Parag Mehta

Crime Inspirational Others

4  

Parag Mehta

Crime Inspirational Others

એક ડગલું સફળતા તરફ ભાગ -3

એક ડગલું સફળતા તરફ ભાગ -3

7 mins
206


 (આગળના ભાગમાં આપણે જોયું કે ભીખુ અને તેની આજુબાજુમાં રહેતા 8-10 વ્યક્તિ કાલીને હોસ્પિટલ લઇ જાય છે. ત્યાં તેની સારવાર બાદ કાલીને તેની ઝુંપડીએ બધા લઇ આવે છે. કાલીને તાણ-આંચકી આવવાને કારણે તેના શરીરમાં નબળાઈ આવી જાય છે. તેથી ભીખુ તેનું ધ્યાન રાખવા કાલીની ઝુંપડીએ જ રાત રોકાય જાય છે. બીજે દિવસે કાલીને હોશ આવતા જ ભીખુ બનાવની વાત કરે છે. એ જાણી કાલીને નવાઈ લાગે છે. કાલીની નબળાઈને કારણે ડોક્ટર તેને આરામ કરવાનું કહ્યું હોય છે. તેથી ભીખુ કાલીને આરામ કરવાનું અને ભીખ માંગવા ન જવાનું કહે છે અને ભીખુ વધારે ભીખ માંગીને તેની જરૂરીયાત પૂરી પાડવાનું આશ્વાસન આપે છે અને ભીખ માંગવા જાય છે ત્યાં ભીખુ આખા દિવસમાં 5 રૂપિયા જ ભેગા કરી શકે છે. આમ ભીખુ 5 રૂપિયામાં કાલી અને પોતાના કુટુંબનો વિચાર કરતા-કરતા ઢળી પડે છે.)

હવે આગળ,

ભીખુ ઢળી પડતાની સાથે જ તેની આંખોમાં અંધારપટ છવાય જાય છે. થોડીવાર માટે એ કઈ જગ્યાએ છે એ પણ તેને સમજાતું નથી. આખરે પાંચ-સાત મિનીટ બાદ ભીખુ તેની આંખો ખોલવાની કોશિષ કરે છે ત્યારે તેને બધું ધુંધળું દેખાતાની સાથે જ તેની બાજુમાં એક આકૃતિ ઊભી હોય તેવો તેને ભાસ થાય છે. તે આકૃતિ ખરેખર દાન કરવા માટે આવેલ એક વ્યક્તિની હોય છે. તે ભીખુને દાન આપવા માટે આવ્યો હોય છે. એટલે ભીખુ બોલે છે.

ભીખુ : અરે કોણ સે ન્યા ?(બેઠો થઈ પોતાના બંને હાથ હલાવીને પૂછે છે.)

એક વ્યક્તિ : અરે ! ભાઈ ગભરાસો નહી. હું તો તમને આ દાન કરવા આવ્યો છુ.

ભીખુ : ઓહો! માફ કરજો ભાઈ. આમ કાય હુજ્તું નથી એટલે મને એમ કે કોણ આયવું ?

એક વ્યકિત : અરે તેમાં માફીની ક્યાં વાત જ આવી ? માફી તો મારે માંગવી જોઈએ કે હું કહી બોલ્યા વગર તમારી પાસે એમ ને એમ ઉભો રહ્યો અને મને એમ થયું કે તમે સુઈ ગયા લાગો છો.

ભીખુ : ના ભાઈ ના હુઈ ગયું તો અમારું ભાયગ સે એમાં તમારી કાય ભૂલ નથી. આ તો તમારા જેવા દાનવીરો સે એટલે અમે ઝીવી હકીએ સીએ બાકી તો કેદુના પરમાત્માની પાહે પોગી ગયા હોત.

એક વ્યક્તિ : અરે ! ભાઈ એમ ના બોલો દરેક વ્યક્તિનો એક સમય જરૂરથી આવે છે એટલે જીવનમાં આશા કયારેય પણ ના છોડાય અને જોજો તમારો પણ એવો જ સમય આવશે જયારે તમે મારી જગ્યાએ કોકને આવી જ રીતે દાન કરતા હશો.

ભીખુ : અરે ભાઈ એના હાટુ તો ભગવાન જાણે હજી કેટલા જનમ લેવા પળહે...

એક વ્યક્તિ : એ તો ઉપરવાળો ધારે તો આ જ જન્મે તમે થઈ શકો છો. બરાબર... ચલો એ બધું છોડો આ લો આ પાંચ કેળા, બે સફરજન, થોડી દ્રાક્ષ અને આ છે ગાઠીયા-જલેબી. ખાવ અને આરામથી સુઈ જાવ

ભીખુ : (ભીખુ હવે સ્પસ્ટ રીતે તે વ્યક્તિને જોતા) ભગવાન હંમેશા તમારું ભલું કરે ભાઈ. હું અહી નથી હૂતો, મારી ઝુપડી સે ન્યા અમે ચાર જણ મારી બાયળી અને મારા સોકરા રયે સીએ.

એક વ્યક્તિ : અચ્છા એવું છે તો આ લો આ 10 રૂપિયા એ બધા માટે તમારે જે જોઈતું હોય તે લઇ લેજો. બરાબર જય શ્રી કૃષ્ણા

આમ એ વ્યકિત દાન આપીને ચાલ્યો જાય છે. ભીખુ એકદમ ખુશ થઈ જાય છે. ભીખુને મનમાં એમ થાય છે કે આજે ભગવાન મારું સાંભળી આ વ્યક્તિને મોકલ્યો. ભીખુ ખુશ થાતો-થાતો પહેલા કાલીની ઝુંપડીએ જાય છે અને ત્યાં જઈને જુએ છે તો ગ્લુકોઝના પાઉડરનું પકેટ ઉંદરો જાણે તેના પર ત્રાટક્યા હોય તેમ તૂટેલું અને પાઉડર પણ થોડો ઘણો બચ્યો હોય છે તે પણ વેરાયેલો હોય છે. આ જોઈ ભીખુને ગુસ્સો આવે છે અને બળ-બળ કરવાં માંડે છે.

ભીખુ : હે! ભગવાન આ હુ ક્યરું હાળા ઉંદરોએ....આ મોંઘો પાવડર ક્યાંથી મારે લાવો ? મારી પાહે એટલા રૂપિયા પણ નમરે. હવે તો કાયલ ભીખમાં રૂપિયા આવહે તારે જ મેળ પળે.(માથે હાથ દઈ બેસી જાય છે)

કાલી : ભીખુ તું આયો ? આવ-આવ અને કાયક આપ હવે રેવાતું નથી કાયક આપ.

ભીખુ : અરે હુ આપું તને ? આ ઉંદરોની પંગત ખાય ગઈ તારી હક્તિવારો પાવડર.

કાલી : હે ! હુ વાત કર છો? તું નીસે રાખી ગયો તો ?

ભીખુ : હા મને એમ કે તું આરામથી લય હક અટલે નીસે રાયખોતો. હ્હે તારા ભાયગમાં નય હોય.

કાલી : લાગે સે આમનમ ઉપર હાયલો જાઇસ...

ભીખુ : ભાઈ એવું ના બોઈલ...તું જાય તો હું હુ કરીહ ?

કાલી : તું જી કરહ એ જ કરવાનું એમાં મારા જાવાથી કાય ફેર ના પરે.

ભીખુ : હારું હાઈલ હવે તું આ કેરા ખા અને હફરજન હોત પણ ખા..તો કાયક હક્તિ આવહે.

કાલી : ભાઈ તારા ઘર હારુ લય જા જા તારા બાયળી-સોકરા ભુયખા હ્હે એને ખવરાવ.

ભીખુ : અરે! ભાઈ એના હારુ ગાઠીયા-જલેબી સે તું આ ખા.

કાલી : હારું હવે તું જા અને કાયલ આવજે....

ભીખુ : ચેમ કાયલ? આજે હમણાં આવુ આ દયને.

કાલી : ના તું કાયલે પણ નોતો ગયો તારી ઝુંપડીએ. એટલે આજે જા અને હવે તો મને હારું સે..

ભીખુ : પણ રાતે જરૂર પયળી તો? હુ કરીહ?

કાલી : ભાઈ વાંધો તો નય આવે તું તારે આરામ કર તુંય થાયકો હોઇસ..જા...

ભીખુ : હારું હાઈલ જાવ સુ પણ તારે આ કેરા, ધરાખ અને હફરજન ખાવું પળહે તો જ જાવ.

કાલી : હા હું ખાય લય બરાબર તું જા.

આમ ભીખુ કાલીની ઝૂપડીમાંથી નીકળી પોતાની ઝુંપડીએ જાય છે.

સવિતા : આવો...આવો કાય લય આયવા કે ખાલી હાથ ? (ભીખુને સંભળાવતા) કે ગામની હેવા કરવામાં ઘરના ઘંટી ચાટે....

ભીખુ : અલે આ ગાઠીયા-જલેબી ખા અને સોકરાઓને પણ ખવરાવ...

સવિતા : હું અને સોકરાઓ ખાહુ તો તારો ભેરુ હુ કાહે ? ખાલી મરચા ?

ભીખુ : એના હાટુ કેરા, ધરાખ અને હફરજન લાયો. 

સવિતા : (ભીખુને સંભળાવતા) ઓહોહો...એના હાટુ ફળ અને અમારા હાટુ આ ગાઠીયા ? વાહ...વાહ..અયા કોયદી ફળ જોયાય નથી. બોલો આ ઘરના જ દુહમન સે તો આણે બાર વાળાને પણ હારા કેવરાયવા.

ભીખુ : અરે કાલીને નબરાઈ સે એટલે તે ફળ ખાય તો હક્તિ આવહે..

સવિતા : હા...હા...આપણે હાટે મરી જાય પણ કાળિયાને હક્તિ આપહે..

ભીખુ : એ હવે લયપ સોળ અને હુય જાવ એયટલે હવાર પળે...હે ભગવાન!

આમ બીજા દિવસે સવાર પડતાની સાથે જ ભીખુ દરરોજની જેમ ભીખ માંગવા નીકળે છે ત્યારે કાલીની ઝુપડી પર કાલીને જોવા જાય છે પણ કાલી હજુ સુતો હોય છે એટલે ભીખુ વિચારે છે કે કાલીને કાયલ ફળ આયપા એ ખાય લીધા હ્હે તો લાવને મળતો જાવ. જ્યાં ભીખુ ત્યાં જઇને જુએ છે તો કાલી સુતો હોય છે એટલે ભીખુ મનમાં બોલે છે.

ભીખુ : ઓહો આ તો હુતો સે...હયલને ભલે હુતો નથી ઉઠાળવો હું જાવ નેતર ભીખ ઓછી મલસે તો હું ખવરાવીસ હુ આ હંધાયને?

આમ ભીખુ ભીખ માંગવા માટે નીકળી જાય છે અને આખા દિવસમાં 15 રૂપિયા અને એક પરિવાર દાન કરવા આવ્યું હોય છે તે દાનમાં પૂરી, શાક, દાળ-ભાત અને મિષ્ટાનમાં શ્રીખંડ આપે છે અને સાથે-સાથે ટોપી, ગોગલ્સ અને રૂમાલ પણ આપે છે. આમ આ બધી વસ્તુ મળવાથી ભીખુ એકદમ ખુશ થતો-થતો પોતાના સ્થાનથી ઝુપડી તરફ જવા માટે જયારે નીકળે છે ત્યારે બોલે છે.

ભીખુ : લાવ આજે તો હીરોની જેમ તયાર થય ને જાવ અને કાલીને બતાવું કે જો આજે હીરો આયો સે તારી ઝુંપડીએ તારી ખબર પુસવા...અને તને હારું-હારું જમાડવા...હા.....હા...(હસતા-હસતા ભીખુ રવાના થાય છે.)

આમ ભીખુ બધી વસ્તુ લય કાલીની ઝુંપડીએ ખુશ થતા-થતા પહોચે છે અને ઝુંપડીની બહારથી જ હીરો જેવા ડાયલોગ બોલવા માંડે છે. (ડાયલોગ – ક્યાં કાલી યહા પે રહેતા હૈ? હલ્લો કાલી મેં અમિતાભ બચ્ચન આપસે મિલને આયા હુ.) આમ બોલીને અંદર જાતા જ જુએ છે તો કાલી ચતોપાટ પડેલો હોય છે અને તેના માથાના પાછળના ભાગમાંથી એકદમ લોહી વહેલું હોય છે અને તે લોહીનો રેલામાં જ ભીખુનો પગ પડેલો હોય છે. કાલીએ પડયા પછી તળફળિયા માર્યા હોય તે રીતે તેના બંને પગની સ્થિતિ હોય. આ દ્રશ્ય જોતાની સાથે જ ભીખુ ગોઠણભાર પડે છે અને તેના હાથમાંથી બધી વસ્તુ પણ પડી જાય છે. ભીખુ માથે હાથ રાખી એકદમ જોર-જોરથી રડવા લાગે છે.

એટલામાં જ આજુબાજુવાળા ત્યાં આવી પહોચે છે તેમાંથી બે-ત્રણ સ્ત્રીઓ આ દ્રશ્ય જોઈ એકદમ એકદમ વિચલિત થઈ જાય છે અને ચીસો પાડવા માંડે છે. તેનાથી વાતાવરણ એકદમ ગમગીની ફેલાય છે. ભીખુને પાણીનું માટલું દેખાતા ત્યાં જઇને પાણી એક પાત્રમાં લઇ કાલી પર છટકાવ કરે છે કારણકે ભીખુને એમ કે પહેલાની જેમ પાણીના છટકાવથી કાલી ઉઠી જશે પણ કાલીને કઈ અસર થતી નથી એટલે તેમાંથી એક વ્યક્તિનું ધ્યાન ભીખુના પગ પર પડે છે અને તે બોલે છે.

એક વ્યક્તિ : અરે! આ તે હુ ક્યરું ? આમ મારી નખાય આને ? એવો તે હુ વેર હતો તારે અને કાલીને ? તી આવી રીતે મારી નાયખો અને આયટલું લોય નીક્યરા પસી કોઈ બચી ન હકે. ખોટા નખરા તારા બંધ કર અને બોયલ હુકામે માયરો ?

આમ બધા એકી સાથે ભીખુને પૂછવા માંડે છે અને જવાબ માંગે છે કે તેણે કાલીને શુકામે માર્યો ? ત્યારે ભીખુ રડતા-રડતા જવાબ આપે છે.

ભીખુ : અરે ભાઈ મેં નથી માયરો. મેં કાય નથી ક્યરું. મેં પાણી સાયટું સે હમણાં ઉઠશે જો..જો..

આમ ભીખુ આઘાતમાં ને આઘાતમાં શું બોલી રહ્યો હતો એ તેને પણ ખબર ન હતી. ભીખુને હજી એમ હતું કે કાલી હમણાં ઉઠશે કારણકે તે કાલી મૃત્યુ પામ્યો છે એ માનવા તૈયાર જ ન હતો. ફરી પાછો એ જ વ્યક્તિ બોલે છે.

એક વ્યક્તિ : એય બવ હાયકુ તે હવે હાસુ બોયલ અને તું કે કે મેં નથી માયરો તો તારા પગમાં લોય ક્યાથી આયવું ? ખોટા હાળા તે જ માયરો સે અને હવે ખોટા નાટક ક્યર સો. હાચું બોયલ. લાગે સે આ આમ નય માને લાવ હું જ હમરા પુલિસને બરક્યાવું.

આમ બધા ભીખુ પર બુમાબુમ કરવા માંડે છે અને ભીખુ આ બધું સાંભળી ભીતમાં માથા પછાડવા માંડે છે.

***

કાલીનું મૃત્યુ શા કારણે થયું હશે ? શું તેને પહેલાની જેમ તાણ-આંચકીનો જ ફરી એટેક આવ્યો હશે અને તે પડી જતા મૃત્યુ પામ્યો હશે ? શું કાલીની હત્યા માથા પાછળ કોઈ વજનદાર સાધન વડે વાંર કરવાથી થય હશે ? તો કોણ હશે હત્યારો ? શું ભીખુને કાલીના હત્યારાનો ગુનેગાર ગણી પોલીસ હથકડી પહેરાવશે કે ભીખુ પોતાને નિર્દોષ સાબિત કરી શકશે ? આવા ઘણાબધા સવાલોના જવાબ જાણવા માટે વાચતા રહો “એક ડગલું સફળતા તરફ (ભાગ – ૪)”

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Crime