અનોખી સમજણ
અનોખી સમજણ


એ વડીલની આંખોમાં ભીનાશ અને શિવાંગના મનમાં સંતોષની લાગણી ઉદભવી હતી. આજના સમયમાં યુવાનો નોકરી ધંધા અર્થે બીજા શહેરમાં ઘરથી દૂર રહેતા હોય છે. અવાર નવાર પોતાના ઘેર આવતા-જતા હોય છે.
શિવાંગ વડોદરામાં રહેતો હતો અને તેના માતા પિતા જામનગરમાં રહેતા હતા. મુસાફરીના કલાકો લાંબા અને વળી ઓફિસેથી પંડ્યા બ્રિજ પહોંચતા પોણો કલાક થઇ જાય એટલે જમવાનો સમય ઘણી વખત ના જ મળતો. શિવાંગ સ્વભાવે ખુબ સારો અને વડીલો પ્રત્યે આદર રાખનારો હસમુખો હતો. તે દર અઠવાડિયે એક જ ટ્રાવેલ્સમાં જામનગરની મુસાફરી કરતો. બસના ક્લીનર ચંદુકાકા વડીલ પણ શિવાંગના મિત્ર બની ગયા હતા. તે દર અઠવાડિયે શિવાંગની ટિકિટ લઇ રાખે. પોતાના દીકરા જેટલું એ શિવાંગનું ધ્યાન રાખે.
એક દિવસ એવું બન્યું કે શિવાંગને ઓફીસેથી નીકળતા મોડું થઇ ગયું. તે ઝડપથી માંડમાંડ બસ સુધી પહોંચ્યોને સીધો બસમાં બેસી જ ગયો.
શિવાંગ બસમાં બેઠો કે બસ જામનગર તરફ ચાલવા લાગી. શિવાંગ એ ચંદુકાકાને ટિકિટના પૈસા આપ્યા ત્યારે તેનું ધ્યાન ગયું કે ટિકિટ જેટલા જ પૈસા હતા એના પાકીટમાં. તે પાકીટ મૂકી બેસી ગયો અને દર વખતની જેમ ચંદુકાકા સાથે વાતો કરવા મંડ્યો. બીજા બધા મુસાફરો સુઈ ગયા હતા. શિવાંગ અને ચંદુકાકા વચ્ચે એક અલગ જ પ્રકારની લાગણી બંધાઈ ગઈ હતી. રસ્તામાં
બસ ઉભી રહી એક હોટેલ પાસે. શિવાંગને આજે કકડી ને ભૂખ લાગી હતી. પેટમાં ઉંદરો જાણે કંઈક ખોરાકને પકડ
વા સાતતાળી રમતા હતા. શિવાંગે ફરી એક વાર પર્સ ફમ્ફોસ્યું પરંતુ કશું હતું નહિ અને થોડી નિરાશ ચહેરે શાંતિ થી બેસી રહ્યો. એટલામાં ચંદુકાકાએ શિવાંગનો હાથ પકડીને સો રૂપિયાની નોટ મૂકી કહ્યું, "જા દીકરા નાસ્તો કરી લે ભૂખ લાગી હશે. જામનગર હજી ઘણું દૂર છે. ભૂખ્યો ક્યાં સુધી બેસી રહેશે." શિવાંગને નવાઈ લાગી, એ સમજી ના શક્યો કે શું થયું અચાનક ! કાકાને કેમ ખબર પડી કે મારી પાસે પૈસા નથી. ચંદુકાકાનો આજે આભાર માનવો જ રહ્યો. ચંદુકાકાની ભીની આંખોએ મને બધું જ સમજાવી દીધું હતું કે લાગણીના સંબંધોમાં એક અનોખી સમજણ હોય છે. જ્યાં માત્ર ચહેરો કે આંખ વાંચીને મનની વાત સમજી શકાય છે નહિ કે શબ્દો દ્વારા કહીને જ.
ચંદુકાકાને શિવાંગ બીજી કોઈ રીતે ઉપયોગી નહોતો થયો બસ દર વખતે એ એમની વાતો સાંભળતો, ને વડીલોને તો બસ પોતાની વાત સાંભળવાવાળું મળી જાય એટલે રાજીના રેડ. એમા એ ચંદુકાકાના જીવનનો એ ખાલીપો શિવાંગ પૂરી રહ્યો હતો. દિકરો હોવા છતા એકલતા અનુભવતા ચંદુકાકા શિવાંગમા પોતાના દિકરાને શોધત હતા. અને ભીની આંખો સાથે ચહેરા પર સ્મિત સાથે બોલ્યા કે, એક દિકરાને તો એનો બાપ નથી આપી શકતો પણ દિકરા જેવાને આપીને આનંદમળશે, ના ન પાડીશ દિકરા લઇ લે.
હળવા સ્મિત સાથે એક સંતોષની લાગણી અનુભવતો શિવાંગ ઝડપથી નાસ્તો લઈ બસમાં ફરી ચંદુકાકાની બાજુમાં ગોઠવાઈ ગયો. શિવાંગ અને ચંદુકાકાની આપસી અનોખી સમજણ આપણે તો સમજવી જ રહી.