Vijay Shah

Drama

3  

Vijay Shah

Drama

બોંબ બ્લાસ્ટ

બોંબ બ્લાસ્ટ

2 mins
7.0K


તે દિવસે અલ્પા અને નિરવ નાનકડા સેતુને લઇને ખુબજ ઝઘડ્યા. આમતો તેમનુ જીવન બે સમાંતર પાટા જેવુ હતુ. ક્યારેય કોઇ વાત પર એક મત નહીં. નિરવ અને તેનુ કોંપ્યુટર જ્યારે ચા પીવાની તલપ લાગે ત્યારે નીચે આવવાનું અને સેતુને ચા ઉકળે ત્યાં સુધી રમાડવાનો. ગબડાવવાનો અને ટી બ્રેક પતે એટલે પાછો તેના "ક્લીકો"ના વનમાં એક કલાક ગુમ થઇ જવાનું. રુપીયાનો ઢગલો થતો પણ અલ્પા હંમેશા કહેતી ઘરેથી કામ કરવાનો મતલબ એવો નહીં કે ચોવીસ કલાક એકનું એક "ક્લીક્..ક્લીક્" કર્યા કરવાનું. સેતુ પહેલા હું છું અને ઘર ગૃહસ્થી છે.

નિરવ અલ્પાને કહેતો આ ક્લીક ક્લીક છે તેથી તો રુપિયા ઘરમાં આવે છે અને આ સ્પર્ધાના જમાનામાં જ્યારે તમને કામ મળતું હોય તો મ્હોં ધોવા જનારાને તકલીફ થતી હોય છે. સેતુનું બચપણ જતું રહેશે તુ અને હું ક્યાં જતા રહેવાના છીયે. સહેજ ધંધાને ધીરો પડવા દે. હમણા તો ટાઇમ જરા પણ બગડવા દેવાય નહીં. અલ્પા તેની બહેનોના જીવન જોઇ નિસાસા નાખતી અને બબડતી પણ ખરી કે આના કરતા કોઇ બેઠી નોકરીવાળાને પરણી હોત તો એટલું તો સારું હોત કે સાંજ પડે વર ઘરે આવે અને સાથે બેસીને ટી.વી. સીરીયલ તો જોવાય...

ડેડ લાઇનને પહોચી વળવાની ધમાલમાં તે દિવસે અલ્પાએ સોંપેલ કામ સેતુની દવા લાવવાની તેનાથી રહી ગઇ. આ વાતે વતેસર કર્યુ અને માંદા સેતુને લઇને તે ખુબજ લડી પછી ખુબજ રડી અને કાંદીવલી તેના પિયર જવા નીકળી ગઇ.

અલ્પાને નિરવ બહુજ ગમતો પણ તેના આગ્રહયુક્ત વલણો નિરવને ત્રાસરુપ થઇ જતા તેથી કહેતો સેતુને મુકીને તારે જ્યાં જવુ હોય ત્યાં જા તેથી આજે અલ્પા સેતુને ધરાર જીદ કરીને લઇ ગઈ. જો કે તેના મનમાં તો એવું હતું કે ડેડ લાઇન પતી જાય ત્યાં સુધી સેતુ માંદો રહે તે કેમ ચાલે?

નિરવને અલ્પાની જીદ ગમતી નહોતી અને ખાસ કરીને કામના સમયે તો બીલકુલ જ નહીં. આજની રડારોળથી તો તે ત્રાસી ગયો હતો અને એમાં પાછુ હાર્ડ ડ્રાઇવ ક્રેશ થયુ તેથી બધોજ ગુસ્સો અલ્પા પર ઉતર્યો અને વલવલાટમાં નિસાસો નંખાઇ ગયો. ‘સમજતી પણ નથી અને વચ્ચેથી ટળતી પણ નથી.’

કંટાળીને નીચે ચા પીવા ઉતર્યો અને સેતુની યાદ આવી તે તો હતો નહી તેથી ટી.વી. ચાલુ કર્યુ અને તેને ફાળ પડી. બોંબ બ્લાસ્ટથી આખું મુંબઈ ખળભળી ગયું હતું અને આ અલ્પુડીને આજે જ કાંદિવલી જવું હતું.. મન એક વિચિત્ર પ્રકારના અવઢવથી ખીન્ન થઇ ગયું.

સેલ્ફોન પર ફોન કર્યો.. રીંગ વાગ્યા કરતી હતી. મનમાં ને મનમાં પોતાની જાતને ખુબજ ભાંડી. અલ્પા તુ સાચ્ચી છે.. હું જ રુપિયા પાછળ ઘેલો થયો હતો. પરમાત્માને કેટલીય વખત યાદ કર્યા અને માફી પણ માંગી લીધી. કાંદીવલી ફોન કરીને વાત કરવાની હિંમત કરતો હતો ત્યાં ફોન રણક્યો."નિરવ ટેક્ષી નહોતી મળી એટલે બચી ગઇ છું."

અને નિરવ છુટ્ટા મોઢે રડી પડ્યો.. અલ્પાને પણ નવાઇ લાગી પણ ત્રણ વરસના લગ્નજીવનમાં પહેલી વખત એને સારું લાગ્યું કે નિરવ સેતુને એકલાને નહીં તેને પણ ચાહે છે. ટેક્ષી કરીને તે ઘરે પાછી વળી ગઇ.


Rate this content
Log in

Similar gujarati story from Drama