એક ડગલું સફળતા તરફ ભાગ ૨
એક ડગલું સફળતા તરફ ભાગ ૨
(આગળના ભાગમાં આપણે જોયું કે ભીખુનું કુટુંબ ગરીબ છે અને તેઓં એક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહે છે. ભીખુ ભીખ માંગીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવે છે.ભીખુને ભીખ ઓછી મળતી હોવાથી તેની ઝુપડી પાસે રહેતા કાલી સાથે ઓળખાણ કરી તેની સાથે ભીખ માંગવા જાય છે અને બંને સારી એવી ભીખ મેળવે છે. આમ બંને દરરોજ સાથે જ ભીખ માંગવા જાય છે પરંતુ એક દિવસ અચાનક જ ભીખુ કાલીની ભીખ માંગવા માટે રાહ જુએ છે પણ કાલી દેખાતો નથી એટલે ભીખુ કાલીને શોધવા તે બંને જ્યાં ભીખ માંગવા જતા તે જગ્યાઓ પર જાય છે પણ ત્યાં પણ કાલી નથી મળતો. અંતે કંટાળી ગયેલ ભીખુ કાલીની ઝુપડી પર આવે છે અને જુએ છે તો કાલી એક ખૂણામાં ઊંધો પડેલો હોય છે અને ભીખુના બોલાવ્યા પછી પણ કાલી ઉઠતો નથી. આ કારણે ભીખુ એકદમ ગભરાઈ જાય છે. )
હવે આગળ,
કાલીની ઝુપડી બહાર ભીખુનો ૧૦ વર્ષનો પુત્ર શિવમ આ બધીજ ગતિવિધિઓ જોવે છે અને એ પણ ગભરાય છે અને એકદમ દોડી પોતાની ઝુપડીમાં જાય છે ત્યાં સવિતા સાથે અથડાય છે એટલે સવિતા શિવમ પર ગુસ્સો કરે છે.
સવિતા : અરરર! આ હુ સે આંધરો થય ગયો સો ? ઓયમાં મારો પગ !
શિવમ ખુબ જ ગભરાયેલો હોય છે તે થોડીવાર માટે સાવ સુન્ન થઈ જાય છે એટલે સવિતા તેના પર વધુ ગુસ્સે થાય છે.
સવિતા : અરે! બેરા તને કવ સુ હુ આમ આંધારા ઘોયણે ધોયળો આયો ?
શિવમ : ( ગભરાયેલા અવાજમાં ) મા....મા...મેં..(બોલતા-બોલતા અચકાય છે)
સવિતા : (એકદમ ઊચા અવાજે) હુ આમ બકરી ઘોયણે મેં...મેં...કરહ ? ફાટ મોઢામાંથી હવે.
સવિતાનું આટલું કહેવાથી પણ શિવમ ઘડીકમાં બોલતો નથી એટલે સવિતાને મનમાં વિચાર આવે છે.
સવિતા : (મનમાં વિચારતા - આમ તો રોજ શિવમ આઝુબાઝુવાળા સોકરાઓ હારે રમતો હોય સે અને અંદરોઅંદર હંધાય હારે રોજ બાધતો હોય છે એટલે આજે પણ નક્કી કોક હારે બાજીને આયો સે પણ બાજીને આયો હોય તો હળવેકથી અંદર આવીને એક ખૂણામાં મો નીસુ ઘાલીને હાનોમુનો બેહી જાય તો આજે હુ ક્યરું હઈસે આ સોકરાએ ?)
આમ સવિતાની ચિંતા વધી જાય છે અને ગુસ્સામાં તે શિવમના બંને બાવળા પકડીને એકદમ હલાવી તેને ફરી પાછુ પૂછે છે.
સવિતા : ફાટ હવે મોઢામાંથી હુ ક્યરું તે ?
શિવમ : (રડતા-રડતા બોલે છે) મા...મેં કાય નથી ક્યરું પણ બાપુ વા..(આટલું બોલી હીબકા ભરવા માંડે છે)
સવિતા : હે ! બાપુ વા....? હુ બોલ સો ?
શિવમ : (હાથેથી મો પર આશુ લુછતા-લુછતા બોલે છે) બાપુ ઓલાની ઝુપડી અંદર કાયક કરે સે.
સવિતા : કઈ ઝુપડી? કોણ રે છે ન્યા ?
શિવમ : બાપુ હારે રોજ ભીખ માગવા જાય સે એ..
સવિતા : લે ન્યા હુ કરે સે તારો બાપ ? (મનમાં ને મનમાં બબડતા – આને હુ નવું હુયજુ વળી તી ન્યા અંદર સે ને ભીખ માગવા નથી ગયો? લાવ હું જ જાવ અને કવ કે હવે જાવ તો હારી વાત સે)
આમ સવિતા અને તેની પાછળ-પાછળ શિવમ પણ કાલીની ઝુપડી પર જાય છે અને સવિતા ત્યાં જઇને જુએ છે તો ભીખુ કાલીને ઉઠાડવા માટે કાલીનો ખંભો એકદમ હલાવતો હોય છે. આ જોઇને સવિતા એકદમ મોટી ચીસો પાડવા માંડે છે.
સવિતા : હે ! રામ આ હુ ક્યરું તમે ? કાલીને મારી નાયખો ?
આમ સવિતાની ચીસો સાંભળી ત્યાં આજુબાજુની ઝૂપડીમાંથી 8-10 વ્યક્તિઓં આવી પહોચે છે અને બધા એક પછી એક ભીખુને સવાલો પૂછે છે કે હુ થ્યું કાલીને ? તે કાલીને હુ ક્યરું સે ? તે કાલીને મારી નાયખો ?
થોડીવાર માટે એકદમ દેકારો બોલે છે. ભીખુ એકદમ ગભરાયેલો હોય છે. તેનું શરીર પણ પરસેવાથી ભિજાયેલું હોય છે અને આંખોમાંથી અશ્રુઓ વહેતા હોય છે. ભીખુ હાથ જોડી પછી બન્ને હાથ ઉપર કરી બધાને શાંત કરવાની કોશિષ કરે છે. એટલે તેમાંથી એક વ્યક્તિ બધાને શાંત કરાવી ભીખુને કહે છે. બોલ ભાઈ તે હુ ક્યરું સે ?
ભીખુ : (અચકાતા-અચકાતા પૂરો બનાવ બન્યો તેની વાત કરે છે)
આ બનાવ સાંભળ્યા બાદ તેમાંથી એક વ્યક્તિ પાણીથી ભરેલું માટલું જુએ છે અને તરતજ બોલે છે કે 'ઓલી માટલીમાંથી ખોબો ભરી પાણી સાટો એટલે ખબર પળે કે જીવે સે કે મરી ગયો.'
આમ કાલી પર પાણીનો છટકાવ કરતા તેનું શરીર હલે છે તેના હાથ અને પગ થોડા વળવા લાગે છે, મો જાણે ખેચાતું હોય તેવું લાગે છે. આ બધું જોતા બધાના જીવ અધ્ધર થઈ જાય છે અને શું કરવું એ કોઈને સમજાતું જ નથી એટલે બધા એકદમ મુજાય છે. તેમાંથી ફરી એક વ્યક્તિ બોલે છે કે આને આપણે દવાખાને લય જાવો પળહે બાકી આ આપણું કામ નમરે.એટલે તરતજ બીજો વ્યક્તિ બોલ્યો કે એ વાત હાચી પણ દવાખાનું અયથી બે કિમી. સે તો આને લય કેમ જાહો ?
તેમાંથી એક વ્યક્તિ બોલ્યો કે મારો એક ભેરુ સે ઈ અયા નાકેથી ભંગારની રેકરી લયને રોજ નીકરે સે તો ઈ હ્હે તો એને બરક્યાવું અને આને રેકરીમાં નાખી દવાખાને લય જાય.
આમ બધા હા પડતાની સાથે તે વ્યક્તિ દોડીને પેલા લારીવાડા ભાઈને શોધી બોલાવી લઇ આવે છે અને પછી બધા કાલીને ઉપાડી લારીમાં સુવડાવે છે અને સરકારી દવાખાને પહોચાડે છે. ત્યાં ખુબજ દર્દીઓની ભીડ હોય છે. ત્યાં સુરક્ષાકર્મી બધાને કેસ કઢાવીને ડોક્ટરને બતાવાની સુચના આપતો હોય છે એટલે ભીખુ અને બીજા બધા વિચાર કરે છે કે આમ તો ક્યારે વારો આવે આપણો ? એટલામાં સુરક્ષાકર્મી ત્યાં આવે છે અને કહે છે
સુરક્ષાકર્મી : અરે ! આ લારીને અહીંથી હટાવો. દર્દીઓને અને આવતા-જતા અડચણરૂપ થાય છે. હાલો..હાલો..આ લારી હટાવો.
ભીખુ : અમે રેકરી લય જાહુ તો હાંજ હુધી અમારો વારો નય આવે સાઈબ
સુરક્ષાકર્મી : એ મને નથી ખબર તમે ગમે તે કરો આ લારી તો હટાવવી જ પડશે.
બરાબર તે અરસામાં એક ડોક્ટર ત્યાંથી પસાર થતો હોય છે ત્યારે જુએ છે અને મનમાં વિચારે છે.
ડોક્ટર : (મનમાં વિચારતા - આ શું પેશન્ટને સ્ટ્રેચરની જગ્યાએ લારીમાં કેમ લાવ્યા ? કઈક
ઈમરજન્સી લાગે છે લાવને ત્યાં જઇને પુછુ.
ડોક્ટર ભીખુ પાસે આવીને પૂછે છે.
ડોક્ટર : શું થયું છે આ ભાઈ ને ? અને તમે કેમ આમને લારીમાં અહી લાવ્યા ?
ભીખુ : સાઈબ આ કાલી જોવોને એક-બેકલાકથી કાય જવાબ જ નથી દેતો. અમે બે કિમી ઓલી ઝુપડપટ્ટી સેને (હાથથી ઈશારો કરી બતાવે છે) ન્યાંથી આવીએ સીએ.
ડોક્ટર : (મનમાં સમજી જાય છે કે આ લોકો ગરીબ છે એટલે) વાંધો નહી તમે એક કામ કરો આ લો આ દસ રૂપિયા તમારામાંથી કોઈક એક વ્યક્તિ ત્યાં ઈમરજન્સી વિન્ડોમાંથી કેસ કઢાવીને અહી સામે ઈમરજન્સી વોર્ડમાં આવો ત્યાં હું વોર્ડબોયને બોલવી આ પેશન્ટને લેવડાવી તપાસ કરીને તમને કહું પણ હા ત્યાં સુધી તમારે લોકોએ વોર્ડની બહાર બેસવું પડશે ઓકે...અંદર કોઈ નહી આવે.
આમ ડોક્ટર કાલીને ઈમરજન્સી વોર્ડમાં લઈને તપાસ કરે છે અને ઈન્જેકશન આપીને કેસમાં બીમારી વિશે અને બીજીબધી દવાઓ લખે છે આ બધું પૂરું થતા ડોક્ટર લગભગ એક કલાકની આસપાસ બહાર આવે છે અને ભીખુને બોલાવીને કહે છે.
ડોક્ટર : મેં તપાસ્યું આ ભાઈને તાણ-આંચકી એટલે કે ખેચ આવવાથી તેના હાથપગ વળ્યાતા પણ હવે ચિંતા કરવાની જરૂર નથી મેં ઈન્જેકશન આપ્યું અને સાથે દવા પણ લખી છે માટે તમે આ દવા દવાબારી પરથી લઇ આવો પછી હજુ એક બે કલાક પછી હું આમને રજા આપીશ. ઓકે..
આમ ભીખુ દવા લઈને આવે છે અને દોઢ કલાક પછી કાલીને રજા આપે છે ત્યારે ડોક્ટર ભીખુને બોલાવે છે.
ડોક્ટર : આમને ખેચ આવવાથી તેના શરીરમાં નબળાઇ આવી ગઈ છે માટે તેને ચાર પાંચ દિવસ સુધી આરામ કરાવજો અને રોજ દવા પણ ટાઈમસર ખવડાવજો અને એક મહિના પછી ફરી મને બતાવી જજો. આ લો આ થોડા રૂપિયા આપું છુ બને તો ગ્લુકોઝના પાઉડર લઇ લેજો અને દરરોજ 2 ગ્લાસ પીવડાવજો. હવે લગભગ 1-2 કલાકમાં આ ભાઈ હોશમાં આવશે એટલે ગભરાવાની જરૂર નથી તમે આરામથી લઇ જાવ અને હા બને તો રીક્ષામાં લઇ જાવ.
આમ ભીખુ અને તેની સાથે આવેલા બીજા આઠ દસવ્યક્તિ જેમ કાલીને લઇ આવ્યા હતા તેમ જ ઝુંપડીએ લઇ જાય છે. વચ્ચે ભીખુને વિચાર આવે છે કે કાલીને રીક્ષામાં લઇ જાવ પણ ગ્લુકોઝ લેવાથી તેની પાસે હવે એટલા રૂપિયા નથી હોતા કે તે કાલીને રીક્ષામાં લઇ જઈ શકે. આમ તે લોકો કાલીની ઝુંપડીએ પહોચી કાલીને ઝુપડીમાં સુવડાવે છે અને બધા પૂરો દિવસના થાકને કારણે પોત-પોતાની ઝુપડીમાં ચાલ્યા જાય છે ત્યારે ભીખુ સવિતાને કહે છે.
ભીખુ : હું આજે અયા કાલીની પળખે રવ સુ તું ઝુંપડીએ જા અને સોકરાવનું ધીયાન રાયખ.
સવિતા : હા હારું હુ જાવ સુ તમે પણ ધીયાન રાખજો તમારા બેયનું.
આટલું કહી સવિતા પોતાની ઝુંપડીએ જાય છે. વચ્ચે રાતના કાલીને હોશ આવે છે ત્યારે થોડીવાર માટે તેને પણ નથી સમજાતું કે મને શું થયું છે અને તેને એ પણ ખ્યાલ નથી કે ભીખુ તેની ઝુપડીમાં તેનું ધ્યાન રાખી રહ્યો છે. માટે તે હવે ઉઠવાની કોશિષ કરે છે પણ શરીરમાં એકદમ નબળાઇ હોવાથી તે ઉઠી નથી શકતો અને તેની આંખો બંધ થઇ જાય છે.
સવાર પડતાની સાથે જ ભીખુ ઉઠી જાય છે પણ કાલી હજુ સુતો જ હોય છે ભીખુ જરા ઝુંપડીની બહાર આવે છે ત્યારે ઝુપડીમાં કઈક અવાજ સાંભળતાની સાથે ભીખુ ફરી ઝુપડીમાં જઇને જુએ છે તો કાલીને હોશમાં જોતાંજ તે ખુશ થઈને કાલીને કહે છે.
ભીખુ : ભાઈ હારું લાગે સે ને હવે ?
કાલી : ભીખુ તું અયા ક્યાંથી ?
ભીખુ : અરે! ભાઈ તને કાય યાદ સે કે નય?
કાલી : હુ યાદ સે કે નય ?
એટલે ભીખુ કાલીને માંડીને બધી વાત કરે છે ત્યારે કાલીને એકદમ નવાઈ લાગે છે કે તેને આટલું બધું થયું હતું અને ભીખુએ અને તેની આજુબાજુવાળાઓએ તેનું ધ્યાન રાખ્યું હતું.
ભીખુ : કાલી તું હમરા આરામ કર ડોકટરે કીધું સે કે હમરા તારે આરામ કરવાનો સે..હો.
કાલી : ના મારે આરામ બારામ નત કરવો. આરામ કરું તો ખાવું હુ ?
કાલી આટલું બોલી ઉઠવાની કોશિષ કરે છે પણ નબળાઇ ને કારણે તે ઉઠી નથી શકતો.
ભીખુ : અરે ! હું તારા હારું ખાવાનું લેતો આવી તું સિંતા ના કર.
કાલી : ભાઈ તને મલે કેટલું અને વાત કેટલી ? આમાં કોઈ એક જ જણ ખાય હકે બાકી આમનમ મરી જાહું.
ભીખુ : ના મને એક વિસાર આયવો સે કે કાયલે જે કોઈ આયવાતા તને દવાખાને લય જવા હારું એની પાહે જાવ ને કવ તો તારો મેર પળી જાહે..બરાબર..
કાલી : રેવા દે કોય બોલાવતું નથી એ હુ આપણને કાયમમાં આવહે ?
ભીખુ : અરે જાવા તો દે જોય હુ કે સે...બાકી આપણે રોજ જાય સી એ તો સે જ..
કાલી : હા તો હાલતો થા જ્યાવ જા આજુબાજુવારા પાહે.
આમ ભીખુ જે લોકો દવાખાને આવ્યાતા એ બધાને એક જગ્યાએ ભેગા કરી વાત કરે છે.
ભીખુ : હાંભળો હંધાય! કાલે આપણે ડોક્ટર એમ કીધું સે કે કાલીને આરામની જરૂર સે તો હું હુ કવ કે આપણે એને ખાવા-પીવા આપવું પળહે તો હેંધાય આપહો ને ?
બધા અંદરોઅંદર ચર્ચા કરીને ભીખુને કહે છે કે કાલી હંમેશા પોતાનું વિસારે સે અને કામ આવવું તો એકબાજુ પણ બીજાની હારે બાધણા કરાવે સે, આતો ઠીક સે કે કાયલ તમે હતા એટલે બાકી કાલી કરતા તો દુહમન હારા એટલે ના ભય ના અમે અન્નનો એક દાણો પણ કાલીને નય આપી તારે એની હેવા કરવી હોય તો કર અમે કાય નય અમે આ હાયલા. એટલું કહી તે આખું ધાળું ત્યાંથી રવાના થાય છે અને ભીખુની મુશ્કેલી વધતી જાય છે. ત્યાં સવિતા આવે છે.
સવિતા : હુ અયા ભામ ભેગી ક્યરીતી ? હંધાય આવુ વિસારે તો માગવા કોય ન જાય અને અયા કોય કામ આવે એમ નથી. હવે ભીખ માગવા હાલતા થાવ આ બે દિ થી કાય સે નય ખાહુ હુ?
આમ ભીખુ ફરી પાછો ભીખ માંગવા નીકળે છે કારણકે હવે કાલીની જવાબદારી પણ માથે આવી છે. ભીખુ એ બંને જ્યાં જતા તેમાની એક જગ્યા પર ભીખ માંગવા જાય છે અને પૂરો દિવસ તે કાલીના વિચારમાં કાઢે છે. સુર્યાસ્ત થતા જ અધારું થાય છે ત્યારે ભીખુ ઝુંપડીએ જવાની તૈયારી કરે છે અને ભીખ માંગવાના પાત્રમાંથી સિક્કા પોતાના હાથમાં લે છે તો કમનસીબે તેની પાસે પાંચ રૂપિયા જ થાય છે એ જોઈ ભીખુને ઘણા વિચારો આવે છે.
ભીખુ : (મનમાં ને મનમાં વિચારતા - હે ! ભગવાન આ પાંચ રૂપિયામાં હું હુ કરું ? આનાથી હું મારા સોકરાઓ કે ઘરવાળીને કાય ખવરાવી પણ ન હકુ અને હારે કાલીને પણ કાય ખવરાવી ન હકુ.)
આમ ભીખુ એકદમ નિરાશ થઈ જાય છે. હવે તેને શું કરવું એ પણ નથી સમજાતું. આ બધા વિચારો જાણે તેને મારવા દોડતા હોય તેવું લાગે છે અને આ બધા વિચારોને કારણે તેને આઘાત લાગે છે અને તે આઘાતમાં ને આઘાતમાં ઢળી પડી છે..
(ક્રમશઃ)
