દેશભક્તિની શરૂઆત પોતાનાથી
દેશભક્તિની શરૂઆત પોતાનાથી
જગદીશભાઈએ પુત્રને કહ્યું,
"વિકાસ ધ્વજવંદનમાં તો આપણે હાજરી આપવી જ જોઈએ. "
પુત્ર કહે,.. " પિતાજી આજે જુઓ તો ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓ પવિત્ર ધ્વજને વંદન કરવાં નહીં પણ પોતાની વાહ વાહ કરાવવાં માટે ફરકાવતાં જોવા મળે છે અને આઝાદી માટે જાત ઘસી નાખનાર સ્વાતંત્ર સેનાનીઓની હાલત જુઓ..! આવી ભ્રષ્ટચારથી ખદબદતી દેશની હાલત જોઈને અમને તો ઈચ્છા નથી થતી ધ્વજવંદનમાં જવાની."
પિતાજી બોલ્યાં,.. "વિકાસ આપણે આઝાદીની લડતમાં ભાગ લઈ ચૂકેલાં પંચ્યાશી વર્ષનાં મયુરસિંહ પાસે જવું પડશે. ચાલ આપણે ત્યાં જઈને તેમનો વિચાર જાણીએ..!"
પિતા પુત્ર મયૂરસિંહનાં ઘરે ગયાં અને જગદીશભાઈએ દાદાને વિગતવાર જણાવી પુત્રનાં મનનાં પ્રશ્નોનું સમાધાન કરવા વિનંતી કરતાં મયુરસિંહ બોલ્યાં,..
"પુત્ર આજે પંચોતેર વર્ષનાં આઝાદીનાં લેખા જોખા કરતાં જણાય છે કે દેશની આ દુર્દશા કરવાં પાછળનું કારણ આપણે સહુ છીએ.
વિકાસ બોલ્યો,.. "દાદાજી એવું કેમ બની શકે.?"
દાદાજી હસીને બોલ્યાં,..
"જો બેટા આપણે દોષિત એટલા માટે કે ભ્રષ્ટાચારને આપણે સહન કરીએ છીએ અને તેને રોકવાની કોશિશ કરતાં જ નથી અને રાહ જોઈએ છીએ કે કોક આવીને દેશની હાલત સુધારે. બીજું કો'ક આવીને આ ભ્રષ્ટાચારી નેતાઓને સમજાવે. દેશના મોટાભાગના લોકો બસ પ્રેક્ષક બનીને જુવે છે અને ઘરમાં બેસી નિંદા કરે છે. સુધારણા કેવી રીતે થાય ?"
"વાત સાચી પણ દાદાજી હવે કરવું શું ?" વિકાસે પૂછ્યું.
દાદાજી કહે,.. "બેટા દેશભક્તિ સદાય હ્રદયમાં રાખવી અને કોઈની ભૂલો દેખાય તો નિર્ભય બનીને તેને જણાવી તેને સુધારવા કહેવું. એક નેતાને તેનાં વિસ્તારનાં જાગૃત લોકો બધાં સાથે મળીને રોજ ટકોર કરશે તો તેણે સુધરવું જ પડશે. નેતાઓની વાહ વાહ કરવાનું છોડી જનતાનાં સેવક તરીકેની તેની ફરજો સદાય યાદ અપાવવી. નેતા સમાજમાંથી જ બને છે. આપણાં સમાજમાં, દેશમાં આવાં નિર્ભય બનીને સાચું કહેનાર અને સચ્ચાઈ માટે લડનાર તમારાં જેવાં દેશભક્ત યુવાનો બનશે ત્યારે દેશ આપોઆપ સુધરી જશે. શરૂઆત પોતાનાથી કરજો બેટા."
"જયહિન્દ" કહીને હરખથી વિકાસ કહે,.
"પિતાજી ,હવે સાચું સમજાયું કે, દેશની હાલત સુધારવાની શરૂઆત પોતાનાથી જ કરવી પડશે."
