Arun Gondhali

Comedy

4  

Arun Gondhali

Comedy

છબીલોક 7

છબીલોક 7

6 mins
49


આ સાત સાત વરસથી મેં તને ફૂલની જેમ રાખી. કોઈ દિવસ શોપિંગ માટે તને ના નથી કહી. તારા બધાં શોખ મેં પૂરા કર્યા અને રાણીનાં નખરા તો જુઓ... કોઈ રાજા પણ પૂરાં ના કરી શકે... મેં કોઈ દિવસ તને દુઃખી નથી કરી. ભાન છે તને... ?  આખો દિવસ ટીવી જોઈને ઓનલાઈન ખરીદી કરે..વાંદરી.. અરીસામાં જો... જો જરા... પોતાની જાત ને હિરોઈન સમજે છે. જાત જાતના બુટ, સેન્ડલ અને ચંપલ માટે મેચિંગના કપડાં જોઈએ. લોકો કપડાને મેચિંગ કરે અને આ... હિરોઈન.. બુદ્ધિની દુકાન ખોલે. જાણે કેટવોક ઉપર જવાની હોય. મિસ ખીચડી ક્વીન. પાર્લરના ખર્ચા તો જુઓ... અરે... આમ બે અઠવાડિયામાં સ્કીન બ્યુટીફૂલ થાત તો આ પણ અમેરિકા જ હોત. એ બેટો હિરોઈનના કપડાં ઓછાં કરવા બેઠો છે અને આ મારી હિરોઈન કપડાના કબાટો ભરવા. મારી છૂટનો દુરુપયોગ તેં કર્યો છે આશા.. મારી ઈજ્જતના ધજાગરા તારે આમ ઉડાડવા હતાંં ? તને જિંદગીમાં શું ઓછું આપ્યું મેં ?

આશા રડી રહી હતી... એની આંખો રડી રડીને સુજી ગઈ હતી. રમેશ એનું કંઈ પણ સાંભળવા તૈયાર નહોતો. ઝગડાનો અવાજ વધી રહ્યો હતો. તીકુકાકા સમજી શકતાં નહોતાં કે શું થયું છે. એ તો ફક્ત ફોટો ફ્રેમમાંથી મુકદર્શક બની સાંભળી રહ્યાં હતાંં વહુ અને દિકરાનો ઝગડો. હકીકતમાં શંકાએ ઝગડાનું રૂપ લઈ લીધું હતું.

મુંઝાયેલી આશાને સમજ નહોતી પડતી કે આવું કેવી રીતે બન્યું ? કારણ શું ?

રાત્રે છબીવાસીઓ ભેગાં થયાં ત્યારે તીકુકાકાએ રમેશ અને આશાના ઝગડાની વાત દેવબાબુને કરી. પણ કારણ સમજાવી નહીં શક્યા. ઝગડાનું નિરાકરણ કરવું જરૂરી હતું એટલે બધાંને રજા આપી બીજાં દિવસના કાર્યક્રમ માટે.

સવારે આશા એનાં સામાનની બેગ સાથે પિયર જવા તૈયાર હતી. શંકાશીલ રમેશે એને ધમકી આપી હતી. જો એ આ ઘર છોડીને નહીં જાય તો પોતે જિંદગી ટૂંકાવી લેશે. પણ આશા માટે દ્વિધા હતી. બધું લોક ડાઉન હતું. બસ, રેલ્વે બધું બંધ હતું. જાય તો કેવી રીતે ? એ રમેશને સમજાવી રહી હતી કે એને કોઈ ગુનો કર્યો નથી. એ કોઈને ઓળખતી પણ નથી તો પ્રેમપત્ર કોઈ એને શા માટે લખે ? આખી રાત રમેશને સમજાવી સમજાવી એ થાકી ગઈ હતી પણ શંકા રમેશને સમજવા દેતી નહોતી.

દેવબાબુએ રમેશની ડોરબેલ વગાડી. દેવબાબુને જોઈ બંને શાંત થઈ ગયાં. વાતની નજાકત એ સમજી ગયાં અને સીધાં જ મુદ્દા ઉપર આવતાં એમણે ગઈ કાલનું છાપું અને એની અંદર મૂકેલ ચિઠ્ઠી માંગી.

“માફ કરજો... ગઈ કાલે મેં તમારાં દરવાજામાં પડેલું છાપું સમાચાર વાંચવા લઈ લીધું હતું તમારી પરવાનગી વગર, અને એક કામ યાદ આવતાં છાપું સાથે લઈને નીકળી ગયો. તેમાં એક પત્ર – ચિઠ્ઠી મેં મૂકેલ હતી જે મારાં એક મિત્રે એની પ્રેમિકાને પહોંચાડવા કહી હતી. બંગાળી કુટુંબ છે, મારાં ઓળખાણમાં છે. અહીં નજીકમાં જ છે. એ પહોંચાડવા જવું હતું પણ પછી યાદ આવ્યું કે રાત્રે એ છાપું તમારાં દરવાજામાં સેરવી દિધું હતું. તેમાં એ ચિઠ્ઠી મેં મૂકાઈ હતી તે પાછી આપશો.”

ઓશિયાળા રમેશની હાલત જોવા જેવી હતી. એ ચિઠ્ઠીમાં આશા નામ વાંચી પોતાની પત્ની ઉપર શંકા કરી ખૂબ મોટું પાપ કર્યુ હતું. આખી રાત મહાભારત સર્જનાર ચિઠ્ઠી પોતાનાં બર્મુડાના ખીસામાંથી કાઢી અને દેવબાબુને પરત કરી. 

આશા સમજી ગઈ, રમેશના શંકાનું કારણ એ ચિઠ્ઠી હતી. રમેશ એકદમ શાંત હતો. માફી માંગી રહ્યો હતો. હવે બીજું યુદ્ધ થવાનું હતું. રમેશ બરોબર ફસાયો હતો. વહેમ અને શંકા માણસના બહુ મોટા દુશ્મન છે. જિંદગીઓ તબાહ થઈ જાય.

દિવસ આખો ટીવી ના સમાચારો જોતાં હોય તો ચેનલના સમાચાર ક્યાંક તમને શંકાશીલ કરી દે વહેમ ઉત્પન્ન કરે કોરોનાની મહામારીનો. તો કોઈ સમાચાર નિર્ભય બનાવવાની કળા શીખવે. જરૂર છે ફક્ત સાચાં સમજની, સૂઝની. સલામતી અને સુરક્ષિત રહેવાની. લોકડાઉન પીરીયડ ત્રીજીવાર વધ્યો હતો બે વીક માટે.

આવનાર દિવસો, વરસો કેવાં હશે ? અરે યાર...ચિંતા છોડો... વર્તમાનમાં રહો... ખુશ રહો..છબીલોકમાં.

“ઈસ દુનીયામાંમે જીના હૈ તો સુનલો મેરી બાત.. ગમ છોડકે મનાઓ રંગરેલી...” ગુમનામ ફિલ્મ સાવ કોરોના વાયરસ જેવી અદ્રશ્ય પણ સતત ડર.

‘*******

આજે અચાનક સરકારશ્રીના આદેશ મુજબ એક મેડિકલની ટીમ અને થોડાંક પોલીસ ઓફિસરની ટીમે ‘અતિથી રેસીડેન્સી’માં પ્રવેશ કર્યો હતો. તેઓ નીચે ઊભાં હતાંં પૂરા સરંજામ સાથે. કોરોના એટલે કોવિદ-૧૯ ના ચેકઅપ માટે તેમની સેવા આપવાં. સાયરન વગાડી મેગાફોનથી જાહેર કર્યુ કે અપાર્ટમેન્ટના રહેવાસી એક એક કરી નીચે હાજર થાય જેથી કોરોનાનું ચેકઅપ થઈ શકે. અતિથી રેસીડન્સીના અધ્યક્ષે તરત નીચે જઈ પરિસ્થિતિ સંભાળી લીધી અને આવેલી ટીમને સહકાર્ય કરવા પહેલ કરી. ધીરે ધીરે બધાં ખુશ થઈ ચેક અપ કરાવી રહ્યાં હતાંં અને સરકારનાં વખાણ કરી રહ્યાં હતાંં. ઘણાને ડર હતો મનમાં પણ આજે એનું નિરાકરણ દવાખાને જવા વગર અને ગીર્દી કર્યા વગર થવાનું હતું. સિનીયર સીટીઝન માટે ઉત્તમ તક હતી. ડર વગર એક પછી એકનું ચેકિંગ થઈ રહ્યું હતું. ઘણાં દિવસે રહેવાસીઓ નીચે ઉતર્યા હતાંં. મીની ફેર જેવું દ્રશ્ય સર્જાયું હતું. દરેકે મોઢાં ઉપર કંઈને કંઈ લપેટી લીધું હતું. કોઈએ માસ્ક લગાવેલા હતાંં. ખૂબ વ્યવસ્થીત યોગ્ય અંતર રાખી ઊભાં હતાંં. બધાનું ચેકિંગ પૂરું થતાં સાંજ થઈ. ફાઈનલ લીસ્ટ ચેક કરતાં ખબર પડી કે એક વ્યક્તિએ હજુ સુધી ચેકિંગ કરાવ્યું નહોતું. અધ્યક્ષ સાહેબ પરેશાન હતાંં. વારંવાર લીસ્ટ ચેક કરતાં એક નામ ધ્યાનમાં આવ્યું. એનું નામ હતું લાલુ. પોણા બે ફૂટનો.

ચોરી છૂપીથી એક સામાનની થેલી એણે વોચમેનની કેબીનમાં સંતાડી અને સમયની નજાકત જોઈ ડાહ્યો ડમરો થઈ ટોળામાં ચૂપચાપ ઊભો થઈ ગયો. લાલુ.... લાલુની બૂમ પડી એટલે એ આગળ આવ્યો અને અધ્યક્ષે એનું ચેકઅપ કરાવ્યું. બધું શાંતિથી પતી ગયું. પ્રાથમિક ટેસ્ટ પરિણામ બધાંના સારા હતાંં, પરંતું લાલુનો ટેસ્ટ કંઈક શંકા ઉપજાવે એવો હતો. આવેલ ડોક્ટરની ટીમ અને અધ્યક્ષમાં વાત થઈ. બધાંને પોતપોતાના ઘરે જવા કહ્યું ફક્ત લાલુ શિવાય.

અધ્યક્ષ હોંશિયાર હતાંં એમણે એક વિનંતી કરી કે સામેની વોચમેનની કેબીનમાં જરૂર પડ્યે લાલુને ૧૪ દિવસ માટે આયસોલેટ કરી શકાય તો સારું, જેથી રેસીડેન્સીમાં કોઈને ચિંતા નહીં રહે અને દેખરેખ પણ થાય. એનાં ઘરમાં એક નાનાં ભાઈ સિવાય બીજું કોઈ નહોતું. માં નું થોડાંક મહિના ઉપર નિધન થયેલ હતું. ઘરમાં કોઈ હતું નહીં ટોકવા માટે. બાપુજી ખૂબ ખેતીવાડી અને મિલકત મૂકી ગયાં હતાંં. થોડીક જમીન વેચી રોકડાં કરી અતિથી રેસીડેન્સીમાં સ્થિર થયો હતો. પાન-માવાનો બંધાણી હતો. મોજીલો હતો.

વોચમેનનો રૂમ લાલુને આયસોલેટ કરવા માટે સજ્જ થઈ રહ્યો હતો ત્યારે લાલુની થેલી અધ્યક્ષના હાથે ચઢી. તેમાં પાનમસાલા, ખૈની, સુપારી અને માવાના પેકેટ હતાં. લાલુને પુછતા ખબર પડી કે બીજીવાર એ પાન-માવાની શોધમાં બહાર ગયો હતો અને જે મળ્યું તે ઊંચા ભાવ આપી લઈ આવ્યો હતો કારણ લોકડાઉનમાં દુકાનો બંધ હોવાથી અછત હતી. આદતથી મજબુર હતો. ભૂલનું આજે પરિણામ આવ્યું હતું. ભલે શંકાસ્પદ દર્દી હતો પણ ગંભીર પરિણામ આવે તો ? અધ્યક્ષ એને સમજાવી રહ્યાં હતાં. દેવબાબુ સાંત્વન આપી રહ્યાં હતાં. આયસોલેશનની વાત આખાં અતિથી રેસીડન્સીમાં પ્રસરી. બધાં લાલુને જરૂરી સેવા આપવાં તૈયાર હતાં. લાલુનો નાનો ભાઈ રડી રહ્યો હતો. બધાએ કોરોનાથી બચવા જડબેસલાખ પગલાં લીધાં હતાંં છતાં એક શોખ અનેકમાં શોક પસરાવી ગયો, રેસીડન્સીના રહીશોમાં ભય હતો. સમય જતાં કંઈક ભયંકર પરિણામ તો નહીં આવે ? 

આજે બધાં ઘરમાં રહી નિયત સમયે સમૂહ પ્રાર્થના કરવાનાં હતાંં !

સાંજે લાલુ બરાબર જમી નહીં શક્યો, ભાઈની યાદમાં. એણે તાકીદ કરી હતી કે ભાઈને નીચે નહીં આવવાં દેવો. બીક હતી અને સાથે ડર પણ. સ્વજનનો પ્રેમ.

ટન... ટન.. રાત્રીના બાર ટકોરા થયાં. સાંજથી લાલુના ચહેરાનો નૂર ઉતરી ગયો હતો. મોજીલો સ્વભાવવાળો આજે ગમગીન ચહેરો લઈ પરેશાન હતો. વિચારમાં...આખરે.... સદનસીબે ઊંઘે આમંત્રણ સ્વીકાર્યું.

છમ.. છમ... કરતી કોઈ ખૂબસુરત બલા કેબીન પાસે આવીને ઊભી રહી. ઘબરાટમાં લાલુએ એક આંખ ખોલી નજર ઘુમાવી. બલા એની પાસે આવી અને પલંગ ઉપર બેસી ગઈ. “બલાને પલંગ ઉપર બેસવાં ના કહી. મને આયસોલેટ (Isolate) કરેલ છે. તું અહીં બેસી ના શકે. દૂર રહે.. પેલી હસી ...ચિંતા નહીં કર.. મને કંઈ નહીં થાય... તું જ તો આવ્યો હતો મને મળવા, લપાતો, છૂપાતો, ગલીઓમાંથી ઠેકડાં મારતો અને આજે મને ઘબરાવે છે ?

લાલુ બોલ્યો – “તું કોણ છે ?”

ખૂબસુરત બલા ખડખડાટ હસતાં બોલી – “હું કોરોનાની બહેન. કરીના...કોવિદ-નાયીનટીન છું, ઉમરમાં ચાલશે ?”

શાન્તુ જાસૂસ મોં ઉપર માસ્ક બાંધી, ચ્હા અને ટોસ્ટ ટ્રેમાં લઈ દરવાજામાં ઊભો હતો. સ્ટુલ ઉપર ટ્રે મૂકી એણે જોરથી ભોપું વગાડી (જાસુસી ભેજું) લાલુને ઉઠાડ્યો.

જાગને લાલુંડા... માવા મસળવાવાળા...

કુંવારા લાલુનું સપનું તૂટ્યું. 

તમે પણ વિચારમાં પડયાને ? પાછાં મળીશું.

(ક્રમશઃ) 


Rate this content
Log in

Similar gujarati story from Comedy