Author Paresh Makwana

Drama Romance Thriller

3  

Author Paresh Makwana

Drama Romance Thriller

એક મઝાક

એક મઝાક

13 mins
577


       રતનપર ગામ, એ ગામની સરકારી નિશાળ. રતનપર પ્રાથમિક શાળા, એમા ભણે ગામના મુખી સુરજસિંહની બાર વર્ષની દીકરી માહી અને એની જેવડી જ ઉંમરનો વિનય માસ્તરનો એક નો એક દીકરો વીર. એ બન્ને એકબીજાના ખાસ અને પાકા મિત્રો. આમ તો આખો દિવસ સાથે ને સાથે ને, એક જ ક્લાસમા સાથે ભણે, એક જ શેરીમાં સાથે રમે.., એકબીજાના હાથમાં હાથ પોરોવી નિશાળે પણ સાથે જ જાય.., કેટલીકવાર રસ્તામા લડે ઝઘડે પણ ખરા..., પણ એમની એ લડાઈ માત્ર એકાદ ક્ષણ પુરતી જ હોય. ઘડીવારમાં પાછા ભેગા ને ભેગા. ક્યારેક તો નિશાળે જવા ને બહાને બન્ને સવારે જ નીકળી જતા દૂર..ગામેને સીમાડે આવેલી માહીના કાકાની વાડીએ, ત્યાં આંબા ડાળે ચડીને વીર સરસ હીચકો બાંધે, અને ખુબ જ મજા થી બન્ને હીચકા ખાય. ક્યારેક માહી હિંચકતી હોય ને વીર ચડે આંબલીએ, આંબલીના ખાટા મીઠા કાતરા તોડવા. માહીને ખાતર આંબલી પર તો હરખથી ચડી જાય પણ ઉતરતા ના આવડે. એટલે ક્યારે કોઈ રાહદારી ત્યાંથી પસાર થાય અને પોતાને ઝાડથી નીચે ઉતારે એની રાહ જોતો વીર ત્યાં જ ડાળીએ બેસી રહે. અને માહી વાડીના ઝાંપે ઉભી રહે, કોઈની મદદ માટે.


       ક્યારેક કોઈ મદદે આવે પણ અને ક્યારેક ના પણ આવે. આવે તો વીરના સારા નસીબ અને કોઈના આવે બદનસીબ વીરને જાતે જ ઠેકડો મારવો પડે, કયારેક હાથપગમાં વાગે પણ સહી..

        આમ ને એ બન્નેની દોસ્તી દિવસે ને દિવસે ગાઢ બનતી ગઈ..

       એક દિવસ ગામમાં મુખીકાકાએ સમુહલગ્નનું આયોજન કર્યું.

       એ વખતે ગામલોકોની હાજરીમાં અને મુખીકાકાની સાક્ષીએ એકસાથે વરવધુની બાર જોડીઓ વિવાહસુત્રના તાંતણે બંધાઈ રહી.

          એ સમયે નાનકા છોકરાઓ સાથે વીર અને માહી પણ મુખીકાકાની પાસે બેસી આ લગ્નોત્સવના પ્રસંગને જોઇ રહયાં હતા.

          એ સમયે આ બધું જ એમને નવું લાગ્યું. એમના નાદાન મનમાં આ અંગે ઘણા પ્રશ્નો થયા. માહીએ તો આ વિષયમાં એના બાપુને પૂછી પણ લીધું.

          “બાપુ આ લોકો લગ્ન કેમ કરે છે ?''

           ત્યારે મુખીકાકાએ એના પ્રશ્નનો સુંદર ઉત્તર આપ્યો.

          “જો બેટા, જેમ તું ને વીરો, તમારા ઢીંગલા ઢીંગલીઓને પરણાવો છો ને એમ સ્ત્રી અને પુરુષ જ્યારે એક સાથે રહેવાનુ પસંદ કરે ત્યારે આપણે એને આમ લગ્નબંધનમાં બાંધી દઈએ છીએ જેથી એ આગલા સાત જન્મોના બંધનોમા બંધાઇ જાય છે.''

         સાથે રહેવા માટે લગ્નમાં બંધાવું પડે. આ વાત નાદાન વીર અને માહીના મનમાં છપાઈ ગઈ.

           

                                     * * *

         આગલે દિવસે મહાદેવના મંદિરમાં ઢીંગલા ઢીંગલીના ખેલ ખેલતા આ નાદાન બાળકો વીર અને માહી, રમત રમતમા જ એકબીજાના હાથમાં હાથ પરોવી ચોરી ના ચાર ફેરા ફરી, એકબીજાને પરણી પણ ગયા. જાણે એક જ ક્ષણની એ નાદાનીએ બન્ને ને જન્મોજનમના સાથી બનાવી દીધા. એ જ વખતે મુખીકાકા સાઇકલ દોરીને ત્યાંથી પસાર થયા. એણે વીર અને માહી ને મંદિરમાં ફેરા ફરતા જોઈ લીધા.

          સાંજે મુખીકાકા વિનય માસ્તર ને મળવા એમના ઘરે પોહચી ગયા. એ વખતે વિનયમાસ્તર રોજની માફક પોતાની નોંધપોથીમાં કાંઇક લખી રહયા હતા. ને વીર એના ટેબલ પાસે બેસી રમકડાંની મોટરથી રમી રહ્યો હતો. મુખીકાકા દરવાજે આવેલા જોઈ વિનયમાસ્તર એમને માન આપવા પોતાની જગ્યાથી ઉભા થઇ ગયા.

        'અરે..મુખીકાકા તમે..! આવો આવો બેસો.'

        એમને સામે ખુરશી પર બેસવા આગ્રહ કરી એણે અંદર રસોડામાં પત્ની લતાને ચા માટે બુમ મારી..

        'વીરાની માં જલ્દી ચા મુકો.. મુખીકાકા આવ્યા છે.'

        મુખીકાકાએ સીધી જ મુદાની વાત કરતા કહ્યું

         'માસ્તરજી હું તમને એક જરુરી વાત કહેવા આવ્યો છું, ચા-પાણી પછી પહેલા વાત સાંભળી લ્યો.'

       વિનયમાસ્તર કહ્યું    

          'હા, મુખીકાકા પણ પહેલા બેસો તો ખરે..'

       મુખીકાકા એમની સામેની ખુરશી પર બેઠા   'બોલો મુખીકાકા શુ કહેતા હતા તમે.?'


         મુખીકાકાએ પોતે આજે જે મંદિરમાં જોયું એ અંગે વિનય ને વિસ્તૃત વાત જણાવી. અને એમની વાત સાંભળી ને વિનયને લાગ્યું કે મુખીકાકા વિરાની રાવ લઈને આવ્યા છે એટલે એ વીરા પર ગુસ્સે થયા. એણે તરત જ બાજુમાં રમતા વીર ને બુમ મારી.. બાપુનો ગુસ્સો જોઈ ડરનો માર્યો વીર અંદર ભાગ્યો.

       ત્યાજ વીર પર ગુસ્સે થયેલો વિનય એ જઈને એનું બાવડું પકડી એને રોક્યો. અને ગુસ્સામાં જ એના ગાલ પર એક તમાચો મારવા હાથ ઉગામ્યો પણ મુખીકાકા એ જઈને એમને રોકી લીધા. ડરનો માર્યો વીર રડતો રડતો રસોડામાં એની માં પાસે દોડી ગયો.

         વિનયમાસ્તરનો વીર પર ગુસ્સો જોઈ મુખીકાકાએ એને સમજાવ્યો.


        વીનું માસ્તર, તમે આ શુ કરો છો ! એક બાળક પર હાથ ઉપડો છો. અરે બાળકો છે રમત રમતમાં થઈ જાય આવી ભૂલ.. અને હું અહી વીરા ની રાવ લઈને નહીં પણ એ કહેવા આવ્યો હતો કે, મારી માહી એ એનો જીવનસાથી શોધી લીધો છે. તારો વિરો બનશે મારી માહીનો જીવનસાથી. આજે મંદિરમાં એ બન્નેને સાથે જોઈને જ લાગ્યું કે એક બાપ તરીકેની ફરજમાંથી હું મુક્ત થઈ ગયો છુ. મારી માહી.. આજ થી તમારી થઈ વિનય'

         

                                 * * *

        

         અને આમ વીર અને માહીના લગ્ન બાળપણમાં જ નકકી થઇ ગયા.

           એ પછી તો એ બન્ને ને મળવાનું જાણે મોકળું મેદાન મળી ગયુ. આખો દિવસ માહી, વીરની સાથે રહેવા લાગી. એની સીધી અસર વીર ના અભ્યાસ પર પડવા લાગી. જે વિનયમાસ્તરથી સહન ના થયું ને એણે વીર ને અમદાવાદ પોતાની બહેનને ત્યાં ભણવા મોકલી દીધો.


          માહી ને અહીં એકલી મૂકી વીર તો ચાલ્યો ગયો અમદાવાદ પણ એની પાછળ એની માહી જાણે રડી રડીને અડધી થઈ ગઈ. પ્રેમવિજોગણ બની એ એના વીરની યાદમાં રાત દિવસ પાગલોની જેમ એ મંદિરના ઓટલે બેસવા લાગી. કારણ કે એ અને વીર આ જ મંદિરમાં મળતા આ મંદિર અને આ મહાદેવ સાક્ષી હતા એમના પ્રેમના, એને લાગતું કે એક દિવસ વીર જ્યારે અમદાવાદથી પાછો ફરશે ત્યારે સૌથી પહેલા એ દોડતો આ જ મંદિરે આવશે. જ્યારે પાછો..આવશે ત્યારે એને મળવા એ સૌથી પહેલા અહીયા આ જ મંદિરમાં આવશે.

         એના આવવાની રાહ જોતી માહી, એને યાદ કરતો રોજ એક કાગળ લખી એ અમદાવાદ મોકલતી..શરૂઆતમાં તો એના જવાબ સ્વરૂપે વીર ના પણ કાગળો આવતા.

          વીર લખતો,          

         'માહી, ખરેખર યાર આ શહેર બહુ મોટું છે ખબર છે.. અહીંયા રહેવા માટે મોટા મોટા રૂમો છે, જોવા માટે મોટા સીનેમાઘરો છે, ફરવા માટે બગીચાઓ છે, ભણવા માટે સારામાં સારી નિશાળો છે. સાચું કહું ને યાર તો અહીંયા બધું જ છે.. પણ,

         પણ અહીંયા તું નથી યાર, તને બહુ જ યાદ કરું છું. મન તો થાય છે કે માય ગ્યું ભણવાનું બધું જ છોડીને કાલ આવી જાવ તારી પાસે.. તારા વિના હું અહીંયા કેમ રહી શકું..? તારી યાદો મને રડાવે છે..'

                                                        -તારો વીર.

        'ભલે હું શરીરથી ત્યાં તારી સાથે ના હોવ, પણ યાદ રૂપે હું ત્યાં તારી પાસે જ આવી ગઈ છું. મારી ડાયરી જે મેં તારા માટે તારા સૂટકેશમાં મૂકી હતી. કારણ કે મને ખબર હતી કે ત્યાં તું મને યાદ કરીશ..એટલે જ મેં મારી શ્વાસરૂપી ડાયરી તારા સૂટકેશમાં પહેલા જ રાખી મુકેલી..

        નિરાંત ની ક્ષણોમાં એ વાંચજે એ જ તને ત્યાં તારી આસપાસ મારી હયાતીનો અહેસાસ કરાવશે.'

                                                    -તારી માહી.

        

                                  * * *

         માહી ના કાગળ તો રોજે અમદાવાદ જતા પણ વીર ના જવાબ ક્યારેક જ આવતા. કદાચ એણે એના વગર રહેતા શીખી લીધું હતું. કદાચ માહી ની ડાયરીએ એને માહીની યાદ જ આવવા નહીં દીધી હોય. કદાચએ શહેરના બહુરંગી રંગોમાં રંગાઈ ગયો હોય ને એ માહી ને જાણે ભૂલી જ ગયો હોય..કદાચ એના માટે માહી ની એ યાદો માત્ર એક યાદો જ બની રહી હોય.

        સમયચક્ર ને ફરતા ક્યાં વાર લાગે છે. આમ ને આમ એ બન્ને ને અલગ થયાને દશ વર્ષ થઈ ગયા.

      

    10 (દશ) વર્ષ પછી,

     અચાનક જ વિનય માસ્તર ને ઘરે લેન્ડલાઈન પર વીરનો ફોન આવ્યો. વિનયએ ફોનનું રીસીવર ઉપાડી કાને રાખ્યું.

       'હાલ્લો.. કોણ..?'       સામેથી એના દીકરા વીરનો અવાજ આવ્યો.  'બાપુજી, હું વીર બોલું છું.. અમે લોકો આજે ઘરે આવીયે છીએ.' આ અમે લોકો શબ્દ સાંભળી ને વિનયથી પુછાઇ ગયુ.

        'અમે લોકો એટલે, બીજુ કોણ છે તારી સાથે ?'

         સામેથી વીર હસ્યો અને પછી કહયુ 'સોરી બાપુજી, મને માફ કરી દેજો પણ તમને પુછયા વીના મે અહી લગ્ન કરી લીધા છે. હું અને મુસ્કાન ઘરે આવીયે છીએ.'

         વીર ના મોં એ આટલુ સાંભળતા જ માસ્તરજીના હાથમાં ફોનનું રીસીવર પડી ગયુ..અંદરના રૂમમાંથી તરત જ માહી અને એની પત્ની લતા બહાર આવ્યા.

         વિનયનો ચહેરો જોઈને માહી ને પૂછ્યું પણ

         'શું થયુ,બાપુજી? બધું ઠીક તો છે ને..?' વિનયએ તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી.

          એણે હસીને કહ્યું  'કાંઈ નહી માહી બેટા, તૈયારીઓ કરો. વીર આવે છે. આટલું સાંભળતા જ માહીની ખુશીનો પાર ના રહયો. એ ઉમંગમાં આવી નાચવા લાગી. એને માસ્તરજીની વાત પર વિશ્વાસ નોહતો બેસતો.

         'શુ, આજે..મારો વીર આવે છે.?'

         આટલા વર્ષો પછી એ એના વીરને મળવાની હતી. આજે એના વિરહનો અંત આવવાનો હતો. એટલે એના ચહેરા પર એ ખુશીની જાણે ચમક પ્રસરી ગઈ. શું ચમક હતી, જાણે એને જોતા જ સૌ કોઈ અંજાઈ જાય.

         એ પાયલ છનકાવતી ફટાફટ ઉપર એના રૂમ તરફ દોડી.

         

                                   * * *

        લાલ રંગના સુંદર ભાતીગળ ઘરચોળામાં સોળ સિંગર સજી એ કોઈ નવવધૂની માફક સજ્જ થઈ.

        પૂનમના સોળે કળાએ ખીલેલો એ ચન્દ્ર સમાન એ ચહેરો જોવા વીર પણ જાણે અધીરો બન્યો હોય એમ જાણે દોડીને સીધો જ ઉપર એના રૂમમાં આવી ગયો.

        અરીસામાં પડતું એનું સુંદર પ્રતિબિંબ પર જાણે એ આવતા વેંત જ ઘાયલ થઈ ગયો.

        અરીસા પર દેખાતો વીર નો ચહેરો જોઈ માહી ઉભી અને એને વળગી પડવા દોડી.

         પણ એ એનો ભ્રમ માત્ર હતો. એક ખુબસુરત ભ્રમ, કોઈને જોવાની જ્યારે તલપ જાગે ને ત્યારે દેરક ક્ષણ આસપાસ એના હોવાની અનુભૂતિ થયા કરે. પણ એ અનુભૂતિ માત્ર એક ભ્રમ હોય, અહીંયા પણ વીર તો હજુ આવ્યો જ નોહતો. છતાં માહી ને એ દેખાવા લાગ્યો.

        માહી પોતાની જાત પર જ હસી પડી, ખરેખર વીર ને જોવા માટે અધીરી બનેલી માહી જાણે પાગલ થઈ ગઈ હતી. 

        

                                    * * *

        

         એટલામાં જ નીચે ગાડીનું હોર્ન સાંભળાણું. પોતાના જાતજાતના અરમાનો ને ચુંદડીની ગાંઠે બાંધી એક નજર એણે સામે અરીસામાં પોતાની જાત પર નાખી.

        'શુ, આ ચહેરાને મારો વીર ઓળખી શકશે.? ઓળખે જ ને મને શું કામ ભૂલે..!'

       એણે દરવાજો ખોલ્યો. ત્યાં સુધીમાં તો વીર એક ખુબસુરત શહેરી યુવતી ને લઈને ડેલીએ પહોંચી ચુક્યો હતો. લતાબહેને દરવાજો ખોલ્યો ને એ બન્ને અંદર પ્રવેશ્યા.

       એ જ વખતે ઉપરથી ફટાફટ દાદરા ઉતરતી, પાયલો છનકાવતી છમ..છમ..કરતી માહી નીચે આવી.

          એ દોડીને સીધી જ એના વીર ને વળગી પડવાની હતી. પણ, વીરના શબ્દો એ જાણે એને છેલ્લા દાદરે જ રોકી લીધી.

           દશ વર્ષમાં વીર ઘણો બદલાઈ ગયો હતો. ક્યાં એ ગામડાનો વીર અને ક્યાં આ અમદાવાદનો જેન્ટલમેન વીર પટેલ એકદમ શહેરી ફેશનેબલ કપડામાં સજ્જ એ જાણે એની સાથે એક શહેરી મેડમ ને પણ લાવ્યો હતો.

        એણે એનો પરિચય આપતા કહ્યું

        'મા-બાપુ, આ મુસ્કાન છે મારી પત્ની'

        વીરના મોં એ આટલું સાંભળતાજ માહીની કાજળાળી આંખોમાંથી એકપછી એક આંસુ નીકળવા લાગ્યા. એ સાડીના પાલવથી પોતાનું મોં છુપાવી, ઝડપથી પગ પછાડતી, છમ..છમ કરતી ઉપરના દાદરાઓ ચડી ગઇ.


        ઉપર પહોંચી રૂમનો દરવાજો અંદર થી ધડામ.. કરતો બંધ કરી એ આંસુ સારતી પલંગ પર બેસી ગઈ.

        એને આમ અચાનક ઉપર દોડી જતા નીચે ઉભેલા તમામ એકાએક ડરી ગયા.

         બધા એક સાથે ઉપર દોડી ગયા. ઘણો દરવાજો ખટખટાવ્યો પણ માહી એ જાણે દરવાજો જ ના ખોલ્યો. 'માહી, માહી..દરવાજો ખોલ..' પણ માહીએ સાફ શબ્દોમાં અંદરથી જ કહી દીધું.

         'વીર, દરવાજો નહી ખુલે..અને..પ્લીજ તમે લોકો મને અત્યારે એકલી મારા હાલ પર છોડી દો.'

          

        એને થયું, શુ આ એ જ વીર છે. જેણે બાળપણમાં મારી સાથે લગ્ન કયા હતા ? સાત સાત જન્મો સુધી સાથે રહેવાના વચનો આપ્યા હતા.. ના.., ના આ મારો વીર છે જ નહી કે, પછી..મારો વીર બદલાઇ ગયો. એ મારો મટીને કોઈ બીજાનો થઈ ગયો. ખરેખર આ સમય બહુ જ લુચ્ચો છે. એક જ ક્ષણમાં બધું જ બદલી નાખે છે. માણસ ને પણ !

                                    * * *

          

         રાત ક્યારે પડી એની પણ માહી ને જાણે ખબર ના રહી. એ તો બસ, વીરે આપેલ દગાને યાદ કરી આંસુ સારતી બેઠી હતી. ત્યાં જ થોડીવારમાં જ બાલ્કનીમાં થી વીર રૂમની અંદર આવ્યો.

         માહી ને હજુ આમ જ રડતી જોઈ એ હસ્યો. માહીએ ગુસ્સેલ આંખે એની સામે જોયું.

        વીરે એનું હસવાનું બંધ કર્યું ને પોતાના કાન પકડી એની બાજુમાં બેસી ગયો.

        'આઈ એમ સો સોરી માહી, મને માફ કરી દે..'

         એને લાગ્યું, શહેરમાં રહીને લોકો ખરેખર સાવ નફ્ફટ થઈ જાય છે.

         એને જોઈને માહી ગુસ્સામાં ચિલ્લાઈ ઉઠી. એણે એનો બધો જ ગુસ્સો એના પર ઉતરતા મોટા આવજે કહ્યું     

        હવે, શા માટે તું અહીંયા આવ્યો છે વીર ? એજ જોવાને કે તારી માહી હજુ જીવે છે કે પછી મરી..'

        એ એનુ વાક્ય પૂરું કરે એ પહેલા જ વીરે એકદમ એની નજીક આવી એના હોઠ પર પોતાનો હાથ મૂકી દીધો.

         અને પછી આગળ બોલ્યો,

         'ચુપ..ચુપ, એકદમ ચૂપ.. કઈ જ બોલતી નહીં. તું બસ હું જે કહું છું એ સાંભળ, અને પ્લીઝ અમને માફ કરી આ રડવાનું બંધ કર..

        પછી થોડું હસી આગળ બોલ્યો. 'આમ પણ યાર, તારો આ કરમાયેલ ચહેરો જોતા લાગે છે કે અમારું મિશન સફળ રહ્યું.

         માહી એ જ ગુસ્સાના ભાવ સાથે એની આંખોમાં જોઈ રહી.


        હવે ગુસ્સો થુંક, ને પ્લીઝ અમને માફ કર આમ પણ એક નાની એવી મઝાકને આટલી સિરિયસ ના લેવાય.

         માહીનો ગુસ્સો હજી શાંત નહોતો થયો. એણે વીર ના શર્ટની કોલર પકડતા કહ્યું

         'મઝાક.., અરે મઝાક તે બનાવી દીધો છે તારા પ્રેમને. તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું..અને તું..,'

          વીરે ફરી એને આગળ બોલતા અટકાવી.

         'સાંભળ, માહી હું તારો હતો અને તારો જ છું. મે કોઈ લગ્ન નથી કર્યા.

         માહી કઈ સમજી નહીં, એ બસ એક સવાલભરી નજરે એને થોડા ગુસ્સામાં તાકી રહી. વીર આગળ બોલ્યો.

         'અને પેલી મુસ્કાન, તો એ બીચારી તો ભાણેજ છે આપણા ગામની. એમાં એવું થયું ને કે હું રતનપર આવતો હતો ને મેં રસ્તામાં એને જોઈ એની ગાડી ખરાબ થઈ ગઈ હતી તો મેં એને મારી ગાડીમાં લિફ્ટ આપી.

        'રતનપુર તરફ આવતા આવતા અમે રસ્તામાં ઘણી બધી વાતો કરી વાતો કરી. અને વાતો વાતોમાં જ એણે મને પૂછી લીધું કે વીર તમારા લગ્ન થઈ ગયા ?

         ત્યારે મે કાર ચલાવતા ચલાવતા હસીને કહ્યું.

         'હા, થઈ ગયા આજથી દશ વર્ષ પહેલા મારી માહી સાથે.

         એણે તરત જ પુછયુ. દશ વર્ષ પહેલાં મતલબ બાળલગ્ન..?

      મે કહ્યું.

      'હા, બાળલગ્ન પણ પ્રેમલગ્ન. હું મારી માહીને નાનપણથી જ બહુ જ પ્રેમ કરતો હતો. એ પણ મને ચાહતી હતી. કદાચ ઉપરવાળાનો પણ આ જ મંજુર હોય કે દશ વર્ષ પહેલાં અમે રમત રમતમાં લગ્ન કરી લીધા એ પછી આ લગ્ન ને અમારા પરિવારની સંમતિ પણ મળી ગઈ. એ પછી બાપુ એ મને આગળ ભણવા ફઈ ને ત્યાં અમદાવાદ મોકલી દીધો. આજે દશ વર્ષ પછી હું મારી માહી ને મળવા જઈ રહ્યો છું.

         એણે એકાએક જ પૂછ્યું

         'વીર, ખરેખર તમે એને એટલો પ્રેમ કરો છો.?'

         'હા,બહુ જ, અને સાચું કહું તો મારા કરતા પણ વધારે એ મને ચાહે છે. આમ તો દશ વર્ષથી બહુ રાહ જોવડાવી એટલે થોડો ગુસ્સો તો હશે જ પણ જોજો, મને જોતા જ એ બધું ભૂલી સૌથી પહેલા મને ભેટી પડશે. અત્યાર સુધીની ઢગલા બંધ શીકાયતો સંભળાવશે.'

        'તો તો, મારે પણ મળવું પડશે તમારી આ માહી ને..!'

          મેં હસીને કહ્યું હા, હા કેમ નહીં..ત્યારે જ મારા મનમાં એક વિચાર આવ્યો. થયું કે તને થોડું સરપ્રાઈઝ આપું. એ વિષયમાં મેં મુસ્કાનને કહ્યું

         'તમારે જોવુ જ છે ને કે મારી માહી મને કેટલો પ્રેમ કરે છે.?'

         એણે કહ્યું.

         'હા,મારે પણ જોવુ છે કે દશ વર્ષ ના વિરહ પછી નુ મિલન કેવુ હોય છે.'


        મે કહયુ તો ચાલો અમારા ઘરે. અને એ હા પાડે એ પહેલા જ મે મારા પ્લાન મુજબ ઘરે બાપુ ને કોલ કરી દીધો.

        બાપુ, અમે લોકો ઘરે આવીયે છીયે, બાપુ એ પૂછ્યું પણ ખરે કે અમે લોકો મતલબ ત્યારે મેં પ્લાન મુજબ ખોટેખોટું કહી દીધું કે સોરી બાપુજી, મને માફ કરી દેજો પણ તમને પુછયા વીના મે અહી લગ્ન કરી લીધા છે. હુ અને મુસ્કાન ઘરે આવીયે છીએ.

          પછી મેં મુસ્કાન ને પણ મારા પ્લાન નો ભાગ બનાવ્યો. એને કહ્યુ કે તમારે માહી અને મારા મા બાપુ ની સામે બસ થોડીવાર મારી પત્ની હોવાનુ નાટક કરવાનું છે. એનાથી તમને અને મને શાયદ એ ખબર પડી જશે કે માહીનો પ્રેમ કેવો છે. એ બિચારીએ તો મને તારી સાથે આવું કરવા રોક્યો પણ હું ના માન્યો આખરે પ્લાન મુજબ અમે ઘરે પતિ પત્ની બનીને આવી ગયા. પણ યાર,

મને નહોતી ખબર કે તું આ બધુ આટલું સીરીયસલી લઈ લઈશ પણ ચાલ બહુ થઇ ગયુ નાટક હવે બધું ભૂલી અમને માફ કરી દે. અને આ રોવા ધોવાનું છોડી આ કરમાયેલા ચહેરા પર થોડી સ્માઈલ લાવ.


          વાહ વીર, શું રમત રમી તે તારી માહી સાથે, એની લાગણીઓ સાથે.'

        અને માહીએ અત્યાર સુધી બંધ રાખેલી મુઠી ખોલી અને એમાથી એક કથ્થાઈ રંગની કાંચની બોટલ નીચે સરી પડી.

          વીરે એ બોટલ ઉઠાવી જોયું તો..એના પર મોટા કાળા અક્ષરોમાં સાફ લખેલું હતું. 'પોઇઝન'

         વીર, એકદમ ઘબરાઈ ગયો. એ માહીની સામે જોઈ રહ્યો.   માહી એ કહ્યું.

        'વીર, બહુ જ સારી મઝાક કરી ગયો તું તારી માહી સાથે. પણ.. તે આ બધું કહેવામાં ઘણું જ મોડું કરી નાખ્યું.

         એ સાથે જ એ ચક્કર ખાઈ નીચે ફર્સ પર ફસડાઇ પડી. એના બંધ થતાં હોઠોમાંથી શબ્દોની જગ્યાએ ફીણ નીકળવા લાગ્યા.

          એ વખતે, વીર એના મૃતશરીર વળગી એને જાણે પાગલોની જેમ હચમચાવવા લાગ્યો.

         'માહી..માહી.. માહી, પ્લીઝ આંખો ખોલ..'

          અને એની આંખો ના ખુલતા એ ચીંખી ઉઠ્યો    'મા..હી....'


         પણ માહીનું એ બેજાન શરીર જાણે કશું બોલતું જ ન હતું.

         જાણે એની માહી એ વીર, અને એના પ્રેમ ને હમેંશા માટે અલવિદા કહી બહુ દૂર ચાલી ગઈ..શાયદ એવી જગ્યાએ જ્યાંથી આજસુધી કોઈ જ પાછું નથી આવ્યું.

         વીર બિચારો કરે તો પણ શું કરે. એની જીંદગીની આ સૌથી મોટી ભુલ હતી. એણે કરેલી એ એક નાની એવી મઝાકે જાણે આજે એની દુનિયા જ છીનવી લીધી.

એ પછી એ જ રૂમમાં એની માહીનું માથું પોતાના ખોળામાં મૂકી એણે પણ પોતાની આંખો બંધ કરી લીધી. થોડીવારમાં જ એ બન્નેના પ્રેમનો સૂર્ય જાણે હમેશા માટે આથમી ચુક્યો. અને એ પણ એક મઝાક ને કારણે.

     

                                      સમાપ્ત 


Rate this content
Log in

Similar gujarati story from Drama