દીવડી ૨
દીવડી ૨
૨
માંદો રસિક ઉત્તર ગુજરાતના એક ગામડાંમાં રહેવા ગયો. એ ગામડાંમાં તેના પિતાએ એક સુંદર શિવાલય અને એક સગવડવાળી ધર્મશાળા વર્ષો પૂર્વે બંધાવી હતી, પરંતુ હજી સુધી તેમને કે તેમના કોઈ કુટુંબને એ ધર્મશાળામાં રહેવાનો કદી પ્રસંગ આવ્યો નહોતો. વર્ષો વીત્યે એ પ્રસંગ રસિકને આવ્યો. મહેનત ઓછામાં ઓછી કરવાની હતી; સગવડ સર્વ તરેહની થઈ શકી હતી. કારણ કે રસિકની સાથે એક નોકર અને રસોઈઓ રાખવામાં આવ્યા હતા. એક નાનકડું પુસ્તકાલય પણ તેની સાથે મોકલવામાં આવ્યું હતું અને નાનકડા ગામડામાં પણ રાજમહેલનો એક ટુકડો ઉતાર્યો હોય એમ ધર્મશાળા બદલાઈ ગઈ હતી. રસિકને ડોકટરોએ તો પગે ચાલીને ફરવા જવાની સલાહ આપી હતી, છતાં અડચણ ટાળવા માટે શહેરમાંથી ખેંચીને એક ઊંચી જાતની મોટરકાર પણ લઈ જઈ ધર્મશાળામાં રાખવામાં આવી હતી. સવાર-સાંજ ખેતરોમાં ફરવું, અતિમહેનત ન કરવી, મનની ઉગ્રતા ન વધે એટલું જ વાંચવું, ઘી-દૂધ-માખણનો ખોરાક વધારે રાખવો, મન ઉપર કશું ભારણ ન પડવા દેવું, ગામડિયા લોકો સાથે હળવું –મળવું અને પોતાની વિદ્વત્તા અને પોતાનાં ધનથી તેમને મેળવી લેવા, એવી એવી સૂચનાઓ અને કલ્પનાઓ સાથે રસિકે તબિયત સુધારવા ગામડાંની ધર્મશાળામાં રહેવા માંડ્યું.
ગામડાંમાં એને ગમ્યું ખરું. નવીન ગામનું વાતાવરણ શરૂઆતમાં તો સહુને ગમે. તેમાં યે શિવાલય અને ધર્મશાળા ગામને છેવાડે આવેલાં હોવાથી ગામની ગંદકીનો પણ સ્પર્શ તેને થાય તેવો સંભવ ન હતો. પાસે એક નાનકડી નદી વહેતી હતી, જેમાં રેતીનો પટ વધારે અને પાણી વધારેમાં વધારે ઘૂંટણસમાં જ રહેતાં. ફરતાં ફરતાં તેને આશ્ચર્યસહ એ પણ સમજાયું કે શહેરમાં ન દેખાતાં પક્ષીઓ પણ ગામડામાં દેખાય છે અને પશુઓ પણ. સંધ્યાકાળે ચમકતી આંખવાળી શિયાળ, દોડતા દીવા સરખું સસલું કે કોઈ ઝાડને ખૂણે ભરાયેલી શસ્ત્રસજ્જ શાહુડીને જોઈ રસિકને બહુ આનંદ થતો. ઉંદરના વિકરાળ સ્વરૂપ સરખો કૉળ બિલાડી અને કૂતરાની સામે થઈ શકે છે તે તેણે જાણ્યું ત્યારે તેને ઉંદરના વિરત્વ ઉપર કવિતા લખવાનું મન થયું, અને ધર્મશાળાની બારીએ એક અંધારી રાત્રે વણિયરની આંખો ચમકતી જોઈ ત્યારે જાનવરોના જાસૂસી ઉપયોગ સંબંધી એક ભેદી નવલકથા લખવાનું મન તેને થઈ આવ્યું. પરંતુ કવિતા–વાર્તા લખવાની તેને સખ્ત મનાઈ હતી. એટલે સાહિત્ય પ્રેરતા સંસ્કારો અને ઊર્મિઓ તે માત્ર ભવિષ્યને માટે સંગ્રહી રાખતો.
ગામડાનું સૃષ્ટિસૌંદર્ય તો તેને ખૂબ ગમ્યું. માનવસૌંદર્ય તેને ગમ્યું ખરું; પરંતુ થોડા દિવસ સુધી તેને એમ લાગ્યું કે ગામડાનું સૌંદર્ય શહેરની આંખને ગમે એવું વિકસે તે પહેલાં વધારે પહેલ પાડવાને પાત્ર છે. કપડાં, વાણી અને કેળવણી એ ત્રણ શહેરને શોભાવતાં લક્ષણો ગામડામાં તેને જરા ઘટતાં લાગ્યાં. એ કેમ વધારાય? રસિક એમાં શો હિસ્સો આપી શકે?
એક પ્રભાતે તે ફરવા નીકળતો હતો, અને ધર્મશાળાના આંગણામાં જ માથે દૂધની તાંબડી લઈ એક કિશોરી ગોવાલણીને આવતી તેણે જોઈ. રસિકની સૌંદર્યભાવના એકાએક ચમકી ગઈ અને તેની આંખ તે સૌંદર્યટુકડા ઉપર જ ચોંટી ગઈ. કિશોરી જરા શરમાઈ,
સહજ રસિકની સામે જોઈ રહી અને મુખ હસતું કરી બોલી :
'ભાઈ ! કેમ છે હવે ?.'
'સારું છે...પણ તું કોણ ?' રસિકથી પુછાઈ ગયું. હજી તેની આંખ ગોવાલણી ઉપરથી ખસી ન હતી.
'હું ? તો આપના રબારીની દીકરી. દૂધમાખણ રોજ હું જ લાવું છું.' કહી તે ધર્મશાળાની અંદર ચાલી ગઈ અને રસિક બહાર નીકળી પગપાળો આગળ વધ્યો. તેના પગ આગળ ચાલતા હતા, પરંતુ તેની આંખ સામે પેલી રબારણ કન્યા જ રમી રહી હતી.
શું એ કન્યા હતી ! કિશોરી હતી ? નહિ, નહિ; પૂર્ણયૌવનભર દેહને કન્યાનો કે કિશોરીનો દેહ કહીને આંખને છેતરી શકાય એમ હતું જ નહિ. શહેરમાં તેણે ઘણી ઘણી યુવતીઓ જોઈ હતી. તેની સાથે ભણતી, તેની આગળ ભણી ચૂકેલી અને તે સિવાયની પણ, પરંતુ આવું સર્વાંગ સૌંદર્ય એણે કોનામાં જોયું હશે એની સ્મૃતિ રસિક ઉથલાવતો ચાલ્યો. જયશ્રી, તિલોત્તમા, અનુરાધા, વિશાખા...એક નીચી વધારે, એક દૂબળી વધારે, એકનો ઠઠારો બહુ ભારે અને બીજીની તોછડાઈ ભારે! એમાંની એકે આ રબારણ કન્યા જેવી સરળ અને સર્વાંગ સુંદર લાગી નહિ. ચમક સાથે તેને એ પણ વિચાર આવ્યો કે આ રબારણ કન્યા કોઈ પણ કાશ્મીરી, નામ્બુદ્રી કે યુરોપિયન બાઈ જેટલી જ ગોરી હતી ! ગામડાંમાં આટલું ગોરાપણું એણે કદી કલ્પ્યું ન હતું.
પરંતુ વસ્ત્રકલા અને સુઘડ આભૂષણ-સજાવટ તો શહેરની જ ! નહિ? રબારણ કન્યાના પગ ઉધાડા હતા, શહેરની સુંદરીઓ આમ ઉઘાડા પગે ન ફરે; પરંતુ એ રબારણ કન્યાના ઉધાડા પગની આંગળીઓ ગુલાબ-મોગરાની કળીઓ સરખી તેને કેમ લાગી ? એ આંગળીઓએ જે અસર કરી તે ચંપલ કે બૂટમાં ઢંકાયેલી આંગળીઓ કરી શકે ખરી ?
નદીકિનારે આવતાં તો તેણે શહેર અને ગામડાંની વસ્ત્રમીમાંસા પણ ઉકેલવા માંડી. શહેરી યુવતીઓનાં વસ્ત્ર સુઘડ અને છટાદાર ખરાં એમાં જરા યે શક નહિ; પરંતુ એ છટાદાર વસ્ત્રોમાં ઢંકાયેલા મુખ સામે જોવાનો પ્રસંગ આવતાં ઘણી વખત મુખછટા અને વસ્ત્રછટા વચ્ચેનો વિરોધ શું આગળ તરી આવતો ન હતો ? અને ગામડિયાં વસ્ત્રો રબારણ યુવતીને જરા પણ કઢંગી બનાવતાં ન હતાં. રંગબેરંગી ઓઢણી, ઘેર પડતો ચણિયો અને ચમક ચમક થતી ચોળી...રસિકે સ્ત્રી-વસ્ત્રાભૂષણની યાદદાસ્ત તાજી કરવાને બદલે વિચારને જબરદસ્ત મરોડ આપ્યો અને નદીના વાંક–વળાંક તરફ ધ્યાન દેવા માંડ્યું. રૂપસ્મૄતિ એ સતત ઈષ્ટચિંતન બની રહેતી નથી અને તેમાં ય ખાસ કરીને તબિયત નાદુરસ્ત હોય ત્યારે તો નહિ જ. સૂર્ય તપવા માંડ્યો અને રસિક ફરી લઈ પાછા ધર્મશાળામાં આવ્યો. સૂર્ય સામે તેણે સહજ નજર કરી. એની આંખે તેજનાં ઝાંઝવાં વળ્યાં. રબારણની ઓઢણી તથા ચણિયામાં ભરેલાં આભલાંનો ખ્યાલ તેને કેમ આવ્યો ? આભલામાંથી તેને રબારણ પાછી કેમ સાંભરી ? તેણે માખણ અને દવા મંગાવ્યાં. માખણ પણ એ જ છોકરી આપી જતી હતી, નહિ ? માખણનો અને છોકરીનો રંગ પણ એક જ... અને બંનેનો દેખાવ પણ સરખો તંદુરસ્ત ! માખણનો પિંડ કેવો પુષ્ટ લાગતો હતો ! અને રસિક પોતે ? તેણે ઊઠીને આયનામાં જોયું અને પોતાના પ્રત્યે એક પ્રકારનો તિરસ્કાર અનુભવ્યો. રંગ, રૂપ અને પુષ્ટિમાં રબારણથી રસિક ઘણી નીચી કક્ષાએ આવતો હતા.
