દીવડી ૩
દીવડી ૩
બેપાંચ દિવસમાં તો રસિકની અને દૂધ-માખણ આપવા આવતી રબારણ કિશોરીની વચ્ચે એક પ્રકારની મૈત્રી બંધાઈ. છોકરીનું નામ દીવડી હતું અને દૂધ, માખણ અને દવાનો પ્રયોગ રસિક હવે દીવડીની હાજરીમાં જ કરવા લાગ્યો. દીવડી તાજું દૂધ અને તાજું માખણ લાવે નહિ ત્યાં સુધી રસિક ફરવા ન જાય. રસિકે એક દિવસ દીવડીને ચા પીવાનો આગ્રહ કર્યો. શરમાતાં શરમાતાં પણ દીવડીને એ આગ્રહ માન્ય કરવો પડ્યો; પરંતુ અર્ધ કાળા, ઓછા દૂધવાળા, તુરાશની છાંટવાળા ગરમ ગરમ પીણામાં તેને કંઈ સ્વાદ લાગ્યો નહિ અને સામી તેણે સલાહ આપી :
'ભાઈ ! આ કડૂચો ઉકાળો છોડી તાજુ દૂધ વધારે પીઓ ને ?'
'તું શહેરી નથી એટલે તને ચાનો સ્વાદ સમજાતો નથી. તું એક વાર શહેરમાં આવે તો ચા જિંદગીભર ગળે વળગે.' રસિકે હસતાં હસતાં કહ્યું.
'એવા શહેરમાં આવીને કરવું યે શું ? હેં, ભાઈ ! તમારા શહેરમાં શું હશે?'
પ્રથમ તો આ પ્રશ્ન સાંભળી રસિક ખૂબ જ હસ્યો. 'હજી હિંદમાં એક મોટી વસ્તી એવી છે કે જેણે હિંદનું એકે શહેર જોયું નથી !' હસતાં હસતાં રસિકે કહ્યું :
'તું શહેરમાં આવે તો પહેલવહેલી તો ચકિત જ થઈ જાય — ઘેલી ન થઈ જાય તો ! આખા આ ગામનાં ઝૂંપડાં ભેગાં કરીએ, એમાં આપણું આ મંદિર અને ધર્મશાળા ઉમેરીએ, તો ય શહેરના એક મકાનની બરોબરીએ એ આવે નહિ, માળ ઉપર માળ અને તેની ઉપર માળ !'
'તે ભાઈ ! માળ ઉપર ઢોરઢાંકને ચઢાવો શી રીતે? ઘરમાં ખડિયાટ બાંધતાં હશે?—'
'શહેરના ઘરમાં?'
રસિકને ફરી હસવું આવ્યું. આ છોકરીને શહેરનાં બાંધકામનો જરા યે ખ્યાલ હોય એમ દેખાયું નહિ. મુંબઈનાં મકાનોને ચોથે પાંચમે માળે ગાય ભેંસ ચઢાવવાનો ખ્યાલ કોઈ પણ શહેરીને હાસ્ય પ્રેરે. હસતાં હસતાં તેણે કહ્યું :
'નહિ, નહિ. તમારાં ગામડાં માફક અમારા શહેરમાં માનવી અને ઢોર સાથે રહી શકે જ નહિ. એમને માટે જુદા વસવાટ અને શહેરથી ગાઉના ગાઉ દૂર.'
'એ તો બહુ ખોટું કહેવાય. ગાયભેંશનું દૂધ જોઈએ અને એમને રાખવા ત્યારે ગાઉનાં ગાઉ દૂર ! તમારા શહેરનાં માનવી બહુ સારાં નહિ !' દીવડીએ કહ્યું.
'શહેરનાં માનવી તો બહુ સારાં. મોટા મોટા રસ્તા ! રસ્તામાં જરા યે ધૂળ નહિ: ચોખ્ખા ચંદન જેવાં ઘર. ચકચકતી ગાડીઓ અને મારી મોટરકાર જેવી તો કંઈક મોટરગાડીઓ ત્યાં ફરે.’
'ભાઈ આપણને તો ભાન વગરની એ ગાડીમાં બીક લાગે. જીવ વગરની એ ગાડી ! એને આપણો જીવતો દેહ કેમ સોંપાય?'
'હું તને એક વખત મારી એ વગર જીવની ગાડીમાં ઊંચકીને શહેરમાં લઈ જવાનો છું; પછી તને સમજાશે કે શહેર એ શું છે !' રસિકે હસતાં હસતાં કહ્યું. શહેરની સુલક્ષણી યુવતીઓ સાથે વાત ન થઈ શકે એટલી છૂટથી વાત એક ગામડિયણ છોકરી સાથે રસિક કરતો હતો, અને તેમાં તેને નવાઈ પણ લાગી. જોકે દીવડીને મન એ એક માંદા, કાળજી અને સંભાળ લેવાપાત્ર, શહેરી યુવાનની અર્થહીન વાત જ હતી. સામે હસીને તેણે જવાબ આપ્યો :
'મને ઊંચકીને જાઓ એવા થાઓ તો ખરા ! પછી વાત.' કહીને દીવડી તાંબડી ઉઠાવી માથે મૂકી લટકભેર ધર્મશાળામાંથી ચાલી ગઈ. રસિક દૂર દૂર સુધી દીવડીને જતો રહ્યો. ખરેખર, આ શહેરી યુવાનથી આ મજબૂત ગામડાંની ગોરીને ઊંચકાય એમ હતું જ નહિ. યુવતીને ઊંચકી ન શકાય ત્યાં સુધી સાચોસાચ તેને જીતી ન જ શકાય. એક લહેરી, ભણેલો, સાહિત્યવિલાસી યુવક ગ્રામ સુંદરીના સૌંદર્યને ઊંચકવામાં અશક્ત-પરાજિત નીવડતો હતો. દીવડી આગળ ને આગળ ચાલી જતી હતી. સાચું જીવતું સૌંદર્ય આગળ ને આગળ વહ્યે જતું હતું. રસિકને કવિતા સ્ફુરી; પરંતુ
કવિતા લખ્યે સૌંદર્ય કે યૌવન મળે એમ તેને લાગ્યું નહિ. છતાં તેણે ફરી આવીને એક કવિતા તો લખી જ. સાથે સાથે તેને એક સુંદર કલ્પના પણ આવી. રસિકના પોતાના જ સંસ્કાર, બુદ્ધિ, ઝમક શું આ ગ્રામ્યસૌંદર્યને ન જીતી શકે? એકલું જંગલી શરીરબળ એ જ વિજયની ચાવી ન હોઈ શકે?
બીજે દિવસે દીવડી આવી તે વખતે રસિક પોતાની આસપાસ મોટા ગ્રંથોના ઢગલા કરી બેઠો હતો. તેણે દીવડીને પૂછ્યું :
'દીવડી ! તને વાંચતાં લખતાં આવડે છે ?'
'ના રે, ભાઈ ! ભણવાનું કામ પડે તો કોઈ મોટા ગામમાંથી બામણને બોલાવી લાવીએ. તમે તો બહુ ભણ્યા લાગો છે, ભાઈ?'
'હા દીવડી ! હું તો બ્રાહ્મણનું ભણતર ભણ્યો છું અને ગોરા સાહેબનું ભણતર પણ ભણ્યો છું.'
'ભાઈ ! ભણીને કરશો શું? આ બધાં ચોપડાં...લોકો વાત કરે છે કે તમે આખો દહાડો અને રાત વાંચ્યા કરો છો. તમારે કામ શું કરવાનું ?'
‘વાંચનારની, લખનારની બુદ્ધિ બહુ વધે અને અભણ કરતાં દુનિયામાં એ બહુ આગળ વધે.’
'ક્યાં આગળ વધે? ભણી ભણીને તમે આવ્યા તો અમારે ગામડે ને ?'
' જો, દીવડી ! મેં નિશ્ચય કર્યો છે કે ગામડેથી તંદુરસ્તી મેળવી હું પાછો જાઉં એટલે સૌથી પહેલાં તને ઊંચકી મારી મોટરકારમાં બેસાડવી, પછી તને શહેરમાં લઈ જવી, મારે ત્યાં રાખવી અને મારા જેટલું જ તને ભણાવવી.'
'ઓય બાપ ! તમે...ભાઈ, ખરા છો ! શહેરનાં માનવી સારાં દેખાતાં નથી. પછી મારાં ઢોરઢાંકનું શું થાય ? મારાં માબાપ, ભાઈભાંડું એ બધાંનું શું થાય? અને..? ' કહી જરા ઓઢણી માથા ઉપર આગળ ઓઢી દીવડી સહેજ હસી.
કેમ અટકી ગઈ? તારા બાપને અમે બધાં ઓળખીએ છીએ. હું એને કહીશ તો જરૂર એ તને મારી સાથે મોકલશે, અને તું ભણી રહીશ ત્યાર પછી આ બધાં ગામડિયાં તારે પગે પડે એવાં થઈ જશે.'
'ના રે ભાઈ! એવું અભણને પગે પડાવતું ભણતર શા કામનું ? આવજો.' કહી દૂધ-માખણ આપી દીવડી ચાલતી થઈ.
રસિકે નિત્ય નિયમ પ્રમાણે જતી દીવડીના દેહસૌંદર્ય તરફ અનિમેષ નિહાળ્યા કર્યું. દીવડી ગામડિયણ હતી; અભણ હતી; તુચ્છ ગણાતી કોમની કન્યા હતી; અને છતાં એનું દેહસૌંદર્ય કોઈ પણ ભણેલી યુવતી કરતાં; કોઈ પણ નગરનિવાસી યુવતી કરતાં વધારે આકર્ષક કેમ હતું ? દીવડીની લંબગોળ ગોરી ચિબુક ઉપરનું ભુરાશ પડતું છુંદણુ..! ગાલના તલ ઉપર સમરકંદ બુખારા જેવા આબાદ શહેરો ન્યોછાવર કરવાની ભાવના કવિને કેમ ઉત્પન્ન થઈ હશે તેનો રસિકને ખ્યાલ આવી ચૂક્યો. સૌંદર્ય તો દીવડીનું જ ! મેળવવાપાત્ર સૌંદર્ય પણ દીવડીનું જ ! એને જ ભણાવી હોય તો? શહેરી સજાવટથી શણગારી હોય તો ? નવી ઢબનું વાક્ચાતુર્ય તેને શીખવી દીધું હોય તો ?...આખું શહેર એની પાછળ ઘેલું ન થાય શું ? રસિકનું દેહસામર્થ્ય દીવડીને ઊંચકી શકે એવું ન હતું. રસિકનું બુદ્ધિચાપલ્ય કદાચ તેને સહાય કરે; પરંતુ તે શંકાસ્પદ ! રસિકના પિતાનું ધન દીવડીને–દીવડીના સોંદર્યને જીતી ન શકે શું ? એ વિચાર આવતાં જ તેને કમકમી આવી. પૈસાને જોરે જિતાતું સૌંદર્ય ? રસિકની કવિતાએ જુગુપ્સા અનુભવી. અન્ય ધનિક પુત્રો સરખો એ અસંસ્કારી ન હતો.
