દાદીમાની વાતો
દાદીમાની વાતો
આપણા પુરાણો અને ગ્રંથો મુજબ એવું માનવામાં આવતું કે મનુષ્યનું જીવન એક લાખ વર્ષનું હતું પછી જેમ જેમ સમય અને યુગ પરિવર્તન થતું ગયું તેમ તેમ એક એક ઝીરો ઓછો થતો ગયો. અત્યારે તો કોઈ વૃદ્ધ 100 વર્ષ જીવી જાય તો આપણે એમ કહીએ કે તે નસીબવાળા હશે કે તેમની ઉંમર 100 વર્ષની થઈ.
પરંતુ સવાલ એ છે કે તે 100 વર્ષની સાથે તેનું સ્વાસ્થય પણ ખુબ સારુ હતું તેનું કારણ શું?
પૌષ્ટિક ખોરાક, માનસિક શાંતિ અને તેમની મેહનત જે પરસેવા રૂપે તે જુવાનીમાં પાડતા તે આજે ઉપયોગમા આવે.
આવી વાત દાદીમા જયારે હર્ષિલને કહેતા હતા ત્યારે હર્ષિલ તો "આંખ આડા કાન કરી લેતો " જૂની વાતો આજના બાળકોને ગળે ઉતારવી બહુ અઘરી છે પરંતુ તે 100% આપણા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે. હર્ષિલ તો ફાસ્ટફૂડથી એટલો નજીક હતો કે એમને કોઈપણ વાત સમજાવવી બહુ કઠિન હતી. બર્ગર અને પિઝા સાથે સોફ્ટડ્રિંક્સનો મોટો વ્યસની બની ગયો હતો. ધીમે ધીમે નાની ઉંમરમાં જ શરીર કદરૂપું થતું ગયું. આ બારમા ધોરણમાં અભ્યાસ કરતો હર્ષિલ 120 કિલો વજન ધરાવતો હતો. આટલા વજનથી તે અભ્યાસ પણ સરખો કરી શક્યો નહીં. આળસ જીવનમાં ઘર કરીને બેસી ગઈ હતી. દાદીમા તો હર્ષિલને પહેલાના માણસોની તંદુરસ્તી વિશે વાત કરતા કહેતા કે ત્યારે લોકો દેશી ખોરાક લેતા દૂધ, દહીં, ઘી, માખણ.બાજરા ના રોટલા અને તાજું શાક ખાતા એટલે તે લોકો શરીરથી એક દમ મજબૂત હતા. તે બીમાર પણ ઓછા પડતા અને પડતા તો સાજા પણ ઝડપથી થઈ જતા. કારણકે તેમના શરીરમાં સાચા ખોરાકનું લોહી વહેતું. અત્યારે તો બહારના જંક ફૂડનું એટલું વેચાણ વધી ગયું છે કે વાત ના પૂછો, ગલીએ ગલીએ તમને રેકડીવાળા જોવા મળશે. રજાના દિવસોમા તો ભાગ્યેજ કોઈ ના ઘરે રસોઈ બનતી હશે. એક બીજાની દેખા દેખી અને ઘરે બનાવવાની આળશના લીધે બહારના ખોરાક ખાવાના રવાડે ચડેલા છે. સાંજનો નાસ્તો તો ફાસ્ટફૂડ જ એક ફેશન બની ગઈ છે.
આ બધું હર્ષિલ દાદીમાની વાતો સાંભળતો પણ કહ્યું કરતો નહીં. બારમા ધોરણની પરીક્ષાને 2 દિવસ બાકી હતા ત્યાં અચાનક હર્ષિલને પેટમાં ભયંકટ દુખાવો ઉપાડ્યો. તાત્કાલિક રાતે હોસ્પિટલમાં દાખલ કર્યો. આ દુખાવો એટલો અસહ્ય હતો કે હર્ષિલની ચીસોથી એની મમ્મીની સાથે દાદીમાની આંખમાં પણ આંસુ આવી ગયા કે કાશ! મારું કહ્યું થોડું તો માની લીધું હોત.
ભેળસેળવાળો, વાસી ખોરાક, કલરવાળા ખોરાક ખાઈ ખાઈ ને હર્ષિલના રિપોર્ટમાં આંતરડાનું કેન્સર આવ્યું. કેન્સર છેલ્લા સ્ટેજ પર હતું. આ પેલા બીજું કંઈ ખાસ બીમારી ના આવી તો હર્ષિલ તો સમજતો કે કંઈ ના થાય ફાસ્ટફૂડ કે સોફ્ટડ્રિંક્સથી. આવો ખોરાક ખાઈને શરીરની તાકાત તો ઘટી ગઈ સાથે જે શરીરને જરૂરી તત્વ હોઈ તે પણ ના મળ્યા તેથી હર્ષિલ માંદગી તરફ ધકેલાઈ ગયો અને બીમાર પડી હોસ્પિટલના બિછાને પડ્યો બહુ પસ્તાય છે કે મેં મારી તંદુરસ્તી સાથે ચેડાં કર્યા છે. એક બાજુ પરીક્ષા અને એક બાજુ હોસ્પિટલના ધક્કા ખાવા. પરીક્ષા મોકૂફ રાખી તાત્કાલિક ઓપરેશન તો કરાવ્યું પણ ડોકટરે એ પણ કહી દીધું કે હર્ષિલ હવે લાંબો ટાઈમ જીવી નહીં શકે.
સારા ખોરાકને સાઈડમાં મૂકી ચટપટો સ્વાદ માણવામાં પોતાના જ શરીર ને ખોઈ બેસે છે. અને શરીરને રોગનું ઘર બનાવી દે છે.
માટે બહારના ખોરાક ખાવાનું બંધ કરીએ જે આપણુ શુદ્ધ દેશી ને સાત્વિક ખાવાનું છે તે ખાવું જોઈએ. નહીં તો હર્ષિલની જેમ નાની ઉંમરમાં જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમવું જ પડે.
