Niranjan Mehta

Inspirational

4.6  

Niranjan Mehta

Inspirational

દિપાવલી

દિપાવલી

8 mins
1.1K


દિપાવલીના પર્વના હવે પાંચેક દિવસ બાકી રહ્યા હતાં. શેફાલીએ જો કે કેટલાક દિવસ પહેલા જ ઘરની સાફસુફી કરી હતી અને તે દરમિયાન તેણે જોયું કે પૂરતા કોડિયા નથી જેથી તે પાંચ દિવસ ઘરમાં કોડિયા વડે રોશની કરે અને સુશોભનમાં વધારો કરે.


‘રાકેશ, સાંજે ઓફિસેથી પાછા આવતા માર્કેટમાં જઈ એક ડઝન કોડિયા લેતો આવજે.’

‘કેમ, ગયા વર્ષે તો લાવ્યા હતાં. તે બધા તૂટી ગયા?’

‘બધા તો નહિ પણ થોડાક જ. પૂરતા કોડિયા હોય તો શોભામાં આંચ ન આવે.’

‘ઠીક છે.’ કહી રાકેશ ઓફિસે જવા નીકળ્યો.


સાંજે તે પાછો આવ્યો તે પહેલા યાદ રાખીને રસ્તામાંથી કોડિયા લઇ લીધા કારણ તેને થયું કે જો ભુલાઈ ગયું તો શેફાલી પાસેથી કાંઈ કેટલુંય સાંભળવું પડશે અને ફરી લેવા મોકલશે તે જુદું.


ઘરમાં પ્રવેશતા જ તેણે અન્ય સામગ્રી સાથે કોડિયાનું પેકેટ પણ આપ્યું. પેકેટ જોઈ શેફાલી બોલી ઊઠી, ‘અરે તું તો સાદા કોડિયા લાવ્યો.’

‘હા, કેમ?’

‘અરે, આ વખતે મારે ડિઝાઈનવાળા રંગીન કોડિયાથી ઘરને સજાવવું હતું.’

‘પણ સવારે તો તે આ વિષે કોઈ ફોડ નહોતો પાડ્યો’

‘હા, પણ મને તારા ગયા પછી યાદ આવ્યું કે તને ચોખવટ નથી કરી એટલે તું સાદા જ કોડિયા લાવશે.’

‘તો ફોન કરવો હતો ને?’

‘કામમાં યાદ ન આવ્યું અને સમય પણ ક્યાં હતો આ બધું યાદ રાખવાનો.’

‘વાહ, કામ તો તું એકલી જ કરે છે,’ એમ કહેવાનું મન થયું પણ ત્યાર પછીની પરિસ્થિતિ શું હશે માની તે ચૂપ રહ્યો.  


‘ચાલ, હવે ચા પીવડાવી દે.’

‘ચા તો રોજ મુજબ તૈયાર જ છે પણ તું કપડાં ન બદલતો.’

‘કેમ? ક્યાંક બહાર જવું છે?’

‘ના, આમ તો બહારનો પ્રોગ્રામ નથી પણ જયારે તું સાદા કોડિયા લાવ્યો છે તો તેને બદલાવીને રંગીન કોડિયા લઇ આવ એમ મારૂં કહેવું હતું.’

‘હમણાં તો હું બહુ થાકી ગયો છું. કાલે લેતો આવીશ’

‘ના, કાલે ધનતેરસ છે અને તે માટે કોડિયા આજે લાવવા જરૂરી છે.'

‘જેવી શ્રીમતીજીની આજ્ઞા. પણ એક કામ કર. હું ચા પી લઉં ત્યાં સુધીમાં તું તૈયાર થઇ જા. તું પણ મારી સાથે ચાલ.’

‘અરે, મારે કેટલું કામ છે. મારાથી નહીં આવી શકાય.’

‘જો હું એકલો જાઉં અને ફરી તારી પસંદના કોડિયા ન લાવ્યો તો સમય અને પૈસા બંને વેડફાઈ જશે. તું આવે તો બધું સારી રીતે પાર પડે.’

‘તારી વાત સાચી છે. ઠીક છે. હું તૈયાર થઈને આવું છું.’


થોડા વખત પછી બંને નજીકના મોલમાં ગયા જ્યાં રંગબેરંગી કોડિયા મળે છે તેની શેફાલીને જાણ હતી. યોગ્ય કોડિયા મળ્યા એટલે તે ખુશ હતી. સાથે સાથે ધનતેરસને હિસાબે મોલની બાજુમાંથી મીઠાઈનું પેકેટ પણ લીધું જેથી તહેવારના દિવસોમાં તે કામ આવે.


‘બહાર નીકળ્યા છીએ તો થોડું ખાઈ જ લઈએ કેમ કે ઘરે જઈને રસોઈ બનાવવાનો સમય નહિ મળે.’

‘હા, હું પણ એમ જ કહેતો હતો.’ જો કે મનના ભાવ મોં પર આવવા ન દીધા. 


ખાવાનો પ્રોગ્રામ પત્યા બાદ શેફાલીએ કહ્યું કે ચાલ હવે આ સાદા કોડિયા બદલી આવીએ. હા, કહી રાકેશે તેને મોલ તરફ લઇ જવાને બદલે વિરુદ્ધ દિશામાં લઇ ગયો.

‘કેમ આ તરફ? મોલમાંથી તું પેલા સાદા કોડિયા નથી લાવ્યો?’

‘ના.’ 

‘તો ક્યાંથી લાવ્યો છે?’

‘તું ચાલ તો ખરી તને બધું સમજાઈ જશે.’


થોડે દૂર પહોંચ્યા બાદ રાકેશે શેફાલીને સામેની ફૂટપાથ પર બેઠેલા એક ગરીબ દેખાતી વ્યક્તિ તરફ આંગળી ચીંધી. એક પાથરણા ઉપર તે કોડિયાંનો ઢગલો કરીને બેઠો હતો. સાંજ ઢળી ગઈ હતી પણ લાગતું હતું કે કોઈ ખાસ વકરો તેને નથી થયો. પોતાની ડાબી અને જમણી બાજુએ ડોક ફેરવી ફેરવી તે ગ્રાહકને શોધતો હતો.


‘શેફાલી, મેં આ સામે બેઠેલા ફેરિયા પાસેથી કોડિયા ખરીદ્યા હતાં. હવે હું કઈ રીતે તેણે વેચેલા કોડિયા પાછા લઇ લેવા કહું? માંડ વેચેલી વસ્તુ પણ પરત થાય છે તે જોઈ તે ગરીબ પર શું અસર થશે? આમ તો આ કોઈ દુકાનમાંથી લીધેલો માલ નથી કે તે પાછો આપી શકાય કે બદલી શકાય. તેને પણ પોતાનું કુટુંબ હશે અને તેને પણ બાળબચ્ચા હશે જે દિવાળી ઉજવવા આતુર હશે. તેઓ પોતાના પિતાની રાહ જોતા હશે કે આજે થોડીક કમાણી કરશે તો બાપુજી કાંઈક સારું ખાવાનું લઇ આવશે. હવે જો આપણે તેને પરાણે આ કોડિયા પાછા આપીએ તો તેની શું હાલત થાય? તેમ છતાંય તારે તેમ કરવું હોય તો એ કામ હું નહીં કરૂં, તારે જ કરવું પડશે.’


‘પણ મને તો એમ કે તે દુકાનેથી આ કોડિયા લીધા હતાં અને આપણે તે દુકાનમાં જઈ બદલાવી શકશું. હવે પેલા માણસને કોડિયા પાછા આપવાની વાત કેમ થાય? વળી મેં તો તેની પાસેથી આ કોડિયા નથી લીધા એટલે તે મને ઓળખતો પણ નથી તો તે કેવી રીતે પાછા લેવાનું કબૂલ કરશે?’


‘હા, એ વાત સાચી પણ હું અહી ઉભો છો. તું મારી તરફ આંગળી કરી કહેજે કે સાહેબે લીધા હતાં પણ ભૂલથી રંગીનને બદલે સાદા લાવ્યા હતાં. અમે જોઈતા રંગવાળા કોડિયા લઇ લીધા છે. તો તારા કોડિયા પાછા લઈ લે અને જોઈએ તો પૂરા નહીં પણ અડધા પૈસા પાછા આપ.’

‘પૂરા પૈસા કેમ નહી?’

‘જો તું પૂરા પૈસા પાછા માંગીશ તો તે કોડિયા પાછા લેવાની ના પાડશે, પણ વેચ્યા વગર થોડાક પૈસા મળતા હોય તો તે કદાચ તારી વાત માની લેશે.’

‘ઠીક છે. હું પ્રયત્ન કરી જોઉં છું.’


આમ કહી શેફાલી રસ્તો ઓળંગી સાદા કોડિયા લઇ પેલા ફેરિયા પાસે પહોંચી. તે બંને વચ્ચે શું વાત થઇ તે રાકેશને ન સંભળાઈ પણ એક બે વાર શેફાલીને તેના તરફ હાથ કરી વાત કરતાં જોઈ એટલે તેને થયું કે મેં કહ્યું તેમ જ તે કહેતી હશે. પાંચેક મિનિટ બાદ તે ખાલી હાથે પાછી આવી એટલે રાકેશ સમજી ગયો કે શેફાલી પેલા ફેરિયાને સમજાવવામાં સફળ રહી છે.

‘વાહ, તું તો એકદમ કાબેલ નીકળી.’

‘તે બધી વાત પછી. પેલા નવા કોડિયા અને મીઠાઈનું બોક્ષ આપ.’

‘કેમ હું પકડું છું ને.”

‘અરે, હું પકડવા માટે નથી માંગતી. મારે બીજું કામ છે.’ આમ કહી તે બંને વસ્તુ લઇ ફરી રસ્તો ઓળંગી પેલા ફેરીયા પાસે ગઈ. રાકેશ ન સમજાયું કે શેફાલી શું કરી રહી છે. પણ તેને ખાત્રી હતી કે તે જે કાંઈ પણ કરશે તે યોગ્ય જ હશે. 


બેએક મિનિટ પછી રાકેશે શેફાલીને રસ્તો ઓળંગી પોતાની પાસે આવતા જોઈ. પણ આ શું? તેના બંને હાથ ખાલી હતાં. તો રંગીન કોડિયા અને મીઠાઈનું બોક્ષ ક્યા ગયું? જેવી શેફાલી નજીક આવી કે તરત જ રાકેશે તેને પૂછ્યું, ‘શેફાલી, તારા હાથ ખાલી કેમ? નવા કોડિયા અને મીઠાઈનું બોક્ષ ક્યાં?’


હસતા મુખે શેફાલીએ પેલા ફેરિયા તરફ તેનું ધ્યાન ખેચ્યું. રાકેશે જોયું કે નવા કોડિયાનું પેકેટ અને મીઠાઈનું બોક્ષ તે ફેરિયાનાં હાથમાં હતું અને તેના મુખ પર સ્મિત ફરકી રહ્યું હતું..

‘શેફાલી વાત શું છે? મને તો કશી સમજ નથી પડતી. તું તો સાદા કોડિયા પાછા આપવા ગઈ હતી તો બાકીની ચીજો પણ આપી દીધી? કેમ? હવે તું ઘરમાં દીવા કેવી રીતે પ્રગટાવીશ?’

‘શાંત, શાંત. બધા સવાલનો જવાબ આપીશ પણ રસ્તામાં નહિ. ઘરે જઈને. પણ તે પહેલા આપણે ફરી મોલ જઈશું..’

‘કેમ ફરી?’

‘કહ્યું ને બધું ઘરે જઈને.’


બંને ફરી પાછા મોલમાં ગયા અને શેફાલીએ છ છ કોડિયાનાં દસ પેકેટ બંધાવ્યા. રાકેશ તો નવાઈ પામ્યો કે આટલા બધા કોડિયાનું શેફાલી શું કરવા માંગે છે. પણ પૂછવાની મનાઈ હતી એટલે ચૂપ રહ્યા સિવાય છૂટકો ન હતો.

આમ જ મીઠાઈના દસ પેકેટ પણ લીધા. તે જોઈ રાકેશ અકળાયો પણ મૂંગો રહ્યો.

ઘરે પહોંચ્યા પછી રાકેશે જેવું મોં ખોલવાનો પ્રયત્ન કર્યો કે શેફાલીએ કહ્યું, ‘કહું છું, ભાઈ, કહું છું. તું સમજી તો ગયો હશે કે મેં જે પણ કર્યું છે તે સમજી વિચારીને કર્યું છે.’

‘હા, તેમાં બે મત નથી, પણ બે વસ્તુ મારી સમજમાં નથી બેસતી.’

‘એક હું સાદા કોડિયા સાથે નવા કોડિયા અને મીઠાઈનું બોક્ષ તે ફેરિયાને કેમ આપી આવી. બીજું, આટલા બધા નવા કોડિયા અને મીઠાઈના બોક્ષ લેવાનું કારણ શું. બરાબર?’

‘વાહ, તું તો મારા મનને બરાબર સમજે છે. તેં જે કર્યું તેની પાછળ કોઈ કારણ હશે જ પણ તે મારી સમજ બહાર છે એટલે મને સમજાવ કે તેં આ શું કામ કર્યું.’


‘પહેલા તો હું તે ફેરિયા પાસે ગઈ ત્યારે મનમાં તો ગમે તેમ કરી સાદા કોડિયા પાછા આપવાનું નક્કી કરીને ગઈ હતી. પણ જ્યારે મેં તેને કહ્યું કે મને આ કોડિયાની હવે જરૂર નથી ત્યારે તેણે કહ્યું કે બહેન હવે લોકોને આવા સાદા કોડિયા નથી પસંદ પડતા અને રંગબેરંગી કોડિયા કે સુશોભિત કન્દીલ લાવે છે અને પોતાના ઘરને રોશન કરે છે. માંડ આજે થોડાક કોડિયા વેચ્યા હતાં એટલે થયું કે બાળકો માટે કશુક સારૂં ખાવાનું લઇ જાઉં. હવે તમે આ કોડિયા પાછા લાવીને તેના પૈસા માંગો છો તો હું તેમ નહીં કરી શકું. બધે દિવાળીનો ઝગમગાટ છે પણ મારા ઘરે તો સાદા કોડિયા પ્રગટાવવાની પણ તક નથી. તમને તો આ કોડિયાનાં પૈસાની કિંમત ખાસ નથી એટલે આ કોડિયા રાખશો તો પણ કોઈ ફરક નહીં પડે પણ મારા જેવા ગરીબ માટે તો તેના આવેલા પૈસા આ તહેવારના દિવસોમાં અમુલ્ય છે. હવે તમે જો તે પાછા આપી તેના પૈસા માગશો તો તેમ કરવા હું બંધાયેલો નથી પણ તેમ છતાં હું મારી ફરજ નહીં ચૂકું. અને લઇ લઈશ અને પૈસા પણ આપી દઈશ.


‘તેની વાત સાંભળી કોણ જાણે કેમ પણ મારૂં મન વિચલિત થઇ ગયું. આપણે કેટલા સ્વાર્થી છીએ. પેલાની વાત જાણ્યા વગર આપણે આ કોડિયા પાછા આપવાનું નક્કી કર્યું પણ તેને લઈને તે ગરીબ ઉપર શું વીતશે તેનો વિચાર સરખો પણ ન કર્યો. આ કોડિયાની કિંમત આપણા માટે કેટલી? જ્યારે તે ફેરિયા માટે અમુલ્ય. તેને લઈને તેના બાળકો કાંઈક સારૂં ખાવાનું પામશે અને ખુશ થશે. તે જોઈ બાળકોના માતાપિતા પણ આનંદ અનુભવશે. એક ક્ષણમાં મેં નક્કી કર્યું કે મારા માટે આ એક સારી તક છે સમાજ તરફની આપણી ફરજને ન ભૂલવાની. એટલે ન કેવળ તેના સાદા કોડિયા તેને પૈસા લીધા વગર પાછા આપ્યા પણ સાથે સાથે આપણે લીધેલા રંગબેરંગી કોડિયા પણ તેના ઘરમાં પ્રગટાવવા માટે આપ્યા. વળી તેના બાળકો આ તહેવારમાં મીઠાઈની મોજ માણી શકે તેવો વિચાર આવતા આપણે લીધેલી મીઠાઈ પણ તારા બાળકોને આપજે કહી આપી. પહેલા તો તેણે નાં પાડી પણ પછી મેં જ્યારે કહ્યું કે ભાઈ તે મારી આંખ ખોલી છે એટલે તે માટે તું આ ભેટને લાયક છે. તારા બાળકોને તેમની એક ધર્મની ફોઈએ આપી છે તેમ સમજી રાખી લે. આટલું કહ્યું એટલે લઇ લીધી અને કાંઈક કહેવા ગયો પણ ગળગળા કંઠે તે બોલી ન શક્યો.’


‘વાહ, શેફાલી. તારામાં આ પરિવર્તન જોઈ મને આનંદ થયો. પણ એ કહે કે જેની પાસે બાળકો માટે સારૂં ખવડાવવાના પૈસા નથી તે પોતાના ઘરમાં તેલ વગર કોડિયા કેવી રીતે પ્રગટાવશે?’

‘શું મને તેનો ખયાલ નહીં આવ્યો હોય? મેં તે માટે જુદા પૈસા પણ આપ્યા.’

‘શાબાશ. હવે મને એમ કહે કે આટલા બધા રંગબેરંગી કોડિયા અને મીઠાઈઓ લીધા છે તેનું શું કરવાનું છે?’


‘કાલે ધનતેરસ છે જેને હું મનતેરસમાં ફેરવી દઈશ. આપણે ત્યાં કામ કરતી રાધાને તો આપીશ પણ તેની સાથે તેના ઘરે કે જે એક ઝૂપડપટ્ટીમાં છે ત્યાં જઈ તેની આજુબાજુના ઘરોમાં તે વહેચીશ. આમ આ વર્ષની દિવાળી મારા માટે અનોખી બની રહેશે. હવે તો દર વર્ષે આવું જ કાંઈક કરવું એમ નક્કી કર્યું છે જેમાં તારો સાથ રહેશે તેની મને ખાત્રી છે.’

એક પણ શબ્દ બોલ્યા વગર રાકેશે શેફાલીને પોતાનામાં સમાવી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational