ભરબપોરે સૂર્યાસ્ત
ભરબપોરે સૂર્યાસ્ત
" એય નમી ! તેં આપણાં પ્રેમની વાત તારાં મમ્મીને કરી ? "
" હા મનીષ ! મારાં મમ્મી એ બાબતે પપ્પા સાથે વાત કરશે. આપણી જ્ઞાતિ એક છે અને સામાજિક સ્ટેટસ પણ સરખું જ હોવાથી લગભગ તો પપ્પા ના નહીં પાડે. "
દરિયાકિનારે નમિતા અને મનીષ એક બીજાંની આંખોમાં ખોવાઈ ગયાં. ઈશ્વરે પણ અંતરિક્ષમાંથી જાણે કે પુષ્પવૃષ્ટિ કરી અને બંને પરિવારે લગ્ન માટે સંમતિ આપી. મનીષ અને નમિતા હરખનાં આ મહાસાગરમાં હિલોળા લેવા લાગ્યાં અને લગ્નનાં રંગીન સોણલાં જોવાં લાગ્યાં. બંનેને દરિયો ગમતો હોવાથી હનીમૂન માટે કેરળમાં જવાનું નક્કી કર્યું.
ત્યાં જ ન્યુઝ ચેનલોમા સમાચાર આવવાં લાગ્યાં કોરોનાની પહેલી લહેર ભારતમાં આવી ગઈ હતી અને એય પાછી કેરળમાં. બંનેએ કેરળની ટુર કેન્સલ કરી. મન મનાવ્યું કે ઘણી જિંદગી પડી છે ફરી ક્યારેક જઈશું. પણ... નખ્ખોદ જજો આ કોરોનાનું ! હનીમૂનની રોમાંચક કલ્પનાઓ માત્ર કલ્પના બનીને રહી ગઈ. એનો અફસોસ થોડો સમય રહ્યો.
પરંતુ તે ભૂલીને નવી જિંદગીની શરૂઆત કરી દીધી.
મનીષને બે દિવસથી તાવ હતો. કોરોનાની બીજી લહેરે તેનું વિકરાળ સ્વરૂપ ધર્યું હતું. એટલે ત્રીજે દિવસે તો મિત્રો અને નમિતાની જિદને લીધે મનીષે રેપીડ ટેસ્ટ કરાવ્યો. જે પોઝીટીવ આવતાં નમિતાના પર તો જાણે કે વીજળી પડી ! એક ભયની લહેર વ્યાપી ગઈ. મનીષને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યો. રાતોરાત તબિયત બગડતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઓકિસજન લેવલ ઘટવા લાગ્યું. આર.ટી.પી.સી.આર. કરાવવામાં આવ્યો. ફેફસાં પર ઇન્ફેક્શન વધી ગયું હતું. રેમડીસીવરના ઇન્જેક્શન અને બીજું ઘણું બધું.....! નવ જ મહિનાનું લગ્ન જીવન નંદવાઈ ગયું અને મનીષે માત્ર પાંચ જ દિવસની માંદગીમાં અનંતની વાટ પકડી.
નમિતાનું જીવન જાણે કે ભરબપોરે સૂર્યાસ્તમાં ફેરવાઈ ગયું. એક ખળભળ વહેતી નદી જાણે કે ભરચોમાસે થંભી ગઈ ! અને... એક જીવતી લાશ બની ગઈ નમિતા !
