદમ ગૂંચવાડામાં પડી જાઓ છો. પણ એ વખતે શાંત રહી હિંમતથી જવાબ આપવો કે મારે તેની જરૂર નથી. વળી તે માણસને ચાલી જવા જણાવવું એટલે તમે સલામત રહેશો. તમને કોઈ મુશ્કેલી આવે તો તમારી પાસેનાં પોલીસ સિપાઈને એકદમ મળવું અથવા પાસે જ જે મોટું મકાન તમારા જોવામાં આવ્યા વગર નહીં રહે તેમાં જઈને પૂછવું. તેમાં પેસતાં પહેલાં જોકે મકાન પરનું નામ વાંચી લેવું અને તે સૌને માટે ખુલ્લું છે કે નહીં તેની ખાતરી કરી લેવી. અાની તમને એકદમ ખબર પડી જશે. ત્યાં ઊભેલા દરવાનને તમે મુશ્કેલીમાં છો એટલું જણાવશો કે તાબડતોબ તે તમને તમારે શું કરવું તે જણાવશે. તમારામાં જરૂરી હિંમત હોય તો દરવાનને તમારે તમને વડા અમલદાર પાસે લઈ જવાને કહેવું અને તેને તમારી મુશ્કેલી જણાવવી. મોટું મકાન મેં કહ્યું તેનો અર્થ એ સમજવાનો છે કે ટૉમસ કૂક, અથવા હેનરી કિંગ કે એવા જ કોઈક એજન્ટનું છે. તે લોકો તમારી સંભાળ લેશે. આવે પ્રસંગે કંજૂસાઈ ન કરવી. દરવાનને કંઈક આપવાને ચૂકવું નહીં. પણ તમને કંઈક જોખમ જેવું લાગે ત્યારે જ આ રસ્તો લેવો. આવાં મકાનો જોકે માત્ર કાંઠા પર તમારા જોવામાં આવશે. કાંઠાથી દૂર અંદર હો તો તમારે પોલીસના સિપાઈને શોધી કાઢવો સારો અને તે ન જડે તો તમારું અંતર કહે તેમ કરવું. સવારમાં વહેલા અમે બ્રિન્ડિસી છોડયું.

ત્રણેક દિવસ બાદ અમે માલ્ટા પહોંચ્યા. બપોરે આશરે બે વાગ્યે વહાણે લંગર નાખ્યું. ત્યાં તેને લગભગ ચાર કલાક રોકાવાનું થવાનું હતું. મિ. અબદુલ મજીદ અમારી સાથે આવનાર હતા. પણ કોણ જાણે કેમ તે બહુ મોડા પડયા. મને નીકળવાની તાલાવેલી લાગી હતી. મિ. મજમુદારે કહ્યું, "મિ. મજીદને માટે થોભ્યા વગર આપણે એકલા નીકળી જઈશું?" મેં કહ્યું : "જેવી તમારી મરજી. મારે વાંધો નથી." એટલે પછી અલબત્ત, અમે એકલા નીકળી પડયા. અમે પાછા આવ્યા ત્યારે અબદુલ મજીદ અમને મળ્યા અને તેણે કહ્યું કે તમે લોકો ચાલી ગયા તેથી મને દુ:ખ થયું એટલે મિ. મજમુદારે કહ્યું : "આ ગાંધીને જવાની અધીરાઈ હતી ને તેણે મને તમારે માટે ન થોભવાને કહેલું." મિ. મજમુદારના આવા વર્તનથી મને ઘણું માઠું લાગ્યું. પણ મારા પર થયેલો આક્ષેપ ધોઈ કાઢવાનો પ્રયત્ન કરવાને બદલે મેં તે બોલ્યા વગર ઓઢી લીધો. હું જોકે જાણતો હતો કે અબદુલ મજીદને મેં એટલો જ ઇશારો કર્યો હોત કે, "મિ. મજમુદારને ખરેખર જ તમારે માટે થોભવું હતું તો મેં કહ્યું તેમ તેમણે કરવું નહોતું." તો મારા પરનો આક્ષેપ ધોવાઈ જાત. અને મને લાગે છે કે અમે વહેલા ચાલી ગયા તેમાં મારો કંઈ હાથ નહોતો એવી મિ. અબદુલ મજીદને ખાતરી કરાવવાને એટલો ઇશારો તદ્દન પૂરતો થાત. પણ તે વખતે મારો એવું કંઈ કરવાનો વિચાર નહોતો. તે દિવસથી જોકે મિ. મજમુદારને માટે મારા મનમાં હલકો અભિપ્રાય બંધાઈ ગયો અને તેમને વિશે મને સાચો આદર રહ્યો નહીં. વળી, બીજી પણ બેત્રણ વાતો એવી બની કે જેથી મજમુદાર તરફનું મારું આકર્ષણ દિવસે દિવસે ઘટતું ગયું.

માલ્ટા જોવાલાયક સ્થળ ગણાય છે. ત્યાં જોવા જેવી ચીજો ઘણી છે પણ અમારી પાસે વખત પૂરતો નહોતો. પહેલાં હું કહી ગયો તેમ મિ. મજમુદાર અને હું બંને કાંઠા પર ગયા. અહીં અમને એક મોટો ઠગ આવી મળ્યો. અમારે મોટી ખોટ ખમવી પડી. અમે હોડીનો નંબર લઈ લીધો અને શહેર જોવાને ગાડી ભાડે કરી. પેલો ઠગ અમારી સાથે હતો. અર્ધોએક કલાક ગાડી હંકાર્યા બાદ અમે સેંટ જુઆનના દેવળે પહોંચ્યા. દેવળની બાંધણી મજાની છે. ત્યાં અમે કેટલાક ઊંચા દરજજાના લોકોનાં હાડપિંજર જોયાં. તે ઘણાં પ્રાચીન હતાં. દેવળ ફરીને બતાવનાર મિત્રને અમે એક શિલિંગ આપ્યો. દેવળની બરાબર સામે સેંટ જુઆનનું પૂતળું હતું. ત્યાંથી શહેરમાં ગાડી હંકાવી. રસ્તાઓ પર પથ્થર જડેલા હતા. રસ્તાની બંને બાજુ માણસોને ચાલવાને માટેની પથ્થર જડેલી પગથીઓ હતી. બેટ ઘણો સુંદર છે. તે પર ઘણી આલીશાન ઈમારતો છે. અમે આર્મરી હૉલ [શસ્ત્રાગાર] જોવા ગયા. એ હૉલ સરસ શણગારેલો હતો. ત્યાં અમે ઘણાં પ્રાચીન ચિત્રો જોયાં. એ ચિત્રો પીંછીથી ચીતરેલાં નહોતાં, પણ વસ્ત્ર પર ભરતકામ કરીને બનાવેલાં હતાં. કોઈ કહે નહીં તો અજાણ્યા માણસને ખબર પણ ન પડે કે આ ભરતકામથી તૈયાર કરેલાં ચિત્રો છે. હોલમાં પ્રાચીન લડવૈયાઓનાં શસ્ત્રો હતાં. તે બધાં જ જોવાલાયક હતાં. નોંધ રાખી નહોતી તેથી તે બધાં મને યાદ રહ્યાં નથી. ત્યાં એક શિરસ્ત્રાણ ત્રીસ રતલ વજનનું હતું.

નેપોલિયન બોનાપાર્ટની ઘોડાગાડી ઘણી સુંદર હતી. હૉલમાં બધે ફરીને બતાવનાર માણસને છ પેન્સ ભેટ આપી અમે પાછા ફર્યા. દેવળ અને આર્મરી હૉલ [શસ્ત્રાગાર]માં જોવાને ફરતી વખતે આદરની નિશાની તરીકે અમારે અમારી ટોપી ઉતારવી પડી હતી. પછી અમે પેલા ઠગની દુકાને ગયા. તેણે કંઈ ને કંઈ અમારે માથે મારવાનો પ્રયત્ન કર્યો. પણ અમે કંઈ ખરીદી ન કરી. છેવટે મિ. મજમુદારે માલ્ટાનાં દૃશ્યોની ચોપડી અઢી શિલિંગમાં લીધી. અહીંથી પેલા ઠગે જાતે અમારી સાથે આવવાને બદલે અમને એક દુભાષિયાને ભળાવ્યા. દુભાષિયો ઘણો ભલો માણસ હતો. તે અમને નારંગીના બગીચા તરફ લઈ ગયો. બગીચો અમે જોયો. તે મને જરાયે ન ગમ્યો. તેના કરતાં તો અમારો રાજકોટનો જાહેર બાગ મને વધારે ગમે છે. મારે સારુ જોવા લાયક ત્યાં માત્ર પાણીના એક તળાવમાં રાતી ને સોનેરી માછલીઓ હતી. ત્યાંથી અમે શહેરમાં પાછા ફર્યા ને એક હોટલમાં ગયા. મિ. મજમુદારે ત્યાં થોડા બટાટા ને ચા લીધાં. રસ્તે અમને એક હિંદી ભાઈ મળ્યા. મિ. મજમુદાર ઘણા ધીટ હોવાથી તેમણે તેની સાથે વાત કરી. તેની સાથે વધારે વાતો કરતાં માલૂમ પડયું કે માલ્ટામાં દુકાન ચલાવનાર એક દુકાનદારના તે ભાઈ હતા. એટલે અમે તરત તે દુકાને ગયા. મિ. મજમુદારને દુકાનદાર સાથે સારી પેઠે વાતો થઈ. અમે ત્યાંથી થોડી ખરીદી કરી ને દુકાનમાં બે કલાક ગાળ્યા. એટલે માલ્ટા અમારાથી ઝાઝું કંઈ જોવાયું નહીં. અમે એક બીજું દેવળ જોયું. તે પણ ઘણું સુંદર ને જોવાલાયક હતું. અમારે ઑપેરા હાઉસ [ નાટકનું થિયેટર] જોવું હતું પણ તે માટે વખત રહ્યો ન હતો. અમે એ ભાઈની રજા લેતાં તેણે મિ. મજમુદારને પોતાના લંડનમાં રહેતા ભાઈને આપવાને પોતાનો એક પરિચય કાર્ડ આપ્યો. પાછા ફરતાં પેલો ઠગ અમને પાછો મળ્યો અને સાંજે છ વાગ્યે અમારા ભેગો થયો. કાંઠે આવીને પેલા ઠગને, પેલા ભલા દુભાષિયાને અને ગાડીવાળાને ભાડું વગેરે ચૂકવી દીધું. હોડીવાળાની સાથે ભાડાની બાબતમાં અમારે તકરાર થઈ. પરિણામ અલબત્ત હોડીવાળાને ફાવતું આવ્યું. અહીં અમે સારી પેઠે છેતરાયા.

સ્ટીમર क्लाईडे સાંજે સાત વાગ્યે માલ્ટા છોડયું. ત્રણ દિવસની સફર બાદ અમે બપોરે બાર વાગ્યે જિબ્રાલ્ટર પહેાંચ્યા. વહાણ ત્યાં આખી રાત રોકાયું. જિબ્રાલ્ટર જોવાનો મારો પાકો વિચાર હોવાથી હું મળસકે વહેલો ઊઠયો અને મજમુદારને ઉઠાડી તેને મેં પૂછયું કે મારી સાથે કાંઠે આવવું છે? તેણે કહ્યું આવવું છે. પછી મિ. મજીદ પાસે જઈ તેમને મેં ઉઠાડયા. અમે ત્રણે જણ કાંઠે ગયા. અમારી પાસે માત્ર દોઢ કલાકનો વખત હતો. મળસકું હતું એટલે દુકાનો બધી બંધ હતી. કહેવાય છે કે જિબ્રાલ્ટર મુક્ત બંદર હોવાથી ત્યાં તમાકુ પીવાનું બહુ સસ્તું પડે છે. જિબ્રાલ્ટર એક ખડક પર બાંધેલું છે. ખડકને છેક મથાળે કિલ્લેબંધી કરેલી છે પણ તે અમને જોવાની ન મળી અને તેથી અમે દિલગીર થયા. ત્યાંનાં ઘર બધાં હારબંધ આવેલાં છે. એક હારમાંથી બીજીમાં જવાને આપણે થોડાં પગથિયાં ચડવાં પડે છે. એ મને ઘણું ગમ્યું. રચના ઘણી સુંદર હતી. રસ્તા પથ્થર જડેલા હતા. વખત ન હોવાથી અમારે પાછા ફરવું પડયું. આગબોટે સવારે ૮-૩૦ કલાકે લંગર ઉપાડયું.

ત્રણ દિવસમાં અમે રાત્રે અગિયાર વાગ્યે પ્લીમથ પહેાંચ્યા. હવે ખરો ટાઢનો વખત આવ્યો. એકેએક મુસાફર કહેતો હતો કે હવે આપણે માંસ ને દારૂ વગર મરી જવાના. પણ એવું અમને કંઈ થયું નહીં. અલબત્ત, ઠંડી સારી સરખી હતી. અમને દરિયાના તોફાનની વાત પણ મળી હતી પણ તે અમારા જોવામાં ન આવ્યું. હું ખરેખર તે જોવાને ઘણો ઇંતેજાર હતો પણ જોઈ ન શકયો. રાત હોવાથી પ્લીમથનું પણ અમે કંઈ જોવા ન પામ્યા. ત્યાં ધૂમસ ઘાડું હતું. આખરે વહાણ લંડન જવાને નીકળ્યું. ચોવીસ કલાકમાં અમે લંડન પહોંચી ગયા, અને સ્ટીમર છોડી ૧૮૮૮ની સાલના ઓકટોબર માસની ૨૮મી તારીખે બપોરે ચાર વાગ્યે ટિલબરી સ્ટેશન થઈને વિકટોરિયા હોટલમાં પહેાંચી ગયા,

૨૮मी ओक्टोबर, १८८८ शनिवारथी २३मी नवेम्बर, शुक्रवार.

મિ. મજમુદાર, મિ. અબદુલ મજીદ અને હું વિક્ટોરિયા હોટલે પહોંચ્યા. મિ. અબદુલ મજીદે ઘણા રુઆબથી વિકટોરિયા હોટલના દરવાનને અમને લઈ આવનાર ગાડીવાળાને રીતસરનું ભાડું આપી દેવાને જણાવ્યું, મિ. અબદુલ મજીદને પોતાને વિષે ઘણો ઊંચો ખ્યાલ હતો, પણ મારે અહીં નોંધવું જોઈએ કે તેમનો પહેરવેશ કદાચ દરવાનના પહેરવેશ કરતાંયે બદતર હતો. તેમણે સામાનની પણ પરવા ન કરી અને લાંબા વખતથી લંડનમાં રહેતા હોય તેવી અદાથી હોટલમાં પગ મૂકયો. હોટલના ભપકાથી હું છેક અંજાઈ ગયો. આવો ભપકો મારી જિદગીમાં મેં જોયો નહોતો. મારું કામ માત્ર ચૂપચાપ મારા બે મિત્રોની પાછળ પાછળ જવાનું હતું. આખીયે હોટલમાં વીજળીના દીવા હતા અમને એક ઓરડામાં દાખલ કરવામાં આવ્યા. મિ. મજીદ તેમાં એકદમ ગયા. મેનેજરે તેમને એકદમ પૂછયું, તમે બીજા માળ પર રહેવાનું પસંદ કરશો કે? પોતાના મોભાને શોભે નહીં એમ ગણીને મિ. મજીદે ભાડા વિષે પૂછયા વગર હા કહી કે બીજે માળે ફાવશે. મેનેજરે અમને દરેક જણને રોજના ૬ શિલિંગના ભાડાનું બિલ આપ્યું અને અમારી સાથે નોકરને મોકલ્યો. આખો વખત મને મનમાં ને મનમાં હસવું આવતું હતું. બીજે માળે અમારે લિફટમાં જવાનું હતું. મને લિફટ શું તેની ઝાઝી ખબર નહોતી. નોકરે કશાકને પોતાની આંગળી અડકાડી અને હું સમજયો કે એ બારણાનું તાળું છે પણ પાછળથી મને જાણવા મળ્યું કે એ ઘંટડીનું બટન હતું અને તેણે તે વેઇટરને લિફટ નીચે લાવવાનું જણાવવાને વગાડી હતી. બારણાં ઉઘાડવામાં આવ્યાં અને હું સમજ્યો કે એ ઓરડામાં અમારે થોડો વખત બેસવાનું છે. પણ મારા ભારે અચંબા વચ્ચે અમને બીજે માળે પહોંચાડી દેવામાં આવ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics