ભણતર ઘડતર અને ચણતર
ભણતર ઘડતર અને ચણતર
ત્રણે શબ્દોનો પ્રાસ સરખો છે. જો ત્રણેમાંથી એકમાં પણ ઓછા ઉતરીએ તો જીવનના હાલ બેહાલ થઈ જાય. બાળપણમાં ભણતર, માતા અને પિતા દ્વારા ઘડતર અને ત્યાર પછી જિંદગીની શરૂઆત દ્વારા થયેલું પાયાનું ચણતર.
કયું સારું અને કયું નહીં, તે તો જીવનના વ્યવહાર પરથી નક્કી થઈ જાય. ભણતર સારું હોય અને ઘડતરમાં કોઈ ઠેકાણું ન હોય તો જીવનનું ચણતર સાવ બોદું બને. કોઈ પણ જાતની મનમાં ખોટ રાખ્યા વગર આ સત્ય હકિકત પ્રસ્તુત કરતાં આનંદ અનુભવું છું. ઘડતર વગરનું ભણતર સાવ નકામું. જે ચણતર રેતીના ઢગલા પર શરૂ કરે.
એક સર્વને ખબર હોય તેવી વાત છે. છે સાવ સામાન્ય કદાચ તમે જાણતા પણ હશો. એક નવી પરણેલી વહુ પહેલી વાર શાક લેવા ગઈ. સહુ પ્રથમ તેણે ટામેટાં લીધા. પછી સરસ મજાના કેળાં. ઘરમાં બધાંને કેળાં બહુ ભાવે. છેલ્લે સાસુમાએ મંગાવેલા એક કીલો બટાકા અને એક કીલો કાંદા તેની ઉપર લીધાં.
શાકવાળાએ હસતાં હસતાં કહ્યું, 'બિટિયા શાદીકે બાદ પહેલી બાર શાક લેને આઈ હો. ઔર આપ બી.એ. પાસ હો?'
શરમાતાં શરમાતાં તેણે, 'હા પાડી.'
અરે, શાકવાળો પણ સમજી ગયો કે ટામેટા અને કેળાની ઉપર કાંદા અને બટાકા ન રખાય. આતો સાવ સામાન્ય વાત છે. ખરું ઘડતર તો જીવનમાં ભણતર સાથે થવું જોઈએ. બંને એકબીજા વગર અધૂરાં છે. બાળક લખતાં શીખી ત્યારે શાળાના શિક્ષક સારા અક્ષર કાઢવા ઉપર ભાર મૂકે છે. શામાટે? ગણિતના દાખલા ગણીએ ત્યારે ભાર દઈને કહેવામાં આવે છે, 'દાખલાની રીત ચોખ્ખા અક્ષરે લખવી.' એનો અર્થ ભલે નાનપણમાં નહોતા સમજ્યા પણ જીવનમાં આગળ જતા ખૂબ કામ આવે છે. શાળાએથી આવીને દફતર તેની જગ્યાએ મૂકવું. બૂટ કાઢીને ખાનામાં મૂકવા. નાસ્તાનો ડબ્બો ધોવા માટે મૂકવો. હવે તમે જ કહો કેટલી નાની વાત છે. પણ જીવનની શરૂઆત છે. જેમણે આ વર્તનમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવ્યા હશે તેમનું જીવન ખરેખર ખૂબ વ્યવસ્થિત હશે.
મારી મમ્મીનું એક વાક્ય ખૂબ યાદ આવે છે. 'રસ્તા પર ચાલો ત્યારે વિચાર ઊંચા રાખવા, નજર નીચી રાખવી.' આ વાક્ય પર એક નવલકથા લખાઈ જાય. જીવનમાં ધ્યેય હમેશા ઊંચું રાખવું. પછી તેને પહોંચવા પ્રયત્નો જારી રાખવા. જ્યારે હારી અને થાકી જઈએ ત્યારેજ આપણે તે ધ્યેય પામવાની ખૂબ નજીક હોઈએ છીએ.
નીચી નજર એણે તો કમાલ કરી છે. ક્યારેય પગ ખાડામાં ન પડે. ઠોકર ન વાગે. કેળાંની છાલ રસ્તામાં હોય તો લપસી ન જવાય. વિ. વિ. વિ.
હવે ચણતર ક્યારે પ્રવેશે તે અગત્યનો મુદ્દો છે. શાળાનું શિક્ષ્ણ, કોલેજમાંથી સ્નાતક થઈ ગયા. જીવનના એવા તબક્કામાં પ્રવેશ પામ્યા કે જવાબદારી, આજીવિકા બધું શરૂ થાય.તે સમયે ‘ચણતર’નું આગમન થાય. ભણતર અને ઘડતરનું પોત પ્રકાશે. સફળતા કદમ ચૂમતી આવે. જો એ ચણતરના પાયામાં ભણતર અને ઘડતરનું સિમિન્ટ હશે તો જીવન ઝળહળી રહેશે.
પૂ.ગાંધી બાપુએ મિત્રોના બહેકાવામાં સિગરેટ પીધી, માંસાહાર કર્યો. જ્યારે જાત સાથે વાત કરી ઘડતરને ઢંઢોળ્યું, તો પસ્તાવો થયો અને ફરી ક્યારેય એ દિશા તરફ ન નિહાળ્યું. એમના જીવનમાં માતા અને પિતાએ અમૂલ્ય ફાળો આપ્યો. જો કે બધા ગાંધી બાપુ ન બની શકે કિંતુ, 'હું માનવી માનવ થાઉં તો ઘણું' એ ઉક્તિ અનુસાર પોતાનું તેમજ પરિવારનું જીવન સરળ અવશ્ય બનાવી શકીએ.
આ વિષય પર કહીએ કે લખીએ તેટલું ઓછું છે. ખૂબ સંક્ષિપ્તમાં લખી આ વિષય ઉપર પ્રકાશ પાથરવાનો નમ્ર પ્રયાસ છે.
