Kausumi Nanavati

Children Comedy Inspirational

3.6  

Kausumi Nanavati

Children Comedy Inspirational

ભેંસ આગળ ભાગવત વાંચવી

ભેંસ આગળ ભાગવત વાંચવી

3 mins
16.6K


"સાહેબ કહેવત એટલે શું?" - વિદ્યાર્થી એ શિક્ષકને સવાલ પૂછ્યો.

સવાલ સાંભળીને એમ લાગશે કે અરે વાહ ! આજના વિદ્યાર્થીઓમાં નવું જાણવાની અને શીખવાની આટલી બધી ઉત્સુકતા છે પણ...

એક શાળામાં દરરોજની જેમ શાળાનું કાર્ય શરુ થયું. સૌ વિદ્યાર્થીઓ પોત પોતાની જગ્યા પર ગોઠવાયા અને તાસ શરુ થયો. આજે ગુજરાતી ભાષાનો તાસ હતો ને વળી એમાં વ્યાકરણ ભણવાનું હતું. વ્યાકરણમાં પણ પાછું ગુજરાતી કહેવતો વિષે આજે શિક્ષક ભણાવવાના હતા. વ્યાકરણમાં બાળકોને થોડો ઓછો રસ. કવિતા ગવડાવો કે વાર્તા કરો એ હજી પણ ગમે. શિક્ષક જે ધારે એ તો થવું જ રહ્યું. વર્ગ માં બેઠેલાં દરેક વિદ્યાર્થીઓ શું શિક્ષકની વાત પર ધ્યાન આપતા હશે ? એવું તો બને જ નહિ વર્ગમાં એક બે તો પોતાના વિચારોના ખાબોચિયાંમાં બેઠેલી ભેંસ તો હોવાની જ.

તાસ શરુ થતા શિક્ષકે કહ્યું આજનો આપણો વિષય છે, "ગુજરાતી કહેવતો". વિદ્યાર્થીઓ માટે આ નવું હતું. સાહેબે શરુ કર્યું અને વિચારોના ખાબોચિયાંમાં બેઠેલી ભેંસોએ એમાં છબછબિયાં કરવાનું ચાલુ કર્યું. કહેવત એટલે ભાષાનું મંથન. લોકોના અનુભવો અને કથાઓ મળીને જે જ્ઞાનની સરિતાના નાના નાના વાક્યો બન્યા તેને કહેવત કહે છે. જયારે કોઈ એવી ઘટના બની કે જેમાંથી બોધપાઠ લેવો જોઈએ તેના વાક્યો પ્રચલિત થતા ગયા અને તે કહેવાતો ના રૂપ માં ઓળખાયા. જે વાત સમજાવતા જીભના કૂચા વળી જાય તે વાત ને થોડા શબ્દોમાં વધુ સારી રીતે સમજાવે એ કહેવત. ત્યાં જ એક જિજ્ઞાસુ વિદ્યાર્થીએ સવાલ કર્યો કે સાહેબ કાલે હું શાળાએ બુટ પહેરીને નહોતો આવ્યો, ત્યારે બીજા શિક્ષકે કહ્યું હતું કે હવેથી બુટ પહેરીને આવ જે. તો આ કહેવત જ કહેવાય ને? કેમ કે બુટ ન પહેરીને આવવું એ ઘટનાનો બોધપાઠ થયોને શિસ્તમાં રહેવું એ. વર્ગમાં બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. શિક્ષકે જરા કડક થઇ ઉંચા અવાજે કહ્યું બેસી જા, ચૂપચાપ આવા ખોટા સવાલો કરી સમયનો બગાડ નહિ કરવાનો. એ કહેવત નથી. ત્યાં બીજો વિદ્યાર્થી બોલ્યા વગર ના રહી શક્યો ને બોલ્યો કે ભાષાનું મંથન એટલે શું? શિક્ષક ફરી ખિજાયા ને કહ્યું કે ખોટા સવાલો નહિ કરવાના. વર્ગમાં રસપ્રદ વિષય ચાલતો હોય અને ચૂપ બેસી રહે એ વિદ્યાર્થી શાના ?

વર્ગના બે મહાનુભાવના સવાલો પછી શિક્ષક બોલ્યા સમજ્યા વગર સવાલો નહિ કરવાના. પહેલા કહેવતના વાક્યો કેવા હોય એ જાણી લો. કહેવત એટલે એવા વાક્યો જેના દ્વારા લોકોની બુદ્ધિ તથા ભાષાની વિશાળતા અને લોકોની દિર્ધદ્રષ્ટિનો ખ્યાલ આવે. આપણે જાતે બધા અનુભવો કરી શકતા નથી તેથી લોકો ના અનુભવો આપણને ઘણું શીખવે છે અને એ છે આ કહેવત. કેટલાક ઉદાહરણ દ્વારા સમજીયે. એમ કરી શિક્ષકે બોર્ડ પર કહેવતો લખવાની શરુ કરી. "ઘરડા વિના ગાડાના વળે" એટલે કે વડીલોની સલાહ વગર મુશ્કેલ કાર્ય પાર ના પડે. "અધૂરો ઘડો છલકાય" એટલે કે જે વ્યક્તિઓ પાસે પૂરતું જ્ઞાન નથી છતાં પણ જ્ઞાની હોય તેવો વધુ જ્ઞાન હોવાનો દેખાવ કરે અથવા તો જાતે પોતાની પ્રશંસા કરે. આમ, "સંપ ત્યાં જંપ", "ડુંગરા દૂરથી રળિયામણા", જેવી કહેવત સમજાવ્યાં બાદ સાહેબે અમુક કહેવત બોર્ડ પર લખી, "જેવા સાથે તેવા", "ન બોલવામાં નવ ગુણ", "બોલે એના બોર વેચાય", "કાખમાં છોકરું ને ગામમાં ગોતે" અને કહ્યું કે આ કહેવતોનો અર્થ કોણ સમજાવશે ? એક વિદ્યાર્થીનો હાથ ઉંચો થયો સાહેબને થયું વાહ! પણ એને ક્યાં ખબર હતી કે આ તો વિચારોના ખાબોચિયામાં ડૂબકી મારતી ભેંસ હતી. સાહેબ કહે શાબાશ ચાલ સમજાવ જોઉ આ બધી કહેવતમાંથી કઈ કહેવત વિષે વર્ગને સમજાવશે ? પણ શિક્ષકે સમજાવેલી વાત સરખી સાંભળે નહિ અને પૂછેલા પ્રશ્નનો જવાબ એવો આપે જાણે “આંખનું કાજળ ગાલે ઘસ્યું”. શિક્ષક કહે શું અને વિદ્યાર્થીઓ સાંભળે શું. વિદ્યાર્થી એ જવાબ આપ્યો કે સાહેબ બધું જ સમજાવીશ પણ પહેલા એ તો કહો – "સાહેબ કે આ કહેવત એટલે શું?"


Rate this content
Log in

Similar gujarati story from Children