છેલ્લો દાયકો…
છેલ્લો દાયકો…
હરખુબા હવે આમ તો હામ હારી ગયા હતા. જીવનનો આ છેલ્લો દાયકો તેમને નાસીપાસ કરવા લાગ્યો. બેઉ કિડની કામ નહોતી કરતી. ડોક્ટરોએ કિડની રિપ્લેસ- મેન્ટને જ અંતિમ ઉપાય-આધાર જણાવી દીધો. લીલી વાડી તો આમ જોઈ ચૂક્યા હતા. પણ ઈચ્છા અને હોંસનો તે કાંઈ છેડો હોય છે? આ આંખના રતન જેવા બબ્બે પૌત્રોને પરણાવી પ્રપૌત્રો જોવાની લાલસા અંદર અને અંદર મનમાં વર્તુળો પેદા કરવા લાગી ગઈ હતી.
બેઉ પૌત્રો હેતલ અને પ્રેમલ હેતાળ -પ્રેમાળ સ્વભાવના હતા.દરરોજ દાદીને પગે લાગી ‘જય શ્રી કૃષ્ણ’ કહીને જ મેડિકલ કોલેજ જાય. બેઉ સફેદ એપ્રન અને સ્થેટેસ્કોપ સાથે દાદીને તો સાક્ષાત ધનુષ્યધારી રામ- લક્ષ્મણ જેવા લાગે. પણ હવે નડિયાદની કિડની હોસ્પિટલના ડોક્ટરોએ જયારે અંતિમ ઓપિનિયન આપી દીધો ત્યારે ….દાદીનું મન નિરાશ-હતાશ થવા લાગ્યું….લગભગ મૃતવત થવા લાગ્યું.
દાદીને યાદ આવવા લાગ્યું …..પોતે કેવી હોંસે હોંસે પરણીને સાસરે આવેલી ….
પતિ હર્ષદરાય નડિયાદમાં મોટા સરકારી ઓફિસર. પગાર મોટો,માન ભરપૂર અને માસ્તર મનસુખલાલના એકના એક દીકરા હોવાના કારણે જ્ઞાતિમાં અને સમાજમાં બહુ જ જાણીતા. સરકારી ઓફિસર તરીકે સહુ કોઈને સદાસર્વદા સહાયરૂપ થવું એ તો તેમનો સહજ સ્વભાવ હતો. સીધા,પ્રમાણિક,જરૂર વગર એક પણ રજા ન લે, એવા આ ઓફિસરનો ઓફિસમાં પણ સારો એવો દબદબો.લગ્નના બીજા જ વર્ષે પોતે પુત્રરત્નને જન્મ આપી ઘરમાં હરખ હરખ વ્યાપ્ત કરી દીધો. તેનું નામ પણ હર્ષ પાડી સહુ હર્ષની હેલીએ ચડ્યા. હર્ષ ભણી ગણી મોટો થઇ હર્ષા સાથે પરણી સરસ મઝાનો સેટલ થઇ ગયો. બેઉ પુત્ર-પુત્રવધૂ ડોક્ટર હોવાથી પોતે અને પતિ એક પ્રકારનું ગૌરવ અનુભવતા રહ્યા. તેમને જન્મેલા આ હેતલ- પ્રેમલ જોડિયા ભાઈઓ પણ મોટા થઇ મેડિકલનું ભણવા લાગી ગયા, એ જોઈ પોતે અને પતિ હર્ષદરાયની પ્રસન્નતાની કોઈ પરિસીમા ન રહી.સદભાગ્યે પોતે અને પતિ સ્વસ્થ અને નિરોગી રહેતા હોવાથી વધતી જતી લોન્જીવિટીનો પૂરેપૂરો લાભ મેળવતા રહ્યા.
પરંતુ એક વાર દાદરો ઊતરતા ઊતરતા હરખુબા, જે લપસીને ગબડીને ગોઠમડું ખાઈ પડી ગયા અને પછી ભાંગેલી કમર માટે લાંબો ઈલાજ કરતા-કરાવતા, તેમને સતત પેઈનકિલરો જે અપાતા રહ્યા તેના પરિણામે તેમની બેઉ કિડનીઓ કમજોર થવા લાગી અને કિડની હોસ્પિટલમાં શિફ્ટ કર્યા બાદ ડાયાલિસિસના સહારે પરાણે જીવન લંબાવ્યે જઈ રહ્યા હતા.પતિ,પુત્ર,પુત્રવધૂ સહુ કોઈ હરખુબાને પોતાની કિડની ડોનેટ કરી તેમની જીવનદોરી લંબાવવા માટે તત્પર હતા. પણ કિડની મેચ તો થવી જોઈએને? એક્કેયની કિડની મેચ નહોતી થઇ રહી.ત્યાં તો દરેક પ્રકારે પહોંચતા આ પરિવારે કિડની ખરીદવા સુદ્ધાનો વિચાર કર્યો. પરંતુ એમ માંગો અને દાન મળે અને તે ય કિડનીનું એ કંઈ કલ્પવૃક્ષ જેવું તો ન જ હોય ને? આ છેલ્લા દાયકાનું સમાપન જ કરવાનો મનોમન નિશ્ચય કરી હરખુબા આંખ મીંચી વિચાર વમળોમાં ઘૂમી રહ્યા હતા, ત્યાં તો બેઉ પૌત્રો હેતલ-પ્રેમલ હરખાતા હરખાતા દાદી પાસે આવ્યા અને બોલ્યા: ”અમારી કિડનીઓ મેચ થઇ ગઈ છે અને બે દિવસમાં તો તમે દાદી પાછા તાજા માજા અને ઓલ રાઈટ!”
પોતે ના ના કહેતા રહ્યા અને એક કિડની ડોનેટ કરે તો ય ચાલે તેમ હોવા છતાંય બેઉ પૌત્રોએ પોતાની એક એક કિડની ડોનેટ કરી દાદીને જીવનદાન આપી જ દીધું. ત્રીજે દિવસે તો દાદી હરાખુબા હરખાતા હરખાતા બોલી ઊઠ્યા: “આ મારો છેલ્લો દાયકો તમે બેઉ પોતરાઓ હેતલ-પ્રેમલ લંબાવીને જ રહ્યા. મારો છેલ્લો દાયકો તમે ધન્ય કરી દીધો.” શબ્દો કહી શક્યા એથી વધુ તો આંખોમાંથી વરસતા હર્ષાશ્રુ કહી રહ્યા હતા.
આખો પરિવાર પ્રસન્ન પ્રસન્ન મને હરખુબાના હર્ષને વધાવી રહ્યો હતો ત્યારે એ હર્ષની હેલીમાં હરખુબા હવે તો આ છેલ્લા દાયકાના આ બેઉ પ્રેમાળ પૌત્રોના લગ્નોના સપના જોવા લાગી ગયા. સપના તો પહેલા ય જોતા હતા.પણ હવે સપના સાકાર થવાની શક્યતા-સંભાવનાએ હરખુબાના હરખમાં જબરી ભરતી લાવી દીધી હતી.
