દાદાજીની વાર્તા 15
દાદાજીની વાર્તા 15
મયંક તો બેબાકળો બનતો જતો હતો. તે કહે, 'હજી પણ કંઈ ?'
દાદાજી બોલવા લાગ્યા, 'કૃત્રિમ ખાતરો :- ખેડૂતો કહે છે, કે ’’વધુ પાક મેળવવા માટે રાસાયણિક ખાતરો વાપરવાં જોઈએ.’’ પરંતુ રાસાયણિક ખાતરો જમીનને મારે છે. છાણ, મૂત્ર, મળ, ચામડાં, હાડકાં, ચરક, પાંદડાં વગેરે સેન્િદ્રય દ્રવ્યો દ્વારા બનેલું કુદરતી ખાતર જ ઉર્વરતા વધારીને સાચા અર્થમાં ધરતીની ભૂખ ભાંગે છે. કૃત્રિમ ખાતરો જમીનનાં સત્ત્યવોનો નાશ કરશે. ઉર્વરા ધરતી વાંઝણી બનશે. વંધ્ય ધરતી અન્ન નહીં ઉગાડી શકે.'
મયંકની આંખોમાં આંસુ આવી જાય છે. તે કંઈ પૂછે તે પહેલા તો દાદાજી બોલ્યે જતા હતા, 'કુદરતી સંપતિની અછત :- કુદરતી સંપતિને ઝડપથી માનવીય સંપતિમાં ફેરવનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે એ અખૂટ લાગતી સંપતિ પણ ખૂટી જશે. માનવજાતને ભોગવટાની ઉતાવળનું ભૂત વળગ્યું છે. સૌનું જલ્દી ભોગવી લેવું છે. આપણે આંકરાંતિયાં થઈને ધરતીના ધાવણને ઝડપથી ચૂસી રહ્યા છીએ. ધરતીનો જમીનમાં ભંડારેલો ખજાનો-લોખંડ, કોલસા, ધાતુ, ખનિજતેલ અને જળભંડારોને આપણે ઝડપથી વાપરી રહ્યા છીએ. જો આટલી જ ઝડપે ધરતીનું ધાવણ ચૂસાતું રહેશે તો ધરતી વાંઝણી બની જશે. ધરતીનું વાંજિયાપણું માનવજાતનો વિનાશ નોતરશે.'
હવે તો મયંક કાયદેસર રડવા લાગ્યો. પણ દાદાજી તો પોતાની વાતથી રોકાતા જ નથી. તેઓ બોલ્યે રાખે છે, 'ઔષધિવ્યસન :- વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિની જેમ તબીબી વિજ્ઞાને અપૂર્વ પ્રગતિ સાધી છે. હાર્ટ ટ્રાન્સપ્લેન્ટ, પ્લાસ્ટિકસર્જરી, રોગ અને તેના વિવિધ ઉપચારોમાં ક્રાન્તિકારી પરિવર્તન આવ્યું છે. વિભિન્ન રોગોના ઉપચારો માટે અસંખ્ય ઔષધિઓ અત્યારે આપણા હાથમાં છે. આ પ્રતિસ્પર્ધી અને ભૌતિકવાદી દુનિયામાં માનવજીવન અધિકાધિક જટિલ બનવા લાગ્યું છે. શારીરિક અને માનસિક રોગોથી છૂટવા માટે હંમેશાં વધુ ને વધુ દવાઓ પર નિર્ભર રહેવું પડે છે. અનુસંગી પ્રભાવરહિત કોઈ દવા નથી. એટલે દવાઓનો પણ દુષ્પ્રભાવ પડે છે. આ દુષ્પ્રભાવથી બચવાનો એક જ ઈલાજ છે; કે એનાથી સચેત રહેવું. પણ અત્યારે ખોરાકની જેમ દવાઓનો આડેધડ ઉપયોગ થાય છે. આજની અસરકારક દવા કાલે હલકી લાગે છે. આ આદત જ માનવનો નાશ નોતરશે. માનવને બચાવવા શોધાયેલી દવા જ એને નહીં બચાવી શકે.'
મયંક કહે, 'પણ દાદાજી! મારે કંઈક પૂછવું છે.'
પણ આજે દાદાજી જુદા જ મિજાજમાં હતા. તેઓ પોતાની ધૂનમાં આગળ બોલે છે, 'સ્વાર્થ અને અસહિષ્ણુતા :- સ્વાર્થ અને ઈર્ષ્યા એ ઊધઈ જેવાં છે. જેને લાગે એને ખલાસ કરી નાખે. માનવીય સહિષ્ણુતાને લૂણો લાગી ચૂકયો છે. જેની પાસે છે, એ ઘણું વધારે હોવા છતાંય જેની પાસે પૂરતું નથી એને આપવા ઈચ્છતા નથી. પૃથ્વીની ૮૦ ટકા સમૃદ્ઘિ જગતનાં દસેક રાષ્ટ્રો આંકરાંતિયાં થઈને ભોગવી રહ્યાં છે. જ્યારે બાકીનાં રાષ્ટ્રો મજબૂર બનીને ટગર ટગર જોઈ રહ્યાં છે. આ મજબૂર રાષ્ટ્રોની મજબૂરીમાં આવતી કાલનાં નાશનાં એંધાણ વરતાય છે. દુનિયા માટે માત્ર અસ્તિત્વનો જ સવાલ નથી. પણ શાન્તિમય સહ અસ્તિત્વ સિવાય જગતને જીવવું મુશ્કેલ બનશે.'
મયંક કહે, બસ બસ દાદાજી! મારાથી આવી વિનાશલીલા સાંભળી શકાતી નથી.
ક્રમશ:
