STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational Children

3  

'Sagar' Ramolia

Inspirational Children

બીજાનું પણ ધ્યાન રાખીએ

બીજાનું પણ ધ્યાન રાખીએ

2 mins
400

એક દિવસ કેટલાક છોકરાઓ શાળા તરફ જતા રસ્તે જતા હતા. આ છોકરા શાળાના વિદ્યાર્થીઓ હતા. શાળા ગામથી થોડે દૂર હતી. એટલે છોકરાઓને શાળાએ પહોંચવા રસ્તે થોડીવાર ચાલવું પડતું અને તેઓ આટલું ચાલી નાખતા.

છોકરા એટલે છોકરા ! રસ્તે ચાલવું એ તો રમત વાત હતી. રસ્તે ચાલતા જાય ને ધિંગામસ્તી કરતા જાય. રસ્તામાં લીલા છોડ પણ હતા. કોઈ છોકરો વળી એ છોડ સાથે પણ મસ્તી કરે, તો વળી કોઈ છોકરો કાંકરીઓ ઉપાડીને ફેંકતો જાય.

આ છોકરાઓની ટોળી આગળ વધી. વાતોમાં ને વાતોમાં તેઓ શાળાની નજીક પહોંચી ગયા. ત્યાં જ એક છોકરો બોલી ઊઠયો, ''અરે આપણો એક મિત્ર કયાં ? આપણી સાથે તો હતો ! તો હવે કયાં રોકાઈ ગયો ? તેને કંઈ થયું તો નથી ને ! આપણી મસ્તીમાં કંઈ ખબર પણ ન પડી ! આપણી આવી મસ્તી બરાબર તો ન જ ગણાય ! આપણામાંથી કોઈ જુદું પડી જાય ને આપણને ખબર પણ ન પડે એવી મસ્તી પણ બરાબર નથી ! ચાલો આપણે પાછા જઈને તપાસ કરીએ !''

બધા છોકરા રસ્તે પાછા વળ્યા. થોડું ચાલ્યા ત્યાં જ પેલો છોકરો સામેથી આવતો દેખાયો. તે પાસે આવ્યો એટલે જાણે બધાએ પ્રશ્નોનો હુમલો કર્યો. મંડયા પૂછવા,

''તું પાછળ કેમ રહી ગયો ?''

''તને કંઈ થયું તો નથીને ?''

''અમને કહ્યું કેમ નહિ ?''

''કહે તો ખરો કયાં હતો ?''

''અરે ! બોલ તો ખરો !''

પેલા છોકરાએ બધાને શાંત પાડીને કહ્યું, ''પણ મને બોલવા તો દો ! તો તમને વાત કરુંને ! તો વાત જાણે એમ છે કે, આપણા રસ્તામાં એક પથ્થર હતો. બરાબર વચ્ચે હતો. એટલે ઘણાને લાગ્યો હશે. રોજ મને થતું કે આ પથ્થરને અહીંથી દૂર કરવો જોઈએ. આજે ઘેરથી નીકળતી વખતે જ નક્કી કરી લીધું હતું કે, પથ્થર દૂર કરવો જ છે. એટલે તે કાઢવા રોકાયો હતો. મજબૂત રીતે બેઠેલો હતો. એટલે વાર લાગી. પણ કાઢયે પાડ ! કાઢીને દૂર ફેંકી જ દીધો ! બધાને નડતો મટયો.'' બધા છોકરા ખૂબ રાજી થયા. અને આ પથ્થરને કાઢનાર છોકરાને સૌએ ઊંચકી જ લીધો. આ છોકરો એટલે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ.

વલ્લભભાઈ હંમેશાં બીજાનું સારું જ ઈચ્છતા. એમ આપણી સ્વાર્થવૃત્તિ છોડીને આપણે પણ બીજાનું સારું ઈચ્છીએ તો આ આખું જગત સુખી થઈ જાય છે. બીજાનું સારું કરવાથી આપણું પણ સારું જ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational