ભણ્યા પણ ગણ્યા નહિ
ભણ્યા પણ ગણ્યા નહિ
એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક નાનકડું શાક માર્કેટ હતું. ગામની બહેનો રોજ સાંજના સમયે ત્યાં શાકભાજી લેવા માટે આવતી હતી. તે ગામમાં એક નવી વહૂ લગ્ન કરીને આવી. તે શહેરમાં ઉછરેલી હતી. વળી ભણેલી હતી. તે વહુને પોતાના ભણતર પર ખુબ અભિમાન હતું. વળી પાછી શહેરમાં રહેલ એટલે પોતાની જાતને ગામડાના લોકો કરતાં વધારે બુદ્ધિશાળી માનતી હતી.
એક વખત તે બજારમાં શાક લેવા માટે ગઈ. તેણે પહેલાં ટામેટા લીધા. અને પછી તરબૂચ પણ લીધું. પછી બધું શાક થેલીમાં ભર્યું. પણ તેમણે થેલીમાં નીચે ટામેટા નાંખ્યા અને પછી ઉપર તરબૂચ મુક્યું. આ જોઈને પેલા શાકવાળા ભાઈએ કહ્યું, ‘બહેન પહેલાં તરબૂચ મુકો પછી ટામેટા મુકો. નહીતર ટામેટા ચગદાઈ જશે.’ પણ અભિમાની બહેન તો માને નહિ. તેમણે શાકવાળાને કહ્યું, ‘તારે મને સમજવાની જરૂર નથી હું તારા કરતાં વધારે ભણેલી છું. અને શહેરમાં રહેલી છું.’ શાકવાળો ભાઈ તો બિચારો ચુપ થઈ ગયો.
બહેન શાકભાજી લઈને ચાલ્યાં. પણ થોડાક જ દુર ગયા અને થેલીમાં તરબુચના વજનથી બધા ટામેટા ચગદાઈ ગયા અને તૂટી ગયા. થેલીમાંથી ટામેટાનો રસ નીતરવા લાગ્યો. આ જોઈ શાકભાજી વાળા ભાઈઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા. 'આ જુઓ શહેરના લોકો ભણ્યા પણ ગણ્યા નહિ!'
