Pushpak Goswami

Inspirational Children

4  

Pushpak Goswami

Inspirational Children

ભોલુની મહેનત

ભોલુની મહેનત

2 mins
415


ભોલુ જન્મ્યો ત્યારથી જ ગોળમટોળ હતો. સામાન્ય રીતે તાજા જન્મેલા બાળકનું વજન 3.5 થી 4.5 કિલોની વચ્ચે હોય છે, પરંતુ ભોલુ જન્મ્યો ત્યારે તેનું વજન 5.8 કિલો હતું. ભોલુનાં માતાપિતાને બીજું કોઈ સંતાન ન હતું, અને ભોલુ માનતાથી આવેલો હતો, એટલે ઘરમાં સૌનો લાડકવાયો હતો. તેને ખાવા પીવા પર ક્યારેય કોઈ પાબંધી હતી નહીં. તેથી દિવસે ને દિવસે ભોલુનું વજન વધતું જ જતું હતું.

એક સમય એવો આવ્યો કે ભોલુનાં પેટની ફરતે ચરબીના થર થવા લાગ્યા. તેને ચાલવામાં પણ તકલીફ પાડવા લાગી. શાળામાં કોઈપણ પ્રકારની રમત ગમત પ્રવૃત્તિમાં તે ભાગ નહોતો લઈ શકતો. શાળાના બીજા વિદ્યાર્થીઓ તેને ભોલુ ગોલુ, ભીમ, સુમો વગેરે વિશેષણોથી બોલાવવા લાગ્યા. આ વાતનું ભોલુનેં ખોટું લાગતું, પરંતુ તે પોતે પણ સમજતો હતો કે પોતાના મોટાપાના કારણે બધા આવું કહે છે. ક્યારેક તો તેને પોતાના શરીરથી નફરત થઈ આવતી. તેણે આ વાત પોતાના માતા-પિતાને કરી. તેમણે ભોલુના વધતાં વજનના કારણે તેને કુસ્તીમાં મોકલવાનું નક્કી કર્યું.

ગામમાં જ કુસ્તીનું પ્રશિક્ષણ આપતી શાળા હતી, તેમાં તેને ભરતી કરવામાં આવ્યો. શરૂઆતમાં તો ખૂબ કષ્ટ પડ્યું ભોલુને. સવારે વહેલા ઊઠવાનું, કુસ્તીના મેદાનમાં જઈ કસરત કરવાની, આવીને શાળાએ જવાનું, ત્યારબાદ સાંજે પાછું કુસ્તીના મેદાનમાં, પાછી કસરત. પરંતુ તેના મનમાં પણ એક જ વિચાર હતો કે, જે લોકો ખીજવે છે તેમને બોલીને નહીં, પરંતુ કંઇક કરી બતાવીને જવાબ આપવો છે. એટલે ભોલુએ કષ્ટ પડવા છતાં પણ કસરત ચાલુ રાખી.

આમને આમ છ મહિનાનો સમય વિતી ગયો. હવે ભોલુના શરીર પર થોડાઘણા અંશે ફર્ક દેખાવા લાગ્યો. આ ફર્ક જોતા ભોલુ પણ ઉત્સાહમાં આવી ગયો, અને ડબલ મહેનતથી કસરત કરવા લાગ્યો. જોત જોતામાં તો ગોલુ મોલું જેવો લાગતો ભોલુ એકદમ ફિટ થઈ ગયો. તેના શરીરનો કસાયેલો બાંધો જોઈ તેના ટ્રેનરે તેને બોડી બિલ્ડિંગમાં ભાગ લેવાનું સૂચન કર્યું. તેણે શરૂઆતમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો. ત્યાંથી વિજેતા બન્યા બાદ રાજ્ય કક્ષા અને પછી તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ભોલુનું નામ ઝળહળવા લાગ્યું.

ભોલુએ સાચી લગન અને ખરી મહેનતથી કામ કરી અને પોતાના સ્થૂળ શરીરને પણ એકદમ ફિટ બનાવી દીધું. હવે તેને પોતાનું શરીર ગમવા લાગ્યું હતું. જે લોકો તેને ગોલુ મોલુ કહીને ખીજવતા હતાં, તે લોકો આજે તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતા હતા. આ જોઇને પણ ભોલુને ખૂબ આનંદ થયો.

તો મિત્રો વાર્તાનો સાર એટલો જ કે જીવનમાં કોઈ કામ અઘરું નથી હોતું. જરૂર હોય છે તો ફક્ત તે કામ કરવા માટે મનમાં લગન અને હૈયામાં હામ. એકવાર દ્રઢ નિશ્ચય કરી લઈએ અને પછી તે મેળવવા પાછળ લાગી જઈએ તો કુદરત પણ આપણો સાથ આપે જ છે, અને આપણું નિર્ધારિત કામ ચોક્કસ પૂર્ણ થાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational