ભરતનું બિલ
ભરતનું બિલ


એક સુંદર મજાનું નાનકડું ગામ હતું. તે ગામમાં અનેક પરિવાર સુખેથી રહેતા હતાં. આ જ ગામમાં એક બ્રાહ્મણ પરિવાર પણ રહેતો હતો. જેમાં એક બ્રાહ્મણ, તેની પત્ની અને તેનો ૧૦ વરસનો એક દીકરો હતો જેનું નામ ભરત હતું.
આ ગામમાં થોડા દિવસ પહેલાં જ વીજળી આવી હતી. આખું ગામ ખુબ ખુશ હતું. કેમકે હવે વીજળી આવી હોવાથી રાતે પણ ગામમાં અજવાળું રહેતું હતું.
હવે એક વખતની વાત છે. એકવાર વીજળીની ઓફિસથી વીજળીવાળો ભાઈ એક કાગળ લઈને ભારતના ઘરે આવ્યો. એ કાગળ તેણે ભરતની માંને આપ્યું. આ જોઈને ભારતે પૂછ્યું, ‘મમ્મી આ શેનું કાગળ છે ?’ તેની મમ્મીએ કહ્યું, ‘બેટા આ આપણે જે વીજળી વાપરીએ છીએ. તે વીજળી પુરી પડવાની સેવાનું બિલ છે. આપણે તેમની સેવાના પૈસા ભરવાના છે.’ આ સાંભળી ભરતના મનમાં એક વિચાર જાગ્યો. સેવાના તો વળી પૈસા હોતા હશે ! એમતો હું પણ મમ્મી પપ્પાની કેટલી સેવા કરું છું. મને તો કોઈ દિવસ પૈસા મળતા નથી. મારે પણ મારી સેવાના પૈસા લેવા જોઈએ.
આમ વિચારી ભરત એક કાગળ અને પેન લઈને હિસાબ લખવા બેઠો. ઘર માટે રોજ સવારે દૂધ લેવા જાઉં છું તેના વીસ રૂપિયા, પપ્પને ટીફીન આપવા જાઉં છું તેના દસ રૂપિયા. ભેંસને નવડાવું છું તેના દસ રૂપિયા. મમ્મીને ઘરકામમાં મદદ કરું છું તેના દસ રૂપિયા. આમ કરતાં કરતાં તેણે પુરા પાંચસો રૂપિયાનું બિલ બનાવ્યું. અને રાતે સુતી વખતે મમ્મીના ખાટલામાં ઓશિકા નીચે મૂકી દીધું.
તેની મમ્મી પથારી લેતી હતી ત્યારે આ કાગળ મળ્યો. ભરત એ લખેલા હિસાબથી તેનું મમ્મીને ખુબ જ દુ:ખ લાગ્યું. પણ તેણે ભારતને કશું જ કહ્યું નહિ.
ભરતની મમ્મીએ પણ એક કાગળ લીધો અને તેમાં હિસાબ લખ્યો. ‘દીકરા ભરત તને મે નવ મહિના સુધી મારા પેટમાં રાખ્યો તેનું ભાડું કશું જ નહિ. તને મે બે વરસ સુધી મારું દૂધ પાઈને મોટો કર્યો તેનું બિલ કશું નહિ. મે તારા પ્રસવની પીડા વેઠી તેનું બિલ કશું જ નહિ. તને ભણાવી ગણાવી હિસાબ કરવા જેટલો હોંશિયાર બનાવ્યો તેનું બિલ કશું જ નહિ.’ આમ લખીને ભરતની મમ્મીએ એ કાગળ રાતે ફરીથી ભારતના ખાટલામાં તેના ઓશિકા નીચે મૂકી દીધો.
સવારે ભરત ઉઠ્યો ત્યારે તેણે તે કાગળ જોયો. કાગળ વાંચીને ભરતને પોતાની ભૂલ સમજાઈ. તેને પોતે કરેલી ભૂલ બદલ ખુબ પસ્તાવો થયો. એની મમ્મીએ તેના માટે કેટલા દુ:ખ અને તકલીફો સહન કરી હતી. પણ ક્યારેય પોતાના દીકરા પાસે કોઈ બિલ માંગ્યું ન હતું. હવે ભરતને પોતાની ભૂલનો પસ્તાવો થયો. તે રડવા લાગ્યો. અને રડતો રડતો જઈને તેની મમ્મીના પગમાં પડી માફી માગવા લાગ્યો. તેની મમ્મીએ પણ તેને માફ કરી દીધો અને પોતાના ગળે લગાવી લીધો.
માં-બાપની સેવા એ આપણી ફરજ છે.