STORYMIRROR

Mahatma Gandhi ji

Classics

0  

Mahatma Gandhi ji

Classics

દુ:ખદ પ્રસંગ—૧ મોહનદાસ કરમચંદ

દુ:ખદ પ્રસંગ—૧ મોહનદાસ કરમચંદ

5 mins
821


હું કહી ગયો કે હાઇસ્‍કુલમાં મને થોડા જ અંગત મિત્રો હતો જેને એવી મિત્રતાનું નામ આપી શકાય એવા બે મિત્રો જુદે જુદે વખતે મારે હતા એમ કહી શકાય. એક સંબંધ લાંબો ન ચાલ્‍યો, જોકે મેં તે મિત્રનો ત્‍યાગ નહીં કરેલો. બીજાનો સંગ મેં કર્યો તેથી પહેલાએ મને છોડયો. બીજો સંગ મારી જિંદગીનું દુઃખદ પ્રકરણ છે. એ સંગ ઘણાં વર્ષો સુધી ચાલ્‍યો. તે સંગ કરવામાં મારી સુધારક દષ્ટિ હતી. તે ભાઇની પ્રથમ મિત્રતા મારા વચેટ ભાઇની સાથે હતી. તે મારા ભાઇના વર્ગમાં હતા. તેનામાં કેટલાક દોષો હતા તે હું જોઇ શકતો હતો. પણ મેં તેનામાં વફાદારીનું આરોપણ કરેલું. મારા માતૃશ્રી, મારા જયેષ્‍ઠ ભાઇ અને મારી ધર્મપત્‍ની ત્રણેને એ સંગ કડવો લાગતો હતો. પત્‍નીની ચેતવણીને તો હું ગર્વિષ્‍ઠ ધણી શેનો ગણકારું ? માતાની આજ્ઞાનું ઉલ્‍લંઘન ન જ કરું. વડીલ ભાઇનું સાંભળું જ. પણ તેમને મેં આમ કહી શાંત કર્યા : ‘તેના દોષ જે તમે ગણાવો છો તે હું જાણું છું. તેના ગુણ તો તમે ન જ જાણો. મને તે આડે માર્ગે નહી લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહો એમ માગી લઉં છું. ’ આ બોલથી તેમને સંતોષ થયો એમ હું નથી માનતો, પણ તેઓએ મારા ઉપર વિશ્ર્વાસ રાખ્‍યો ને મને મારે માર્ગે જવા દીધો.

મારી ગણતરી બરાબર નહોતી એમ હું પાછળથી જોઇ શકયો. સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્‍ટ છે, કેમ કે મનુષ્‍ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્‍યકતા છે. જેને આત્‍માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્‍ય હોય કે અયોગ્‍ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્‍ફળ નીવડયો.

જયારે આ મિત્રના પ્રસંગમાં હું આવ્‍યો ત્‍યારે રાજકોટમાં ‘સુધારાપંથ’ પ્રવર્તતો હતો. ઘણા હિંદુ શિક્ષકો છૂપી રીતે માંસાહાર ને મદ્યપાન કરતા હતા એવા ખબર આ મિત્ર તરફથી મળ્યા. રાજકોટના બીજા જાણીતા ગૃહસ્‍થોનાં નામ પણ તેણે ગણાવ્‍યાં. હાઇસ્‍કૂલના કેટલાક વિદ્યાર્થીઓનાં નામ પણ મારી પાસે આવ્‍યાં. હું તો આશ્ર્ચર્ય પામ્‍યો ને દુઃખી પણ થયો. મેં કારણ પૂછયું ત્‍યારે આ દલીલ થઇ, ‘ આપણે માંસાહાર નથી કરતા તેથી આપણે નમાલી પ્રજા છીએ. અંગ્રેજો આપણા ઉપર રાજય ચલાવે છે તેનું કારણ તેમનો માંસાહાર છે. હું કેવો કઠણ છું કે કેટલું દોડી શકું છું એ તો તમે જાણો જ છો. એનું કારણ પણ મારો માંસાહાર જ છે. માંસાહારીને ગૂંમડાં થાય નહીં, થાય તો તેને ઝટ રૂઝ આવે. આપણા શિક્ષકો તે ખાય છે, આટલા નામાંકિત માણસો ખાય છે, તે કંઇ વગરસમજયે ખાય છે ? તમારે પણ ખાવું જોઇએ.

ખાઇ જુઓ અને જોશો કે તમારામાં કેટલું જોર આવે છે.'

આ કંઇ એક દિવસમાં થયેલી દલીલ નથી. એવી દલીલો અનેક દાખલાઓથી શણગારાયેલી ઘણી વાર થઇ. મારા વચેટ ભાઇ તો અભડાઇ ચુકયા હતા. તેમણે આ દલીલમાં પોતાની સંમતી આપી. મારા ભાઇના પ્રમાણમાં ને આ મિત્રના પ્રમાણમાં હું તો માયકાંગલો હતો. તેમનાં શરીર વધારે સ્‍નાયુબદ્ધ હતાં, તેમનું શરીરબળ મારા કરતાં ઘણું વધારે હતું. તેઓ હિમતવાન હતા. આ મિત્રનાં પરાક્રમો મને મુગ્‍ધ કરતાં. તે ગમે તેટલું દોડી શકતા. તેમની ઝડપ તો બહુ સરસ હતી. લાંબુ ને ઊંચું ખૂબ કૂદી શકે. માર સહન કરવાની શકિત પણ તેવી જ. આ શકિતનું પ્રદર્શન પણ મને વખતોવખત કરાવે. પોતાનામાં જે શકિત ન હોય તે બીજાનામાં જોઇને મનુષ્‍ય આશ્ર્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ર્ચર્યમાંથી મોહ પેદા થયો. મારામાં દોડવાકૂદવાની શકિત નહીં જ જેવી હતી. હું પણ આ મિત્રના જેવો બળવાન થાઉં તો કેવું સારું !

વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા કયાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો કયાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશકય. રખે અહીંથી ભૂત આવે. ત્‍યાંથી ચોર, ત્રીજી જગ્‍યાએથી સર્પ ! એટલે દીવો તો જોઇએ જ. પાસે સૂતેલી અને હવે કાંઇક જુવાનીમાં આવેલી સ્‍ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું ? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્‍યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઇઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્‍યું.

આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્‍ય નિશાળોમાં ગવાતું :

અંગ્રેજો રાજય કરે , દેશી રહે દબાઇ દેશી રહે દબાઇ, જોને બેનાં શરીર ભાઇ પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેને.

આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઇ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્‍તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઇશ. દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.

માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો.

આ નિશ્ર્ચય – આ આરંભ – નો અર્થ બધા વાંચનાર નહીં સમજી શકે. ગાંધી કુટુંબ વૈષ્‍ણવ સંપ્રદાયનું. માતપિતા અતિશય ચુસ્‍ત ગણાતાં. હવેલીએ હંમેશાં જાય. કેટલાંક મંદિરો તો કુટુંબના જ ગણાય. વળી ગુજરાતમાં જૈન સંપ્રદાયનું બહુ બળ. તેની અસર દરેક સ્‍થળે, દરેક પ્રવૃતિમાં જોવામાં આવે. એટલે માંસાહારનો જે વિરોધ, જે તિરસ્‍કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્‍ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્‍તાનમાં કે આખા જગતમાં બીજે કયાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્‍કાર.

માતપિતાનો હું પરમ ભકત. તેઓ મારા માંસાહારની વાત જાણે તો તેમનું તો વણમોતે તત્‍કાળ મૃત્‍યુ જ નીપજે એમ હું માનનારો. સત્‍યનો જાણ્‍યેઅજાણ્‍યે સેવક તો હું હતો જ. માંસાહાર કરતાં માતપિતાને છેતરવાનું રહેશે એ જ્ઞાન મને તે વેળા નહોતું એમ હું ન કહી શકું.

આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ર્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્‍તુ હતી.

પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્‍વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્‍તાનને સ્‍વતંત્ર કરવું હતું. ‘સ્‍વરાજય’ શબ્‍દ તો ત્‍યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્‍યો

સત્યના પ્રયોગો અથવા આત્મકથા


Rate this content
Log in

Similar gujarati story from Classics