Raman V Desai

Inspirational

3  

Raman V Desai

Inspirational

દીવડી ૧

દીવડી ૧

4 mins
14.6K



પૈસાદાર કુટુંબનાં સંતાનોની તબિયત બગડે તો તેમને માટે વૈદ્ય, ડૉકટર, દવા અને હવાની પૂર્ણ સગવડ થઈ શકે છે. રસિક એક ધનિક કુટુંબનો નબીરો હતા. 'નબીરો' શબ્દે ગુજરાતી ભાષામાં માનવંતપણું ધારણ કરવા માંડ્યું છે. ગરીબ, શૂદ્ર કુટુંબનો પુત્ર 'નબીરો' મનાતો નથી – કહેવાતો નથી. એ ધનિક કુટુંબનાં નબીરાએ ભાવિ માટે ભવ્ય આશાઓ ઉપજાવી હતી. એ ચબરાક હતો; સારું ભણતો અને બુદ્ધિચાપલ્ય પણ એવું દાખવતો કે વડીલોની મિલકત એ બમણી તો બનાવશે જ એવી પિતાને ખાતરી પણ થઈ ચૂકી હતી.

હવે, કદી કદી, ધનિક પુત્રો સારું ભણે છે; એટલું જ નહિ તેમને કલા તથા સાહિત્યનો પણ શોખ વળગતો જાય છે. ભણતાં ભણતાં, આગળ વધતાં રસિકના હૃદયમાં સાહિત્ય તથા કલાનો શોખ જાગૃત થયો. સાહિત્ય અને કલાનો શોખ એટલે સૌંદર્યનો શોખ અને પુરુષદ્રષ્ટિને તો આદિયુગથી સ્ત્રીમાં સકલ સૌંદર્ય સંક્રાન્ત થતું લાગે છે ! રસિકે પ્રેમની કવિતા અને વિયોગની વાર્તાઓ પણ લખવા માંડી.


તથા કૉલેજમાં આવતાં બરોબર તેની કવિતા અને વાર્તા માસિકોમાં પ્રસિદ્ધ પણ થવા માંડી. ધનિક પુત્રને લેખનનો નાદ બહુ લાગતો નથી; પરંતુ એ નાદ જ્યારે લાગે છે ત્યારે તેને લેખપ્રસિદ્ધિ પણ ઝડપથી મળી રહે છે, છબી સાથે રસિકની કવિતા કે વાર્તા કોઈ માસિકમાં પ્રગટ થતી ત્યારે રસિકને તો ઘણો આનંદ થાય જ; સાથે સાથે આખા કુટુંબને આનંદ થતો, અને કુટુંબીજનો એમ જ માનતાં કે રસિક એ ધનિક કુટુંબનો કોહિનૂર છે.'

માત્ર આ કાહિનૂરનો એક જ પહેલ જરા ઝાંખો હતો. રસિકની તંદુરસ્તી જોઈએ એટલી સારી રહેતી નહિ. ક્રિકેટ, ટેનિસ અને અખાડાની પૂરી સગવડ મળી શકે એટલાં સાધનો કુટુંબ પાસે હતાં. અને કદી કદી રસિક તેનો ઉપયોગ કરતો પણ ખરો. પરંતુ એ ઉપયોગ ઘણું ખરું છબી પડાવવા પૂરતો જ થતો. શારીરિક મહેનતની રસિકને બિલકુલ જરૂર રહેતી નહિ, અને જરૂર ન હોવાથી તે મહેનતને જતી કરવા જેટલો સમજદાર પણ હતો. વળી તેની તબિયત બહુ મહેનત સહન કરે એવી નથી એવો નિશ્ચય કુટુંબમાં દ્રઢ થઈ ગયો. શારીરિક મહેનત ઘણે ભાગે દવાની ગરજ સારે છે. એ સત્ય સુખી કુટુંબમાં વીસરાઈ જાય છે. અને મહેનતનું સ્થાન દવાની શીશીઓ અને આરામને મળે છે. રસિકને વધારામાં વાચન–લેખન પણ મળતું. જેને વાચન અને લેખનનો શોખ લાગે એ બીજાં સર્વ કાર્યોમાંથી રસ ગુમાવવાનો હક્ક ધરાવે છે. રસિક વાંચતો અને લખતો ન હોય ત્યારે એ તબિયતની–નાદુરસ્તીની ભ્રમણમાં રહેતો.

મોટે ભાગે કવિઓ અને સાહિત્યકારો તંદુરસ્તીમાં બહુ માનતા હોય એમ લાગતું નથી. કલ્પનાસૃષ્ટિ રચવી અને તેને શબ્દોમાં, રંગમાં, રાગમાં કે જીવનમાં ઉતારવી એ થકવી નાખનારી મહેનત ગણાય. રસિકની તે કલ્પના પણ થકવી નાખે એવી હતી. ગરીબ કલાકાર કરતાં ધનિક કલાકારનું ઉડ્ડયન બહુ ઊંચું ! ગરીબકલાકારને


તો જડ સૃષ્ટિ ક્ષણે ક્ષણે વાગ્યા કરવાની; જ્યારે ધનિક કલાકાર કલ્પનામાં બઢે ત્યારે જડ સૃષ્ટિ પણ મીણ જેવી સુકોમળ બની કલ્પનાને ઊંચે અને ઊંચે ઊડવા દે !

ધનિક યુવકો બનતાં સુધી પ્રેમની ખટપટમાં બહુ પડતા નથી. સરળતાપૂર્વક જ્યાં લગ્ન થાય ત્યાં થવા દેવું અને પછી પ્રેમને તોળવા જેટલો પૈસો ખર્ચી પ્રેમ મળે ત્યાંથી, મળે એટલો મેળવી લેવો એવું તેમનું વ્યવહારકૌશલ્ય કે ફિલસુફી તેમને અનેક સરળતાઓ કરી આપે છે. તેઓ પ્રેમને રણશિગાં ફૂંકવા જેવું મહત્ત્વ ઓઢાડતા નથી. પરંતુ રસિક તો કલાપ્રિય-સાહિત્યપ્રિય યુવાન હતો. ધનવાન હોવા છતાં ! કલાકાર, કવિઓ અને સાહિત્યકારો સરળતાપૂર્વક પોતાનાં લગ્ન ન જ થવા દે; એ તેમની વિશિષ્ટતા રસિકે સાચવી રાખી અને બેત્રણ કિશોરીઓનાં આવેલાં માગાં તેણે મુલતવી રાખ્યાં. એની કલ્પનાએ ઊભી કરેલી યુવતી સાથે તેને લગ્ન કરવું હતું, અને એ ત્રણે કિશોરીઓ તેના કલ્પનાબીબામાં બેસતી આવી ન હતી.

આવા ધનિક અને કલાપ્રિય યુવકને હવાફેરની વારંવાર જરૂર પડે એ સ્વાભાવિક કહેવાય. આબુ ન ફાવે તો માથેરાન, અને માથેરાન ન ફાવે ત્યારે મસૂરી જવાની સલાહ ડૉકટરો આપી શકતા. દરિયાની હવા ઠંડી પડે તો ડુંગરની હવા અજમાવી શકાતી; અને ડુંગરનાં પાણી ભારે પડતાં ત્યારે તેને માટે સપાટ મેદાનની જગા જોઈએ એટલી મળી આવતી.

કોલેજના છેલ્લા વર્ષમાં તે આવ્યો ત્યારે તેણે બે સુંદર નવલકથાઓ અને એક કવિતાસંગ્રહ પ્રસિદ્ધ કરી પ્રશંસા પ્રાપ્ત કરી હતી; પરંતુ ડૉકટરોએ એકાએક તેને માટે અભિપ્રાય આપ્યો કે તેનું લેખન અને ભણતર એકદમ એક વર્ષ માટે બંધ કરી દેવું ! એટલું જ નહિ, લેખન-વાચન અને અભ્યાસના વાતાવરણથી દૂર જઈ કોઈ શાંત, સારી હવાવાળા, મજબૂત પાણીવાળા ગામડામાં જઈને રસિકે રહેવું. તેમ નહિ થાય તો રસિકના જીવને જોખમ


છે એમ પણ ડૉકટરોએ સ્પષ્ટ કહી દીધું. અતિ ઉર્મિલ, અતિ કવિત્વમય, અતિ રસપ્રિય યુવકને વ્યાધિ ઝડપથી પકડી લે છે. સાચા ખોટા પ્રેમનિસાસા નાખતા યુવક યુવતીનાં ફેફસાં જોતજોતામાં ખવાઈ જાય છે. પ્રેમ–પ્રેમ, રસ–રસ, સાહિત્ય-સાહિત્ય, કરતા યુવક રસિકને માટે પણ સહુએ ફેફસાંની સંભાળ ઉપર ભાર મૂક્યો. શરીર અને હૃદય કેટલાં નિકટનાં હશે?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational