દ્રષ્ટિ
દ્રષ્ટિ


યુગોથી એક સમયે ઉદય અને એક સમયે અસ્ત થાતો હું રોજ કેટલાંય દ્રશ્યોને દ્રષ્ટિમાં નજરકેદ કરતો રહું છું. જગતના દરેક અલગ અલગ સ્થળોએ મને રોજ કેટલીય કહાનીઓ નિહાળવા મળે. ક્યારેક રાજી થવા જેવી તો ક્યારેક બહુ દુ:ખદ.
આજે તો હું પૂર્ણમાસીનો ચાંદ એટલે સોળે કળાએ ખિલેલો. મનમાં ને મનમાં મારી સુંદરતા પર ગર્વ કરતો કે મારા સૌંદર્યના તો જગતમાં ઉદાહરણ અપાય છે. મારી ચાંદનીની સાક્ષીએ કંઈ કેટલાય વચન-શપથ લેવાય છે.
આજે જરા સતલજના કિનારે નજર માંડી છે. રાબીકૌર મારી તરફ જ મીટ માંડીને બેઠી બેઠી મારી સાથે વાતો કરતી લાગે છે. મેં જરા કાન માંડ્યા..
એક નિ:સાસો સંભળાયો.
“હરમનસિંગને ગયે બે વર્ષ થયાં. દેશની સેવામાં લાગી ગયો છે. ક્યારેક ફોન કરે પણ ખરો. એ ચાંદની નીચે બેસીને કરેલી વાતો બહુ યાદ આવે છે. એની રક્ષાની જિમ્મેદારી પણ ચાંદને જ સોંપું છું.”
અને રાબીકૌર
ભીની આંખે પરશાળમાંથી ઘરની અંદર જતી રહી. હું વ્યથિત થયો ન થયો ત્યાં ઝેલમને કિનારે નજર પડી.
હલીમા ખુલ્લા આકાશ સામે મીટ માંડીને જાણે મને જ કહી રહી હતી.
“અરે આ મનહૂસ ચાંદનીના ઝાંસામાં આવીને જ હું તબરેઝના પ્રેમમાં પડી. એનો આતંકીઓ સાથેનો નાતો પછી ખબર પડી. હવે એને સારા રસ્તે વાળવાની જવાબદારી પણ ચાંદ તારી જ.”
ત્રીજા ખૂણે હિમાલયની બર્ફિલી પહાડી પર દેશની સુરક્ષા કરતો હરમન ચાંદનીના અજવાળામાં દુશ્મન પર નજર રાખી રહ્યો હતો.
“કોઈ મારા દેશ પર નજર તો કરી જોવે ! આ ચાંદનીની કસમ, એને પાઠ ભણાવીને જ છોડું.”
ચોથો ખૂણો તબરેજની એ.કે.૪૭ થી ઘેરાયેલો હતો.
“બસ આજ તો આ ચાંદનીમાં બરાબરનો હુમલો બોલાવી જ દેવો છે. સરકારને ખબર પાડી જ દેવી છે.”
અને... હું...
મારા અસ્તિત્વથી દરેકને થતી અલગ અલગ અસરમાં અસ્તવ્યસ્ત જ અસ્ત થવાની તૈયારીમાં.