KAJAL CHAUDHARI

Classics

2  

KAJAL CHAUDHARI

Classics

ડોશી અને વાઘ

ડોશી અને વાઘ

2 mins
1.1K


એક હતી ડોશી. તે પોતાની દીકરીની બહુ ચિંતા કરે.

ચિંતામાં ને ચિંતામાં ડોશી દુબળી પડી ગઈ. એક દિવસ પોતાની દીકરીને ત્યાં જવા તે નીકળી. જતાં જતાં રસ્તામાં જંગલ આવ્યું ને તેને સામે એક વાઘ મળ્યો. વાઘ કહે - ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે -

દીકરીને ઘેર જાવા દે,

તાજીમાજી થાવા દે,

શેર લોહી ચડવા દે;

પછી મને ખાજે.

વાઘ કહે - ઠીક.

પછી ડોશી આગળ ચાલી ત્યાં રસ્તામાં સિંહ મળ્યો. સિંહ કહે - ડોશી, ડોશી! તને ખાઉં.

ડોશી કહે -

દીકરીને ઘેર જાવા દે,

તાજીમાજી થાવા દે,

શેર લોહી ચડવા દે;

પછી મને ખાજે.

સિંહ કહે - ઠીક.

વળી આગળ ચાલતાં ડોશીને રસ્તામાં વરુ, ચિત્તો વગેરે જનાવરો મળ્યાં. ડોશીએ બધાં જનાવરોને આ પ્રમાણે વાયદો કર્યો.

ડોશી તો તેની દીકરીને ઘેર ગઈ. દીકરી તો સુખી હતી. તે રોજ રોજ ડોશીને સારું સારું ખવરાવે-પિવરાવે પણ ડોશી સારી થાય નહિ. પછી એક દિવસ ડોશીને એની દીકરીએ પૂછ્યું - માડી! ખાતાંપીતાં તમે પાતળાં કેમ પડતાં જાઓ છો?

ડોશી કહે - દીકરી, બાપુ! હું તો પાછી ઘેર જઈશ ને, ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાનાં છે. મેં તેમને બધાંને કહ્યું છે કે…હું પાછી આવું પછી મને ખાજો.

દીકરી કહે - અરે માડી! એમાં તે બીઓ છો શું? આપણે ત્યાં એક ભંભોટિયો છે. તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતાં દોડાવતાં લઈ જજો.

ડોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો. પછી ડોશીમા તેમાં બેઠાં અને ભંભોટિયો દડતો દડતો ચાલ્યો.

રસ્તામાં તેને વાઘ મળ્યો. ભંભોટિયાને જોઈ વાઘ કહે - ભંભોટિયા, ભંભોટિયા! ક્યાંય ડોશીને દીઠા?

ભંભોટિયો કહે –

કિસકી ડોશી, કિસકા કામ,

ચલ ભંભોટિયા અપને ગામ.

વાઘ તો આ સાંભળી વિચારમાં પડ્યો - માળું, આ શું? આ ભંભોટિયામાં તે શું હશે?

વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો. પછી સિંહ, વરુ વગેરે બીજાં જનાવર મળ્યાં. સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો.

કિસકી ડોશી, કિસકા કામ,

ચલ ભંભોટિયા અપને ગામ.

આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યાં.

છેવટે ભંભોટિયો ડોશીના ઘર પાસે આવ્યો.

ડોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘરમાં જવા જાય ત્યાં તો બધાં જનાવરો તેને ઓળખી ગયાં. સૌ કહે - ડોશી! તને અમે ખાઈએ. ડોશી! તને અમે ખાઈએ.

એટલામાં ડોશી એકદમ દોડીને ઘરમાં પેસી ગયાં અને ઘરના બારણાં ઝટ બંધ કરી દીધાં.

પછી સૌ જનાવરો પણ નિરાશ થઈને પાછાં જંગલમાં જતાં રહ્યાં.


Rate this content
Log in

More gujarati story from KAJAL CHAUDHARI

Similar gujarati story from Classics