દાદાજીની વાર્તા 63
દાદાજીની વાર્તા 63
(૭) કેટલાક રોગોનો શિકાર બનેલ માણસ ઊંઘ લઈ શકતો નથી. દમ, ખાંસી, ઝાડા, ખજવાળ, પછડાટ, દુ:ખાવો વગેરે બીમારી નિદ્રાભંગ કરાવે છે. દમ જેવા રોગો તો કેટલીક વાર અસાધ્ય બનીને રહી જાય છે.
(૮) માણસમાં રહેલી કુટેવોથી પણ નિદ્રાભંગ થાય છે. હોટેલના બાંકડા ઘસવાની ટેવ, કલબમાં જવું, સિનેમાનું કૃત્રિમ મનોરંજન માણવું, નાટકનું વ્યસન, પાનાંની રમત, માદક પીણાં, ધૂમ્રપાન જેવાં વ્યસનો અને કામેચ્છાની અતૃપ્તિ આરામથી ઊંઘવા માટેની પરિસ્થિતિમાં વિક્ષોપ નાખે છે.
(૯) માનસિક ત્રાસ ભોગવતો માણસ નિરાંતે સૂઈ શકતો નથી. ભય ઊંઘને ભગાડે છે. કરજદારને ઋણમુકત થવાની ચિંતા હોય છે. વિદ્યાર્થીઓને પરીક્ષાાનું ભારણ, ઘરના કૌટુંબિક ઝઘડા, ઈર્ષ્યાખોરી, વેર લેવાની વૃત્તિ, ચીડિયાપણું વગેરે માનસિક ત્રાસ આપનારી વસ્તુઓ ઊંઘમાં દીવાસળી ચાંપે છે.
(૧૦) કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરનાર ઊંઘને પામતો નથી. કામોત્તેજનાનું દમન કરવું, અસ્વચ્છ સ્થળે સૂવું, માંકડ-મચ્છર વચ્ચે સૂવું, પવનના સુસવાટા વચ્ચે સૂવું, અતિશય ગરમી વચ્ચે(તાપમાં) કે અતિશય ઠંડીમાં ખુલ્લામાં સૂવું પડે ત્યારે ઊંઘ આવતી નથી.
આવાં તો અનેક કારણોસર ઊંઘ આવતી નથી. ઉપરોકત કારણોનો વિચાર કરતાં એમ જરૂર લાગે છે કે એમાંનાં ઘણાંખરાં કારણો નિવારી શકાય તેવાં છે. ખૂબ ઊંઘવું એ એદીપણાની નિશાની છે. પણ ઓછું ઊંઘવું એ ખતરનાક છે. એટલે જેણે વધુ કામ કરવું હોય તેણે પૂરતી ઊંઘ પણ લેવી જોઈએ.
ઊંઘ એ નકામો સમય બગાડવાની પ્રવૃત્તિ નથી, પણ તંદુરસ્તી -શક્તિસંચય માટેની અત્યંત જીવનાવશ્યક પ્રવૃત્તિ છે. યુવાનોએ આઠ કલાકની ઊંઘ લેવી જ જોઈએ. વય, લિંગ અને વ્યવસાયભેદ અનુસાર વિભિન્ન માત્રામાં ઊંઘની જરૂર પડે છે. નવજાત શિશુ તો ભૂખ ભાંગવાની પ્રવૃત્તિ સિવાય ઊંધ્યા જ કરે છે.
મયંક બોલ્યો, 'વાહ! સરસ વાત જાણવા મળી. સ્વચ્છ, મુલાયમ અને પોચી પથારી, સ્વચ્છ વાતાવરણ અને ચિંતા-હીનતા વગેરે ઊંઘ માટેની અનુકૂળતાઓ છે. '
ક્રમશ:
