છબીલોક - ૯
છબીલોક - ૯
(પ્રકરણ – ૯)
(વહી ગયેલાં દિવસો – લોકડાઉન ત્રણના દિવસોમાં અધીરાઈ એનું રૂપ લઈ ચૂ હતી. અધીર મન, અધીર તડપ, વતનની હોડ, અધીર ખ્વાઈશ, અધીર રાજકારણ, અધીર પર-પ્રાંતિયનું વતન ગમન, હજારો કિલોમીટર પગપાળા પ્રવાસ અને અકસ્માતો, વાહનોની સગવડ છતાં અફવાના ભોગે ગરીબ અભણ મજદૂરોમાં ગભરાટ, અધીર જગતની સ્પર્ધા - સુપર પાવર બનવાની. જાણે માનવોની મૃત્યુ સંખ્યા 'પાવરફૂલ' બનાવતી હોય તેમ. ભારત નસીબવંતુ હતું. સારા સમાચારોમાં લોકડાઉન ચાર દસ્તક આપે એવી ગણતરી હતી. શોલેનો ડાયલોગ બદલાયો હતો "જો ડર ગયાં વો જી ગયાં..."
અર્થતંત્રને લઈ આગ લાગી હતી ઘણાના મગજમાં. આશાઓ જાગી હતી, આત્મ-નિર્ભરતા માટે પ્રયાસો અને યોજનાઓ, બીના સહકાર નહી ઉદ્ધાર. નવી સમજ સાથે અર્થતંત્રને વેગ આપવાની વેળા જાગી હતી, નવી કળાઓ સાથે સુરક્ષિત થઈ જીવવાનું હતું. બેફામ થવામાં હવે નુકસાન હતું.)
'******'
આજે લાલુને તાવ હતો. ગાળામાં દુખાવો, વારંવાર ખાંસી આવે. આખરે કોવિદ ટેસ્ટ થયો. ત્રણ દિવસ ટેન્શન રીપોર્ટ ના આવે ત્યાં સુધી. આખરે રિપોર્ટ આવ્યો અને રિપોર્ટ મહાનગર પાલિકામાં ગયો. રિપોર્ટને ધ્યાનમાં લઈ હોસ્પિટલ નક્કી થઈ. સાયરન વગાડતી...આ...ઉ...આ...ઉ...કરતી એક એમ્બુલન્સ સોસાયટીમાં આવી. ગભરાયેલાં રહેવાસીઓ બારીમાંથી અને બાલ્કનીમાંથી નીચે વોચમેનની કેબીન તરફ જુએ છે. થોડીવારમાં આઈસોલેટ કરેલ લાલુ બહાર આવે છે. બધાંને ગંભીરતાનો ખ્યાલ આવે છે. કેટલાંક દિલથી શુભેચ્છાઓ આપે છે, પ્રાર્થના કરે છે, તો કેટલાંક મનમાં હસી લે છે. એમ્બુલન્સના સેવાભાવી કર્મચારી એક કપડાની બેગ સાથે લઈ લેવાં કહે છે. જાણે પોતાનાં કફનની વ્યવસ્થા પોતે કરાવતાં હોય ! નાનો ભાઈ વ્યથિત થઈ અશ્રુભીની આંખે લાલુને જુએ છે. મળી શકાય નહી, ગળે મળવાનું તો દૂર જ. અશ્રુભીની આંખો એની સાથે ચુપચાપ બોલતી હતી. ચાલો... વહેલાં એમ્બ્યુલન્સમાં બેસો, શબ્દોમાં અને અવાજમાં ઓર્ડર હતો. ધડામ દઈને દરવાજો બંધ થયો અને સાયરન વગાડતી એમ્બ્યુલન્સ બહાર નીકળી અને સોસાયટી સીલ થઈ.
સારવાર દરમિયાન ચૌદ દિવસ પેટ ઉપર સુવું પડે, સાદું જમણ, ટી વી મોબાઈલથી દૂર, દિવસ રાત્ર સતત સામેની દિવાલ ઉપર પોતાની જિંદગીની ફિલ્મ દેખાય. સારા થાવ તો ઉત્તમ. ત્રણ ટેસ્ટ નેગેટીવ આવે તો દર્દીને ઘરે લઈ આવે નહી તો સારવાર દરમિયાન છબીલોકમાં પહોંચી જાવ. દેહને પ્લાસ્ટીકમાં બાંધી સીધાં સ્મશાન લઈ જાય. ઘરનાંને અંતિમ દર્શન નહી, કોઈ પણ વિધિ નહી, એક ડેથ સર્ટીફીકેટ આવે. સાંત્વન આપવાં કોઈ ન આવે.
લોકડાઉન છતાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો એ ગંભીર બાબત હતી. એક દર્દીને શું તકલીફ થાય છે એનો વિડીઓ વાયરલ થયો હતો. ડરના માર્યા 'અતિથિ રેસીડન્સી'ના રહેવાસીઓને દર્દી તરીકે લાલુ દેખાયો. કેટલું ગંભીર સપનું હતું ? માનસ ઉપર ડર અને ભયનો સાયો હતો. દેવબાબુની તાંત્રિક વશીકરણ શક્તિથી બધાંને એક જ સપનું આવ્યું ! કોરોના વાયરસના સંક્રમણથી દર્દીની કેવી પરિસ્થિતિ અને દશા થાય છે તે બધાંને વાકેફ કરવાનું હતું. લાંબા લોકડાઉન બાદ જયારે અનલોકમાં બધાં સ્વછંદી ના થઈ જાય તે માટે એક એલાર્મ રૂપી સપનું હતું.
સવારે ખરેખર એક એમ્બુલન્સ આવી. અધ્યક્ષ તરત નીચે આવ્યાં. એમ્બુલન્સવાળાભાઈ એક કાગળ સુપરત કરે છે. અધ્યક્ષના મોં ઉપર આનંદ જોઈ શકાય છે. એમ્બુલન્સ પાછી વળે છે.
અથિતિ રેસીડેન્સીમાં આજે આનંદ હતો, ખુશીનો માહોલ હતો. લાલુનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. શંકા દૂર થઈ. બધાએ ગાર્ડનમાં ઉગેલાં ફૂલોથી લાલુનું સ્વાગત કર્યુ જાણે અભિનંદન ભારત પાછો ફર્યો હોય તેમ !
પરંતું શાન્તુ જાસુસ ખુબ ભયભીત હતો. જાસુસી મગજમાં દર્દી તરીકે પોતે નથી ને ? એ શંકાથી રૂમની બહાર આવ્યો નહોતો. ખરેખર ! ડર હોય તો સારું છે પણ ભય તો હોવો જ જોઈએ. કારણ સ્વછંદીપણું ગંભીર પરિણામ આપે. લાલુ ઉપર ત્રણ દિવસ જે વીતી તે લાલુનું હૃદય જાણે. માવા-મસાલા ફાંકીનો શોખ કદાચ લોકડાઉન ઉલ્લંઘનમાં મોત તરફ ખેંચી જાત અને આમપણ શોખમાં છબીલોક જનાર ઘરનાં બધાંને કંગાળ કરી નાંખે. ત્રણ દિવસમાં લાલુની સાન ઠેકાણે આવી ગયી અને પાન-મસાલાને તિલાંજલિ આપી.
એક સત્ય ઘટના બની હતી. આખો દિવસ ડી ટી પી ઉપર ડિઝાઈન કરનાર મદન ગુટખાનો બંધાણી હતો. ટોકનાર ને એ કહેતો, વર્ષોથી ગુટકા ખાવું છું આજ સુધી કઈ થયું નથી. પછી ધીરે ધીરે એનું મોં ખુલતું બંધ થયું. કોળિયો મોં માં પરાણે ઘુસાડી જમવું પડતું. એક દિવસે સવારે બ્રશ કરતાં ટૂથબ્રશ ગાલમાંથી બહાર નીકળી આવ્યું. ડોકટર માટે પરેશાની એ હતી કે ગાલ ઉપર ટાંકા લેતાં ગાલના જુનાં કપડાની જેમ ચીથરાં નીકળતાં. ટાંકા લેવાની મુશ્કેલી હતી. મોટી સર્જરી બાદ પરિણામ આવ્યું પણ દેખાવડો ચહેરો કદરૂપો થયો.
આ એકભાઈ પણ કોમ્પુટરમાં નિષ્ણાંત હતાં. દિવસમાં નિયમમાં રહી ગુટકા ગટકી જતાં. એક ટીપીકલ સુગંધ મોઢામાંથી આવે એટલે ઘણાં ટોંકતા અને ઓફિસમાં ગુટકા ખાવાં ના પડતાં પણ એ ભાઈનો જવાબ હતો – "મારો સ્વર્ગવાસી બાપો પણ આવીને ગુટકા ખાવાની ના પાડે તો તેને પણ ચોખ્ખી સંભળાવી દવું. તું કોણ કહેનારો ?" અહંકારી સ્વભાવ. એક સંક્રાતિએ ફ્લાયઓવર બ્રીજ ઉપરથી સ્કુટર ઉપર પરત ફરતાં પતંગની દોરી ગાળામાં ભેરવાઈ. સ્કુટર સ્પીડમાં હોવાથી સારું એવું ગળું કપાયું. લોકોએ તરત હોસ્પિટલ ભેગો કર્યો. નસીબનો ધણી. સહેજમાં બચી ગયો. હોસ્પિટલનું બિલ ખુબ ભારે પડ્યું. કદાચ હેલ્મેટ પહેર્યું હોત તો ઈજા ઓછી થાત એવું ડોક્ટરનું કહેવું હતું.
જિંદગીને જીવવાં માટે શોખ રાખો પણ એનાં બંધાણી નહી થવું. ચોપ્પન દિવસનું લોકડાઉન ઘણું સમજાવી ગયું. અને ચોથું લોકડાઉન આવ્યું થોડીક છૂટછાટો સાથે. ૧૯ મે થી ૩૧ મે, ૨૦૨૦. ઘણી નિરાશા સાથે મજા આવી. પરિવાર સાથે રહેવાની, રસોઈ બનાવવાની અને ઘણું બધું. ખોટું ના બોલો સાહેબ... મઝા તો કોઈ ઓર જ હતીને ? લોકડાઉન પાંચ કંઈક વધુ છૂટછાટો સાથે હતું. મંદિરો અને ધાર્મિક સ્થળો આઠ મે થી ખુલવાના હતાં પરંતું નિયમો સાથે.
કોરોના બહુ ખુશ હતો. આખી દુનિયાની પુંગી વગાડી દીધી હતી એટલે એને અભિમાન થયું અને વાંસળી- વાળાની ટીખળ કરતાં કૃષ્ણને કહયું – "આમ તો હું બહુ જ નાનો, કોઈને નારી આંખે દેખાવું પણ નહી છતાં મેં બધાં મંદિરો બંધ કરાવી દીધાં નહી ?" કૃષ્ણ મંદ મંદ હસતાં મુસ્કુરાતા બોલ્યાં – તારી ભૂલ થાય છે, તે જોયું નહીં, મેં દરેક ઘરને મંદિર બનાવી દીધું. હવે દરેક ઘરમાં પૂજા, આરતી અને પ્રાર્થના થવા લાગી છે."
છબીવાસી પણ પોતાનાં હસતાં રમતાં પરિવારને જોઈ ખુશ હતાં કારણ એમણે તો પૌત્ર-પૌત્રીઓ ક્યાં જોયાં હતા ? અને કદાચ જોયા હોય તો એમની ઉમર ખુબ નાની હશે. દેવબાબુ છબીવાસીઓને ખુબ આનંદ કરાવી રહ્યાં હતાં.
ટી વી ના એક ડિબેટ શોમાં ત્રીજા ફ્લોરવાળા મનહરભાઈને આમંત્રણ મળ્યું. કાયમ વિરોધમાં બોલે એટલે પાર્ટી એને આગળ ધરે. પત્ની સાથે બહુ જીભાજોડી ચાલે કારણ પત્ની કાયમ પિયરનું જ ખેંચે. એ એમનો વિરોધ પક્ષ. મનહરભાઈના બંધ રૂમમાં ડિબેટ શો નું રેકર્ડીંગ હતું. બહાર મીડિયાની ગાડીઓ, પોલીસ અને તામઝામથી મનહરભાઈ અતિથી રેસીડન્સીમાં હિરો બની ગયાં. કલાકો બાદ એમનું રેકર્ડીંગ પૂરું થયું.
બીજે દિવસે ગુજરાતી ચેનલ ઉપર પ્રસારણ હતું એટલે અતિથી રેસીડન્સીના રહીશો પણ ટી વી સામે ગોઠવાઈ ગયાં હતાં. બધાં માનભેર મનહરભાઈને સંભાળવાના હતાં. પ્રસારણ ચાલું થયું અને થોડીવારમાં મનહરભાઈ અને એમની પત્ની કુસુમકાકી વચ્ચે જામી. ડિબેટ, ડિબેટનો સવાલ અને સામે જવાબ આપવામાં મનહરભાઈથી કંઈક વિરોધમાં બોલાયું ગયું કે - "આટલાં લાંબા લોકડાઉન પછી પણ કોરોના તો ગયો જ નથી" તો લોક-ડાઉન કેમ કર્યું ? ટી વી ના પ્રવક્તાઓ એક બીજાં સાથે બાઝ્યાં અને રીયલમાં કુસુમકાકી અને મનહરભાઈ ઉપર ચિઢાયા.
કુસુમકાકી - "છેવટે ભાંગડો વાયટો. હું એમ કહું છું... ના હમજાય તો શું કામ બોલ્યાં ? આવું બોલાય ? કાય સમજણ પડે નહી ને... અરે...હું એમ પુછું કે વરસોથી ડાયાબીટીઝની ગોળીઓ લો છો છતાં તમારો ડાયાબીટીસ ગયો ? રોજ ત્રઈન વાર પ્રેસર ની ગોળીઓ ગળો છો છતાં પ્રેસરની તકલીફ ગઈ ? નાસ્તો થાય એટલી ગોળીઓ રોજ ગળો છતાં દરદ તો તમારાં એવાં ને એવાં. કાં... ખોટું ખોટું બોલો છો. સમજ ના પડી આ કોરોના તો પરદેસનો પરોણો છે, ઈ કંઈ જાતે નહી આવ્યો, આપણા કરિયર બનાવનારા અને પૈસા બનાવનારા જ એને કેરી (carry) કરીને લાયવા, આઈ કઈ ઓછું હતું ? તે તઈ ગ્યા તા કરિયર બનાવવાં ? આખરે તો આહીં જ આવવું પડ્યું ને ? વલખાં મારીને ? હું ન્હોતી કે'તી કે ચીમી આંખવાળા ઉપર ભરોસો ના કરાય. ફસાવી જાય. ફસાવી દીધાંને આખાં જગતને ? સસ્તું, સસ્તું કર્યુ તે હવે કેટલું મોંઘુ પડે શ્હે ! તે તમને આટલી સીધી વાત મગજમાં કેમ ના ઉતરી ? બોલતાં પહેલાં વિશાર ના કરવો. હમજ્યા ? ઈ ચીમી આંખવાળો તમને કાઈ દેવાનો છે ? આ દઈ ગાયોને બધાંને..કરોના ! અને વોલો..બીજો... અમારાં ગામનો જ છે.. અરથતંત્રની વાત કરતો તો, કરોડો બનાય્વા... ચાલને આપી.. ગરીબોને... લોકો મરે છે એની ચિંતા નહી. અરે... ગરીબના ઘરમાં તો એકજ કમાવવાવાળો હોય...હાથ ઉપર પેટ હોય.. અને આ મુવાનું પેટ તો જાણે જેમતેમ છાતી ઉપર લટકેલું હોય એવું દેખાય. આ બધાં સફેદ કફનીવાળા થોડું થોડું આપે ને તો પણ દેશનું ભલું થઈ જાય... અને એક'દિ તો એક ભાઈ મંદિરના સોના ઉપર નજર મારીને બેઠો હતો.. કેહ મંદિરોનું સોનું લઈ લો... અલા તારી બૈરીનો એક નાનો દાગીનો ઉતરાવી તો જો..."
ઘરનાં બધાં લોકો શાંત થઈ ગયાં અને કુસુમકાકીનો અવાજ રેસીડન્સીમાં ઘુમવા લાગ્યો. લોકો ટી વી છોડીને કુસુમકાકીને સાંભળતાં હતાં. એક અભણબાઈની સમજ અને દલીલ ઉપર ફિદા હતાં.
પણ ખરેખર વાત એમ હતી કે ડિબેટ કરાવનાર એન્કર અને બીજાં ભાગ લેનારાં (પાર્ટીસીપંટ) કુસુમકાકીના પિયરના દૂરના ભાઈ થતાં હતાં અને કુસુમ કાકીને ગુસ્સો એટલાં માટે આવ્યો કે પિયરવાળાને અજુગતો જવાબ આપી ગામવાળા લોકો સમક્ષ એમનું અપમાન કર્યુ હતું મનહરભાઈએ.
કૈસા લગા ટ્વિસ્ટ ?
(ક્રમશઃ)