બખડજંતર
બખડજંતર
બખડજંતર ~ નવલિકા
મેલું ઢીલું લૂગડું વીંટેલું છે, માથા પર પાઘડી છે, ખભા પાછળ પોટલી છે. તેમાં બુટ્ટી ચૂની અને કાચની બંગડીઓના ખોખા છે. એવો એક ઊંચો એક ડોસો ધીમાં પગલાં ભરતો ગામની શેરી પસાર કરી રહ્યો હતો. આખા મલકના ગામમાં ના વીજળીના દીવા હતા, કે ના ડીઝલની ગાડીઓ હતી, વાત છે સદીઓ પુરાણી. આખું ગામ જાણે એનું ઘર હોય, અને ગામ આખાના ખોરડે હાજરી ભરવી તેવો તેનો નિયમ, તેવા વિચારમાં તે ઉઘાડા પગે ચાલતો જતો હતો. તેની પાછળ ઓ ભગતદાદા ગોળી આપોને કે’તા બે ચાર ટાબરિયા દોડતા હતા.
વૈશાખ મહિનાની બપોરની સૂકી ધરતીને તાવી રહેલા ઝંઝાવાતી પવન અને ધૂળના વંટોળિયામાં આ એક અટુલો ઘરડો માનવી એકધારુ શેરીના આજુબાજુના ખોરડાઓને જોતો જોતો ચાલી રહ્યો હતો. એવામાં વંટોળિયા પવનથી ઊડેલી ધૂળથી તેની આંખ બંધ થઈ બિડાઈ ગઈ. ડાબા હાથે આંખ મશળતા પાણી નીતરતી આંખ ખૂલી, આવા માથે ધોમ તપી રહેલ સૂરજના તાપમાં તેણે જોયું, પછી નજર નીચી નમાવી ત્યા સામે એક ફળિયામાં કોઈ નવોઢા ઊભી હતી.
તુળશીભગતને આ ઉમ્મરે પણ સહેજે ઝંપ નહીં. પંચિયાસી વરસની ઉંમરે અને આવી તબિયતે ભરબપોરે તડકામાં ફેરીએ નીકળ્યા છે. ઘરમાં પગ રહેં નહીં અને આવા તેજીલા તડકે પૂરું દેખાય પણ નહીં ! ઝીણી ઝીણી તેની મોતિયો આવેલી આંખ નજીકનું જુએ, પણ દૂરનું તો ઝાંખું ઝાંખુંય, માંડ જોઈ શકતી.
વૈશાખી તડકાનો કોપ, ખભે પોટલાંનો ભાર અને ડગમગતા પગ,વધુમાં હાથમાં કાન-નાકનું વીંધણુ. સામેના ફળિયામાં કોઈ નવોઢા જેવુ ભાળી ઊભ. ભગતે થેલામાં હાથ નાખ્યો અને પીછો પકડી આવતી એક છોડીને કીધું.
“એલી છોડી…’લે નારંગીની ગોળી, અને તુળશીભગતે ઘૂઘરા જેવા આવજે પૂછ્યું,
" આ ચતુરને ત્યાં નવી... ‘કુણ સે ?”
મને તો બળ્યું અવે સરખું ભળાતુંય નથી, કોક છોડી ઊભી એટલું દેખાય. પણ કુણ સ એ ખબર નોં પડી. ઓય, છોરી પાસે આવ લગીર. મને લાઈજા ઈ' ની પાસે.’ કહેતા ભગતે તેણે ગોળી આપી.....
......છેલ્લા કેટલાય વરસથી, તળશી ભગત ગામ આખામાં બુટ્ટી ચૂની બંગડીની ફેરી કરે, હાતમાં એવો તો જાદુ કર, એના હાથ યહી વિંધાયેલા નાક જોઉં કે કાન, જરા પણ ઊં હકારો કોઈ નાં કરે.
છુંદાડા છુંડવાઅ એના હાથ નો જાદુ અલગ કમાલ બતાવે. ઊંચો કલાકાર અને ઊંચી શાખ, નવોઢા હોય કે મોયરાનો યુવાન સૌ તેનાં હાથની કળાથી વશીભુત.યુવતીઓ લાજ મૂકી છુંદડા શરીરે ચિંતરાવે.
વાર તહેવારે ગામના મંદિરના ચોગાનમાં ભજનો લલકારે અને સાંજ પડે તેમના ખોરડે ખાટલીએ બેસી હોકો ધખાવે. ભગતને આગળ પાછળ કોઈ હતું નહીં પણ ગામમાં નાના મોટા સૌના માનીતા......
તમે બસ ‘બેઠાં બેઠાં માળા કરો !’
‘ભગતને આટલાં વરસ થયાં. આંખો લગભગ ગઈ. બંને પગે વા’ના કારણે એકસાથે વધારે ચલાય નહીં. શરીર પરની ચામડી… ચામડી ? ના, કરચલીઓ જ કહો. આંખે ને હાથે-પગે રોજ આવતા સોજા. ખોરાક અને ઊંઘ પણ નહીંવત્. હાંફ આવે તે નફાનો. પણ અવાજ ઘૂઘરા જેવો. એમની વાતોમાં ક્યારેય ઓટ નહીં. સતત ભરતી જ.
પગ ભાંગ્યા તોય ભજનમાં આગિયારશે મંદિરના મેદાને તો જવાનું જ. ગામની ભજનમંડળીમાં તુળશીભગત ભજનોની જે રમઝટ બોલાવે તેની કોઈ જોડ નહીં … કાનુડાનું ભજન ગવડાવતાં ગવડાવતાં એમની ભીતરમાંથી એવું તો પૂર ઊમટતું કે, ભગત નાં ઘેઘુર અવાજ નાં તાનમાં,કોઈ બાઈ એના દીકરાને લઈને આવી હોય,તો એ ભગતને ઇનો ટેણકો કે કાનુડો હમજી પકડી , નાચવા લાગતાં.
કોઈ પોતાના છોરા ને માથે તેની ચોટી મા મોરપિચ્છ પણ ખોસતાં. ને જો છોકરું ડાહ્યુંડમરું હોય ને રડે નહિ તો ભજનોને અંતે માતાજીના ફોટાની આરતીના બદલે આ નાનકડા કાનુડાને જ પાટલા પર બેસાડી એની આરતી ઉતારતાં !
અવાડો દિલદાર પણ,ઈનો આતમ દુ:ખી. તે ઢળતી જુવાનીએ પરણેલાં હતા . પરંતુ ભગતની બૈરી તેમની દીકરીને લઈ કોઈ મવાલી સાથે ભાગી ગયેલી.
ભગત તયારે ખૂબ રોયેલા. હરી ઈચ્છા બળવાન, સમજી તેમનું અસલ ગામ છોડી, અહીં આવો વસેલા.
ગામ આખાનાં બૈરાને પોતાની છોરી ગણી નાક કાન ફોગટ માં વીંધી દેતા.
નારંગી ની ગોળી, ખાતી,પેલી છોકરી ભગતનો હાથ પકડી ચતુરના ખોરડે નવી આવેલી છોકરીનો મેળાપ કરાવા લઈ ગઈ.
‘રે ભગત શું કામ આ ટાંટિયા ઘસે રાખો છો, તમારી સવાર, સાંજની થાળી મારે ત્યાથી, હવે જપો, કો’ક વાર પડશો તો હાડકાં ભાંગશે ! પાછળ ઊભેલા ડગુમગુ પગે ઉભેલા ગંગામાં બોલ્યા.
સાથે રહેલા ગંગામાં ને કહેતા ભગત બોલ્યા.
બધું હવે તો ભૂતકાળ બની ગયું,એ તમનને નૈ હમજાય!
નવરો બેહી રહું તો મોત વે’લુંઆવે.
ગંગા મા એ વાત નો દોર હાથ મા લેતા કહ્યું..અરે ભગત,તમેય ક્યાં કાંઈ જાણો શો..? .આ નવી તો આપણાં ચતુરના છોકરા ગોરધનની ઘરવાળી સે.
ગોરધન નવાઈનો પૂરા દસ તોલા સોનું. અને પાનસેર ચાંદી જોખવી આણું વાળી, એને તો શું લઈ આવ્યો ? કે આખો દી પરદામાં રાખે છે. ચાલો મા’દેવ ભેળા પોઠીયા,
મને તમારા થકી એની સાથે વાત કરવાનો મોકો મળ્યો છે, નૈ મુકું, એ છોરી ને જોવાનું આજે .
અલી એ ગોરધનની ઘરવાળી,તારું નામ શું ?
આવ્યા ના બે દિવસથી આ નવોઢા, ગોરધનના ઘરે પુરાયેલી હતી, આજે ચતુર અને ગોરધન ખેતરે કપાશ વાઢવા ગયા, અને વાદળે સંતાયેલો ચાંદ નીકળ્યો એવો ઘાટ હતો.
છોકરીએ, તેના ઘૂમટાને વધારે ખેંચતા બોલી, એ હું ગૌરી, ગોરધનની ઘરવાળી .
“આંકડે રેઢું મધ”, પછી ગંગામાં છોડે ખરા ? ગંગામાંને ભાવાવેશમાં ટાંટિયા કામ નથી કરતા એ ભુલાઈ જ ગયું! એ તો ફટ કરતાંક દોડ્યા, બે હાથથી ઓવારણાં લઈ ગૌરીનો ઘૂમટો ઊંચો કરતાં બોલ્યા, હું તારી માં, આં ભગત ગામ આખનો તાત, મલાજો કોનો.
અરે ભગત આં તો ચીંથરે વીંટાયેલું રતન છે. કહેતા ગૌરીના ગાલે હાથ ફેરવી વહાલ જતાવતા, બોલ્યા.
ભગત, લે તું કામ કામ કરે છે ને ? “આં ગૌરીને નાક અને કાન બંને વીંધયા વિનાના છે”.
ગૌરીના લાખ વિરોધ વચ્ચે ગંગામાએ ગૌરીના નાક કાન વીંધાવા તેના હાથ પકડ્યા. તળશીભગતનાં અનુભવી હાથે તરત કામ પતાવી દીધું. ગૌરીએ ભગતને પિતા તુલ્ય ગણી હાથ જોડ્યા.ભગતની આંખે ગંગામાં એ પકડેલ ગૌરી નાં હાથે રહેલું કાળું મેશ “લાખું” જોઈ, તે બોલ્યા છોડી આ તારે હાથે કાળું...
અરે બાપા એ તો જનમનો કાળો ડાઘો છે કેટલુય માટીથી રગડું છું, પણ તે વેરી છે જતો જ નથી. ભગતે વીંધણુ અને થેલી ખભે નાખી,વૈશાખ મહિનાની લગનની ઘરાકીની પરવા કર્યા વગર, ફેરી પડતી મૂકી ચૂપચાપ પોતાને ઘેર પહોચી ગયા.
ગૌરીના કાન શું વિંધ્યા, કે ભગતે હવે ગામમાં બુટ્ટી ચૂની બંગડી, અને છૂદડાની ફેરી બંધ કરી દીધી. રોજ સવાર સાંજ, ગોરધનના ખોરડે એક ઓરક ભરવા જરૂર આવતા. ગૌરીની એકાદ ઝલક મળે નહીં, ત્યાં લાગી આંટા મારતા અને પાછા ઘેર.
હવે ગૌરીને પણ ભગતસાથે “ઘરોપો” થયો હતો, તે પણ ભગતની રાહ જોતી. રોજના ભગતના આવા એકધારા ચક્કરે ગોરધનના મગજનાં ચક્કર અવળા ચાલ્યા.
ગોરધને હવે વારે વારે ગૌરીને ટપારીને પૂછવું ચાલુ કરેલ. અલી એય 'રોજ સજીધજીને, ઓશરીમાં ઊભી કોને રીઝવવા રાહ જુવે છે ? પહેલાં તો આ વાક્યને એણે મશ્કરી માની હંમેશા કહેતી ઓય 'ગોરધન તું મારા તન-મનનો ધણી અને તુંજ મારો 'માણીગર'. મારે આ મલકમાં એક મારી વિધવા માં અને તું, બીજું કોણ કહી, ગોરધનની વાતને હસી નાખતી. પણ આમ ને આમ દિવસોને પછી મહિનાઓ વીતતાં ગોરધન- ગૌરીના વાક-બાણની વાત, ચૂંટલી – ચીમટાની સફર કાપી હવે ધોલ - ધપાટને ઓવારે આવી ઊભી હતી ત્યારે, આખરે ગૌરીને ખબર પડી કે ગોરધન વહેમી છે.
પણ તે શું કરે?
જેવા બપોરના બાર બે વાગે અને, ભગત આંગણે હોય ત્યારે, કોઈ અગમ્ય હેત એના હૈયે ઉમટે, અને ક્યારેક છાશતો પાણીનો કળશિયો ભગતને આપે. આસ પાસના બૈરાં સાથે આંખ ના ઈશારે ખબર અંતર પૂછતી. ને ખેરડના બારણાં પાછળ જતી રહેતી.
ગોરધન નાં ખેતરે, આજે રાત ઠીક ઠીક આગળ વધી ચૂકી હતી. ચંદુએ છેલ્લી અને ત્રીજી વાર મોટા ટીમરુનાં પાનમાં તમાકુ સાથે ચરસ ભરી વણીને બનાવેલ બીડીને ધખાવી ત્યારે કસ ખેચવા પડાપડી થઈ, અને વારા ફરતી વારો ઈમ ચંદુએ પેટાવેલી બીડીને ભીમાએ ફૂંકી બરાબર પ્રજ્વલિત કરી, પછી ગોરધન ને ધરતાં ભીમાએ કહ્યું: “લે ગોરીયા…તું પણ મારી લે એક બે દમ…”
“માન ના માન પણ હમણાંથી તું કાંક ડખોળાયેલો રહે છે….આં ભાભી અને ભગતનો ઘરોપો ગાઢ થઈ ગયો છે ને કઈ !
ભાઈ આ તળશી તો ભારે. તેણે તો પાક્કો જાદુ કરેલ છે, આ ગોરીયા ની ઘરવાળી પર. ભીમા એ ચરસ નાં કેફ મા વટાણો વેર્યો.
ત્યાં ચાંદુ એ, ચપટી વગાડી પૂછ્યું...
ગોરીયા, આ ભાભીનું શું બખડજંતર છે ?....
ગોરધને મંડળી ને રામ રામના ઈરાદે બીડી હાથમાં લીધી. ઉપરાઉપરી ત્રણ ચાર ફૂંકો મારી, બળતા કલેજાની ગરમીમાં વધારો કર્યો. અને મગજ મા ઈરાદો કર્યો.
એણે ગૌરીની માને પોતાને ઘેર પંચયતમાં હાજરી માટે તેડાવી, એક બે દિવસમાં ભગતના ફેરાનો ફેંસલો કરી દેવાના નાક્કર ઈરાદે ઘેર આવી ગયો.
ત્રીજે દિવસે રાતે મંદિરના ચોગાનમાં પંચાયતમાં ભગતને બોલાવ્યા ત્યારે પંચાતીયાઓને મોઢે ચાવણું મળેલું હતું.
કોક બોલતું ભગત તમારા ધોળામાં ધૂળ, તો કોક કોરધનને ચાવી ભરતા પૂછતું "એલા ગોરધન ભાભીને પૂછતો ખરો આ ભગતના હાથ કાંડેથી આગળ કેટલે પૂગયા છે".
ભગત નીચી મૂંડીએ વિચારતા આ મંદિરમાં સેંકડો દિવસ મે ભજન ગાયા અને લોકો સાંભળતા હતા, મારા જીવતરમાં ખોટ, આજે લોકોના ભજનિયા સાંભળવાનો વાળો આવ્યો....!
ભગત પરિતાપ જીલતા કિસ્મતને પણ દોષ નહી આપી મૂંગા હતા.
આખરે કરસન મુખીની કરડી નજરે, બધા ચૂપ થયા. મુખીએ દૂર મંદિરને ઓટલે છોકરાના ટોળાંમાં ઘેરાયેલા ભગતને કહ્યું, ભગત તમારા માટે મને માન છે, અને તમારામાં મારા ખુદના બાપથી અધિક વિશ્વાસ પણ છે, પણ ફરિયાદ છે એટ્લે પૂછવું પડશે જ !
તમને સફાઈ આપવાનો પહેલી અધિકાર આપું છું.
"બોલો ભગત આ ગોરધનની વ'વ, સાથે શું બખડજંતર છે.ગોરધનની ફરિયાદમાં કેટલો દમ છે ?"
પણ ભગત તરફથી કોઈ ઉત્તર ન મળતા, ગોરધનના સાથીદાર ચંદુ અને ભીમો પોતાના ડગલાની બાંયો ચડાવતા, મંદિરને ઓટલે બેસેલા ભગતની પાસે ગયા. ઓટલેથી ભગતને ખભેથી પકડી ઊભા કરે ત્યારે, ભગતનું પંખેરૂ ઊડી ચૂકેલું હતું.
વહેમી ગોરધન કંઈ સમજે તે પહેલા ગામના બૈરાઓએ, ગોરધનને ગાળો દેતા, રો કક્કર મચાવી દીધી .
આ દરમ્યાન ગૌરીની માં પણ આવી ચૂકેલી હતી, તેણે ફાટી આંખે મરી ફિટેલા ભગતને જોયા ત્યારે...
મોટી મસ પોક મૂકી..
માને રડતી જોઈ... ગૌરી પણ કઈ સમજ્યા વગર રડવા માડી.
કરસમ મુખી આ દેકારો સાંભળી મંદિરે આવ્યા ત્યાં સુધીમાં ગૌરીની માએ તેના માથેથી ચાંલ્લો ભૂસી નાખ્યો હતો. ગોરધનને જોઈ બોલી.
"ફટ રે વહેમી, આ ભગત, તો તારો સસરો હતો."
-------------
શબ્દ પુષ્પ પરિચય
બખડજંતર” શબ્દ ગુજરાતીનો છે અને એનો અર્થ પરિસ્થિતિ પર આધારિત હોય છે, પરંતુ સામાન્ય રીતે તે ગડબડ, અવ્યવસ્થા, હોબાળો, અથવા અવિન્યસ્ત તંત્ર દર્શાવે છે.
ઓરક ભરે - બાકી કામ પૂરું કરે. અહીં ગૌરી ને જોઈ ભગતે બાધા લીધી હતી, કે રોજ એક વાર તેને જોવી.
આમ કોઈ ભાવિક બળિયાદેવ ની ઓરક ભરે તેમ તળશી ભગત ગોરધન ને ઘેર જતા.
#######
