છબીલોક 5
છબીલોક 5


(વહી ગયેલાં દિવસો – શહેરોનાં સમાચાર સારા નહોતાં. કોરોના સંક્રમિતની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો. કારણ લોકો સરકારે જાહેર કરેલ છૂટછાટ ગેરલાભ લઇ રહ્યાં હતાં. સરકાર જીવ બચાવવા માટે પ્રયત્નશીલ હતી પણ કેટલાકને જીવની ચિંતા નહોતી. બેદરકાર વર્તન. સંક્રમણથી બીજાની જિંદગી જોખમાય છે તેનું ભાન નહોતું. એક ઘરમાં બીજાં શહેરથી આવેલ દિકરાએ ઘરનાં છ લોકોને સંક્રમિત કર્યા. ચારની જિંદગી ગઈ અને ત્રણ સારવારમાં દિવસો ગણી રહ્યાં હતાં. અંતિમ વિધિ માટે કોઈ હાજર રહેવાં તૈયાર નહોતું. જિંદગીની કિંમત, માણસાઈની વ્યાખ્યા અને ધર્મની સંકુચિતતા સમજાતી નહોતી. હાંસિલ થાય એવું કંઇ નહોતું. જાણે જિંદગી સામે જિંદગી દાવ ઉપર ! સમજણ ખૂટી રહી હતી.
પ્રશ્નો હતાં તો ઉકેલ પણ હતો. દરેક વ્યક્તિ પાસે. ઘરમાં રહી સુરક્ષિત રહેવાનો. જેમ બીમાર વ્યક્તિ પરેજી પાળે તેમ. જીવવાં માટે વ્યવહારોને બંધ કરવાનાં હતાં. નહી સમજનાર બીજાં દેશોમાં રોજ સરેરાસ લગભગ બે હજાર મોત થઇ રહ્યાં હતાં. જગ્યા નહોતી અંતિમવિધિ માટે, દફનાવવા માટે. ખેતરો પણ ઓછાં પડ્યાં.)
દેવબાબુ અને અતિથી રેસીડેન્સીના રહેવાસીઓએ સંક્રમણ સામે સુરક્ષિતતાનો જડબેસલાક અમલ કર્યો હતો. છબીલોકના સભ્યો સેવા માટે તૈયાર હતાં. એક નવી યોજના ઘડવાની હતી. સેવા માટે. આજ રાત્રે. પરંતું શાન્તુ (શાંતિલાલ) વિચારમાં ખોવાયેલ હતો, તે દિવસનું દૃશ્ય એને પજવી રહ્યું હતું. લીફ્ટ તરફ જતી વ્યક્તિ વિશે. દેખાવે એ વ્યક્તિ દેવબાબુ જેવી જ હતી. તો શું બે જુદી જુદી વ્યક્તિઓ હશે ? કે હમશકલ હશે ? કંઇક તો હતું. એ કંઇક તાગ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. આખાં એપાર્ટમેન્ટની ખુરશીઓનું એક જગ્યાએ ભેગું થવું. છબીઓમાંથી પુણ્યાત્માઓનું અદ્રશ્ય થવું. પાછું અમુક સમય બાદ દૃશ્યમાન થવું. પિંકીની છબી કોરી રહેવી અને બીજાં દિવસે દ્રશ્ય થવી. કંઇક જાદુઇ ખેલ ચાલતાં હોય એવું લાગતું હતું. કોઈક રહસ્યમય સાયો કે એની રૂહ આસપાસ તો નહી હોય ? હા... બની શકે.... લોકવાયકા છે કે અવગતે ગયેલ આત્મા પ્રેતાત્મા બની ફરી શકે છે. આ કોરોનામાં ઘણાં મૃત લોકોની ઈચ્છાઓ મનમાં રહી ગઈ હોય તો ? બને ? પોતે જ મનમાં જવાબ શોધી રહ્યો હતો. વાતચીત કરી રહ્યો હતો. ચાન્સ છે. હવે... એ કૂદયો. કંઇક ક્લિક થયું હોય તેમ. મેનેજમેન્ટ ફંદો.... “પરિસ્થિતિ એક ચાન્સ (તક) આપે છે.. અપોર્ચ્યુનિટી… એને ઝડપી લો.... હા... યસ.. આ તક ને ઝડપી લઈએ. ટી વી ઉપર ચાલી રહેલ વ્યોમકેશ બક્ષીની ડિટેક્ટીવ સિરિયલ... મગજ ઉપર હાવી થઈ ગઈ.
કામ અને અભ્યાસ શરૂ. મોબાઈલમાં ડિટેક્ટીવ સિરિયલની શોધ. પુસ્તકોનું ડાઉનલોડ, થોડાંક હિન્દી પિક્ચરનો અભ્યાસ. જુની દૂરબીન શોધી કાઢી. કોલેજમાં હતાં ત્યારે મહાબળેશ્વર જતાં ખરીદી હતી. બીલ્લોરી કાંચ, નોટ પેડ શોધીને તૈયાર રાખ્યાં જેથી જરૂરી નોંધ કરી શકાય. શાન્તુ એ નક્કી કરી લીધું હતું કે આજથી એ ગુપ્ત રીતે કામ કરી અતિથી રેસીડેન્સીમાં બનતી ઘટનાઓ ઉજાગર કરી એક મોટા ડિટેક્ટીવ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરશે. ધ શાંતુ ડિટેકટિવ .
લીફ્ટ પાસેના પેસેજમાં બધાં ભેગાં થયાં હતાં પરંતું શાન્તુના પપ્પા બંકિમભાઈ દેખાયાં નહોતાં. બધાની નજર શાન્તુના દરવાજા ઉપર હતી. શાન્તુ દરવાજામાં ખુરશી પર બેસી ડિટેક્ટીવ પુસ્તક વાંચી રહ્યો હતો તેથી બંકિમભાઈને બહાર નીકળવામાં તકલીફ પડી રહી હતી. નીચેથી દેવબાબુએ આમંત્રણ-હવાનો મંત્ર છોડ્યો અને ત્વરિત બંકિમભાઈએ ઝીલ્યો. દરવાજામાં બેઠેલાં શાન્તુની ખુરશીને જોરથી ધક્કો માર્યો. શાન્તુ ખુરશીમાંથી જમીન પર પડ્યો કે તરત બંકિમભાઈએ ખુરશીને દરવાજામાંથી બહાર ધક્કો માર્યો અને પોતે બહાર નીકળી આવ્યાં અને દરવાજાનું હેન્ડલ બહારથી ખેંચી લઇ દરવાજો બંધ કરી દીધો, ધડ..ધડામ..ધમ.
ધડામ ધૂમ.. અવાજ થતાં જ સરિતાબેન, શાન્તુના પત્ની વહેલાં વહેલાં દોડી આવ્યાં અને હસતાં હસતાં પૂછતા હતાં... શું થયું ? ઊંઘમાં પડયા કે શું ? છોડો આ ડિટેક્ટીવવાળી લપ... સૂઈ જાવ હવે. રસોડામાં મુકેલ પાણીની બોટલ તો જડતી નથીને ચાલ્યાં.... સમય બગડ્યા વગર ટી વી સામે ગોઠવાઈ ગયાં.
બંકિમભાઈએ આવીને બધી હકીકત દેવબાબુને કાનમાં કહી – “આજે શાન્તુ, સરિતાને કહેતો હતો કે કંઇક અજુગતું આપણાં એપાર્ટમેન્ટમાં બની રહ્યું છે, તેનો તાગ મેળવવો પડશે. એની નજર અને વહેમ તમારાં ઉપર છે જરા સાચવીને કામ કરજો.” પછી આવીને પોતાની ખુરશીમાં બેસી ગયાં. આખરે એજ થયું... ઘરકા ભેદી લંકા ઢાયે !
‘****
વોચમેનની કેબીન પાસે દેવબાબુ છબીવાસીઓને ગઈ કાલે રાત્રે નક્કી કરેલ સેવા પ્લાનનો અમલ કેવી રીતે કરાવવો તે સમજાવી રહ્યાં હતાં. અચાનક ટેરેસ ઉપર ઊભા શાન્તુની નજર નીચે પડી. દેવબાબુ હાથ હલાવી કંઇક બોલી રહ્યાં હતાં પણ સામે કે આજુબાજુમાં કોઈ હતું નહી. કદાચ મોબાઈલમાં વાત કરતાં હશે. પણ એમનાં હાથમાં ન તો મોબાઇલ હતો કે કાનમાં ઇઅરફોન. તે જ વખતે દેવબાબુની તીરછી નજર ટેરેસ ઉપર ઊભેલા વ્યક્તિ પર પડી અને એમની સિક્સ્થ સેન્સ જાગી. શાન્તુ નીચે ઉતરે તે પહેલાં દેવબાબુ ઉપર પહોંચી ગયાં. શાન્તુ પગથિયાં ઉતરીને આવે તે પહેલાં લીફ્ટ પાસે ઊભા રહેલાં દેવબાબુને જોઈ વિચારમાં પડ્યો અને પાછો ધડામ... દઈ
ને નીચે પડ્યો. તે દરમિયાન દેવબાબુ લીફ્ટમાં નીચે ઉતરી ગયાં.
એપાર્ટમેન્ટમાં ધડામ અવાજ થતાં. લીફ્ટ સામે રહેતાં મંજુબેન જે ઝાડું મારી રહ્યાં હતાં તેમની નજર શાન્તુ ઉપર પડી અને તેમણે બૂમ મારી... હાય રામ... એ.... આવો... આવો.. શાન્તુભાઈ પાછાં પડયા... પાછાં પડયા... શાન્તુભાઈ... શાન્તુભાઈ... રસ્તામાં આવતાં બીજાં ઘરોનાં દરવાજાં ઠોકતા ઠોકતા, દાદર પાસે દોડી આવ્યાં.
ફરી તે દિવસની જેમ એપાર્ટમેન્ટના રહેવાસી ભેગાં થયાં અને શાન્તુને ભાનમાં લાવવાના ઈલાજમાં કૂદી પડયા. શાન્તુભાઈના મોઢાં ઉપર પાણી છાંટતા એ સફાળા ઊભાં થયાં. દેવબાબુ હાથમાં પાણીનો ગ્લાસ લઇ ઊભા દેખાયાં. શાન્તુ વિમાસણમાં હતો કે આ ભેગાં થયેલ લોકો જો પૂછે તો શું કહેવું ? એણે પાછી પોતાની આંખો બંધ કરી લીધી.
‘*******
છબીલોક આજે શહેરનાં મુખ્ય હાઇવે ઉપર સેવા માટે પધાર્યું હતું. પોલીસતંત્ર પાસે આ પોઈન્ટ માટે સંખ્યા ઓછી હતી. લોકડાઉનમાં ટ્રાફિક સેવાનો પાસ દેવબાબુના ગાળામાં હતો. ટ્રાફિક ઉપરીએ જેવી સેવા સમજાવી તે સેવા દેવબાબુએ પોતાની ટીમને સમજાવી. આજે છબીલોકના સભ્યો અદ્રશ્ય હતાં. અદ્રશ્ય રહી સેવા આપવાના હતાં. સરકારી આદેશને જનમાનસ સમજે તો કોઈની પણ જરૂર નહોતી આ ડ્યુટી નિભાવવાની કે પોલીસ તંત્રને ટ્રાફિક સાચવવાની. ટ્રાફિક હતો જ નહી. પરંતું ધીરે ધીરે છબીલોક સમજી રહ્યું હતું કે લોકો કેવાં કેવાં બહાના કાઢે છે રસ્તાઓ ઉપર ફરવાના કે શોખ પુરા કરવાનાં. કેટલાંક લોકોને ખરેખર જરૂરી કામ હતું. કેટલાંક લોકોએ કામનાં પાસ લીધેલ હતાં. આમ એકંદરે સમજદાર લોકો કરતાં રંગીલા મિજાજના કે જિજ્ઞાસુઓ અને વગનો ઉપયોગ કરનારા વધારે હતાં. ટ્રાફિકવાળા સરસ કામ કરી રહ્યાં હતાં ત્યારે કેટલાંક માથાભારે પણ હતાં. ધીરે ધીરે સમયની સાથે અવરજવર વધતી ગઈ તેમ તેમ ત્યાં કંઇક અજબ બનવા લાગ્યું. દેવબાબુએ પરિસરની જગ્યા ચક્રીત વશમાં કરી લીધી. હવે છબીલોકના સભ્યો સમજી ગયાં હતાં કે શું કરવું. થોડીક રમત રમી મનોરંજન સાથે બેપરવાહ લોકોને સમજ આપવાની હતી.
હવે તે પરિસરમાં કેટલાંક લોકોની મોટરસાયકલ બંધ પડી જતી, કોઈકના ગીયર પડતાં નહોતાં. કોઈના મોટરસાયકલની ચાવી ગુમ થઇ જતી તો કોઈના ગાડીમાં પેટ્રોલ ખલાસ. કારવાળાની ગાડીમાં પંચર. મતલબ આજે માથાભારે લોકોને સમજ ન પડે તેમ મુશ્કેલી ઊભી થઇ રહી હતી. કોઈ અદ્રશ્ય શક્તિ કામ કરી રહી હતી. પોલીસ બધાંને શાંતિથી સમજાવી રહી હતી. જે લોકો ખરેખર સેવાભાવી કે જુરુરિયાતમંદ હતાં તે નીકળી ગયાં હતાં. તેઓને કોઈ સતામણ નહોતી. મુશ્કેલીમાં મુકાયેલ લોકો બહાનાખોર હતાં. ધીરે ધીરે રસ્તાથી દૂર બહાર વાહનો ઊભા કરવા માટે પોલીસ વિનંતી કરી રહી હતી. લોકો આશ્ચર્ય ચકિત હતાં કે શું બની રહ્યું છે ? બહાનાખોર લોકોના વાહનો કેમ બંધ પડી રહ્યાં છે ? કોઈ કારને ધક્કો મારવા માટે માણસો શોધી રહ્યું હતું તો કોઈ કારનું વ્હીલ બદલવા માટે. સખત બંદોબસ્તમાં કોઈ મદદ કરવા આવે એ શક્ય નહોતું. ઉપરથી તડકો. બેતાલીસ ડીગ્રી તાપમાન. હજુ તો બાર વાગ્યાં હતાં. જીવ બેચેન. આજુબાજુ કોઈ છાયો નહી. ગાડીમાં બેસાય નહી. રસ્તા ઉપર ઊભા રહેવાં માટે માથા ઉપર કેપ પણ નહી. ખરેખર હવે બધાંને સમજાયું હશે કે આ ટ્રાફિક પોલીસવાળા ભાઈઓની શી દશા થતી હશે. દરેક જણ પોતને દોષ દઈ રહ્યું હતું. ભૂલ કરી...કામ વગર નીકળી પડયા અને ફસાઈ ગયાં. પોલીસ શાંત હતી.
એક રંગીલો તો ટ્રાફિક વગરના રસ્તા ઉપર પુરઝડપે સ્પોર્ટ્સ બાઈક ઉપર આવી રહ્યો હતો. કદાચ પોતાને ગ્રેટ રેસર સમજી બાઈક દોડાવી રહ્યો હતો ત્યારે સામે એકદમ પોલીસ જોઈને ગાડી બાજુમાં વાળતા આગળ સુધી નીકળી ગયો અને હાઈવેની બાજુના એક નાનાં રસ્તા ઉપર ચઢી ગયો. એ રસ્તો એક ગામ તરફ જતો હતો. ઓરીજીનલ ડામરનો રસ્તો. રીપેરીંગનું કામ ચાલું હતું ત્યારે એક પીઘળેલ ડામરનું ડ્રમ રસ્તા ઉપર ઢોળાઈ ગયેલ હતું. બેદરકારીથી એમ જ પડી રહ્યું અને ગરમીથી પ્રસરી રહ્યું હતું.... ધીમે... ધીમે. બેતાલીસ ડીગ્રીથી વધુ તાપમાન. અંતે બાઈક એ રસ્તાની વચ્ચેવચ્ચ જઈ ઉભુ રહ્યું પીઘળેલ ડામરમાં, બાઈક સવારે એનાં બન્ને પગ નીચે મૂક્યા. તરત ગરમ પીઘળેલ ડામરમાં પગ ચોંટી ગયાં. સખત. પગ કાઢતાં બુટ ડામરમાં. ઉપરથી તાપ, ગાડીએ જવાબ આપ્યો. ઉતાવળમાં ભાઈ ગાડીમાં પેટ્રોલ નાખવાનું ભૂલી ગયેલ. ગાડી રેઝ કરી કરી પેટ્રોલ પૂરું કરી નાખ્યું. બુટ ડામરમાં. બાઈક ઉપરથી ઉતરવું મુશ્કેલ. બુટ છોડીને ઉતરે તો ખુલ્લાં પગ પાછાં ડામરમાં. એ વધારે મુશ્કેલી. તાપ વધુ હોવાથી ગાડી ઉપર બેસવું મુશ્કેલ તેમજ પગ ટેકવવા પણ મુશ્કેલ. આમને આમ કલાક ગયો. કોઈ મદદ કરવા તૈયાર નહી. પોલીસ જોઈ રહી હતી. બાઈક સવારની હાલત કફોડી હતી. આખરે બીજાં એક કલાક બાદ પોલીસની મદદથી એક ક્રેન આવી અને મહા મહેનતે બાઈક અને બાઈક સવારને રસ્તા ઉપર ખેંચીને બહાર લાવી શકાયો. રસ્તાની બંને તરફ વાહનોની લાંબી લાઈન હતી.
પ્રાદેશિક મીડિયાવાળા પહોંચી ગયાં હતાં. અદ્રશ્ય છબીવાસીઓ દ્રશ્ય જોઈ મનોમન હસી રહ્યાં હતાં પણ એમની ઈચ્છા હતી કે આવો સમય અને સંકટ ટાળી શકાય ? સમજદાર લોકોને જ સમજ નથી પડતી !
છબીલોકની ટીમ હાઇવેથી પરત ફરી. દેવબાબુએ આ વખતે સંખ્યા ચેક કરી, સંખ્યા પૂરી હતી.
(ક્રમશઃ)