STORYMIRROR

Dharmik Kotak

Classics Others

3  

Dharmik Kotak

Classics Others

ગામને પાદર હવે ઇ ગામ નથી રયુ

ગામને પાદર હવે ઇ ગામ નથી રયુ

6 mins
29.3K


“ધરમરાજનો ઓતાર હતો ઓતાર ઇતો”

“હા,બાપ નીકર એક કોરણનાં નીયાય સારું કોઈ સગા ભાણેજને ગામ બાર કરે ખરો ? અને ઈ ય આ ઘોર કળજુગમાં”

“બાપડો ધરમની ઓથે સાત-સાત પેઢીને તારતો ગ્યો”

વાટાણાનાં મુખી જશુભાનાં મારણને આજે છ-છ વરસના વાણા વાયા. છતાં ઝાલાવાડ પંથક હજી એને ભૂલી શક્યું નથી. ધરમની ઓથે વિતેલું એનું જીવન અને પંચની બેઠકે બેસીને એણે કરેલા ન્યાયની આવી આવી તો કઈ કેટલીય વાતો લોકમુખે રમે છે.

જશુભાના મરણથી દુનિયાને તો ફક્ત એક વિરલો ગુમાવ્યાનું જ દુઃખ હતું પણ વાટાણાને માથે તો બેવડો ઘા પડેલો, એક તો પ્રજાએ બાપ જેવા મુખીની છત્રછાંયા ગુમાવી અને બીજી બાજુ એમની ખાલી પડેલી જગ્યા. આવા સમયે ગામ માટે આશાનું એક જ કિરણ હતું જશુભાના સંસ્કારોનો વારસદાર એમનો એકનો એક દિકરો. હજી તો જવાનીમાં ફાંટફાંટ થાતા ત્રેવીસ વરસના ખીમભાને બાપના બારમાના દિવસે જ ગામના મુખી તરીકે નીમવામાં આવ્યો. આજે છ વરસથી ખીમભા વાટાણાનું મુખીપદુ સંભાળે છે. શરૂઆતમાં તો એણે બાપના સગડ પકડેલા પણ સમય જાતા ખીમભાના વર્તાવમાં બદલાવ આવતો ગયો. બાપના વારસામાં મળેલી દોલત અને માન-મરતબાના ગુમાનમાં એ અવળી સંગતે ચડ્યો પણ ગામલોકો એને જવાનીનો રંગ જાણીને દરગુજર કરતા. આમ જ દિવસ અને રાતના પગલે ઋતુની કેડીઓ બદલાતો સમય ચાલ્યો જાય છે.

શિયાળાના દિવસો ચાલી રહ્યા છે. ગૌધુલીનું ટાણું છે. ગામને અડીને જ જાણે પાદરના ચરણ પખાળતી હોય એમ ખળખળ કરતી બ્રાહ્મણી વહી જાય છે. ક્ષિતિજની સોડમા જવા તત્પર સુરજદેવતા પોતાના આછા-આછા કનકવર્ણા કિરણો બ્રાહ્મણીના નીર ઉપર ઢોળી રહ્યા છે. કાઠાં પર આવેલા શંકરના મંદિરમાંથી આવતા “ઓમ નમઃ શિવાય”ના નાદ નદીના મોજા હારે ભટકાઈને વાતાવરણને સંગીતમય બનાવી રહ્યા છે અને વર્ષોથી મંદિરને ઘેરીને ઉભેલો લીંબડો જાણે આં સંગીતમાં મગ્ન થઇ ગયો હોય એમ પવનની લહેરખીયો સાથે કાયાને ડોલાવી રહ્યો છે. વિભો રબારી આજે ધણ વાળવામાં મોડો પડ્યો હોય એમ ભેસુને “ઝટ હાલો, ઝટ હાલો”ના સાદ કરતો હોય એવા ડચકારા દેતો ચાલ્યો આવે છે. મંદિરનાં ઓટલે બેઠા બેઠા ઠઠ્ઠા-મશ્કરી કરતા જુવાનીયાની નજર ધણ ઉપર પડી. વચમાં બેઠેલો જુવાન મૂછોને લાડ લડાવતો હોય એમ એક હાથે મુછને વળ ચડાવતા બોલ્યો, 

“અલ્યા,જગા આં ચાંદરી કોની છ ?”

“ઈ તો તળશી ડોહાની રૂખી છ, બૌ ચાકરી રાખે છ ડોહો”

“હા ઈતો દેખાય આવે છ,વીસેક હજાર તો આવે કેમ ?”

“હોતું હયશે કઈ ?ઓછામાં ઓછા પચી હજારની ભેહ છ.”

“તે શું વિચાર છ ?”

“ધરમના કામમાં કઈ ઢીલ કરાય છ ? એમ ય ડોહાનો વસ્તાર આજ પરગામ ગ્યો છ”

પૂછવા વાળો જવાન ગામના કોળી આગેવાન શનાભાઈ કોળીનો દિકરો અને ખીમભાનો ગોઠિયો મંગળ. પોતાને શુરવીર કહેવડાવવાની લાયમાં ગામના ઢીલા-પોચા માણસોને રંજાડતો ફરે. પણ કોઈ શનાભાઈ અને ખીમભાની બીકે તો કોઈ શરમના લીધે એને ટોકતું નહિ એટલે એને ફાવતું મળ્યું અને ગામમાં એનો ત્રાસ વધતો ગયો. એની અને જગાની બેલડી. બંનેને ચમચાઓ રાખવાનો શોખ એટલે નાના માણસોને દબાવીને કે નાની-મોટી ધાડ પાડીને સાંજ પડ્યે ભેળા બેસનારાને દારૂ પીવડાવે અને ચમચાગીરીનો આનંદ લુંટે. આં વખત એની નજર તળશી ડોસાની રૂખી ઉપર બગડી છે. ઘરે જતા જતા બંને જણાએ રાતે ધાડ પાડવાનું નક્કી કર્યું. બાજુના ગામે ડાયરામાં જવાના બહાને રાત પડતા પહેલા જ ઘરેથી વાળું કરીને બેઉ નીકળી ગયા. 

અડધી રાતનો ગજર ભાંગ્યો છે. ચૌદશનો ચંદ્રમાં ધરતી પર ઉજાસ ઢાળી રહ્યો છે. આખું ગામ ટાઢને સલામ કરતુ સુતું છે. ચારે કોર સૂનકાર ફેલાયો છે. એવામાં ક્યારેક ક્યારેક ભસતા કુતરાને લીધે શિયાળાની ભેંકાર રાત વધારે બિહામણી લાગે છે. એવે ટાણે બે બુકાનીધારી જવાનિયા હળવે અવાજે ગામના પછવાડે આવેલા વાડાની વાડના છીંડામાંથી જ બારોબાર ભગાડી જવાના વિચારે ભેંસને ખીલેથી છોડાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ માલિકની સુવાસથી ટેવાયેલી ભેંસ જાણે અણસાર આવી ગયો હોય અને મદદ માટે પોકાર કરતી હોય એમ ભાંભરવા લાગી. આં સંભાળીને વાડાની બાજુની ઝુંપડીમાં સુતેલો તળશી ડોસો સફાળો બેઠો થઇ ગયો અને પરિસ્થિતિને પામી ગયો હોય એમ ખાટલાના ટેકે ઉભેલું આડું લઈને એણે સીધી વાડામાં દોટ મૂકી. ડોસાને વાડામાં આવતો જોઈ બંને જણ સાવધ થઇ ગયા. ડોસાએ આવતાની સાથે જ કઈ વિચાર્યા વગર આગળ ઉભેલા પર આડાનો ઘા કર્યો પણ ડોસો ઘા ચુકી ગયો અને બીજો ઘા કરવા જાય એટલામાં તો સામે વાળાની ડાંગે ડોસાનો વાસો ચૂમી લીધો. ડોસો ધરતી પર ઢળી પડ્યો. ઘા કરવા જાતા પેલા જવાનના મોઢા પરનું કપડું છૂટી ગયુ. ડોસો ચાંદનીના આછા અજવાળામાં જગાને ઓળખી ગયો. આવરદાને કારણે ડોસો બીજી વખત ઉભો તો નાં થઇ શક્યો પણ પડ્યા પડ્યા વિનંતિ કરતો હોય એમ રડમસ અવાજે બોલ્યો,

“રેવાદે......જગા, મારી રૂખીને રેવાદે.બાપ,આવો અધમ રેવાદે”

ડોસાની નજર સામે જ બંને જણ રૂખીને હાંકીને ચાલતા થયા.

બંને જણ અંધારી રાતમાં રૂખીને દોડાવતા ઉતાવળા પગલે ચાલ્યા જાય છે. ગામનો સીમાડો વટ્યા એટલે જગો બોલ્યો 

“અલ્યા, મંગળીયા આતો જોવા જેવી થઇ. મારો સાળો ડોહો અંધારામાં ય મને ઓરખી ગ્યો.”

“તે એમાં શું છ ?” જાણે કઈ બન્યું જ નાં હોય એવી બેફિકરીથી મંગળે પૂછ્યું.

“શું, શું છ ? મહળકે ખીમભાનાં ઘીરે પુગશે અને મારી ભેરુ તારું ય નામ આલશે.”

“તું સવારની ચંત્યા છોડ, ઈ મારી માથે મેલી દે ને અતારે આને ઠેકાણે પાડ્ય.”

જગો મજાક ઉડાવતો હોય એમ બોલ્યો ”ઠીક તારે એવું કરી.”

આ બાજુ ડોસાના ઘરમાં ભીડ જમા થઇ ગઈ છે. આડોશ-પાડોશમાં જેમ જેમ જાણ થતી જાય છે એમ એમ લોકો આવતા જાય છે. દરેક આવનારનો એક જ પ્રશ્ન 

“શું થ્યું ડોહા ?” અને ડોસો આંખના આંસુ લૂછતો જવાબ વાળે

“ઓલા નરાધમ મારી રૂખીને ઉપાડી ગ્યા” અને પાછો ચોધાર આંસુએ રડવા લાગે. આવનાર ડોસાની પરિસ્થિતિને જોઈને આગળ કઈ પુછવાનું માંડી વાળી ભીડની ચર્ચામાં જોડાઈ જતો.

ડોસીની જીવલેણ માંદગી અને ગરીબી વચ્ચે પણ ડોસાનો પરીવાર સંતોષની જિંદગી જીવતો હતો. દિકરા મનુની પરવરીશમાં બંને જણ જાણે બધું દુઃખ ભુલી જતા. પણ જ્યારે ડોસીએ પરધામ પ્યારું કર્યું ત્યારે ડોસો સાવ ભાંગી પડ્યો. આખો દિવસે મૂંગો મૂંગો ઘરમાં બેસી રહે અને દિકરો થાળીમાં જે પીરસે તે ખાઈ લે. મા જતા મનુના જીવનમાંથી તો માં-બાપ બંનેનો પ્રેમ ઓસરી ગયો. એવા સમયે ગામના શેઠે ડોસા પર દયા ખાઈને આ રૂખી દાનમાં આપેલી.બાપ-દીકરાના નીરસ જીવનમાં રૂખી આવતા બંને એ પોતાના હૈયામાં ગૂંગળાઈ રહેલો બધો વ્હાલ એની ઉપર ઠાલવી દીધો. ડોસામાં જાણે નવો જીવ આવ્યો.

રૂખીને નવડાવવામાં, નીર-પુરો કરવામાં, પાણી પીવડાવવામાં અને એની સાથે વાતો કરવામાં ડોસાના દિવસો વિતવા લાગ્યા. આમ પણ ડોસાને એકેય દિકરી નહી એટલે રૂખી આવતા પોતાની એ ખોટ પુરાઈ ગઈ હોય એમ એની ચાકરી રાખતો. અને આજે એની નજર સામેથી જગો એની દીકરી રૂખીને ઉપાડી ગયો. એ દુઃખમાં ડોસાને ઘાની પીડા વિસરાઈ ગઈ. સવાર પડતા જ એ ખાટલામાંથી ઉભો થયો. પડોશમાં રહેતા જસાને બાજુના ગામમાં મનુને તેડવા મોકલ્યો અને પોતે પાંચ જણ લઈને ખીમભાનાં ઘરે ગયો.

ખીમભા આજે તો સવાર સવારમાં જ ડેલીએ ડાયરો કરીને બેઠા છે. સામેના ખાટલામાં જગો અને મંગળ બેઠા છે. એક બીજાને તાળીઓ દેતા ત્રણેય ઠઠ્ઠા-મશ્કરી કરે છે અને નીચે બેઠેલા ચાર-પાંચ જણ હસીને સુર પુરાવી રહ્યા છે. ડોસાને ઉતાવળથી ડેલીએ આવતો જોઈને ખીમભાએ આવકારો દીધો,

“આવ ડોહા આવ, અતારમાં મુખીની ડેલીએ ?”

જગાને અને મંગળને જોઈને ડોસો ઘડીક તો અચકાણો પણ ખીમભા વાતથી અજાણ હશે એવા વિચારે હિંમત કરીને બોલ્યો,

“નીયાય માગવા આયો સુ બાપ.”

“સેનો નીયાય ?” કઈ જાણતો ના હોય એમ ખીમભાએ આશ્ચર્યથી પૂછ્યું.

“મારી ઘીરે ધાડ પડી, મારી રૂખીને હાકી ગ્યા” આટલું બોલતા ડોસાના ગળે ડૂમો બાજ્યો. આંખો વરસવા ઉતાવળી થઇ પણ ડોસાએ આંસુ ખાળ્યા.

ખીમભા થોડો કડક થઈને બોલ્યો, “કોની હિંમત થઇ ?”

“જશુભાના વાટાણામાં પરગમનો તો આવી હેમત શે કરે ?” ડોસાએ જગા સામે જોઈને કાતર મારી.

“કૂંડાળાનો વાયળ ડોહા ફોડ પાડીને વાત કે”

“બાપુ મે જગાને મારી નરી આંખે જોયો છ”

આટલું સાંભળતા જ મંગળ ઉભો થઇ ગયો અને ગુસ્સાનો ડોળ કરતો હોય એમ ઉચા અવાજે બોલ્યો

“વચારીને શબદ ભણ ડોહા તારે તો આબરૂ નથ પણ અમારી કાં ગામ વચાળે કાઢ છ ?”

ખીમભા ઉભો થયો. મંગળને ખભે હાથ મૂકીને બેસવા ઈશારો કર્યો અને પરિસ્થિતિ સંભાળતો હોય એમ નરમાશથી બોલ્યો

“ડોહા, તારી ભૂલ થાતી હયશે, મંગળીયો અને જગો તો કાલ આખી રાત મારી ભેરા ડાયરામાં હતા.”

ડોસાના પગ નીચેથી જમીન ખસી ગઈ. આખી વાતનો ભેદ એને સમજાઈ ગયો. ઘડીવાર તો એને સગા કાન ઉપર શક થયો પણ હકીકતને સ્વીકારવી રહી. ખીમભા ઉપર જશુભાની આબરૂની દયા ખાતો હોય એવી નજર નાખીને ડોસો ત્યાંથી ઉતાવળે પગલે નીકળી ગયો. ઘરે આવીને ડોસાએ થાંભલીનાં ટેકે મન ભરીને રડી લીધું.

બપોર પડ્યે જસો મનુને લઈને ઘરે પહોચ્યો. ડોસો થાંભલીનાં ટેકે સૂન મૂન બેઠો છે.દીકરાને જોતા ફરીથી એનું હૈયું ભરાઈ આવ્યું. બાથે વળગીને પાછી પોક મૂકી. બંને જણાએ ડોસાને છાનો રાખી ખાટલા પર સુવડાવ્યો. મનુએ પડી ગયેલું કેળીયુ ખભા પર નાખ્યું અને બારણા પાછળ પડેલી ડાંગ હાથમાં લીધી ત્યાં પાછળથી અવાજ આવ્યો,

“ક્યાં જાય છ ?”

“પાદરે પંચની બેઠક બોલાવા”

“મે’લ એને અને ભુલી જા ઈ વાતને. કઈ લાભ નથ એમાં” ડોસો તુટતા પણ ભારે અવાજે બોલ્યો

“કઈ લાભ નથ અટલે શું ગામ આવા અધમને સાંખી લેશે ? નાં,બાપુ નાં આ જશુંભાનું વાટાણા છ આંયા અન્યાને થાન નો હોય”

ડોસાએ એક ઊંડો નિશ્વાસ નાખ્યો. ડોસાના મોઢામાંથી જાણે જિંદગી ગુમાવી દીધી હોય એવડા અફસોસનું વેણ પડ્યું. 

“ભૂલો પડ માં મારો બાપ ! જ શુભાનું વાટાણા તો ગ્યું જશુભા ભેળું. ગામને પાદર હવે ઈ ગામ નથી રયું” 

 

 

  


Rate this content
Log in

Similar gujarati story from Classics