દાદાજીની વાર્તા 53
દાદાજીની વાર્તા 53
મયંક કહે, 'તો પછી જ્યાં સમય મળે ત્યાં વ્યાયામ કરી લેવાય.'
દાદાજી કહે, 'વ્યાયામ કરવા માટે સારામાં સારી જગ્યા ખુલ્લા મેદાનની છે. ઘરની બહાર કે શહેરની બહાર આવું સ્થાન મળી શકે છે. પણ ત્યાં જ જઈ શકાય તેવું ન હોય, તે ન મળે તો કોઈ પણ ખુલ્લી જગ્યાએ વ્યાયામ કરવાથી ઓછો કે વધુ લાભ તો મળે છે જ. ખુલ્લી જગ્યામાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન(પ્રાણવાયુ) મળી શકે અને સ્વચ્છ તથા સુંદર જગ્યામાં તે કાર્ય બહુ સુંદર થઈ શકે છે. શુદ્ઘ હવાથી આપણા શરીરમાં સ્ફૂર્તિ આવે છે. ફેફસાં પુષ્ટ છે. શરીરમાં લોહીનું સંચાલન પણ બરાબર થઈ શકે છે.'
મયંકે ટાપસી પૂરી, 'એ વાત બરાબર ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક માણસે વ્યાયામ કરવાનો છે જ. પણ તે પોતાની શારીરિક સંપત્તિ હોય, તેના જ પ્રમાણમાં તેની માત્રામાં. તે વ્યાયામમાં અનેક પ્રકારનાં આસન વગેરે મરજી મુજબ પહેલા સમજીને બરાબર કરવાં, જેથી બરાબર લાભ મળી શકે છે.'
દાદાજીએ આગળ કહ્યું, 'આ બાબતમાં ખાસ અભ્યાસીની સલાહ લેવી ઉપયોગી છે. પરંતુ જે કંઈ કરો તે સમજીને ઉત્સાહથી તેમજ આનંદ સાથે કરો. તો તે જ વ્યાયામ તમને ખૂબ લાભ આપનાર બની શકશે.'
વ્યાયામના અનેક પ્રકાર છે. માટે કેટલાક એટલા બધા સરળ છે કે તેનો લાભ નાનાં બાળકો, સ્ત્રીઓ અને દુર્બળ મનુષ્યો પણ લઈ શકે છે. માટે તેની પસંદગી પોતાના શારીરિક બળ તથા મનની રુચિ પ્રમાણે કરવાની છે. દંડ, બેઠક, આસન, પ્રાણાયમ, શીર્ષાસન, મગદળ, સૂર્યનમસ્કાર, મલખમ, કુસ્તી, લાઠી ફેરવવી, દોડવું, પાણીમાં તરવું, કૂદકો મારવો, સામાન્ય રીતે ચાલવું, ઘોડાની સવારી કરવી, સાયકલીંગ કરવું વગેરે અનેક પ્રકારો છે. એમાંથી પોતાની મરજી પ્રમાણે અને સંજોગાનુસાર પોતાની પસંદગી કરવાની છે.'
મયંક બોલ્યો, 'જ્યારે સમય મળે ત્યારે વ્યાયામ કરી લેવાય.'
દાદાજી કહે, 'બહુ ઉતાવળો હો! વ્યાયામ માટે સરસ સમય પ્રાત:કાળનો છે. એ સમયે કસરત કરવાથી ઠંડા વાતાવરણમાં શાંતિથી કસરત કરી શકાય છે. અને તે સમયનો પ્રાણવાયુ વધુ લાભકર્તા થઈ શકે છે. સવારે ઓઝોન વાયુ વધારે મળે છે. બીમાર, કમજોર અને દવા લીધેલ માણસ માટે કસરત કરવાની ના કહેલ છે. તે ભૂલવું ન જોઈએ. આપણે જમીને સામાન્ય રીતે ફરવા જઈએ છીએ ને ધીમેથી ચાલીએ છીએ તેમાં કંઈ દોષ નથી, પણ જમીને કામધંધે કે દોડવા જઈએ છીએ એ તો ભૂલ જ ગણાય તેમ છે.'
(ક્રમશ:)
