Aniruddhsinh Zala

Comedy Drama Horror

4.7  

Aniruddhsinh Zala

Comedy Drama Horror

ભગાની ઝાંપલીની ભૂતડીનું સત્ય

ભગાની ઝાંપલીની ભૂતડીનું સત્ય

13 mins
400


 "નિર્મળ નદીના વહેણ અને ભોળી પ્રજાની કહાણી 

પાપરહિત હૈયા ને વહેમ મનના ઉજાગર કરતી કહાણી."

ભગો વાણંદ સાઈકલના પેન્ડલ મારતો હોય એવી ઝડપે ટાંટીયા ચલાવતો બાજુના ગામના સરપંચ માણેક મુખીની હવેલીએ જઈને બોલ્યો,

"મુખી હાંમ્ભળ્યું છે કે તમારે એક ઝાંપલી વધારાની પડી છે ?"

"ઓલી બાજુ દેખાઈ. તારે જોઈએ છે ?"

હા હા મુખી. મને તો ઝાંપલી જોઈને જ અડધી રાહત થઇ ગઈ."

પણ તારે અચાનક શું જરૂર પડી ?" મુખીને બોલતાં જ રોકીને ભગો બોલ્યો,

"વાત જાણે એમ છે કે અડધી ઉંમર તો વહુ વહુ કરતાં નીકળી ગઈ માંડ હવે મેળ પડ્યો છે. છૂટાછેડા લીધેલી એક મળી ગઈ છે તો કાલે લાવવાની છે એટલે ઈ આવે તે પહેલા જ ખુલ્લાં વરંડામાં ઝાંપલી લગાવી દેવી છે. આજકાલ જમાનો ક્યાં સારો છે ?"

 "ઓહો આતો ભગા ખુશીના સમાચાર."

મુખીને ખૂશ જોઈ ભગો બોલ્યો,

 "હા હો બોલો પૈસા કેટલા."

"ગાંડીનો થા મા. તારા પૈસા નો લેવાય જા લઈ જા ભેટમાં."

 "મારુ હાળું વહુ લાગે તો શુકનવાળી હો મુખી પગલાં થાય ઈ પહેલા જ ભેટ મળવા માંડી." મુખી હસી પડયાં,

"વેવલો થા મા વહુ લાવવી સહેલી પણ રાખવી કેવી કાઠી ઈ પછી સમજાશે."

 "અરે મુખી આ ભગો ભલભલાના વતા કરી નાખનાર બાયડીને જીવની જેમ સાચવશે." કહીને મલકાતો ભગો બળદગાડામાં ઝાંપલી લઈને મકાન બહારનાવરંડાના ખુલા દરવાજામાં ફિટ કરી દઈ બોલ્યો, 

"ભલુ થયુ ભાંગી રખેવાળીની જંજાળ 

ઝાંપલી મારી કરશે વહુની ચોકીનું કામ."

વહેલી પરોઢે ભગો જેવો બહાર નીકળ્યો કે લાજ વાળીને વહુ બહાર મુકવા આવી એટલે તરત પાછો વળીને તે બોલ્યો,

"તારે મને બહાર મુકવા નહીં આવવાનું હો અંદરથી જ બધા હેત વરસાવી લેવાના."

"પણ કેમ ? કંઈક ફોડ પાડો."

"અરે તું બહુ મોંઘેરી છે એટલે " કહીને ઘરમાં ઠેલતાં ભગો બોલ્યો,

"જમાનો બગડી ગયો છે આટલી સુંદર વહુ માંડ મળી છે તો કોઈનો ભરોસો ન કરાય."

કહીને વહુને ઘરમાં મૂકીને ભગો હાલ્યો વતુ કરવાં ઘર સામે આવેલી પોતાની નાનકડી કેબિનમાં. દુકાને દાઢી કરતાં કરતાં બહાર આવીને પોતાની નવી ઝાંપલી સામે જોયું તો આ શું.. ?

 ઝાંપલીએ વળગીને હિંચકા ખાઈ રહ્યાં હતાં નાના ભટૂડાંઓ.

 ભગો દોડ્યો દાઢી અડધી મૂકીને બોલ્યો,

 "એય ઊભા રયો તમે મારી નવી નકોર ઝાંપલીને વળગીને વાંકી કરી નાખશો." 

 ભગાને દોડતો આવીને જોઈને ભૂલકાઓ ડરીને ભાંગી ગયા. ગામના બે જુવાનિયાઓ આવીને બોલ્યાં,

 "શું થયુ ભગા કેમ રડ્યો નાખે છે ?"

એટલામાં ભગાનો મોંઘેરો ચાંદ ઘૂંઘટ ખોલીને બોલ્યો, 

"કાંઈ ભૂલી ગયા કે શું ઘરમાં ?"

જોતાં જ જુવાનિયા બોલ્યાં,

"ઓહો હો ભગા આવી મસ્ત વહુ લાવ્યાં છો કોઈને ખબર પણ નહીં ગામમાં..!"

ભગો હાથ હલાવી બોલ્યો,

"અરે તું પહેલા ઘરમાં જા કહ્યુંને..."પછી જુવાનિયાઓ સામું જોઈ બોલ્યો,

 "તે ભયા મારે શું તમને કહેવા અવાનૂ હોય કે હું વહુ લાવ્યો છું હાલો જોવા ?"

જુવાનિયાઓ હસતા બોલ્યાં,,

 "ભગાની ચિંતામાં હવે વધારો થાય તેવું લાગે છે." કહીને હાલતાં થયા.

 ભગો બબડતો બબડતો પાછો દુકાને આવ્યો ત્યારે ગ્રાહક ભાઈ બોલ્યાં,

"ભગા એવું શું દાટ્યું છે ઝાંપલીમાં કે દાઢી સુકાઈ ગયી તોય પાછો નહીં આવતો ?"

"અરે ભાઈ ઝાંપલીમાં નહીં ઝાંપલીની અંદરની રામાયણ છે." ભગો બોલતા જ ભાઈ ચમક્યા,"શું વાત કરે છે કાંઈ ધન મળ્યું છે કે શું ઘરમાં ?"

 "હા ભાઈ ધન મળે તોય સાચવવું અઘરું હોય છે ઈ હવે સમજાયું." 

ભગો આ નારી રતન ની વાત કરતો હતો ને ઓલા ભાઈ સમજ્યા કે ભગાના વરંડામા ધન દાટેલું છે."

દાઢી પુરી થઈ ને ઓલા ભાઈના પેટમાં વાત ટકી જ નહીં ગામ આખામાં કહી દીધું કે ભગાના વરંડામાં ધન દાટેલું છે એટલે ભગો ઝાંપલી પાસે કોઈને જવા દેતો નથી."

પછી તો ભારે થઈ જે આવે તે ઝાંપલી ખોલી વરંડામાં જોવા લાગ્યાં અને ભગો તો કેબિનથી દોડી દોડીને થાકી ગયો હતો. ભગાએ સૂચના લગાવી ઝાંપલી પર કે,

"મારી ઝાંપલીને કોઈએ અડવું નહીં."

 હવે તો ભંગાનો જીવ વતુ કરવામાં નહીં પણ ઝાંપલીમાં જ ચોંટ્યો.

એક ભાઈ દાઢી કરાવવા ગયા તો પહેલા જ કહ્યું,

"જો ભગા દાઢી અડધી મૂકીને ઘર તરફ ભાગવાનો ન હોય તો જ મોઢું પલાળજો."

"એવું તે કાંઈ હોય..!" ભગો ગુસ્સામાં બોલ્યો, "મારા ઘર માથે આફત મંડરાતી હોય ને હું અહીં તમારી દાઢી કેવી રીતે કરું ? જાવો તમારી શર્ત મને મંજુર નહીં."

"સારું ત્યારે હું બાજુના ગામના વાણંદ જોડે શાંતિથી કરાવી લઈશ હો તું તારે દોડતો રહે ઘર તરફ." કહીને ભાઈ ચાલતા થયા. હવે તો ભગાની ઝાંપલી જાણે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી.

ભગાએ ઝાંપલીએ ઘૂઘરીઓ અને ઘંટડી લગાવી જેથી કોઈ અડે તો ખબર પડે 

ગામના છોકરાને તો હવે મૌજ પડી ગઈ કોકવાર જુવાનિયા પણ ઘંટડી વગાડતાં વહુ બહાર આવીને જોતી અને નવાઈ પામતી કે તેનો ઘરવાળો આ બધું શું કરી રહ્યો છે.

 એટલામાં ભગો હાંફતો હાંફતો આવીને બોલતો,

"અલ્યા તને કેટલી વાર કહું કે તું અંદર રહે પણ તું ય માનતી જ નહીં."

 " પણ આ ઘૂઘરીઓ ને ઘન્ટડી કેમ લગાડી ?

"આ બધું તારા માટે જ છે પણ તું મહેરબાની કરીને હરખપદૂડી થઈને આમ બહાર ન આવીશ."

જુવાનિયાઓ જોરથી હસતા હસતા ચાલ્યા ગયા એટલે ભગો બોલ્યો,

"જોયું કાગડાઓ કેવા મંડરાઈ રહ્યાં છે હવે તો હું ચિંતામાં અડધો થઈ જઈશ."

પત્ની બોલી, "ક્યાં છે કાગડા ? અને શેની ચિંતા છે ઈ તો કહો મને."

"બધું કહીશ અત્યારે તને બે હાથ જોડું તું અંદર જા. મારે સરપંચની દાઢી અધૂરી છે હમણાં ખીજાશે."

વહુ ખબર ન પડતા મોં મચકોડી અંદર વહી ગઈ. એટલે રાહતનો શ્વાસ લઈને ભગો દોડ્યો કેબીન તરફ. ભગાને જોતાં જ સરપંચ બગડ્યા,

"ભગલા તારું ફરી ગયું છે ? બધાની દાઢી અધૂરી મેલી ઘર તરફ દોડે છે કોક દી ધરાઈને માર ખાઈશ."

 "અરે સરપંચ સાહેબ હેરાન થઈ ગયો છું."

"ગધેડા હેરાન તું નહીં આખાં ગામવાળા તને આમ દોડતો જોઈને થાય છે. એવું તે શું દાટ્યું છે ઘરમાં તારા ?"

"દાટ્યું નહીં પણ લાવ્યો છું ત્યારથી લોકો હાહ ખાવા દેતા નથી."

"મોઢેથી ભસને કે એવું શું લાવ્યો છે ?" સરપંચે ગરમ થઈને જોડીઓ ઉગમતા ગભરાઈને ભગો બોલ્યો,

"વહુ સરપંચ સાહેબ વહુ.."

સરપંચ નવાઈ પામતા બોલ્યાં,

 " શું કહ્યું વહુ....!"

"હા સરપંચ માંડ પિસ્તાલીસ વરસે એક ઘર માંડીને છૂટું કરેલી વહુ લાવ્યો છું અને આ ગામવાળા મારી ઝાંપલીએ જઈને ચોંટે છે એટલે મારો જીવ તાળવે ચોંટે છે."

"અરે ભગા વહુ લાવ્યો ઈ તો ખુશીની વાત છે પણ લોકો રસ્તે જતા તારી ઝાંપલીને અડે તો તું કેમ દોડે છે ઈ નો હમજાણું." 

 "અરે ભલા માણહ ઝાંપલી જ તો મારી વહુની રખેવાળ છે મારે ક્યાં તમારી જેમ ચોકીદાર છે."

 "ઓહ્હ સમજ્યો તો તને વહેમ ઘુસી ગયો છે એમ કહે ને. ભગલા તારા વ્હેમની કોઈ જ દવા નથી હવે તો."

"કેવી વાત કરો છો સરપંચ થઈને તમે." ભગો અકળાઈને બોલ્યો,

 "મારાં ઘરની ઝાંપલીની ઘૂઘરીઓ ખખડે પાછી ઘંટડી રણકે ને મને ચિંતા ન થાય ?"

 "પણ ગાંડા તું સમજતો કેમ નથી કે લોકો તને દોડતો જોઈ ખીજાવા માટે મજાક પણ કરતાં હોઈ શકે."

"અરે આવી તે મજાક હોય સરપંચ ?" ભગો અકળાઈને બોલ્યો,

 "કંઈક કરો નકર મારે તો ગામ જ છોડીને જતું રહેવું પડશે."

સરપંચ બોલ્યાં, "તું પહેલા દોડવાનું બંધ કર હું કંઈક ઉપાય શોધું છું પંચને વાત કરીને."

"તો તો તમારો ખુબ આભાર હો મારુ તો લોહી જ બળી ગયું છે સાત કિલો વજન ઘટી ગયું છે આ ઝાંપલીની ચિંતામાં."

સરપંચ દિલાસો આપીને ગયા તો ભગાને થોડી રાહત થઈ ભંગાના કાને હવે તો અમથો અમથી પણ ઘુઘરીનો અવાજ સાંભળવા લાગ્યો. કોઈ ન હોય તોય ભગો દોડીને ઝાંપલી જોડે જઈને વહુને કેતો,

"તું અંદર વહી જા કપડાં હું સુકવી દઈશ આવીને તું બસ અંદર જ રહે." લોકો દૂર રહીને હસતા. લોકોને દૂરથી હસતા જોઈને પણ ભગો ખણહાઈ જતો.

 હવે વહુની ધીરજ ખૂટી ગઈ. સિંહણની જેમ ઘૂંઘટ ખોલીને બોલી, 

"તમે સમજો છો શું તમારા મનમાં ? મને કેદ કરીને રાખવી છે ? મારા કરતાં વ્હાલી તમને આ ઝાંપલી થઈ ગઈ છે. ધંધામાં ધ્યાન નહીં આપતાં અને આ ઝાંપલી પાછળ ગાંડા થયા છો કહીને ગુસ્સામાં વહુએ ઝાંપલીને એક પાટુ માર્યું તો ઘુઘરીઓને ઘંટડી રણકી પણ આજ ભગો દોડવાને બદલે ધરતી સાથે જડાઈ ગયો હતો.

 વહુને પહેલીવાર બોલતી ભાળીને લોકો ટોળે વળ્યાં.બધા લોકોને જોઈ ભગાની ચિંતા વધતાં ભગો બોલ્યો,

"અરે એવું નહીં કાંઈ તું નાહક ગુસ્સે થાય છે તું અંદર ચાલ તને સમજ્ણ પાડું."

"ના મને અહીં જ સમજાવો બધા વચ્ચે કે આ ઝાંપલીમાં એવું તે શું છે કે તમને એનો એટલો બધો મોહ થઈ ગયો છે ?"

ભગો મૂંઝાયો મનમાં બોલ્યો,

 "બધા વચ્ચે આને કેમ કહેવું કે, આ ઝાંપલી માટે નહીં હું તારી ચિંતામાં દોડું છું."

 ટોળામાંથી એક બે જ્ણ બોલ્યાં,

 "વાત તો વહુની સાચી છે ભગા હમણાંથી તારી ડગળી ચસ્કી ગઈ છે તેવી ગામમાં વાતો થાય છે. તું લોકોને દાઢી કરવાની પણ ના પાડે છે. લોકોને હવે સામા ગામે દાઢી કરાવવા જાવું પડે છે."

"શું કહ્યું તમે લોકોને દાઢી કરવાની ના પાડો છો. અરે રે આવું કેમ કરો છો ? શું થઈ ગયું તમને પરણ્યા પહેલા તો આવા નહોતા.".

 એક બાઈ આવીને બોલી, "બહેન બિલકુલ સાચું કહ્યું પરણ્યાં પહેલા તો આ ભગાભાઇ ખુબ જ હસમુખા હતાં."

 ભગો અકળાઈને બોલ્યો, "હવે તમે બધા તમારૂ ઘર સાંભળોને બીજાનાં ઘરમાં શું કામ આગ લગાવો છો ?"

"આગ જાતે જ તમે લગાવી છે કોઈ બીજાનો વાંક કાઢશો નહીં હવે તો મારે જ આ ઘર છોડીને જાવું પડશે પછી દોડતાં રેજો આ તમારી ઝાંપલી પાછળ."

 "ભગા ડાયો થા સુધરી જા." એક વડીલ આવીને બોલ્યાં, 

 "આ શું બધી ઝાંપલીની પારાયણ માંડી છે. ઉખેડીને ફેંકી દેને ભયા ચિંતા મટે."

 "હા હા અત્યારે જ ઉખેળી નાખો." બધા એકસાથે બોલતા ભગો ક્રોધમાં થેલીમાંથી અસ્ત્રો કાઢીને બોલ્યો,

"ખબરદાર જો કોઈએ મારી ઝાંપલીને હાથ અડાડ્યો છે તો."

એટલામાં ગુસ્સામાં વહુ પોતાનો સમાન ભરી પટારો લઈને આવીને બોલી,

"રેવા દયો કોઈએ લડવાની જરૂર નહીં હું જ જાવું છું મારા ઘેર પાછી ભલે સાચવતા ઈ તેમની વ્હાલી ઝાંપલીને."

ભગાના માથે જાણે આભ તૂટી પડ્યું તે અસ્ત્રો થેલીમાં મૂકીને કરમાયેલા ફૂલ જેવું મોઢું કરીને બોલ્યો,

"પણ તું જરીક ચૂપ રહીને મારી વાત તો સાચી સાંભળ."

"એક શબ્દ પણ હવે નહીં સાંભળવો જે કહેવું હોય ઈ તમારી ઝાંપલીને કહેજો. ઈ મૂંગી રહીને બધું સાંભળશે હું મૂંગી નહીં રહું હવે હું તો આ હાલી."

વહુ પટારો લઈને બહાર ચાલતા એક બાઈ બોલી, 

 "હાય હાય આ પીટ્યા ભગલાને ભૂત વળગ્યું લાગે છે વહુને મેલીને ઝાંપલીએ જીવ ચોંટ્યો છે તેનો."

"અરે પણ વ્હાલી આ ઝાંપલી તો તારા માટે હું લાવ્યો હતો." હવે ભગો સાચી વાત બોલ્યો પણ હવે સમજે કોણ વાત હવે વણસી ગઈ હતી.

વહુ અવળી ફરીને બોલી,

 "ના હો મેં નહોતી મંગાવી ખોટું બોલો મા. તમને ગમી ગઈ છે એટલે લઈ આવ્યા છો આખું ગામ જાણી ગયું કે તમને બધા કરતાં આ ઝાંપલી વ્હાલી છે તેના માટે આખાં ગામ સામે અસ્ત્રો લઈ લડવા તૈયાર થયા અને મને તો આખો દી ઘરમાં જ જવાનું કહ્યું છે. હવે રહેજો એની હારે કાયમ."

ભગો દોડીને વહુની આડો ફર્યો તોય વહુ હાથથી ભગાને હડસેલી દીધો,ઝાંપલીની ચિંતામાં ભગો દુબળો થઈ ગયો હતો એટલે માથે હાથ દઈને પોતાનો માંડ મેળવેલો ચાંદનો ટુકડો પોતાને છોડીને જતો જોઈને આંખોથી આંહૂડાં પાડતો બેઠો હતો. મોકે જ બસ આવતી દેખાઈ. 

 એટલામાં સરપંચ પંચ સાથે આવીને ઘર ભાંગીને જતી વહુની આડા ઊભા રહ્યાં અને બોલ્યાં.

 "વહુ આજનો દિવસ અમારું માન રાખીને રોકાઈ જાવો આ અમારી ગામની આબરૂનો સવાલ છે જો તમને અમારો ન્યાય યોગ્ય ન લાગે તો સવારે અમે જ બસમાં બેસાડીશું. આ ભગલાને અમે આજે ફરી હતો તેવો જ ડાયો ડમરો કરી નાખીશું જુવો આ ભૂવો પણ સાથે લઈને જ આવ્યા છીએ."

 વહુએ લાજ કાઢી સરપંચ પર ભરોસો કરીને પાછી વળી સરપંચ સાથે વહુને પાછી આવતી જોઈ ભગો તો ખૂશ થઈ ગયો વહુ ઘરમાં જતા જ ભગો દોડીને સરપંચના પગમાં પડીને બોલ્યો,

 "ખુબ આભાર તમે મારુ ભાંગતુ ઘર બચાવ્યું મારુ મધદરિયે ડુબતું વહાણ તારી દીધું. આ બધા લોકો જુવો મારુ ઘર તોડાવી રહ્યાં હતાં મારી વહુને ચડાવીને."

 હજીય ભગામાં સમજણ ન આવતાં સરપંચે હળી કાઢીને એક જેડીઓ તેના બરડામાં ઝીંકતા ભગો બૂમ પાડી ગયો.

"અલા એઇ કાણિયો ભૂવો ક્યાં ગયો ?"

કાણિયો સરપંચની બૂમ સાંભળતાં જ પંચ સામે હાજર. નામ પ્રમાણે જ ભુવાના ગુણો હતાં.

"આ ભગલાનું ભૂત હાલ ઉતારી શકીશ ?"

 "સરપંચ હું કોણ મહાન ભૂવો ભલભલા ભૂતને વશમાં કરનારો." કાણિયો કાણી આંખ ફેરવી સાજી આંખે ભગલા સામું જોઈને બોલ્યો,

"તમે આજ્ઞા કરો જ્યાંથી આવ્યું ત્યાં મૂકી આવું આ ભૂતને પકડીને."

 "ધરમના કાર્યમાં ઢીલ શેની શરૂ કર..!"

પંચની આજ્ઞા થતાં જ કાણિયો ભૂવો ગામ અખાની વચ્ચે ખીલી ગયો. બરાબર મરચાનો ધુમાડો કરી ભગલાને પકડીને બેસાડી આંખો સામે ધર્યો. ધુમાડામાં થોડો અજમો નાખીને ભગાના ભીતર સુધી ધુમાડો પહોંચાડતા જ આંખો ને ગળું બળતાં ભગો મંડ્યો ઉધરસ ખાવા. 

"બોલ ક્યાંથી આવી છે ભૂતડી તું ? ચાલ ધુણવા માંડ."

 ભગો ગભરાઈને ધુણવા લાગ્યો પણ બોલવું શું ઈ સમજાતું નહોતું."

એટલામાં ભગાનો ચાંદો વહુ સામે દેખાયો.

 "બોલ કેમ આવી છે ? " ભુવાએ લાલિયો ધોકો બતાવતા ભગલો જોરથી બરાડ્યો,

"રક્ષા કરવાં લાવેલી છે ઝાંપલી."

"હા હવે પકડાણી આ તો મારી બેટી ઝાંપલીનું ભૂત બોલે છે." ભૂવો બોલતા જ સહુ ગામજનો ગણગણવા લાગ્યાં 

"અરે બાપ રે ઝાંપલીનું ભૂત..! "

"અલ્યા ભુવાજી કંઈક ફોડ પાડો."

કાણિયો મંડ્યો ધુણવા તેના લાંબા લાંબા વાળ ફેંદાવા લાગ્યાં. ધુણતા બોલ્યો,

"આ ઝાંપલી બાજુના ગામના માણેક મુખીની છે."

"ભુવાજી તમને કેવી રીતે ખબર પડી ?"

ભગાએ ધીરેથી પૂછતાં ભૂવો બરાડ્યો,

"મૂરખા આ ઝાંપલીએ તો કેટલાયના ઘરસંસાર તોડાવ્યા છે એટલે માણેક મુખીએ તને ભટકાડી દીધી છે. હવે ઈ તારો સંસાર તોડાવા તને વળગી છે."

"બિલકુલ સાચું કહ્યું ભુવાજી." ભંગની વહુ લાજમાં બોલી,

 "હવે તો આખું ગામ જાણે છે કે આ ઝાંપલી સાથે પ્રેમમાં પડી ગયા છે."

એક બોખી ડોશી બોલી,

"અરે રામ રામ ઘોર કળિયુગ...! આવી રુની પૂણી જેવી રૂપાળી વહુ છોડીને આ ઝાંપલી ઝાલીને બેઠો છે."

"અરે પણ ઝાંપલી તો હું.." ભગાને બોલતો રોકવા મરચાનો ધુમાડો તેની તરફ નાખતાં કાણિયો બોલ્યો,

"ખબરદાર જો ઝાંપલીનું નામ લીધું છે તો માંડ મંત્રથી બાંધી છે આ ઝાંપલીની ભૂતડીને હવે તેને તારી જોડે ફરકવા નહીં દઉં."

"અરે બાપા મારી ઝાંપલીને કાંઈ ન કરતાં હો હું મારી વહુની માફી માંગી લઉં બસ."

ભગો ઝાંપલીની ચિંતાં થતાં બોલ્યો એટલે તરત જ વહુ ઉભી થઈને બોલી,

"હાય હાય જુવો ભુવાજી હજીય આ ઝાંપલીની ચિંતા કરે છે ભૂતડી હજી ગઈ નથી લાગતી."

 "ધડામ..!" કરતાંક એક ધોકો કાનિયાએ માર્યો અને બોલ્યો,

"ખબરદાર જો હવે ભગા જોડે પાછી આવી છે તો હું તને આજે જ વિદાય કરી દઈશ."

બેઠેલ પંચમાંથી એક વડીલ બોલ્યાં,

"તો હવે આ ઝાંપલીના ભૂતને જ્યાંથી આવ્યું ત્યાં વળાવી આવો."

 "બોલ ભગા સાચું." કહેતા ભૂવો ધોકો ઉગામી બોલ્યો,

 " ક્યાંથી આ ઝાંપલી તને વળગી છે ?"

ભગો આંસુ લૂછતાં બોલ્યો,

 "અરે વળગી નહીં હું લાવ્યો છું."

ભૂવો ઉભો થઈને બોલ્યો,

 "આ એમ નહીં માને." કહીને ધોકો લઈને ગયો ઝાંપલીને મંડ્યો ધોકા મારવા અને ઘૂઘરીઓ તૂટવા લાગી એટલે ભગો મંડ્યો બૂમો પાડવા,

"અરે તોડશો નહીં કેટલી મહેનતથી શણગારી છે. ઝાંપલીનો કોઈ વાંક નથી મારો વાંક હોય તો હું માફી માંગુ."

ભગાને ત્રણ જણાએ કસીને પકડી રાખ્યો પોતાની સોતન બનેલી ઝાંપલીની તરફેણ પતિને કરતો જોઈ વહુ પણ વિફરી ભુવા જોડે જઈને બોલી,

"લાવો મને આપો આજ બધી રીસ આ મારી સૌતન પર આજ કાઢી નાખું." ભુવાએ કહ્યું,

"લે બેટી બધી જ દાઝ આજ કાઢી નાખ."

વહુ ધોકો લઈને એવી મઁડી ઝૂડવા કે ભગાની આંખો ફાટી રહી.ઘૂઘરીઓ બધી તૂટીને ઘંટડી પણ તૂટીને વળી ગઈ આખરે ધોકો તૂટી ગયો તોય બે પાટા વહુએ ઝાંપલીને મારી દીધા.

ભૂવો બોલ્યો, "શાબાશ બેટી હવે જો ઝાંપલી તારા પતિના શરીરમાં આવે ફરી અને આ ભગો જો ઝાંપલીનું નામ લે તો આ બીજો ધોકો જોડે રાખ. તારા પતિને પણ આમ જ ઝૂડજે જેથી ઝાંપલી ડરી જાય."

"હાય હાય પણ પતિને કેમ કરી મરાય ?"

કાણિયો બોલ્યો, "પતિને નહીં વાગે ઈ ઝાંપલીને વાગશે ઝૂડજે તું તારે બરાબર."

"તો ઠીક છે લાવો ધોકો. " કહીને ધોકો પકડીને વહુ ભગા પાસે ઉભી રહી ગઈ. ભૂવો બોલ્યો,

 "સરપચ તમારી આજ્ઞા હોય તો ઝાંપલીને વળાવી દઈએ ?"

"હા હા ધરમના કામમાં ઢીલ શેની."

આજ્ઞા મળતાં જ ભૂવો બોલ્યો,

"જુવાનિયાઓ આગળ વધો આ ઝાંપલીને ઉખેડી નાખો."

જુવાનિયા તો રાહ જ જોતાં હતાં એક સાથે દશ ચોંટ્યા ઉખેડવા આ જોઈ ભગો બરાડ્યો,

"અરે મારી ઝાંપલીને ન તોડો."

"ધડામ." કરતાં જ વહુનો ધોકો પડ્યો ભગો બૂમ પાડીને જોયું તો વહુ બોલી,

"ખબરદાર જો પાછી આવી છે તો."

બીજો ધોકો મારે ઈ પહેલા ભગો સમજી ગયો કે હવે બોલશું તો વહુનો જ માર ખાવો પડશે. આ તરફ જુવાનિયાઓએ ઝાંપલી આખી ઉખેડી નાખી એટલે ભુવાએ ચાર લીંબુ કાપીને ઝાંપલીની ઉપર લગાવીને મંત્ર બોલીને કહ્યું, 

 "હવે આ ભગાને લઈને જાવો અને તેના હાથે જ માણેક મુખીને પાછી સોંપવી દયો અને ખબર રાખજો વળતી વખતે પણ ભગો ઝાંપલી સામું ન જુવે અને મોઢેથી નામ પણ ના બોલે તેનું ધ્યાન રાખજો."

"શેનું આવે મારા પતિના મોઢે તેનું નામ હવે તો સૌતન ઝાંપલીને ઝૂડી નાખીશ." 

 ભગો ગભરાયો ચાર જુવાનિયાએ પકડ્યો અને બાજુમાં વહુ જોશમાં ધોકો લઈને ઉભી હતી. ઝાંપલીને ટ્રેકટરમાં મૂકી અને ગામના યુવાનો ભગાને બેસાડી ઝાંપલીને વળાવવા હાલ્યા. વહુ જોડે બેઠી ધોકો ખભે કરીને 

ટ્રેક્ટર ઉપડ્યુ એટલે ભૂવો હસીને બોલ્યો, 

"જોયું આ ભુવાએ ભગાનો સંસાર તૂટતો બચાવી લીધો."

"અલ્યા સાચે ઝાંપલીમાં ભૂત હતું ?" એક વડીલે શંકા કરતાં ભૂવો બોલ્યો,

"અરે ભૂત તો વહેમનું ભગાના મનમાં હતું. આ સરપંચે મને વાત કરતાં મને આ ઉપાય યોગ્ય લાગ્યો. કોઈનું ભલુ થતું હોય તો ખોટું બોલવામાં કોઈ પાપ ન લાગે."

આ તરફ ટેકટર પહોંચ્યું માણેક મુખીના ઘેર. મુખીએ ઝાંપલી સાથે ભગાને જોઈને બોલ્યાં,

"અરે ભગા આ ઝાંપલી પાછી કેમ લાવ્યો ? મેં તને ભેટ આપેલી છે હવે હું પાછી નહીં લઉં હો."

ભગો મારની બીકે હાથ જોડી બોલ્યો,

 "મુખી કંઈપણ બોલ્યાં વગર લઈ લ્યો નહિતર આ બધા મારા છોતરા કાઢી નાખશે."

કહીને ભગો પાછળ જોયા વગર જ ચાલ્યો એટલે મુખી બોલ્યાં,

"અરે પણ શું થયુ એ તો ફોડ પાડો."

વહુ બોલી, "મુખી બાપા આ ઝાંપલી નહીં ભૂતડી છે મારા ધણીને વળગી હતી માંડ છોડાવ્યા છે. "

"ઝાંપલીમા વળી ભૂત હોય ?" મુખી માથું ખંજવાળતાં બોલ્યાં એટલે ભગાની વહુ ટ્રેકટરમાં ચડીને બોલી,

 "તો રાખો તમારા ઘરમાં આ ભૂતડીને એટલે તમને વળગશે એટલે ખબર પડે."

 બારણેથી મુખીની વહુ આ વાત સાંભળીને બોલ્યાં,

 "હાય હાય આખું ગામ કહેવા આવ્યું તો નક્કી આ ઝાંપલીમાં ભૂતડી હશે મારા પતિને વળગે તે પહેલા બધા લોકો જાવો જલ્દી નદીમાં પધરાવી આવો. "

મુખિયાણીનો હુકમ થતાં જ નોકરો ઝાંપલીને ઉંચકી પોતાનાં ટ્રેકટરમાં નાખી એટલે મુખી બોલ્યાં,

"તમે કેવી અંધશ્રદ્ધામાં માનો છો."

"એ હું ભલે અંધશ્રદ્ધામાં માનતી હોવ તમે મારી વાત બધી માનો છો ને ?"

મુખીએ 'હા ' કહેતા જ એક જ ઈશારે ટ્રેક્ટર ઊપડ્યું અને ઝાંપલીને નદીમાં પધરાવી દીધી એટલે મુખિયાણીને રાહત થઈ. 

 આ તરફ ભગો પહોંચ્યો ડાહ્યો થઈને ઘેર એટલે સરપંચ ધીરેથી બોલ્યાં,

"જો ભગા મેં કહ્યું હતુંને કે હું કંઈક ઉપાય શોધીશ. તો શોધી લીધો. હવે તારી ઝાંપલીની ચિંતા પણ ગઈ અને તારી વહુને ધોકા સાથે આખાં ગામે જોઈ લીધી એટલે હવે કોઈ તારા ઘર પાસે ફરકશે પણ નહીં એટલે હવે મૌજથી વહેમ છોડી મન લગાવીને દાઢી કરજે."

 નદીમાં કટાઈ ગયેલી આ ઝાંપલીને જોઈ લોકો આજેય ભૂતના વ્હેમથી મોઢું ફેરવે છે 

ભગાને વાત હૈયે બેસી ગઈ તેનું વહેમ દૂર થતાં પોતાની ભૂલ સમજાઈ અને ભગાનો સંસાર ખુશીમાં ફરીથી ચાલવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy