ડાયનનો ખોફ - ૧
ડાયનનો ખોફ - ૧
"ધરતી સુનહરી અંબર નીલા હો....ઓ...... ધરતી સુનહરી અંબર નીલા, હર મોસમ રંગીલા ઐસા દેશ હૈ મેરા....." આવું સુંદર મજાનું ગીત વાગી રહ્યું હતું, સૂર્યદેવ સાતેય ઘોડા પર સવાર થઈ ધીમે ધીમે ઉપર આવી રહ્યા હતા, ચારેય બાજુ લીલુડી ધરતીનું મનોરમ્ય દ્રશ્ય હતું, પંખીના મધુર કિલ્લોલથી આખું વાતાવરણ જાણે જીવંત લાગતું હતું, ફૂલોની મીઠી સુગંધથી ચારેય દિશાઓ મહેંકી ઊઠી હતી.આવી સરસ સોનેરી સવાર હતી. આવા આહલાદ્ક વાતાવરણમાં ચંદ્રકાન્ત શેઠની એક કાવ્યપંક્તિ યાદ આવે છે;
"ભરીભરીને સવાર પીધી સોના જેવી સવાર છે. જી.... ફૂલફૂલને પીવા દીધી સોના જેવી સવાર છે. જી...."
આવી સુંદર સવારમાં રમ્યા કંઈક ભયાનક દ્રશ્ય જોઈ રહી હતી તેની સામે એક વિકૃત ચહેરાવાળી સ્ત્રી ઊભી હતી તેનો ચહેરો લોહી-માંસથી નીતરતો હતો.... તેના વિચિત્ર અને લાંબા આંગળા અને કાળા ને લાંબા નખ,પગ ના પંજા પણ ઊંધા અને તેમાંથી નીકળતા પરુ ના રેલા.....!! જોઈ ને જ અરૂચી ચડે એવો વિકૃત દેહ અને તેની પાછળ કોઈ યુવતી ઊભી છે જે ખૂબ જ રડી રહી હતી તેના લાંબા વાળ ના લીધે તેનો ચહેરો સરખો જોઈ શકાતો નહોતો. રમ્યાનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું,તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો નસકોરા ફૂલાવા લાગ્યા હતા. પરંતુ તે કંઈજ કરી શકતી નહોતી.
અચાનક કંઈક ધબાક....કરતું તેની ઉપર પડ્યું. રમ્યા સફાળી જાગી ને બેબાકળી બની આમ તેમ જોવા લાગી પરંતુ તેને કોઈ દેખાયું નહીં.તે મનોમન વિચારવા લાગી કે આ શું હતું સપનું કે હકીકત....? તે પથારી માં થોડીવાર એમ જ બેસી રહી,તેને બધું નોર્મલ લાગતાં સપનું જ હશે એમ વિચારી તેણે રાહતનો શ્વાસ લીધો. તેણે બારીનો પડદો ખસેડી થોડીવાર ત્યાં જ બાલ્કનીમાં ઊભી રહી. રમ્યાનું ઘર હિલગાર્ડનની એકદમ પાસે જ હતું, એમ કહી શકાય કે રમ્યા પોતાના રૂમની બાલ્કનીમાંથી આ સુંદર બગીચાનું મનોહર (મનને હરી લે એવું) દ્રશ્ય જોઈ શકતી હતી. તે હંમેશા સવારે ઊઠીને બાલ્કનીમાં ઊભી રહેતી અને બગીચાની ખૂબસૂરતી નિરખતી.આજે પણ રમ્યા ઊઠીને સીધી બાલ્કની માં જઈ ઊભી રહી, ઘણા બધા લોકો ત્યાં ચાલી રહ્યા હતા, અમુક લોકો કસરત કરી રહ્યા હતા તો અમુક વૃદ્ધો બાંકડા પર બેસી મજાની વાતો કરી રહ્યા હતા. નાના ભૂલકાં હિંચકા, લપસણી ખાઈ રહ્યા હતા.અચાનક રમ્યાની નજર એક યુવાન પર પડી. રમ્યા તેને જોતા જ તેનામાં ખોવાઈ ગઈ. જાણે કોઈ અજાણ્યું આકર્ષણ તેને એના તરફ ખેંચી રહ્યું હતું.
તે યુવાનને જોતા જ જાણે એને મનોમન ચાહવા લાગી હોય એવું લાગતું હતું, તે યુવાન એટલો સોહામણો લાગતો હતો કે કોઈ પણ યુવતી તેને જુએ તો જોતા જ એના પ્રેમમાં પડી જાય, સોહામણો ઘઉંવર્ણો ચહેરો, કપાળ ઉપર કંઈક અલગ જ તેજ હતું, કંઈક કરી છૂટવાની તાલાવેલી, વજ્ર જેવી છાતી અને મનમાં વસી જાય એવું તેના ચહેરા પરનું મધુર સ્મિત.
રમ્યા એને જોતી જ રહી.... અચાનક કોઈનો અવાજ સંભળાયો. "રમ્યા..... ક્યાં સુધી સૂતી રહીશ...! ઘડિયાળમાં જોયું કેટલો ટાઈમ થઈ ગયો છે. હમણાં વેદીકા આવશે, તું ક્યારે તૈયાર થઈશ ને ક્યારે નાસ્તો કરીશ...?" આ અવાજ હતો તેના મમ્મી રાધાબહેનનો. તેના મમ્મીનો અવાજ સાંભળી તે વર્તમાનમાં પાછી આવી ગઈ. એ આવી હો મમ્મી... કહેતી ફટાફટ નીચે ગઈ.
રાધાબહેન: " અરે...!! તમને કહું છું, રમ્યા ના પપ્પા.... તમારી લાડકી દીકરીને ઊઠાડો, સૂર્ય પણ માથે આવી ગયો.
કેતનભાઈ: " (રમ્યા ને ઉતરતી જોઈ પોતાની વ્હીલ ચેર ને ધીમેથી રાધાબહેન બાજુ ખસેડી) આ આવી ગઈ મારી ઢીંગલી....! એને કોઈની જરૂર ન પડે ઊઠાડવામાં, મારી સિંહણ છે સિંહણ."
રાધાબહેન: "આમ બોલી બોલીને જ તમે એને મોંઢે ચડાવી છે. સાસરે જશે તો બારબપોરે ઉઠવા નહીં મળે તો તમે જાશો તેની સાથે...?"(હસતાં હસતાં)
કેતનભાઈ: "અરે,એમાં કેવું પડે હું તો મારી દીકરીને એકલી ક્યાંય નહીં જવા દઉં,મારા કાળજાનો કટકો છે મારી દીકરી."
રાધાબહેન: "બસ હવે... દીકરીનું ઉપરાણું લેવાનું બંધ કરો અને ચાલો હવે નાસ્તો કરવા. (રમ્યા ની સામે જોઈ) રમ્યા... બેટા.... તને કેટલી વાર લાગશે...! કહે તો તારો નાસ્તો પણ ટેબલ પર મૂકી આપું."
રમ્યા: "હા... મમ્મી તું નાસ્તો ટેબલ પર મૂક ત્યાં હમણાં જ આવું." કહેતી ફટાફટ બાથરૂમમાં નાહવા જતી રહી.
કેતન મહેતા અને રાધાબહેનને સંતાનમાં બે દીકરીઓ હતી જેમાં સુજલ સૌથી મોટી અને ત્યાર પછી રમ્યા અને સૌથી નાનો દીકરો કેયૂર હતો. પરંતુ તેમની મોટી દીકરી જુનાગઢ જતાં રસ્તામાં થયેલા ભયંકર અકસ્માતમાં મૃત્યુ પામી હતી પણ તેની લાશ કોઈ ને મળી ન હોવાથી બધા એ તેને મૃત જાહેર કરી દીધી હતી. અચાનક થયેલા ભયાનક અકસ્માતથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
કેતન અને રાધા માટે એ કપરી પરિસ્થિતિ હતી પરંતુ પાછળના બે સંતાનોની જવાબદારી પણ તેમને નિભાવવાની હતી.ત્યારે સૌથી નાનો કેયૂર માત્ર સાત વર્ષનો જ હતો અને તેનાથી મોટી દીકરી રમ્યા અગિયાર વર્ષની હતી. મોટી બહેનના મૃત્યુથી જાણે માથે આભ ફાટ્યું હતું. તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મોટી દીકરી સુજલ પર ઘરની તમામ જવાબદારીઓ હતી પરંતુ અકારણ થયેલા ભયંકર અકસ્માતમાં તે મૃત્યુ પામી. કેતનભાઈએ પોતાના બંને પગ પણ એ અકસ્માતમાં ખોયા. અને ઘરની જવાબદારી રમ્યાના માથે આવી પડી.
માત્ર અગિયાર વર્ષની નાની ઉંમરે તે નાના મોટા કામ કરી ઘરના સભ્યોનું ભરણપોષણ કરતી નાની એવી રમ્યા ને કામ કરતી કેતનભાઈની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા એ જોઈ રાધાબહેન પણ ઘરકામ કરી દીકરીને મદદરૂપ થતા.
રમ્યા કામ કરવાની સાથે સાથે તેના શેઠની એકની એક દીકરી વેદીકા સાથે બેસીને ભણવાનું પણ ચાલુ રાખ્યું. પણ પુસ્તકો ખરીદવા માટે પૈસા પોતાની પાસે નહોતા આથી તેણે વેદીકાની અડધી વધેલી બુકના પાનાં ભેગાં કરી સોય દોરાથી બાંધી ને તેમાં લખતી. વેદીકા પણ સ્વભાવે સારી, માયાળુ હતી પણ શેઠ જરા ટૂંકા જીવના હતા આથી વેદીકા જાણી જોઈને પોતાની અડધી બુકના પાનાં કોરા છોડતી ને નવી બુકની માંગણી કરતી. આમ સમય વીતતો રહ્યો અને રમ્યા ભણવામાં હોશિયાર હોવાથી તે હંમેશા ફર્સ્ટ આવતી. તેને કૉલ સેન્ટરમાં નોકરી પણ મળી ગઈ. અને વેદીકાને પણ તેની સાથે જ નોકરી કરતી હતી. બંને સાથે જ નોકરીએ જતી. વેદીકા ને તેના પિતા એ નોકરી કરવાની ના પણ કહી પરંતુ વેદીકા એ નોકરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી આથી શેઠ પોતાની લાડકી દીકરી પાસે હાર માની લે છે અને નોકરી કરવાની છૂટ આપે છે.
એ ભયંકર અકસ્માતનું કારણ હજુ પણ અકબંધ હતું, કેયૂર હવે મોટો થઈ ગયો હતો તે અત્યારે કોલેજના છેલ્લા વર્ષમાં હતો. તેને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવો હતો પરંતુ તેની ફી વધારે હતી, તેથી તે પાર્ટ ટાઈમ જોબ કરી પોતાની ફી જમા કરતો હતો.
ટીંગટોગ.... બેલ વાગી. રાધાબહેન હાથ લૂછતાં લૂછતાં દરવાજો ખોલ્યો સામે વેદીકા ને જોઈ સ્મિત આપ્યું.
રાધાબહેન: "અરે, વેદીકા આવ.... બેટા, બેસ તારા માટે પણ નાસ્તો લાવું છું."
વેદીકા: "ના... ના... આંટી, હું નાસ્તો કરી ને જ ઘરેથી નીકળી છું. રમ્યા ક્યાં છે...?"
કૉલેજમાં રજા હોવાથી આજે સવારમાં જ કેયૂર ઑફીસે જવા નીકળતો હતો અને વેદીકા રમ્યા ને બૂમો પાડતા પાડતા જતી હતી પરંતુ અચાનક કેયૂર સામે આવી જતાં તેની સાથે ટકરાઈ છે.
કેયૂર: "અરે...! વેદીકા દીદી.. સૉરી સૉરી મારૂં ધ્યાન નહોતું. હું જાવ છું મમ્મી." કહેતો ફટાફટ ઘરમાંથી બહાર નીકળી ગયો. વેદીકા પણ હસીને સૉરી કહી રમ્યાના રૂમમાં જતી રહે છે.
વેદીકા: "(રમ્યાની મજાક કરતાં કરતાં) યાર... રમ્યા તને નથી લાગતું કે હમણાં હમણાં તું તૈયાર થવામાં કંઈક વધારે જ વાર લગાડે છે. મને દાળમાં કંઈક કાળું લાગે છે..!"
(રમ્યા ત્યારે જ નાહી ને ફ્રેશ થઈ બહાર આવે છે.) પહેલાં તો રમ્યા ને વિચાર આવ્યો કે મારા સપનાંની વાત વેદીકા ને કહું પણ વળી વિચાર આવ્યો કે કદાચ વેદીકા તેની મજાક ઉડાવે એવું વિચારી તે વેદીકા વાત નથી કરતી અને વેદીકા ને કહે છે;
રમ્યા: "દાળમાં કાળું શોધવાવાળી ચીબાવલી બંધ થા અને ચાલ મને મારા વાળ બાંધી આપ."
રમ્યા હંમેશા વેદીકા પાસે જ વાળ બંધાવતી.
વેદીકા: "ચાલો બેસો રાજકુમારી.....!! (બંને હસે છે.)
વેદીકા તેના વાળ ઓળી આપે છે અને બંને બહેનપણીઓ હસી મજાક કરતી નાસ્તાના ટેબલે બેસે છે. રાધાબહેન રમ્યા ને નાસ્તો આપી પોતાના કામમાં પરોવાઈ જાય છે. રમ્યા નાસ્તો કરી બંને કૉલૅજ જવા નીકળી જાય છે.
રાધાબહેન: "બંને સહેલીઓની જોડી કેવી સરસ લાગે છે ઈશ્વર કરે કોઈની બૂરી નજર ન લાગે મારી દીકરીઓને."
વેદીકા રમ્યાની બહેનપણી હોવા છતાં રાધાબહેન હંમેશા તેને પોતાની દીકરી માનતા તેમને વેદીકામાં સુજલનો ચહેરો દેખાતો હતો. પણ તેમને ક્યાં ખબર હતી કે કોઈની બૂરી નજર પડી જ ગઈ છે બંને સહેલીઓ પર.
કેતનભાઈ: "તું ચિંતા ન કર ભગવાન સૌ સારાવાના કરશે. દર વખતે ઈશ્વર આપણી સાથે નાઈન્સાફી નહીં કરે."
આ સાંભળી રાધાબહેનની આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી તે સુજલના ફોટાને તાકી તાકીને જોઈ રહ્યા જાણે હમણાં જ સુજલ બોલી ઊઠશે.
રાધાબહેન: "ભગવાનને ખજાને શું ખોટ હતી કે મારી દીકરીને એની પાસે બોલાવી લીધી.(બોલતાં બોલતાં રાધાબહેન રડી પડ્યા.)
કેતનભાઈ રાધાબહેનની પાસે જઈને તેમને સાંત્વના આપવા લાગ્યા, રાધાબહેન કેતનભાઈના ખોળામાં માથું રાખી ક્યાંય સુધી રડ્યા. કેતનભાઈએ પણ રડવાથી તેનું દુ:ખ હળવું થશે એમ વિચારી ધીમે ધીમે તેમના માથા પર હાથ ફેરવવા લાગ્યા.
બીજી બાજુ રમ્યા એ બગીચામાં જોયેલા યુવાનની વાત વેદીકાને કહી,આથી વેદીકા તેને ચીડવવા લાગે છે. ઓહો.... મૅડમને પણ કોઈ પસંદ આવ્યું ખરું હો.! અને હસવા લાગે છે. રમ્યા એ યુવાન વિશે જાણી ને જ રહેશે એવું મનમાં વિચારી તેણે વેદીકા ને કહ્યું;
રમ્યા: "વેદીકા આજ મારે જલ્દી ઘરે જાવું છે તું મારું બાકીનું કામ સંભાળી લઈશ પ્લીઝ.."
વેદીકા: "એમાં તે કંઈ પૂછવાનું હોઈ. તું બેફિકર થઈને તારું કામ પતાવી લેજે ચિંતા ન કરતી."
રમ્યા ઉતાવળમાં ત્યાંથી નીકળી જાય છે પરંતુ એ પોતાનો ફોન ત્યાં જ ભૂલી જાય છે.
ક્રમશઃ

