દોષિત કોણ?

દોષિત કોણ?

5 mins
7.7K


આજે કોલેજમાં એક વાત ગંભીરતાથી અને દિલગીરીથી કોઈકના મુખે એકદમ ધીમા સૂરે કહેવાઈ, સાંભળનાર સૌ કોઈ માત્ર 'અરરર ...' બોલી નિશબ્દ થઈ જાય છે.

પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં સોંપો પડી ગયો.

સૌના મનમાં અનેક પ્રશ્નનો વંટોળ ઊઠ્યો છે. પણ વાચાને જડબેસલાક તાળું વાગી ગયું. કોઈની મજાલ છે કે એક હરફ ઉચ્ચારે !કોલેજમાં સાડા દસે પહેલા પીરિયડનો બેલ વાગ્યો, મીટીગ હોલમાં એકત્ર થવાની સૂચના મળી.મસ્તી. તોફાન અવાજ કરતા જુવાન છોકરા -છોકરીઓ આજે નતમસ્તક શાંત એક પછી એક હોલમાં આવી ગયાં. હોલમાં બધાની નજરમાં બે ગેરહાજર વ્યક્તિઓ વિષે જાણવાની તીવ્ર ઈચ્છા ડોકાતી હતી. કેમ થયું ? કોણે કર્યું?......

'શોકાંજલિ'નો ઠરાવ પ્રિન્સીપાલ દ્વારા વાંચવામાં આવ્યો, જેમણે સાંભળ્યું તે બધાએ મૂંગા  નિસાસા નાખ્યા. સૌ મુઢમારથી પીડાતા હતા,કોણ કોને આશ્વાસન આપે ?

આમ તો હવે આજે બધા કલાસીસ બંધ હતા. પણ કોઈના ચહેરા પર ન તો હળવાશ હતી કે ન કોઈ કોલેજ છોડવાની વાત કરતું હતું. બસ રૂમ નંબર સાતના દરવાજે તાકીને ઉભા હતાં .

સાત નંબરનો લાંબો વિશાળ રૂમ ખાલીખમ હતો. બ્લેકબોર્ડ કોરું, ટેબલ ખાલી, ખુરશી સૂની, બેંચો ખાલી. એક ભેકાર ખંડીયેર હોય તેવું બિહામણું લાગતું હતું.

એટલામાં એકદમ હલચલ મચી ગઈ હોય તેવું થયુ.

 વિદ્યાર્થીઓના ટોળામાંથી 'ખસો ,ખસો, 'કરતા પ્રોફેસર શર્મા તીરવેગે આવ્યા,ઘ ડી પહેલા ખાલી દેખાતો રૂમ ભ્રમણા હતી,કે શું ?પોતાનાં પુસ્તકો લઈ સ્ટુડન્ટ બેંચો પર બેઠેલા હતાં. પ્રોફેસર શર્મા અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા, ખૂબ વિદ્વાન પણ તેઓ એવું જીવંત અને સમજાય તેવું ભણાવે કે  સહુના પ્રિય થઈ ગયા હતા. તેમનો વર્ગ દરરોજની જેમ આજે પણ વિદ્યાર્થીઓથી ખીચોચીચ ભરેલો હતો.

શેક્સપિયરનું જાણીતું નાટક 'ઓથેલો'નો રસાસ્વાદ તેઓ કરાવી રહ્યા હતા. કેટલાક તો બીજા વિષયના વિદ્યાર્થી આવીને બેઠા હતા.

યુવાન, ઉચા અને ચપળ પ્રોફેસર એવું સરસ લેકચર આપતા કે મંત્રમુગ્ધ થઈ સૌ સાંભળ્યા કરતા. બઘાની રસસમાધીમાં ભંગ પડ્યો, 'મે આઈ કમીન ?' કરતી રૂપા ઊભી રહી.

કોલેજમાં નવી જ આવી હતી. જીન્સ અને લાલ ટોપમાં ઊભેલી આકર્ષક રૂપા તરફ સૌની આંખો ઠરી. ખીલેલા કમળને જોઈ જાણે ભ્રમરને ખેંચાણ થયું ! એક ક્ષણ તો પ્રોફેસરનું  વ્યક્તવ્ય પણ તેની હાજરીથી પોતાના રસમય પ્રવાહની ગતિ ચૂકી ગયું. વિદ્યાર્થીઓના શ્વાસ અધ્ધર થયા 'હમણાં સર કહી દેશે કે લેઇટ સ્ટુડન્ટ ઇઝ નોટ ઍલાઉડ'

કોઈને આમ વિદ્યાર્થી મોડો આવે તો ગમતું નહિ. પણ આવનાર છોકરીની બાબતમાં સૌ તેને જોવામાં મશગૂલ થઈ ગયાં, તે એવી મુગ્ધ અને ભોળી લાગતી હતી કે પ્રોફેસર હસી પડ્યા, બોલ્યા:

'ઓથેલો' નાખુશ છે, આવવું હોય તો આવો.'

રૂપા શરમાઇ ગઈ, પોતે હસવાને પાત્ર બની, બોલી 'સોરી સર '.

તે દિવસ પછી રૂપા કલાસમાં વહેલી આવી. આગળની બેંચ ઉપર બેસી જતી. પ્રોફેસરનું લેકચર પૂરું થાય પછી પ્રશ્નો પૂછતી. ક્યારેક કોઈક બૂક માગતી. ક્લાસમાં સૌને લાગતું રૂપા પ્રોફેસરની માનીતી વિદ્યાર્થીની છે. જે દિવસે આગળની બેન્ચ ખાલી હોય તે દિવસે પ્રોફેસર રૂપાની રાહ જોતા હોય તેવું સોને જણાય .સરનો અવાજ ધીમો પડે,વ્યા ખ્યાન બરોબર જામે નહીં .તેઓ ઉત્સુક નજરે બારણાની બહાર જોયા કરતા, છોકરાઓ મઝાક કરતા,પણ રૂપા આવે પછી જ સરના વ્યાખ્યાનમાં પ્રાણ આવતો. રૂપા અને પ્રોફેસર શર્મા પોતની દુનિયામાં ખોવાયેલા રહેતા. કોલેજના ચાર વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓએ શેક્સપિયરનું 'ઓથેલો ' નાટક ભજવેલું,

પ્રોફેસર શર્માએ ખૂબ રસ અને મહેનતથી છોકરા-છોકરીઓને નાટક માટે તેયાર કરેલા. નાટકમાં નાયિકાના પાત્રમાં રૂપા હતી. ઓથેલો શ્યામ હતો પણ બહાદૂર લડવૈયો હતો. તેના પરાક્રમથી અંજાઈને રૂપાળી ડેસડિમોના તેના પ્રેમમાં પડે છે. પિતાની ઈચ્છા વિરુદ્ધ તે ઓથેલો સાથે લગ્ન કરે છે. લગ્ન પછી અસન્તુષ્ટ માણસો ઓથેલોના કાનમાં ઝેર રેડે છે કે તેની રૂપાળી પત્નીને બીજા સાથે સબંધ છે. ઓથેલોએ પત્નીને રૂમાલની ભેટ આપી હતી, તે રૂમાલ ચોરાય જાય છે તેથી ઓથેલો લોકોનો ભમભેરવ્યો પત્નીને બેવફાદાર સમજી લે છે.

તે વહેમી, કાચાકાનનો અને ઈર્ષાળુ હતો તે તેની નિર્દોષ પત્નીનું ગળું દબાવી દે છે, રૂપાએ એવો સરસ અભિનય કરેલો કે એ દશ્યથી પ્રેક્ષકો આંસુથી ભીજાયા હતા. તાળીઓના ગડગડાટથી હોલ ગાજી ઊઠ્યો હતો !

આજે સૌ બધું યાદ કરી રહ્યા. જીવનની સચ્ચાઇ આજે રંગમંચ પર ભજવાતી નજરે નિહાળતા સૌ અશ્રુપ્રવાહને ખાળવા અસમર્થ હતા.

રૂપા અને પ્રોફેસર શર્માના પ્રેમની ચર્ચા ,ટીકા કોલેજની બહાર અને સમાજમાં થવા લાગી. તેમાં બળતામાં ઘી હોમાયું. વાત બહાર આવી કે પ્રોફેસર પરણેલા છે અને એમને બે વર્ષનો દીકરો છે. શું ખરેખર પ્રેમ આંધળો હશે ! કોલેજમાં સૌને દેખાતું હતું કે રૂપાએ ચેતી જવું જોઈએ. તેમના પ્રેમની આગ એક પત્નીના અને બાળકના જીવનને દઝાડશે ! રૂપા શહેરમાં નવા આવેલા જિલ્લા અધિકારીની દીકરી હતી. અધિકારીની ધાક એટલી બધી હતી કે સૌ ફફડતા. તેમનો બંગલો શહેરથી ઘણો દૂર હતો. કામ સિવાય કોઈ જવાની હિંમત કરતું નહીં! રૂપાને જીપ ગાડીમાં ડ્રાઇવર કોલેજ મૂકી જતો.અધિકારીના કાન સુધી દીકરીના પ્રેમપરાક્ર્મની વાત પહોંચી ત્યારે પ્રેમની જ્વાલામાં પતંગિયા જલી ચૂક્યાં હતાં .

એમ સાંભળવામાં આવેલું કે પ્રોફેસર કોલેજ છોડી દેવાના છે. તેઓ અને રૂપા દૂર જતા રહેવાના છે. સારા પ્રોફેસર ગુમાવી દેવાનું કોઈને ગમતું નહોતું. કોલેજમાં સૌ રૂપાને દોષિત ગણતા પણ બહારના લોકો અને રૂપાનું કુટુંબ દોષનો ટોપલો પ્રોફેસરને માથે નાખતા હતા.

ગઈ કાલ રાતની ટ્રેનમાં જવા માટે કોઈએ તેઓ બન્નેને પ્લેટફોર્મ પર જોયા હતા. રૂપાને બળજબરીથી એના સગાં પ્લેટફોમ પરથી ખેચી લાવ્યા. સવારે પ્રોફેસર શર્માની લાશ રેલના પાટા પાસેથી મળી. શહેરમાં કોલેજમાં જેણે સાંભળ્યું તેઓ 'અરરર ....' કહી નિસ્તબ્ધ થઈ ગયા! 

આજે સૌને મનોમન થાય છે ઓથેલોએ એની પત્નીનો જીવન દીવડો ઓલવ્યો હતો. પણ પ્રોફેસરનો જીવનદીપ કેમ કરી બૂઝાયો ? રૂપાનું શું થયું હશે ? કોલેજમાં અભ્યાસ પૂરો કરવા નહીં આવે ?

***

બે મહિના વીતી ગયા. કોલેજમાં કોઈએ રૂપાને જોઈ નથી.એવું જાણવા મળેલું કે લેડી પ્રોફેસર મિસિસ શબાવાલા જીપગાડીમાં રૂપાને

ઘેર જતાં હતા. રૂપા ટ્યુશન દ્વારા પરીક્ષાની તૈયારી કરતી હતી.

કૉલેજમાં સૌ વિચારતું હતું કે પરીક્ષા વખતે રૂપા કોલેજમાં આવશે અને સાત નમ્બરનો હોલ પ્રો. શર્મા વિનાનો ખાલી જોઈ રડી પડશે ત્યારે કોણ આશ્વાસન આપશે? દસમી એપ્રિલ .ફાઇનલ એક્ઝામની તારીખ. વિધાર્થીઓ તનતોડ મહેનત કરી પરીક્ષા આપવા બરોબર સાડા દસે એ હોલમાં આવી પહોંચ્યાં હતાં. પહેલું પેપર અંગ્રેજીનું જ હતું. વિધાર્થીઓના ચહેરા પર તનાવ હતો. પાછળના બે મહિના પ્રો.શર્મા વિના કોઈએ સરખો ક્લાસ લીધો નહોતો. ઉત્તરવહી વહેંચાઈ ગઈ. પ્રશ્નપત્રનું પેકેટ આવવાની તૈયારી હતી ત્યાં વાદળી રંગનું પંજાબી સૂટ પહેરેલી કોઈ માંદા જેવી છોકરીને મિસિસ શબાવાલા હાથ પકડીને આવતાં દેખાયાં. છોકરીના ચહેરાનો રંગ ફિક્કો, તાણીને બાંધેલા વાળની પોની...અરે આ કોણ ?

ત્યાં સર બોલ્યા: 'રૂપાની સીટ પહેલી બેન્ચ પર છે. મિસિસ શબાવાલા તમે હવે જઈ શકો છો.'

પરીક્ષાના પેપરને બે ઘડી વિસરી જઈ સૌ કરુણ અવાજે 'આ રૂપા ? નજરે દેખાતી રૂપા તેમના મનમાં અંકાયેલી રૂપાની મૂર્તિ સાથે કોઈ મેળ ખાતી નહોતી. આજે પ્રો.શર્મા હોત તો તેઓ પણ મુંઝાઈ જાત !

પરીક્ષા હોલમાં સન્નાટો છવાયેલો હતો. પેપરમાં પ્રશ્નો ખુબ અધરા હતા, કોઈને બરોબર જવાબ આવડતા નહોતા. તેમાં કલાકથી નિર્જીવ પૂતળા જેવી બેઠેલી રૂપા એકાએક ઊભી થઈ ગઈ.ચારે તરફ દોડતી રુદન કરતી બોલી ઊઠી,

‘મને કહોને પ્રોફેસર ક્યાં ગયા ?' સૌ ને જાણે 'ઓથેલો' નાટકની નાયિકાની ચીસો સંભળાઈ ! હોલમાં પડઘા પડતા હતા 'અમે નિર્દોષ છીએ. પ્રો.પ્રોફેસરને કોઈ બચાવો,દોડો... દોડો...’

હોલમાં ખળભળાટ મચી ગયો. સરે કહ્યું : 'શાંતિ રાખો.'

પટાવાળો દોડતો જઈને મિસિસ શબાવાલાને બોલાવી લાવ્યો. રૂપાનું રુદન બેકાબૂ હતું. વિધાર્થીઓ રૂપાને બળજબરીપૂર્વક લઈ જતા લાચારીથી જોઈ રહ્યા. એક યુવાન અરમાનભર્યા હૈયા પરનો આ જુલ્મ અસંખ્ય યુવાન હૈયાને ખળભળાવી રહ્યો હતો.

પ્રેમમાં પાગલ બનેલી રૂપાને કોણ સમજાવે ? એકે એક બેન્ચ પર બેઠેલ વિદ્યાર્થી, ટેબલ, ખુરશી, દિવાલો ..દિવાલની ઈંટો....કોલેજના આલીશાન બિલ્ડીગની કણે કણ રૂપા ગાંડીના રુદનનો ઇતિહાસ આવનાર પેઢીઓને કહેશે ત્યારે કોણ દોષિત હશે ?


Rate this content
Log in

Similar gujarati story from Romance