KHYATI PANCHAL

Abstract Romance Fantasy

4.5  

KHYATI PANCHAL

Abstract Romance Fantasy

એક વર્ષ

એક વર્ષ

3 mins
216


નમ્રતા હજુ સુધી સમજી ન હતી શકી કે તેની જોડે શું થઈ રહ્યું હતું. એક ખરાબ સપનાની જેમ પળવારમાં બધી જ પરિસ્થિતિઓ હતી તેનાથી બિલકુલ વિપરીત થઈ ગઈ હતી. પહેલી જાનયુઆરી, જ્યારે નમ્રતા અને સંયમ પહેલી વાર સામસામે રૂબરૂમાં મળ્યા હતા. દર વર્ષે આ દિવસ ખૂબ જ ધૂમધામથી બંને તહેવારની જેમ ઉજવતા. આ વર્ષે ખબર નહીં પણ એક ગેરસમજ ના કારણે આ ખાસ દિવસે જ બંને વિખૂટા પડી ગયા. 

બે ત્રણ મહિના થયે માંડ હજુ નમ્રતા વિરહના દુઃખ ને સહેજ હળવું કરી શકી હશે અને સગા સંબંધીઓ છોકરા શોધવા લાગ્યા. આ વાતથી બચવા માટે નમ્રતાએ ઘરથી દૂર ફૂલ ટાઈમની જોબ શરૂ કરી દીધી. આખો દિવસ થાકીને રાત્રે ઘરે આવેલી નમ્રતા જમવા બેસી કે ત્યાં જ મમ્મી એ વાત શરૂ કરી, " માસીનો ફોન આવ્યો હતો. તને ખબર આપણે ગયા હતા ઉજાણીમાં, ત્યાં વિઠ્ઠલભાઈ ના તરફથી મહાપ્રસાદ હતો, એમનો છોકરો છે ને ખુબ મોટી કંપની માં C.A. છે, ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સરસ છે અને મેઈન તો એ જ કે કોઈ વ્યસન નથી. એશી હજાર સેલરી છે મહિનાની અને છોકરો તો એટલો વ્યવસ્થિત છે નમુ........"

 મમ્મી હજુ આ વાક્ય પૂરું કરે ત્યાં જ નમ્રતા ગ્લાસ પછાડીને મોટેથી ચિલ્લાઈ ને ઊભી થઈ, "બસ... મમ્મી બસ ! શું છે યાર...? ફૂલ ટાઈમની જોબ કરું છું કે આ બધી વાતોથી દૂર રહું પણ આઠ મહિનાથી રોજનું છે તારું, કંટાળી ગઈ છું હું મમ્મી. આખો દિવસ થાકીને ઘરે આવું છું, શાંતિથી જમવા તો દે..! રોજ વાત બદલું છું, સાંભળીને પણ અવગણી કરું છું તો પણ તને કેમ સમજાતું નથી કે મારે આ વિષય ઉપર કોઈ જ વાત નથી કરવી. હજાર વખત ના કહ્યું છે પણ કરે તો એ જ છે જે નક્કી કર્યું હોય. લગ્ન લગ્ન કરીને જીવ ખાઈ ગઈ છે મારો." આટલું કહીને જમવાનું અધૂરું મૂકીને નમ્રતા ગુસ્સામાં પોતાના રૂમમાં ચાલી ગઈ અને પછાડીને દરવાજો બંધ કરી દીધો. 

સાડા અગિયાર મહિના થઈ ગયા હતા નમ્રતા અને સંયમ ને છૂટા પડ્યે, પરંતુ એક ક્ષણ પણ એવી નથી વીતી કે જેમાં નમ્રતાને સંયમનો વિચાર ન આવ્યો હોય. અઠવાડિયા દસ દિવસમાં એક વર્ષ પૂરું થવાનું હતું. દર વર્ષે પહેલી જાન્યુઆરીએ નમ્રતા અને સંયમ સવારે સાત વાગ્યે શિવ મંદિર જતા. જીવનભર માટે એકબીજાનો સાથ મળ્યો એ માટે ભગવાનનો ખુબ જ આભાર માનતા અને પછી આખો દિવસ થતું ગ્રાન્ડ સેલિબ્રેશન. 

સાડા અગિયાર મહિનાથી આ દિવસ યાદ કરીને નમ્રતા આખી આખી રાત ચોધાર આંસુડે રડતી. સવારે જોબ ઉપર જાય ત્યારે ભીનું ઓશીકું જોઈને મમ્મી પપ્પા ખુબ દુ:ખી થતા. દીકરીનું દુઃખ સહન ન થતું. રાત્રે જમતી વેળા મમ્મી રોજ વાત કરતી કે આ છોકરો છે, આયા જોબ છે, સેલરી સારી છે વગેરે... પણ નમ્રતા વાત જ ટાળી દેતી. મમ્મી પપ્પાનો આશય નમ્રતાનું દુઃખ દૂર કરવાનો હતો પણ આ વાતથી નમ્રતા વધુ ને વધુ દુખી થતી. 

પચ્ચીસ ડિસેમ્બર અને ઓફિસમાં નાતાલનું સેલિબ્રેશન ચાલતું હતું. નમ્રતાને ગયા વર્ષનું નાતાલ યાદ આવી ગયું કે બંને જોડે હતા, બંને એ જોડે સેલિબ્રેશન કર્યું હતું. 

 આજે પહેલી જાન્યુઆરી અને કોઈ પણ એલાર્મ વગર નમ્રતા સવાર ના ચાર વાગ્યાની જાગતી હતી. સૂતા સૂતા પડખા બદલે પણ સમય નહોતો વીતતો. આખરે ન રહેવાયું અને ઊભી થઈને મંદિર જવા તૈયાર થઈ ગઈ. સાડા પાંચ વાગ્યે રૂમની બહાર આવીને જોયું તો મમ્મી પપ્પા જાગતા જ હતા. ચૂપ ચાપ કઈ બોલ્યા વગર પૂજાની થાળી લઈને નમ્રતા મંદિરે જવા નીકળી. મંદિર પહોંચીને જોયું તો સંયમ જાણે એની રાહ જોઈને જ ઊભો હતો. એકબીજાને જોઈને મન- હૃદયના સંતોષનો પાર ન રહ્યો. દર વખતેની જેમ બંને જોડે દર્શન કરવા ગયા. બંનેની આંખોમાંથી પ્રેમની લાગણીઓ ભરપૂર વહેતી હતી. એકબીજાની સામે જોયું, એકબીજાના આંસુ લૂછ્યા પણ બંનેમાંથી એકે કઈ બોલી ન શક્યા. રડતા રડતા એકબીજાને ભેટી પડ્યા અને ફરી એકવાર નમ્રતા સંયમ હંમેશા માટે એક થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Abstract