Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

ચકલા ચકલીની વાર્તા

ચકલા ચકલીની વાર્તા

2 mins
818


એક હતો ચકો અને એક હતી ચકી.

ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગનો દાણો. ચકલીએ તો એની ખીચડી રાંધી. ચૂલે ખીચડી મૂકી ચકીબાઈ પાણી ભરવા ગઈ. ચકલાને એ કહેતી ગઈ :

‘જરા ખીચડીનું ધ્યાન રાખજો. દાઝી ન જાય.’

ચકલો કહે : ‘ઠીક.’

ચકી ગઈ પછી ચકલાને ભૂખ લાગી. ખીચડી કાચીપાકી હતી તો ય ચકાભાઈ ખાઈ ગયા. ખાધા પછી ચકલી ખીજાશે એવો ડર લાગ્યો એટલે ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા.

ચકીબાઈ પાણી ભરીને આવ્યા અને જૂએ તો ચકાભાઈ આંખે પાટા બાંધીને સૂતા હતા. ચકીએ પૂછ્યું : ‘કેમ ઠીક નથી?’

ચકો કહે : ‘મારી તો આંખો દુઃખે છે એટલે હું આંખે પાટા બાંધીને સૂતો છું.’

ચકી પાણીનું બેડું ઉતારી રસોડામાં ગઈ. તપેલું નીચે ઉતાર્યું અને જોયું તો તેમાં ખીચડી ન મળે!

ચકી કહે : ‘ચકારાણા, ચકારાણા! આ ખીચડી કોણ ખાઈ ગયું?’

ચકો કહે : ‘મને તો કંઈ ખબર નથી. રાજાનો કૂતરો આવ્યો હતો તે ખાઈ ગયો હશે.’

ચકલી તો ગઈ રાજાની પાસે ફરિયાદ કરવા ગઈ. જઈને કહે :

‘રાજાજી, રાજાજી! તમારો કાળિયો કૂતરો મારી ખીચડી ખાઈ ગયો.’

રાજા કહે : ‘બોલાવો કાળિયા કૂતરાને. ચકલીની ખીચડી કેમ ખાઈ ગયો?’

કૂતરો કહે : મેં ચકલીની ખીચડી ખાધી નથી. એ તો ચકાએ ખાધી હશે ને તે ખોટું બોલતો હશે.’

ચકો આવ્યો ને કહે : ‘મેં ખીચડી નથી ખાધી. કૂતરાએ ખાધી હશે.’

રાજા કહે : ‘એલા સિપાઈ ક્યાં છે? આ ચકલાનું અને કૂતરાનું બેઉનું પેટ ચીરો, એટલે જેણે ખીચડી ખાધી હશે એના પેટમાંથી નીકળશે.’

કૂતરો કહે : ‘ભલે, ચીરો મારું પેટ; ખાધી હશે તો નીકળશે ને?’

પણ ચકલો બી ગયો. ખીચડી તો એણે જ ખાધી હતી. એ તો ધ્રૂજવા લાગ્યો અને બોલ્યો : ‘ભાઈસા'બ! મારો ગુનો માફ કરો. ખીચડી તો મેં ખાધી છે પણ હું ખોટું બોલ્યો હતો.’

રાજા તો ખિજાયો એટલે એણે ચકલાને કૂવામાં નંખાવ્યો.

ચકલી તો કૂવા ઉપર બેઠી બેઠી રોવા માંડી. ત્યાં ગાયોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :

ભાઈ ગાયોના ગોવાળ

ભાઈ ગાયોના ગોવાળ

મારા ચકારાણાને કાઢો તો

તમને ખીર ને પોળી ખવડાવું

ગાયોનો ગોવાળ કહે : ‘બાપુ હું કાંઈ નવરો નથી કે તારા ચકલાને કાઢું. મારે ઘણું કામ છે. હું તો મારે આ ચાલ્યો...’

એમ કહીને ગાયોનો ગોવાળ તો ચાલ્યો ગયો. ચકલી ત્યાં રાહ જોઈને બેઠી. થોડી વારે ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. ચકી કહે :

ભાઈ ભેંશોના ગોવાળ

ભાઈ ભેંશોના ગોવાળ

મારા ચકારાણાને કાઢો તો

તમને ખીર ને પોળી ખવડાવું

ભેંશોના ગોવાળે તો ચકીને કોઈ દાદ આપી નહિ. થોડી વાર પછી ત્યાંથી એક સાંઢીયાની ગોવાળણ નીકળી. એને ચકલીની દયા આવી એટલે એણે ચકલાને કૂવામાંથી બહાર કાઢ્યો.

કૂવામાંથી બહાર નીકળ્યા પછી ચકલાને પોતે ખોટું બોલ્યાનો ઘણો પસ્તાવો થયો. ચકા ચકી બન્નેએ સાથે મળી સરસ મજાની ખીર ને પોળી બનાવી સાંઢીયાની ગોવાળણને પેટ ભરીને ખવડાવ્યું અને પોતે પણ ખાધું, પીધું ને મજા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Classics